Opinion Magazine
Number of visits: 9634378
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાહીનબાગ : સત્યાગ્રહનો પુનર્જન્મ

મહેશ દવે|Opinion - Opinion|15 July 2020

યહૂદી ઇતિહાસકાર, પુરાતત્ત્વશાસ્ત્ર અને સેલિબ્રિટી અધ્યાપક યુવાલ નોઆ હરારી, તેમના ‘બેસ્ટસેલર’ પુસ્તક ‘સેપિયન્સ’માં જણાવે છે કે સાઠ લાખ વર્ષ પહેલાં, વિશ્વની ધરા પર મનુષ્યબીજ પેદા થયું. તેમાંથી બે લાખ વર્ષો – પૂર્વે મનુષ્યપ્રાણી પાંગર્યું. માનવપ્રાણી કહી શકાય તેવો જીવ તેર હજાર વર્ષ પછી વિકસ્યો. ઇતિહાસકારો ને પુરાવિદોએ તેને ‘હોમો સેપિયન’ જેવી સંજ્ઞા આપી. પૃથ્વીના પટ પર તે ભમતો, રઝળતો, રખડતો, શિકાર કરીને ખાતો અને નદી કે સરોવરોના કિનારે કે પાસેનાં જંગલોમાં વૃક્ષો નીચે પડ્યો રહેતો. શિકાર અને જળાશયોનાં પાણી પર તે નભતો. ગામઠી ગુજરાતી ભાષામાં તેને જંગલી કે બર્બર કહેવાય છે. જો કે તેને જંગલી, બર્બર ગણવામાં વિવેક નથી. એને આદિમ જન કે આદિમાનવ કહેવો વધારે વાજબી ગણાય. મનુષ્યપ્રાણીના નીચલા દરજ્જાનાં રૂપો નષ્ટ થયાં, પણ આદિમ જન ટક્યો, જીવ્યો અને હજારો વર્ષ પછી તે આધુનિક માનવ તરીકે વિકાસ પામ્યો છે. જીવનના જુદા જુદા તબક્કાઓ પસાર કરી તે વિજ્ઞાન-ટેક્‌નોલૉજીપટુ બુદ્ધિશાળી માનવ બન્યો છે. સંભવતઃ પ્રાણીસૃષ્ટિમાં એ શ્રેષ્ઠ છે. જરૂરત પ્રમાણે એકથી બીજી જગ્યાએ તે સ્થળાંતરો કરતો રહ્યો છે. એ રીતે આખા વિશ્વમાં તે વસ્યો ને ફેલાયો છે. મૂળ બીજ એક, પણ જુદા જુદા દેશો-પ્રદેશોમાં જુદી ભૂગોળ, આબોહવા, વિવિધ ખોરાક, તાપમાન વગેરે કારણે એ ક્યાંક કાળો, ક્યાંક શ્યામવર્ણો, ક્યાંક લાલઘૂમ, ક્યાંક પીળો, ક્યાંક ઊજળો, ક્યાંક ધોળો કે ધોળિયો, એમ ચામડીના જુદા જુદા રંગોવાળો બન્યો. ક્યાંક બટકો, ક્યાંક મધ્યમ તો ક્યાંક ઊંચો-લાંબો બની રહ્યો. એક જ મૂળનો હોવાથી ભારતના વેદકાલીન ઋષિઓએ કહ્યું, ‘વસુધૈવ કુટુંબમ્‌’ – વિશ્વ એક કુટુંબ છે. We all are a ‘family of man’!

મુદ્દાની વાત એ છે કે ‘એક કુટુંબ’ હોવા છતાં દેશ-પ્રદેશ, ધર્મ, નાત-જાત, રીત-રિવાજ, સંસ્કાર અને ભાષાનું વૈવિધ્ય, જેવા પ્રાપ્ત ઍક્વાયર્ડ  ગુણોને કારણે જુદાં જૂથો, તડાં, ભાગલા ને ભેદથી સૌ છેટા ને વિખૂટા પડ્યા. અંદરોઅંદર રાગદ્વેષ, સ્વાર્થ-લોભ, રગડા-ઝઘડા, રાજ્ય-સામ્રાજ્ય, સાથમાં-વિરોધમાં સૌ ઠેર ઠેર વેર-વિખેર થયાં. ‘ડાંગે માર્યાં પાણી છૂટાં ન પડે’, પણ શસ્ત્રે માર્યાં લોહી, વિખૂટા ને દુશ્મન ન બને તો જ નવાઈ! કોણ ઊંચું, કોણ નીચું, કોણ મોટું, કોણ નાનું એવી ભેદની ભીત્યું રચાતી ચાલી. એ ખેલ અવરિત ચાલે છે.

વેદો અને ઋચાઓના ઉદ્‌ગાતા અને ઉપાસકો, મોઝેઝ ને અબ્રાહમ, રામ ને કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત ને મહંમદ પયગંબર, લાઓત્સે ને કૉન્ફ્યૂશિયસ, મહાવીર ને બુદ્ધ, અષો જરથુસ્ટ્ર જેવા આધ્યાત્મિક ને શાણા મહાપુરુષો, સત્ય, અહિંસા, એકતા, દિવ્યતાથી જીવ્યા અને એ મૂલ્યોનો બોધ આપતા ગયા. આધુનિક એવા આપણા સમયમાં મહાત્મા ગાંધી જેવાં નરરત્ન પણ પાક્યાં. તેમ છતાં હજી અનિષ્ટ ને ઇષ્ટ, યુદ્ધ અને શાંતિ, ઉચ્ચ અને નીચ, સમર્થ-બળવાન ને નિર્બળ-ગરીબના સંઘર્ષો ચાલતા રહ્યા. પહેલા અને બીજાં વિશ્વયુદ્ધોએ દર્શાવ્યું કે યુદ્ધમાં કોઈ એક જીતતું નથી, કોઈ એક હારતું નથી; બન્ને પક્ષો હારે છે. બન્ને પક્ષો ભારે નુકસાન અને ખુવારી વેઠે છે. લાખો માનવી ને પ્રાણીઓ હણાય છે. કેટલાં ય ઘરબાર વિનાનાં થાય છે. સંસ્કારનાં ધામો રોળાય ને રગદોળાય છે. સ્ત્રીઓ, બાળકો નિરાધાર બને છે ને પ્રજા રહેંસાય છે.

મહાત્મા ગાંધીએ લડાઈ ને યુદ્ધને બદલે મતભેદ કે વિરોધ નિવારવા શાંત, અહિંસક અસહકારથી ન્યાય મેળવવાનો માર્ગ ચીંધ્યો. પોતાના જીવન દરમિયાન ગાંધીજીએ તે માર્ગ પાળી બતાવ્યો. જો કે તેમણે કહ્યું કે મારે દુનિયાને કશું નવું શિખવાડવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.

શાંતિના એમના માર્ગને ગાંધીજીએ સત્યાગ્રહ તરીકે ઓળખાવ્યો. એ માર્ગે તેમણે આફ્રિકા અને ભારતમાં સત્યાગ્રહની ચળવળના પ્રયોગો કર્યા. એ માર્ગ આખા વિશ્વમાં પોંખાયો અને પુરસ્કારાયો. તેમ છતાં, યુદ્ધો અને ખુવારી ચાલતાં રહ્યાં. ગાંધીના પોતાના જ દેશમાં એ માર્ગ છોડી પરાપૂર્વથી ચાલ્યાં આવતાં ઘમંડ અને ગજગ્રાહના માર્ગો આજે પણ અપનાવાઈ રહ્યા છે. આઝાદ ભારતનો જન્મ જ રમખાણો ને તારાજીથી ખરડાયો. લાખ્ખો મરાયા, ઘરબાર તૂટ્યાં ને બળ્યાં. શરણાર્થીઓની દયનીય વણઝારો ને રાહતકેન્દ્રો ઊભાં કરવાં પડ્યાં. વિકાસની સાથે ઉદ્યોગો ખીલ્યા, પણ ધનાઢ્ય અને ગરીબો વચ્ચેની ખાઈ મોટી ને મોટી થતી ગઈ. માલિકો ને મજૂરો વચ્ચે, જમીનદારો ને ખેડૂતો વચ્ચે શોષણ તો મજૂરપક્ષે રોષ વધતાં ચાલ્યાં. ઓછાં વેતન અને ભારે વૈતરાં સામે દત્તા-સામંત-પ્રકારના બંધો, શેઠ-વાણોતરને બંધક બનાવવાની ઘટનાઓ ને હિંસાઓ વધતી ગઈ. મૂડીવાદ સામે નકસલવાદ વકર્યો. રાજકારણી-ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર બન્યો. ચારેકોર શોર અને નઠોર હિંસાચાર વચ્ચે આપણે જીવીએ છીએ. તેમાં ગાંધીની સાર્ધશતાબ્દીના વર્ષમાં ‘શાહીનબાગ’ જેવું નિર્મળ જળનું રણદ્વીપ ઓએસિસ જેવું શાંત, હરિયાળું, ઝરણું આપણને સાંપડ્યું છે, તેને હું સત્યાગ્રહનો પુનર્જન્મ ગણું છું.

શાહીનબાગ, અલબત્ત, ઉત્તર-પૂર્વ દિલ્હીનો એક બગીચો કે બગાન છે, પણ એ સેંકડો, બલકે હજારો મહિલાઓના આક્રોશને અવકાશ આપી શકે એટલો વિશાળ ને મોકળો નથી, પણ શાહીનબાગનો વિસ્તાર કહી શકાય એ બહુ મોટો છે. તેની એક ગલીમાં જાહેર રસ્તા પર સેંકડો-હજારો મહિલાઓ લગભગ ૧૦૧ દિવસ સુધી કે ત્રણ મહિનાથી નાગરિકતા સુધારા કાનૂન સી.એ.એ.નો વિરોધ કરવા (ધરણાં પર) બેઠી. મોટા ભાગની સ્ત્રીઓ મુસ્લિમ હતી, પણ વિસ્તાર મિશ્ર હોઈ ઘણી હિન્દુ, શીખ અને ખ્રિસ્તી મહિલાઓ પણ તેમાં સામેલ થયેલી.

શાહીનબાગનો સત્યાગ્રહ અનેક રીતે જુદો, અનોખો અને વિશિષ્ટ રહ્યો. તેમાં ભાગ લેનાર સર્વ મહિલાઓ જ હતી. તેમનો કોઈ નેતા કે સંચાલક નહોતો, કોઈ પૂર્વઆયોજન નહોતું. સ્વયંભૂ રીતે મધ્યમવર્ગની બાળાઓ, યુવતીઓ, આધેડ સ્ત્રીઓ ને વૃદ્ધાઓ તેમાં ભાગ લેતી રહી. લગભગ ૧૦૧ દિવસો સુધી તેઓ સૌ રોજેરોજ બેસતી. સત્યાગ્રહ શાંત અને અહિંસક હતો. નહોતો કોઈ સંઘર્ષ, પથરાવ, બૂમાબૂમ, બાપોકાર કે તિરસ્કારી વાણીની ‘હેઈટ સ્પીચો’. સત્યાગ્રહની આ એક નવી જ પહેલ બની રહી. તેમની શાંત ચળવળનો વિધાયક પ્રતિભાવ આપી સરકાર સુધારો પાછો ખેંચી લે એટલી જ માગણી હતી. શરૂઆતથી જ સરકારે તેને ઉવેખવા(ઇગ્નોર કરવા)નો માર્ગ અપનાવ્યો, પણ ધીમે ધીમે મહિલાઓના આ અનુપમ સત્યાગ્રહની વાત ફેલાતી ગઈ. છાપાં, ટી.વી., ‘સોશિયલ મીડિયા’ વગેરેએ નોંધ લીધી. તા. ૧૫-૧૨-૨૦૧૯થી ચાલતા આંદોલનના પડઘા દેશમાં ઠેર ઠેર પડ્યા. ૨૧-૧-૨૦૨૦ના દિવસે કોલકાતામાં સહાનુભૂતિક ધરણાં થયાં, છવ્વીસ જાન્યુઆરીએ અમદાવાદમાં અને એ રીતે આખા દેશમાં એક પછી એક બસ્સો જેટલાં સામુદાયિક ધરણાં-સમર્થન થયાં. અજગરને પૂછડે અડો ત્યારે વિલંબથી ફેણ પર જાણ થાય, તેમ સરકારના પ્રતિનિધિઓને મોડે મોડે જાણ થઈ અને તેમણે વિલંબિત સૂરમાં નોંધ લેવી પડી. ગૃહમંત્રીએ એક જાહેરસભામાં અછડતો ઉલ્લેખ કર્યો કે વિરોધ કરનારાઓએ અમને મળી વાતચીત કરવી જોઈએ. આ ઉદ્‌બોધનને વાતચીત માટેનું આમંત્રણ માની, બીજે જ દિવસે સત્યાગ્રહી મહિલાઓએ સરઘસ આકારે ગૃહમંત્રીને મળવાનું નક્કી કર્યું. સરઘસ આકારે તેઓ બીજે દિવસે સવારે નીકળતાં હતાં ત્યાં પોલીસે આવી અટકાવ્યાં; કહ્યું કે ‘આ રીતે સરઘસમાં નહીં, પ્રતિનિધિ ચૂંટી નાના ડેલિગેશનમાં આવો’. આજનો દી’ ને કાલની રાત, પછી ગૃહમંત્રીએ મળવાનો ટાઇમ ને દિવસ કદી આપ્યા જ નહીં! ઉદ્‌બોધનમાં નર્યો ‘જુમલો’ બોલાઈ ગયો હશે કે શું? લગભગ ૧૦૦ દિવસ થયા, પણ ગૃહમંત્રી, મુખ્ય પ્રધાન અને સર્વ કેન્દ્રીય મંત્રીઓ દિલ્હીમાં જ વસતા હોવા છતાં, કોઈને આ મહિલાઓનાં ધરણાંની મુલાકાત લેવાનું સૂઝ્‌યું નહીં અથવા સમય મળ્યો નહીં.

ધરણાંનું સ્થળ કોઈ ભારે અવરજવરનો રસ્તો કે હાઈવે (ધોરીમાર્ગ) નથી જ. હા, એ ગલીમાં થઈને જવામાં દિલ્હીથી નોઇડા જવાનો રસ્તો સહેજ ટૂંકો પડે. જનારને જરા લાંબો ફેરો પડે, કલાક-દોઢ કલાક બગડે, થોડું વધારે ઈંધણ (પેટ્રોલ) બળે. તે માટે ધા નાખી કેટલાક ભા.જ.પ.ના નેતાઓ કોર્ટે ચડ્યા. કોર્ટે કહ્યું કે વિરોધ કરવાનો મહિલાઓને ‘મૂળભૂત અધિકાર’ છે. સાથે ‘રાઇડર’ મૂક્યો કે તે અધિકારથી અન્ય કોઈના અધિકારોને હાનિ થવી ન જોઈએ. રસ્તો બંધ કરવાનો મહિલાઓનો કોઈ ઇરાદો નહોતો અને નથી. અડધો રસ્તો ખુલ્લો રાખ્યો હતો, પણ પોલીસે બેરિકેડો મૂકી આખો રસ્તો બંધ કર્યો. વચ્ચેના સમયે કોઈ મોટા વાહન કે ઍમ્બ્યુલન્સને જવું હોય ત્યારે બેરિકેડ હટાવી અડધો રસ્તો ખોલી આપવામાં આવતો. મહિલાઓએ વિરોધ વગર માર્ગ આપ્યો. કામ પત્યા પછી ફરી પાછી બેરિકેડો મૂકી, પોલીસ આખો રસ્તો બંધ કરતી રહી. (રોડના નવા ‘સરફેસિંગ’ વખતે સરકાર પોતે પણ અડધો રસ્તો ખુલ્લો રાખી, બાકીનો અડધો બંધ કરે છે. મેટ્રો કે કોઈ બાંધકામ માટે પણ આવી વ્યવસ્થા થાય છે. ગુજરાતના લોકોને સુરતથી અમદાવાદ વચ્ચેના એક જ વાહન જઈ શકે તેવા સાંકડા ‘ગોલ્ડનબ્રિજ’નો વરસો સુધીનો અનુભવ છે. પુલના બન્ને છેડે ચોકીદારો ઊભા રાખી ‘સીટીઓ’ મારી થોડો વખત એક તરફવાળાને જવા દેતા અને પછી થોડી વાર બીજી તરફવાળા માટે બ્રિજ ખુલ્લો કરાતો. આવી કોઈ વ્યવસ્થા વિચારી શકવાનું મુશ્કેલ નહોતું).

શાહીનબાગ-ચળવળમાં માત્ર, અને માત્ર મહિલાઓ ભાગ લઈ રહી હતી. પોતાનાં ઘરબાર, તેનાં કામકાજ, જવાબદારીઓ, મહેનતાણું રળવાનાં નાનાં-મોટાં કામ-વ્યવસાય છોડી, રોજીનો ભોગ આપી, લાંબા સમયથી દિલ્હીની ઠંડી અને પછીની સખત ગરમીમાં, મધ્યમવર્ગની મહિલાઓ શાંત ધરણાં પર બેઠી રહી. આવી રાંક પ્રજાની ફરિયાદ સાંભળવાને બદલે અદાલતનાં બારણાં ખખડાવવાં, એ કેટલું વાજબી છે?

શાહીનબાગમાં ભારતની જેમ ભેળિયારો છે અને મિશ્ર વસતી વસે છે. નીચે મુસલમાનની બૅકરી હોય ને ઉપરના માળે હિન્દુ કુટુંબો રહેતાં હોય, નીચે હિન્દુ દરજી કે રેડીમેઇડ ક્લોથ્સવાળાની દુકાન હોય અને ઉપરના માળે મુસલમાન કુટુંબો રહેતાં હોય. એવી રીતે રહેતી પ્રજાનાં ધરણાંઓ વચ્ચે એકાએક ૨૪ ફેબ્રુઆરીના દિવસે હુલ્લડો, આગજની, પથ્થરમારો ને ગોળીબાર થયાં. પોલીસની પાંખી અપૂરતી હાજરી વિના હિંસાનો નાગો નાચ ત્રણ દિવસ સુધી ચાલ્યો. કેટલાં ય ઘરબાર ને ધંધા વગરનાં થયાં. ત્યાંના રહેવાસીઓએ તો ધર્મના ભેદ બાજુએ રાખી એકબીજાને મદદ કરી, પણ આ ઘટનાઓ પાછળ રહસ્ય શું છે? કોનો હાથ છે? એ હજી શોધાયું નથી. જાતજાતના વીડિયો વચ્ચે ‘રાજધર્મ’ બજાવાયો નથી ને તપાસ ચાલુ છે!

સરકારનો વારંવારનો દાવો છે કે કરવામાં આવેલા (સી.એ.એ.) કાયદાના સુધારાઓથી પરદેશીઓને ભારતીય નાગરિક બનવા માટેની જોગવાઈ થઈ છે, પરંતુ એવી સુવિધાઓથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન, એ ત્રણ દેશના મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. એ ત્રણ દેશોના મુસ્લિમો માટે ધર્મને કારણે આવો ભેદભાવ શા માટે? એ ત્રણ પાડોશી દેશના ઘણા મુસલમાનો મૂળ ભારતના હતા; તેમનાં સગાંસંબંધીઓ ભારતમાં વસતાં હોય છે. મુસલમાનોના તે અલગ નાના ફાંટાને તેમના હાલના રહેણાકની પાકિસ્તાન સરકાર અવહેલના કરી લઘુમતી ફાંટાને પીડતી હોય છે. તે સ્થિતિમાં તેઓને શા માટે ભારતમાં આવવા ન દેવાય? શા માટે ભારતીય નાગરિક બનવા ન દેવાય?

આ સુધારાઓથી ભારતના કોઈ પણ મુસ્લિમનું નાગરિકત્વ ઝૂંટવી લેવાની વાત નથી, એવું કહેતા ગૃહમંત્રી થાકતા નથી. પણ લોકો જાણે છે કે સી.એ.એ.ની પાછળ એન.પી.આર. અને એન.આર.સી. જોડાયેલાં છે અને આવવાનાં છે. સરકાર એ કાયદાઓ પર ઢાંકપિછોડો કરે છે અને ખોટી સમજૂતીઓ આપે છે. ભારતીય મુસ્લિમ નાગરિકો માટે પોતાની ભારતીય નાગરિકતા પુરવાર કરવાની એન.પી.આર. ને એન.આર.સી.ની જોગવાઈઓ નઠોર ને કઠોર છે. એ કાયદાઓને કારણે ભારતીય મુસ્લિમ વતનવિહોણો બની જાય એવો ભય ભારતીય મુસ્લિમોને માથે ઝળુંબે છે. આસામમાં NRC વડે મુસ્લિમો જ નહિ, હજારો હિંદુઓ પણ ભારતીય નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યા. તેથી તે પ્રકારના કાયદાની જોગવાઈઓથી પોતાની હકાલપટ્ટી થાય અને પોતે વતનવિહોણા થઈ પડે એવી ભૂતાવળ ભારતીય મુસ્લિમોને સતત સતાવે છે. જૂનાં દસ્તાવેજો, પ્રમાણપત્રો, કોણે જાળવ્યાં હોય, કોણે રાખ્યાં હોય? ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબો ને પામર માણસોએ તો નહીં જ.

ધર્મના આધારે વિભાજન કરવાની રાજનીતિ સામે વિરોધ કરવાનો ભારતીય મુસ્લિમ નાગરિકોને પૂરેપૂરો બંધારણીય અધિકાર છે. ઇતિહાસ સાક્ષી છે કે ભૂતકાળમાં યહૂદી પ્રજાને વતનવિહોણી કરી, તેથી બે હજાર વર્ષ સુધી તેમને રાન રાન ને પાન પાન ભટકવું પડ્યું. નાઝી જર્મની અને ફાસીવાદી ઇટલીએ તેમના જાતિઉન્મૂલન જિનોસાઇડનો જબરો પ્રયાસ કરી લાખ્ખો યહૂદીઓને મોતને ઘાટ ઉતારેલા, એ અજાણ્યું નથી. યહૂદીઓના દેશનિકાલને શરણાર્થી તરીકે સ્થળાંતરો એક્ઝોડ્‌સ અને ડાયસ્પોરાનો, બીજા વિશ્વયુદ્ધના અંતે જીતેલાં મિત્રરાજ્યો – અમેરિકા, બ્રિટન વગેરેએ અંત આણેલો, એ કોઈ ભૂલ્યું નથી. આજે પણ યહૂદીઓ આરબ રાજ્યો વચ્ચે ઘેરાયેલા આક્રમણના સતત ઓથાર હેઠળ જીવે છે. બોસ્નિયા ને ચેચાનિયાની બિનનાગરિકોની ભારે ભયાનક હકાલપટ્ટી પણ નિંદનીય, કરુણ અને દયનીય રહી છે. રોહિંગ્યા મુસ્લિમોની તાજેતરની દશા પણ વિશ્વમાં એવી જ થઈ છે. આવી સ્થિતિથી બચવા માટે મુસ્લિમો પ્રયત્નશીલ હોય તેમાં ખોટું શું છે? ભારતની બિનસાંપ્રદાયિક અને લિબરલ પ્રજા પણ મુસ્લિમોની પડખે છે.

ઈ.સ. ૧૮૯૭ માં બ્રિટિશ સલ્તનતે ‘એપેડેમિક ડિસીઝ’ ધારો ઘડેલો. પણ તે ધારા હેઠળ રેગ્યુલેશન કર્યાં નહોતાં. તેથી કાયદો અમલમાં આવ્યો જ નહોતો. ૧૨૩ વર્ષ પછી હમણાં સરકારે રેગ્યુલેશન્સ ઘડ્યાં. એ રીતે કાયદો અમલમાં આણ્યો. તેવી રીતે નિયમો ઘડી એ કાયદા હેઠળ ૧૪૪ની કલમ જાહેર કરી. તે કલમ હેઠળ ધરણાં કરતી મહિલાઓને વિખેરવા અને જગ્યા ખાલી કરવા હુકમ મેળવ્યો અને બહેનોને ત્યાંથી ઉઠાડી હાંકી કાઢી. શાંત સત્યાગ્રહ કરતી મહિલાઓને શાંત અહિંસક સત્યાગ્રહ કરી રહેલી હજારો ભારતીય મહિલાઓને હાંકી કાઢવા અને સત્યાગ્રહને નિષ્ફળ બનાવવા રાષ્ટ્રીય સરકારે પરદેશી સામ્રાજ્યનાં ૧૨૩ વર્ષ પહેલાંના, પરદેશી સામ્રાજ્યે ઘડેલા, બિનઅમલી અને નિર્વીર્ય કાયદાને જીવતો કરી આ પગલું લીધું! સેંકડો-હજારો સત્યાગ્રહી મહિલાઓ ઊઠીને શાંતિથી પોતપોતાને ઘેર ચાલી ગઈ. તેમાંની આઠેક બહેનોએ વિરોધ કરી ધરણાં ચાલુ રાખ્યાં અને જેલમાં જવાનું સ્વીકાર્યું. ૨૪ માર્ચ, ૨૦૨૦ના દિવસે દિલ્હી પોલીસે બહેનોને ઉઠાડી મેદાનને ખુલ્લું (વેરાન?) કર્યું.

મહિલાઓને તે મેદાનનું સ્મરણ રહેશે. સર્વોચ્ચ અદાલતમાં ભા.જ.પ.ના સભ્યોએ દાખલ કરેલી અરજી સંભવતઃ ‘ઉન્ફ્ર્‌કયુચસ’ તરીકે ખારીજ થશે. પુનર્જિવીત થયેલા સત્યાગ્રહની વિભાવના ચાલુ રહે તે ઇષ્ટ છે.

૨૬-૬-૨૦૨૦

E-mail : mdave.swaman@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 11-13

Loading

15 July 2020 admin
← વાંક
કૉન્ગ્રેસ નેતાઓનો યોગ્ય ઉપયોગ નથી કરી શકી →

Search by

Opinion

  • શિક્ષણનું પરચુરણ …
  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • जो कार्नी नहीं कह सके …

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved