સંકેલાયેલું અઠવાડિયું બેઠું તો હતું ભાજપશ્રેષ્ઠીઓ માટે મધ્ય પ્રદેશની જેમ જ રાજસ્થાનમાં પણ કૉંગ્રેસને સ્થાને ભા.જ.પ. સરકારની તત્કાળ ઉમેદ સાથે, પણ અઠવાડિયા અધવચ જ જાતભાતની ગણતરીઓ અસમંજસમાં અટવાતી માલૂમ પડી; કેમ કે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કાપવાનું હતું એવું ને એટલું ઓછું અંતર રાજસ્થાનમાં સચિન પાઇલટ પાસે નથી. અધૂરામાં પૂરું સચિને પોતે ભાજપમાં જોડાવા નથી ઇચ્છતા એવું કહ્યું તે સાથે બેસતે અઠવાડિયે ચેનલચોવીસા જે મસમોટી હેડલાઈનો વાસ્તે દેકારમય હતા એમાં પણ પછડાટ વરતાય છે.
માનેસર ઘટનાથી શરૂ થયેલી પ્રક્રિયા ચાલુ અઠવાડિયે હાઇકોર્ટ અને વિધાનસભા સ્તરે કેવોક વળાંક લે છે તે અલબત્ત જોવું રહેશે, પણ પહેલામાંથી બીજા અઠવાડિયામાં સંક્રાન્ત થતે થતે રાજસ્થાનના ઘટનાક્રમનું આકલન આખું એકદમ જ કેવું ને કેમ બદલાઈ ગયું એ એક રસપ્રદ અને વિચારપ્રેરક આલેખરૂપે આપણી સામે આવે છે.
શરૂઆતનો દોર કૉંગ્રેસના સામંતી તોરતરીકાઓ પર કેન્દ્રિત હતો. જેમ કમલનાથ તેમ અશોક ગેહલોત જેવા જૂના નેતાઓ કૉંગ્રેસમાં નવા યુવા નેતૃત્વ માટે જગ્યા નથી કરતા, એ કદાચ મુખ્ય મુદ્દો હતો. ટીમ રાહુલ માટે રાજ્યસ્તરે મોકળાશ કેમ નથી, એવુંયે એક અવલોકન હશે. સામાન્યપણે હમણેનાં વરસોમાં કૉંગ્રેસ પરત્વે બે ટીકામુદ્દા આપણી સમક્ષ આવતા રહ્યા છે. કૉંગ્રેસના રંગઢંગ એક કૌટુંબિક પેઢી જેવા છે અને પરિવારની બહાર પક્ષપ્રમુખ/વડાપ્રધાનને અવકાશ નથી. (મનમોહનસિંહ પેઢી મારફત ‘નિમાયેલ’ હતા, તો રાહુલ ગાંધી ‘વરાયેલ’ છે.) બીજી ટીકા બુઢ્ઢાઓ યુવાનો માટે રસ્તો નથી કરતા એવી સતત રહી છે. (તો, ગુજરાતમાં હાર્દિક પટેલના સંસ્થાપનને કેવી રીતે જોઈશું, એ વળી અલગ સવાલ છે અને હમણાં આપણે એમાં નહીં જઈએ.) ‘હું પ્રિયંકા ગાંધીને મળ્યો અને એમણે મને વિચારવા કહ્યું’તું, પણ તરતના કલાકોમાં પક્ષે મને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશપ્રમુખની પાયરીએથી છૂટો કરી દીધો’ એવી પાઇલટની ફરિયાદ છે. બીજી બાજુ, કૉંગ્રેસ આલાકમાન ઉર્ફે પેઢી તરફથી આપણને જાણવા મળ્યું છે તેમ પાઇલટે આગામી વિધાસભાચૂંટણીના એક વરસ પૂર્વે મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઘોષિત કરવાની તત્કાળ વિધિવત્ જાહેરાતની, ગેહેલોત લગભગ ‘લેમ ડક’ થઈ જાય એવી માગણી કરી હતી. સોનિયા-રાહુલ-પ્રિયંકાને આવી જાહેરાત ગ્રાહ્ય ન લાગી તેમ સમજાય છે. ગમે તેમ પણ આરંભે રાજકીય નિરીક્ષકોનો ખાસો હિસ્સો આખા ઘટનાક્રમને કૉંગ્રેસના આંતરિક વયસંઘર્ષ તરીકે ઘટાવતો હતો અને કૉંગ્રેસે અનુકૂળતા કરવી જોઈએ એવી સલાહ પણ આપતો જણાતો હતો.
પણ ગયા અઠવાડિયાની અધવચથી આ આકલને પલટી મારી છે અને તે કૉંગ્રેસના આંતરિક સંઘર્ષની વંડી ઠેકીને વિશેષ રૂપે કૉંગ્રેસ અને ભા.જ.પ. વચ્ચેના કલહ રૂપે ઘટાવાઈ રહ્યું છે. ભા.જ.પે. રાજસ્થાનમાં સરકાર પલટા માટે મુંબઈમાંથી પાંચસો કરોડ રૂપિયા એકત્ર કર્યાના અને મહારાષ્ટ્ર સરકાર તે અંગે તપાસ હાથ ધરી રહ્યાના હેવાલો છે, તો ભા.જ.પ. અને કૉંગ્રેસ વચ્ચે કૉંગ્રેસના જ એક ધારાસભ્ય (ભંવરલાલ શર્મા) અને ભા.જ.પી. કેન્દ્રીય મંત્રી શેખાવત વચ્ચે ખરીદવેચાણની સોદાબાજીની ઑડિયો ક્લિપ પણ બહાર આવી છે. આ સંદર્ભમાં એફ.આઇ.આર. દર્જ થયાના તેમ ન્યાયની દેવડીએ પહોંચ્યાના હેવાલો પણ છે અને કૉગ્રેસ ધારાસભ્યો પરની કારવાઈમાં એ લક્ષમાં રાખી કંઈક મુદ્દત પણ પડી છે. બને કે આજકાલમાં તે બાબતે ચિત્ર સ્પષ્ટ થવા લાગે.
દરમ્યાન, ભંવરલાલ શર્મા વિશેની વિગતો આ પ્રકરણને સમજવામાં ઉપયોગી થઈ પડે એવી છે. સાત સાત મુદ્દતના એ ધારાસભ્ય છે અને સરકારો પાડવા બાબતે પ્રયત્નશીલ હોવાનો એમનો લાંબો ટ્રૅક રેકોર્ડ છે. એક રસિક વિગત એ છે કે ૧૯૯૬માં રાજસ્થાનના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવત સારવાર માટે અમેરિકા હતા ત્યારે એમની (ભા.જ.પ.ની) સરકાર પાડવા માટે કૉંગ્રેસી ધારાસભ્ય ભંવરલાલની ખરીદવેચાણ કોશિશ પર તત્કાલીન કેન્દ્રીય મંત્રી ગહેલોતે ‘આ આપણી રીત નથી’ કહીને ઠંડુ પાણી રેડ્યું હતું. આ જ ભંવરલાલ અત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ભા.જ.પ.નો પથ પ્રશસ્ત કરવામાં સંડોવાયેલા કહેવાય છે.
ખરીદવેચાણના રાજકારણના આ પ્રકરણમાં ભા.જ.પ.ની સક્રિયતા હોવાનું જણાય છે અને કૉંગ્રેસમાં પણ એવા જૂના જોગી નથી એમ નથી. પણ આ વિગતો બહાર આવે તે સચિન પાઇલટની હાલની રાજકીય વગને નબળી પણ પાડી શકે તે દેખીતું છે. વળી, છેક જ તરુણ વયે સાંસદ, બત્રીસમે વરસે કેન્દ્રીય મંત્રી અને હાલ પ્રદેશપ્રમુખ તેમ જ નાયબ મુખ્યમંત્રી લગી પ્રમાણમાં નાની વયે ઊંચી પાયરીએ પહોંચનાર સતત અન્યાયની ભાષામાં વાત કરે એ પણ અખરે એવું છે.
ચાલુ અઠવાડિયે ચિત્ર કંઈક ઉઘડશે. દરમ્યાન, એક-બે મુદ્દા જરૂર કરવા રહે છે. એક તો, પાઇલટ જો સ્વતંત્ર પક્ષ રચવાને ઉત્સુક હોય તો તૃણમૂલ કૉંગ્રેસ પ્રકારનો અપવાદ બાદ કરતાં સામાન્યપણે કૉંગ્રેસ અને ભા.જ.પ. જેવા સ્થાપિત પક્ષોથી છૂટા પડીને રાજકીય ભાવિ અજમાવવામાં યારી નથી મળતી એવો અનુભવ છે. તેમ છતાં, પાઇલટ કોઈ સ્વતંત્ર સૈદ્ધાંતિક ભૂમિકા લેવાનું, તત્કાળ સત્તાનાં સપનાં છોડીને કામ કરવાનું પસંદ કરે તો તે જરૂર સ્વાગતાર્હ લેખાશે. રાજસ્થાનમાં કૉંગ્રેસની ફતેહના એ યશભાજન છે અને તળ સંપર્કોમાં એમની સક્રિયતા પણ છે. જો આડાઅવળા થયા વગર દેખીતા સત્તાગણિતથી ઉફરાટે એ પ્રજાજીવી પક્ષબાંધણી કરી શકશે તો કૉંગ્રેસ અને ભા.જ.પ. બંનેને અંગે એક સંસ્કારક (કરેક્ટિવ) બળ બની રહેશે.
અને એક વાત છેલ્લે. અગ્રતાક્રમે એ જો કે પહેલે ક્રમે છે. આપણે સામાન્યપણે બે પક્ષોમાંથી કોઈક એક પર કળશ ઢોળવાની રીતે ઘણુંખરું વિચારવાની પરિસ્થિતિમાં હોઈએ છીએ. પક્ષ અને પક્ષ વચ્ચે વિવેક કરવો એ સર્વસામાન્ય લોકશાહી રવૈયો પણ છે. પરંતુ વિચારધારાકીય જો કોઈ ભેદ હોય તો એનાથી નિરપેક્ષપણે બધા પક્ષો મળીને જે એક આખો રાજકીય અગ્રવર્ગ બને છે તે એક પા અને બીજી પા નાગરિક તરીકે આપણે સૌ એવું એક ચિત્ર બને છે. તમે કે હું ચાહતા હોઈએ તે પક્ષ વિશે પણ રાજકીય અગ્રવર્ગના એક હિસ્સા તરીકે આપણે નાગરિક લેખે ટીકાદૃષ્ટિ કેળવવી રહે છે. જ્યોતિરાદિત્યની કથિત ઘરવાપસી વખતે આ મુદ્દો કરવાનું થયું હતું અને અત્યારે પણ.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ. 13-14