त्वं नो अस्या इन्द्र दुर्हणांया पाहि वज्रिवो दुरितादभीके
प्र नो वाजान् रथ्योर अश्वबुध्या निषे यन्धि श्रवसे सुनृताये
ઋગ્વેદના પહેલા મંડળના ૧૨૧માં અધ્યાયનો આ ૨૧મો મંત્ર, પ્રારંભના કાળમાં, હિંદુમાનસ શેનાથી ઘડાયું તેનું ઠીકઠીક પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રનો અર્થ પ્રાચીન હિંદુ ભારતમાં રાષ્ટ્રવાદના શોધકર્તા અને વેદમૂર્તિ તરીકે ઓળખાતા પંડિત સાતવળેકર આ મુજબ કરે છે : હે વજ્રધારી ઇન્દ્ર, તુ અમારી કઠણાઈ અને દુર્ગતિથી અમારી રક્ષા કર. પાપથી અમને બચાવ. સંગ્રામમાં અમારી રક્ષા કર. તું અમને બળ, યશ અને ઉત્તમ સત્યપૂર્ણ વ્યવહાર માટે રથ અને ઘોડાથી યુક્ત ધન પ્રદાન કર.
આ મંત્ર ફરી એકવાર વાંચી જાવ અને તે શું કહે છે એ સમજવાની કોશિશ કરો. પ્રાચીન વૈદિકયુગથી આગળ જતાં હિંદુ-વિચારવૃક્ષ કેવી રીતે વિકસ્યું હશે એની કલ્પના કરી જુઓ જેનાથી હિંદુમાનસ ઘડાયું છે. આમાં ઋષિ કોઈને મારવાની માગણી નથી કરતા, રક્ષણ કરવાની માગણી કરે છે. પાપથી રક્ષા કરવાની માગણી કરે છે. બીજા અનેક મંત્રો એવા છે જેમાં અહિંસાના રક્ષક દેવો પાસે હિંસાનો માર્ગ અપનાવનારાઓથી રક્ષણની માગણી કરવામાં આવી છે. કઠણાઈ અને દુર્ગતિથી રક્ષા કરવાની માગણી કરે છે.
એક રીતે જુઓ તો એમાં યાચના છે. યાચના છે શત્રુઓથી બચાવવાની, પણ શત્રુને ગાળો આપવામાં આવી હોય અને તેનો નાશ કરવા જેટલી શક્તિ માગવામાં આવી હોય એવા મંત્ર વેદોમાં તમને ભાગ્યે જ જોવા મળે છે. યાચના છે; કઠણાઈઓથી અને પાપથી બચાવવાની. એમાં બળ અને યશની યાચના જરૂર કરવામાં આવી છે, પણ શા હેતુ માટે? ઉત્તમ સત્યપૂર્ણ વ્યવહાર માટે. આ અર્થઘટન પંડિત સાતવળેકરનું છે; જેમણે આખી જિંદગી વેદોમાં અને પ્રાચીન હિંદુ ગ્રંથોમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ શોધવામાં વિતાવી છે, રવીન્દ્રનાથ ટાગોરનું નથી જે રાષ્ટ્રવાદને અભિશાપ માનતા હતા.
હવે કલ્પના કરી જુઓ, કે હિંદુ-વિચારવૃક્ષ કેવું હશે અને હિંદુ-માનસ શેનાથી ઘડાયું હશે! એમાં યાચના છે એટલે પુરુષાર્થ નથી. સરેરાશ હિંદુ અભ્યર્થનાઓ કરવામાં અને ઈશ્વરી વરદાન મેળવવામાં રચ્યોપચ્યો રહે છે. એમાં કોઈને મારવાની, આક્રમણ કરીને પરાજિત કરવાની કામના નથી, પણ રક્ષા કરવાની માગણી કરવામાં આવે છે. આને પરિણામે હિંદુમાનસ દૈવવાદી, પ્રારબ્ધવાદી અને કર્મકાંડી બન્યું છે. આને પરિણામે હિંદુમાનસ અંતર્મુખી વધુ છે બહિર્મુખી ઓછું છે. એમાં શક્તિ અને યશ માગવામાં આવ્યાં છે તો એ ઉત્તમ સત્યપૂર્ણ વ્યવહાર માટે.
વેદોમાં જેટલી કામનાઓ કરવામાં આવી છે એમાં અડધી પોતાના રક્ષણ માટેની અને પોતાના અંગત કલ્યાણ માટેની છે અને બાકીની અડધી સાર્વત્રિક શુભ માટેની અથવા માંગલ્ય માટેની છે. સુજ્ઞ વાચકના ધ્યાનમાં અહીં એક વાત આવી હશે કે જે સ્થૂળ લાભની કામના છે એ પોતાના માટેની અંગત છે અને જે ઉદાત્ત કામનાઓ છે એ બધા માટેની સાર્વત્રિક છે. આ બહુ મોટી વાત છે. બધાનું કલ્યાણ ઇચ્છવું અને વારંવાર ઇચ્છવું એ સાચા માણસનાં લક્ષણ છે. મારી વાત ગળે ઊતરતી ન હોય તો તમારી સગી આંખે અથવા પંડિત સાતવળેકરજી જેવા રાષ્ટ્રવાદીની આંખે પ્રાચીન હિંદુ સાહિત્ય તપાસી જુઓ. એમાં મહદ્ અંશે માંગલ્ય નજરે પડે છે અને એક હિંદુ તરીકે હું ગર્વ અનુભવું છું.
જ્યારે હિંદુવલણ વધુને વધુ યાચનાપરક પ્રારબ્ધવાદી બનવા માંડ્યું, જ્યારે તેના પરિણામે તેમાં કર્મકાંડોનો અતિરેક થવા લાગ્યો અને મૂળ વૈદિક અંતર્મુખતા લાલચમાં પરિણમીને બહિર્મુખ થવા લાગી ત્યારે બુદ્ધ અને મહાવીરે તેમાં સુધારો કર્યો હતો. એ સુધારો એટલે શ્રમણદર્શન. શ્રમણદર્શનના કેન્દ્રમાં છે, યાચના અને પ્રારબ્ધની જગ્યાએ પુરુષાર્થ. પણ પુરુષાર્થ શેને માટે? આપણી અંદર જે રિપુઓ છે તેને પરાજિત કરવા માટે. માટે તો જૈનોના ૨૪માં તીર્થંકર વર્ધમાન ભગવાન ‘મહાવીર’ તરીકે ઓળખાય છે. ‘મહાવીર’ એ છે જે આપણી અંદર રહેલા રિપુઓ ઉપર વિજય મેળવે. મહામૂલ્યવાન એક જિંદગી મળી છે તો તેનો ઉપયોગ અંદરના રિપુઓ ઉપર વિજય મેળવીને તેને સાર્થક કરવા માટે ખર્ચવી છે.
ઇતિહાસમાં હિંદુઓ પરાજિત થતા આવ્યા એનું કારણ અંતર્મુખ હિંદુમાનસ છે. હિંદુઓ તો મુસલમાનો આવ્યા એ પહેલાં પણ પરાજિત થતા આવ્યા છે. શક, હૂણ, યવન એમ બધા સામે હિંદુઓનો પરાજય થયો છે. હિંદુએ તેની ક્યારે ય ગ્લાનિ પણ નહોતી અનુભવી કારણ કે હિંદુ નામની કોઈ ઓળખ જ નહોતી. એ તો ‘પોતાના’ રક્ષણની અને ‘બધાના’ મંગળની કામના કરતો આવ્યો છે. ઠીક છે, ઈશ્વરે રક્ષણ નહીં કર્યું, પણ એનો અર્થ એવો નથી કે બધાના મંગળની કામના કરવામાં ન આવે. હિંદુઓમાં આગળ જતાં જે પોતાપણું વિસ્તર્યું એ વર્ણ અથવા જ્ઞાતિના સ્વરૂપે, હિંદુ તરીકેનું નહીં. બ્રાહ્મણ વ્યક્તિ મટીને બ્રાહ્મણ બન્યો, પણ તે ક્યારે ય હિંદુ તો બન્યો જ નહોતો. તું હિંદુ છો એ તો વિદેશીઓએ આપણા પૂર્વજોને કહ્યું ત્યારે ખબર પડી કે આપણે હવે હિંદુ છીએ.
બહુ લાંબી લેખણે વિવેચન કરવાનો અહીં અવકાશ નથી એટલે સંક્ષેપમાં જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે હિંદુવિચાર અને હિંદુમાનસ કઈ રીતે વિકસ્યાં હતાં. આપણને કેવો વારસો ગળથૂથીમાં મળે છે. પહેલીવાર મુસલમાનોએ હિંદુઓને કહ્યું કે તમે હિંદુ છો અને પહેલીવાર અંગ્રેજોએ હિંદુઓને કહ્યું કે તમે પરાજિત પ્રજા છો. હિંદુઓને પરાજયબોધ અને ગ્લાનિ અંગ્રેજોએ પેદા કરીને આપી હતી કે જેથી હિંદુઓ અને મુસલમાનો વચ્ચે દુશ્મની વધે અને પોતે લાંબો સમય રાજ કરી શકે. એ પહેલા નહોતો પરાજયનો બોધ કે નહોતી ગ્લાનિ. અંગ્રેજોએ હિંદુઓને કરાવેલા પરાજયબોધનો ઉપયોગ મુસલમાનોએ હિંદુઓને ટોણા મારવા માટે અને નીચા દેખાડવા માટે કરવા માંડ્યો જેમાંથી હિંદુઓની અંદર એક પ્રકારની લઘુતાગ્રંથિ પેદા થવા લાગી.
આ લઘુતાગ્રંથિ હિંદુઓને સતાવે છે અને લઘુતાગ્રંથિ સ્વયં એક પરાજિત મનોદશા છે. હું એક હિંદુ તરીકે આવી કોઈ પરાજિત મનોદશા ધરાવતો નથી, લઘુતાગ્રંથિ ધરાવતો નથી, પ્રતિશોધ(વેર વાળવાની)ની અગ્નિથી બળતો નથી એટલે મારે હિંદુ લઘુતાગ્રંથિના પ્રતિકસમા અયોધ્યાના રામમંદિરમાં પગ મુકવાની જરૂર નથી. બીજું, હિંદુઓને પરાજયનો બોધ બીજાઓએ એટલે કે અંગ્રેજોએ કરાવ્યો છે, પણ હું કોઈ પ્રકારનો પરાજયબોધ અનુભવતો નથી. બહારના રિપુઓ કરતાં અંદરના રિપુઓ સામે યુદ્ધ કરવામાં અને તેને પરાજિત કરવામાં આયુષ્યસિદ્ધિ છે એવા હિંદુઅભિગમ માટે હું શરમ નથી અનુભવતો, બલકે ગર્વ અનુભવું છું. કોઈની જમીન કબજે કરવા કરતાં માણસાઈ કબજે કરવામાં જીવનની સાર્થકતા એમ જો કોઈ મને કહે તો હું એ સૂરમાં સૂર પુરાવું. પરાજિત મનોદશા અને લઘુતાગ્રંથિ ધરાવનારાઓએ જ્યાં બાબરી મસ્જીદ ઊભી હતી એ મુસલમાનોની જમીન બળજબરીથી કબજે કરી લીધી અને ત્યાં લઘુતાગ્રંથિજન્ય પ્રતિશોધના પ્રતિકરૂપે મંદિર બાંધ્યું છે એમાં ભગવાન રામ હોય ખરા? હું મર્યાદાપુરુષોત્તમ રામને તેમના સ્થાનેથી નીચે ઉતારવા નથી માગતો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑગસ્ટ 2020