Opinion Magazine
Number of visits: 9485414
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગોવાલણી

કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’|Opinion - Short Stories|13 July 2020

કંચનલાલ વાસુદેવ મહેતા (ઉપનામ: મલયાનિલ) (૧૮૯૨ – ૨૪ જૂન ૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા 'ગોવાલણી' આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' પ્રકાશિત થયો હતો.

તે ઘણી જ જુવાન હતી. કેટલાકને ચૌદમે વર્ષે અધર પર ગુલાબ ફરકે છે, કોઈક તો સત્તર-અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે. એને તો પંદરમે વર્ષે કંઠમાં કોયલ ટહુકતી હતી. નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી. બાલભાવ હવે યૌવનને માર્ગ કરી આપતો હતો. ઊઘડતી કળી હવે તસતસતી હતી.

નહોતી કેળવાયેલી તોય ચાતુર્ય હતું. નહોતી શહેરની તોય સૌજન્ય હતું. નહોતી ઉચ્ચ વર્ણની તોય ગોરી હતી.

માથા પર પિત્તળની ચળકતી તામડી મૂકી ભાગોળેથી ગામમાં પેસે, ત્યારે જાણે લક્ષ્મી પ્રવેશી. ‘દૂધ લેવું સે દૂધ’નો ટહુકો શેરીએ શેરીએ સંભળાય અને દાતણ કરતું સૌ કોઈ એની સામું જુએ. પુરુષોને શુભ શુકન થતા. સ્ત્રીઓને ઈર્ષ્યા આવતી.

એ ગુજરાતી ગોવાલણી હતી. સવારના પહોરમાં તળાવમાં નાહવા પોતાને ગામડેથી નીકળતી. તાજાં દોહેલાં દૂધ શહેરીઓની સેવામાં રજૂ કરતી. સૌ કોઈને એનું દૂધ લેવાનું મન થાય. ‘દૂધ લેવું સે દૂધ’ સાંભળતાં શેરીની સ્ત્રી ઝટ પથારીમાંથી ઊભી થતી.

એ હંમેશાં રાતો સાલ્લો-જાડો, પણ સ્વચ્છ, નવો ને નવો સાચવી પહેરતી, એને પીળી પટ્ટીની કોર હતી અને કાળો પાલવ હતો. હાથમાં દાંતનાં રૂપાની ચીપવાળાં ભારે ‘બલ્લૈયાં’ પહેરતી. પગે જાડાં કલ્લાં ઘાલતી. નાકમાં નથની અને કાનમાં નખલી. આગંળીએ રૂપાનાં વેઢ, ગળામાં ટૂંપીઓ અને કીડિયાસેર. આ એનાં આભૂષણો હતાં. માથે જરા ઘૂમટો તાણતી, તેથી એના વાળ કેવા હશે તેની કોઈને ખબર નહોતી. એ ઓળતી હશે, સેંથીમાં કંકુ પૂરતી હશે, એ કલ્પના જ એની ખૂબસૂરતીમાં ઉમેરો કરી આપતી હતી.

હું એના આવવાને વખતે જ ઓટલા પર દાતણ કરવા બેસતો. એ બિચારી શરમાય, નજર નીચી ઢાળી દે, પણ બીજી નવેલીઓની માફક એની ચાલ નહોતી બદલાતી; ધ્રુજારો નહોતો છૂટતો. હાથ વાંકાચૂકા નહોતા ઊછળતા. શાંત અને ગંભીર થઈ હંમેશનો ‘દૂધ લેવું સે, દૂધ’નો રણકારો કર્યા કરતી.

મારી પત્નીને હું રોજ કહું કે આ ગોવાલણી પાસેથી તું દૂધ કેમ નથી લેતી ? હંમેશાં ‘બૂન ! દૂધ લેવું સે ?’ કહી એનું મોં દુખી જાય છે અને તને તેની જરા પણ દરકાર નથી.’

કોણ જાણે શાથી, પણ જ્યારથી એને જોઈ હતી, ત્યારથી મને દિલમાં કંઈક અજબ લાગણી થઈ આવી હતી. પરાણે પણ હું મારે ઘેર એનું દૂધ લેવડાવું. એને થોડી વાર મારે આંગણે બેસાડું અને લાગ આણી મારી સામે જોવડાવું. આવી કોમલાંગના છતાં ભરવાડણ કેમ જન્મી ! એના કોમળ જણાતા બદન ઉપર આવું જાડું વસ્ત્ર કેમ રહી શકતું હશે ! ઈશ્વર પણ જોયા વગર જ જન્મ આપે છે ને ?

તે દિવસે જ મને થયું કે હું ભરવાડ જન્મ્યો હોત તો ઠીક થાત ! મને તળાવના કાંઠા પર ઊભા રહી વાંસળી વગાડતાં આવડતી હોત તો સારું થાત. ડચકારતો ડચકારતો ગામને સીમાડે ઢોરની વચ્ચે ડાંગ પર શરીર ટેકવી, માથે મોટું ફાળિયું બાંધી ગીત લલકારતો હોત તો ઘણું ગમત. એ ગામડાનું પણ કાનુડાનું જીવન હતું. ગાંડો બનાવનાર ગોવાલણી પણ રાધાની જાતવાળી !

વારંવાર એનું સૌંદર્ય જોવાથી મારા મન પર એની માઠી અસર થઈ. એની ગંભીર, પણ કાળી આંખ પર મારું દિલ લલચાયું. એની પાછળ હું શેરીમાં ભટકું ને એ પછી ક્યાં જાય છે તે જોઉં એમ હૃદય ગોઠવણ કરવા લાગ્યું.

એક દિવસ તો આઠ વાગ્યાનો ડંકો થયો તેવો જ હું ઊઠ્યો અને આડુંઅવળું જવાનું છોડી દઈ ગામને દરવાજે જઈ ઊભો રહ્યો. દૂધ વેચીને ઘેર જવા એ હમણાં જ આવશે, ત્યારે અજાણ્યો થઈ એની પાછળ પાછળ જઈશ. લાગ આવશે કે તરત જ એને પૂછીશ કે તું કોણ છે ? તારી આ આંખોમાં શું છે ? તારી ગોવાલણીની જાતમાં આવી બેભાન કરે તેવી પરીઓ છે ?

સવાલ ગોઠવતો હું દરવાજે જઈ ઊભો રહ્યો. એટલામાં બંને હાથમાં પૈસા ગણતી, ખાલી પડેલી દૂધની તામડીઓને માથે અધ્ધર રાખી સીધી ડોકે, પણ નીચી નજરે ચાલતી ચાલતી એ દરવાજાની બહાર નીકળી. હું પાછળ પાછળ જવા લાગ્યો.

ગામડાનો ચીલો પડ્યો હતો. ઊંચી ચડાણવાળી જમીનમાંથી રસ્તો કાઢેલો હોવાથી આજુબાજુ માટીની ભીંતો જેવું થઈ ગયું હતું અને ઉપર કેર તથા ચણોઠીનાં ઝાડ અને વેલા ઊગ્યાં હતાં. ચીલાની વચમાંની ધૂળ ઉરાડતી એ ઉતાવળે પગલે ચાલી જતી હતી. સામે સૂર્ય હોવાથી એક હાથ ઊંચો ધર્યો હતો અને બીજે હાથે તામડી પકડી હતી. એકાદ વખત ઓચિંતું પાછું જોવાથી મને એણે જોયો હતો, અને હું તેની જ પાછળ તો નથી ચાલતો એમ વહેમાઈ હતી. એટલે એ ઘડીમાં ધીમે પગલે ચાલે તો ઘડીક ઉતાવળે પગલે; અને તે જ પ્રમાણે હું પણ મારી ચાલ બદલતો હતો. મને ખબર નહીં કે એ ઠગારી પોતાનો વહેમ ખરો છે કે ખોટો તે જાણવા માગે છે. અલબત્ત, હું એની પવિત્રતાને કે એના ચારિત્ર્યને દૂષિત કરવા નહોતો માગતો. એના રૂપથી હું અંજાઈ ગયો હતો. મનથી હું ભ્રષ્ટ થઈ ચૂક્યો હતો, છતાં હજી કાંઈક મગજશક્તિ ચાલતી હતી અને છેક બેશુદ્ધ બની ગમે તેવું વર્તન ચલાવું એટલે દરજ્જે પાગલ નહોતો બન્યો.

આ પ્રમાણે અમે અરધોએક માઈલ ચાલ્યાં હોઈશું, ત્યાં એ અટકી ગઈ. ત્યાં વડના ઝાડની ઘટા હતી, અને તળે વટેમાર્ગુને બેસવાને માટે છાપરી બાંધી હતી. ઉપર કોયલ ટહુકે; નીચે વાછડાં, બકરાં, ગાય, ભેંસ આમતેમ ફરે, સ્થાન રમણીય હતું.

છાપરીની બહાર એણે તામડીઓ ઉતારી અને રસ્તાની બાજુ પરની હરિયાળી ઉપર એ ‘‘હાશ, રામ !’’ કહી ઊભા પગે-ગોવાલણીઓ બેસે તેમ બેઠી.

મારી સ્થિતિ કફોડી થઈ. હું ચાલ્યો જાઉં કે ઊભો રહું ? વાત કરવાનો વિચાર આવતાં જ દિલ ધડકવા લાગ્યું. મોં પર લોહી તરી આવ્યું. હિંમત કરી એટલે સુધી હું આવ્યો હતો, પણ આ ગોરી ગોવાલણીએ તાકાત લઈ લીધી હતી.

વિચાર કરી મેં એ જ રસ્તે ચાલવા માંડ્યું. એને વટાવીને બે પગલાં ગયો, ત્યાં ‘‘સંદનભઈ, ઈમ ચ્યોં જાઓ સો !’’ એણે પૂછ્યું. મારે ત્યાં હરરોજ આવતી હોવાથી મને સારી રીતે ઓળખતી હતી., પણ આમ એકાએક મારી સાથે બોલવાનું શરૂ કરશે એનો ખ્યાલ નહોતો. શું ત્યારે હું એની જ પાછળ આવતો હતો તે એ સમજી ગઈ હશે ? મારા સંબંધે એ કેવો વિચાર રાખતી હશે ? આમ કંઈ કંઈ વિચારો મને આવવા લાગ્યા. છતાં એના પ્રશ્નનો જવાબ તો આપવો જ જોઈએ. શો આપવો ? હું તો ગભરાટમાં જ બોલી ઊઠ્યો : ‘‘તારું ગામ જોવા.’’ બોલ્યા પછી વિચાર આવ્યો કે આ હું શું બોલ્યો ! એના ગામને જોવાનું મારે શું પ્રયોજન ! અને હવે જરૂર મારા મનની નબળાઈ એ જાણી ગઈ હશે. કદાચ એની ઇચ્છા વિરુદ્ધ હશે અને કોઈને કહેશે કે, ‘‘સંદનભઈ મારું ગામ જોવા આવ્યા હતા,’’ તો ? પણ એટલામાં એણે પૂછ્યું : ‘‘તે ઈમાં શું જોવું સે ? કોંય તમારા ગામ જેવું નહીં. લ્યો ઓમ આવો, જરા મારું દૂધ તો પીઓ, બાખડી ભેંસનું સે. તમને હવાદ રહી જશે.’’

મારી ગૂંચવણનો અંત આવ્યો. આવા મારા ચલણથી એને કંઈ અણગમતું નહોતું થયું, ઊલટી એ જ ચાહીને મને બોલાવે છે, એટલે હલકો પડી જઈશ એવું કાંઈ નહોતું. જો ગુલાબ બુલબુલને બોલાવે તો બુલબુલનો શો વાંક ? જો નાગ જ મોરલી પાસે આવીને બેસે તો વાદીનો શો વાંક ? હવે જે થાય તે જોવા દે અને મારી મુરાદનો જે ઘાટ ઘડાઈ આવે તે ઘડાવા દે.

‘‘ના રે, એમ તારું દૂધ પિવાય ? ઘેર કાલે આપી જજે.’’ પીવાનું તો ઘણુંયે મન હતું, પણ એમ પહેલે બોલે પી જઉં ત્યારે તો અણધડ જ લાગું ને ?”

‘‘હવે ઘેર તો લેતાં લેશો, પણ ઓંય તો પીઓ, ત્યોં કોંય વડનો રૂપાળો સાંયડો હશે ? પશી આવાં ગોંણાં ગાતાં હશે ? અને કોંય મારે હાથે દૂધ મળશે ? ત્યાં તો મારાં બૂન જાણશે તો એક લેશે ને બે મેલશે.’’

કોઈ એને કહે કે એ અભણ છે, તો એનો અર્થ એટલો જ કે એને અક્ષરજ્ઞાન નથી. કોઈ એને કહે કે બોલતાં નથી આવતું, તો એનો અર્થ એ જ કે શહેરની ચાપચીપવાળી એની બોલી નથી. કુદરતની વચમાં એ ઊછરતી હતી. કુદરતનો સ્વાદ એ પિછાની શકતી હતી અને પોતાના ગ્રામ્ય, પણ મધુર અવાજે એનું ભાન મને કરાવી શકતી હતી. તેમાં આવા સમયે – આવા એકાંતમાં સરળ હૃદયે મનની બધીયે લાગણીઓ અસર થાય તેમ જણાવી શકતી હતી. હું તો પલકે પલકે બેડી બંધાવતો હતો.

‘‘વારુ; તારું દૂધ તો પીઉં, પણ પૈસા લે તો.’’

‘‘કોંય ગોંડા થ્યા ? ઈમ પૈસા લેવાય ! મારા હમ ના પીઓ તો.’’ કહી હું પાસે ઊભેલો તે જરા અધૂકડી થઈ મારી આગળ દૂધનું પ્યાલું ધર્યું. મેં વિચાર્યું, વધારે ખેંચપકડ રહેવા દે. ડોળ કરીશ અને માન માગીશ તેટલામાં કમળ બિડાઈ જશે. મેં એના હાથમાંથી પ્યાલું-દૂધ માપવાનું-લીધું અને દૂધ પી ગયો. અંદર સાકર નહોતી. ગરમ કરેલું નહીં, તો પણ મને સ્વાદિષ્ટ લાગ્યું. દૂધ કુદરતી રીતે સ્વાદિષ્ટ જ હોય છે. જેઓ તાજું દૂધ દોહેલું પીએ છે તેઓ એની મીઠાશ સારી રીતે જાણે છે, અને આ તો તેમાં વળી ખૂબસૂરત સ્ત્રીના હાથનું, એના આગ્રહનું અને તે એક બેશુદ્ધને પીવા મળેલું !

‘‘ગોવાલણી ! તું શી ન્યાત ?’’ દૂધ પીતે વાત શરૂ કરી.

‘‘લ્યો, તમે તો વટલાયા !’’

‘‘ના ના, હું એટલા વાસ્તે નથી પૂછતો; જાણવા જ માટે પૂછું છું. કહે તો ખરી, તું શી ન્યાત ?’’

‘‘ચ્યમ વળી ? અમે ઢોરાં ચારનારાં રબારી લોક.’’

‘‘તે તું પરણેલી છે કે કુંવારી ?’’ મારી ઘેલછા હવે વધ્યે જતી હતી.

જરા શરમાઈ એણે ધીમે સાદે ‘‘પયણેલી’’ કહ્યું.

‘‘કોની સાથે ?’’

‘‘બળ્યાં સંદનભાઈ, ક્યાંય નોંમ દેવાતું હશે ? અમ જેવા કોક રબારી હાથે.’’

‘‘તું પ્રેમ શું એ સમજે છે ?’’ હું તો મારું ભાન ભૂલી ગયો હતો, શું પુછાય અને શું ન પુછાય તેની સૂધ જ નહીં. એ કાંઈ સમજી નહીં કે મેં શું પૂછ્યું.

‘‘શું ?’’

‘‘તું હેત શું એ જાણે છે ? તને તારો વર ચહાય છે ?’’

‘‘સંદનભાઈ, ગોંડા તો નથી થ્યા ?’’

‘‘ના, બસ; મને કહે જ. હું તારી જ પાછળ આટલે સુધી આવ્યો છું. શેરીમાં વાત કરવાની બીક લાગતી હતી. બોલ, હવે તું મારી સાથે વાતો ન કરે તો તને મારા સમ,’’ કહી હું એની સામે બેસી ગયો. વચ્ચે દૂધની તામડીઓ હતી.

એકદમ ‘‘હા…ય ! મારી હુલ્લી ભૂલી ! હાય હાય !’’ સાંભળી હું ચમક્યો. એ ઊભી થઈ, ‘‘સંદનભાઈ, આટલી મારી વટલોઈ જોતા બેહશો ? મારી કુશકીની હુલ્લી ચ્યોંક મેલી આવી સું. હમણાં ઊભે પગે આવું સું.’’

‘‘શા માટે નહીં ?’’ એ આખો દિવસ તાપમાં બેસવાનું કહી જાય તોયે હું તૈયાર હતો, તો થોડી વારમાં શું ?

‘‘હા હા, જા જઈ આવ. આ છાપરીમાં બેઠો છું.’’ રસ્તામાં બેઠેલો મને કોઈ દેખે તો કહેશે કેમ બેઠો હશે ? તામડીઓ લઈ હું છાપરીમાં બેઠો. અંદર કોઈએ ઘાસ નાખી બિછાનું કર્યું હતું. ઉપર સાંઠાનું છાપરું છાઈ બાવળની ડાળોથી થાંભલીઓ બનાવી હતી. પાછળની ભીંતમાં બારી હતી. ભીંતને અઢેલી લાંબા પગ કરી હું બેઠો. વાહ રે ગોરી ગોવાલણી, તારી ગામડાની ભાષામાં મધુરતા ! બસ, આજ એને જવા જ ન દઉં. વાતોમાં એને પણ એનું ઘર ભુલાવી દઉં. જોઈએ, મને એ ગાયો ચરાવતાં શીખડાવે છે ? એણે ઝઈમી સાડી, તસતસતી ચોળી અને રેશમી ચણિયો પહેર્યાં હોત તો એ કેવી લાગત ! અંબોડે ગુલાબ ખોસ્યું હોત, ગળામાં મોતીની એક સેર હોત, અને આ જ મદમાતી ચાલે એ ચાલી જતી હોત તો કોને ભુલાવામાં ન નાખત ? – કલ્પનાઓ જોડી જોડી એના રૂપને હું વધારે મોહક બનાવતો હતો. એની તામડીઓ ઉપર કાંઈક નામ લખ્યું હતું તે મેં જોવા માંડ્યું. અસ્પષ્ટ અક્ષરે ‘દલી’ એટલું વંચાતું હતું. એ ઉપરથી મેં માન્યું કે ‘દલી’ એનું નામ હશે. સ્ત્રીનું નામ કેમ ? કદાચ મહિયરથી સાસરે જતી વખતે એને આ તામડીઓ એનાં માબાપે આપી હશે. કેવી સ્વચ્છ અંદરથી અને બહારથી એણે રાખી છે ! દૂધને શોભા મળે અને સારું જણાય એમાં નવાઈ ? તામડીને લીધે પણ દૂધ ગમે. માથે મૂકવાની ઈંઢોણી એ સાથે કેમ ન લઈ ગઈ ? જ્યારે અધ્ધર તામડી માથે રાખી એ ગામમાં આવે છે, ત્યારે શો એનો અવાજ ! પરોઢમાં જેમ પ્રભાતિયું મીઠું લાગે તેમ એનો રણકાર મીઠો લાગે છે. એથી અરધી જાગતી અવસ્થામાં સવારનું શુભ શુકનનું સ્વપ્નું આવે અને આખો દિવસ આનંદમાં જાય. આખા ગામને એ આશીર્વાદરૂપ દેવી હતી.

આમ વિચાર કરતો વીસેક મિનિટ બેઠો હોઈશ એટલામાં એ આવી અને ‘‘બેઠા સો ?’’ એટલું પૂછ્યું.

‘‘કેમ, ટોપલી જડી ?’’

‘‘ના રે બઈ ! ચારપોંચ ઘેર પૂસી આવી, પણ ચ્યોંય પત્તો નહીં. કુણ જાણે કુનેય ઘેર મેલી આવી હઈશ. અત્તારના પોરમાં તે ચેટલે ભટકું ?’’ કહી જાણે નિરાશ થઈ હોય તેમ બેઠી.

‘‘દલી ?’’

‘‘દલી’’ કહેતાંની સાથે એ જરા ચમકી; ‘‘ગોમમાં મને લોક દૂધવાળી કહે છે.’’

‘‘જો, આ તારી તામડી ઉપર લખ્યું છે, તે તારે પિયરથી આ તને મળી’તી ખરું ને ? તારાં લગ્ન વખતે.’’

હું તો એનામાં તન્મય થયેલો હતો તેથી જુદાં જુદાં અનુમાન મેં કરી રાખ્યાં હોય તેમાં નવાઈ નહીં.

‘‘તારો વર બીજી વારનો છે ?’’ ગળામાં શોકપગલું જોઈ મેં પૂછ્યું. મારી નજર એના ધોળા વદન પર પડતાં એણે સામું જોયું અને સાલ્લો સંકોરી ઉપર ખેંચ્યો.

‘‘તું ને તારો વર આખો દિવસ શું કરો છો ?’’

‘‘બળ્યો મનખો !’’ કહી આડું જોઈ એ હસી. દાંતની કળીઓને સાડીઓમાં સંતાડી હસી.

‘‘ના, ના, કહે તો ખરી; સવારથી સાંજ સુધી તમે શું શું કામ કરો છો એ કહી જા.’’

‘‘તે શું કરતાં હઈશું ? ઢોરોનું કોંમ. હવારમાં વહેલાં ઊઠીએ, દાતણ-પોંણી કરી વાસડાંને ધવડાવીએ. એ ગાયો દોવે ને હું બાખડી દોહું. દૂધ કાઢી ચારબાર નોંશી અમે બે નીહરીએ. એ દરવાજે પેલે હાથે જાય; હું તમારી ભણી વળું. દૂધ આલી હું ઓંય આવીને એ આવે ત્યોં લગણ બેહું.’’

ઓચિંતી મને ફાળ પડી. કદાચ એનો રબારી આવતો હોય અને મને સાથે બેઠેલો જોઈ ફરી વળે તો ? આબરૂ જાય, હલકો પડી જાઉં અને માર પડે તે જુદો. વિચાર આવતાં મોં ઉપર ચિંતા ને ભય છવાઈ ગયાં અને ચાલ્યા જવા ટોપી હાથમાં લીધી.

‘‘તમે લગારે બીશો નહીં. આજ તો હું એકલી આવી સું. એ તો આજ ઘી વેચવા ગયા સે.’’ મને નિરાંત થઈ અને વાતચીત ચાલુ કરી :

‘‘તારો વર વાંસળીમાં એવું શું વાગડે છે તે તમે બધાં ત્યાં ઊભાં રહો છો ? હું તળાવે ઊભો રહી વાંસળી વગાડું તો મને આવડે ખરી ?’’

‘‘હોવે, ચ્યમ ના આવડે ? તે તમને અમ જેવું થાવું ચ્યમ ગમે સે ?’’

‘‘તારે લીધે જ, દલી. તું ખાય તે હું ખાઉં, તારો જાડો રોટલો પચાવું, તારી ગાયોને ચરાવવા જાઉં, એમ મનમાં થઈ ગયું છે. તારું ગામ હજી કેટલે છેટું ?’’

‘‘ચારપોંચ શેતરવા, પેલી સોપારીઓ દેખાય ઈ. તમે મારે ઘેર રહો ખરા ? અમે તો હાલ્લાની ગોદડી ઉપર હુઈ રહીએ; ખાટલો ઉઘાડામાં ઢાળીએ. પાંહે ઢોર બોંધ્યાં હોય, તે આખી રાત ગોં ગોં બરાડે. તમ જેવાને ત્યોં નો ફાવે.’’

‘‘મને તો એ બહુ જ ગમે છે. તેમાં તારા જેવું કોઈક મારી સાથે હોય તો મારે ઘેર જવાનું નામ જ ન લઉં.’’

વાતચીત ઉપરથી હું એમ જ માનતો હતો કે મારી ઉપર એ કુરબાન છે, એના દિલને હું ચોરી શકું છું અને ધીમે ધીમે એ પોતાની લાગણી કહેવા માંડશે. ફૂલ ઊઘડે તેમ મારું હૃદય આશામાં ઊઘડતું હતું. ઝરણ વહે તેમ મારી કલ્પના વધતી હતી. કેતકી ડોલે તેમ જીવ ઘુમરાઈ આનામાં ડોલતો હતો. તણખલું હાથમાં લઈ જમીન ઉપર લિસોટા કરતી, વાંકું વાળી કમાન બનાવતી, ભાંગીને કટકા કરતી, આમ તે રમત કર્યે જતી હતી અને ગભરાટ, ભય કે શરમ રાખ્યા વગર મારી સાથે મિત્રની માફક પરિચિત થઈ વાતો કર્યે જતી હતી.

ઘડીભર અમે બંનેએ શાંતિ પકડી. ને એટલામાં તો વીજળી ચમકે અને બાળકના દિલમાં ફડકો પડે, અઘોર ઘંટ આવે અને એ માલતી ફફડે, આનંદ વેરાતો હોય અને શોક પ્રવેશે, તેમ એકાએક છાપરીની ઉઘાડી બારીમાંથી મારી પત્નીએ ડોકું કર્યું અને મારી સામે એકીટશે કોપાયમાન ચહેરે જોવા માંડ્યું.

જોતાં જ શરીર થરથર કંપવા માંડ્યું. એની આંખમાં ગુસ્સાથી પાણી ભરાઈ આવ્યું હતું. શું બોલું અને શું ન બોલું એની ગૂંચવણમાં એ પડી હતી. કેટલુંય કહી નાખું તેનો ઊભરો એને ચડ્યો હતો. અને છતાં એક શબ્દ એ બોલી નહીં. મારી સામે માત્ર જોઈ જ રહી. મેં નીચી નજર નાખી દીધી. દલી-ધુતારી દલી-સાલ્લામાં મોં રાખી હસતી હતી. ચિત્રકારને અહીં ત્રણ ચિત્ર ચીતરવાનાં હતાં : એક કાલિકા, બીજી જાદુગરણી ને ત્રીજો બેવકૂફ.

સૌજન્ય : https://gu.wikisource.org/wiki/ગોવાલણી

Loading

13 July 2020 admin
← સૂરજ થવાને શમણે …
સી.બી.એસ.ઈ. અભ્યાસક્રમમાં કપાત અને શિક્ષણમાં રાજકારણ →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved