વૈશ્વિક વારસાનું શહેર અમદાવાદ માત્ર ઐતિહાસિક ઈમારતોનો જ નહીં અમન અને એખલાસ માટે શહીદ થનાર વસંત-રજબના આદર્શોનો વૈચારિક વારસો પણ ધરાવે છે.
પોણી સદી પહેલાં, ૧લી જુલાઈ ૧૯૪૬ની અષાઢી બીજની રથયાત્રાએ, અમદાવાદમાં ફાટી નીકળેલા કોમી તોફાનો ઠારવા જતાં વસંત-રજબ શહીદ થયા હતા. આઝાદી આવવાને હજુ તેરેક મહિના બાકી હતાં. દેશના ભાગલા અને મુસ્લિમ લીગના ડાયરેકટ એકશનના એલાનથી શહેરનું વાતાવરણ ડહોળાયેલું હતું. રથયાત્રાની સવારથી જ શરૂ થયેલાં કોમી છમકલાં સેવાદળના બે કર્મઠ કાર્યકરો વસંત-રજબ ઠારી રહ્યાં હતાં. પણ સાંજ પડતાં તે વિકરાળ બન્યાં. સમજાવટ અને એખલાસનો પ્રયત્ન કરનાર વસંત–રજબને જ ઝનૂની ટોળાંએ હિંસાનો ભોગ બનાવી દીધાં હતાં.
‘સ્વરાજ’ના પ્રથમ ઉદ્દઘોષની કોલકાતા કૉનગ્રેસના વરસ, ૧૯૦૬ના, મે ની ૧૬મીએ વસંતરાવ હેગિષ્ટેનો જન્મ. તો જલિયાંવાલાકાંડના વરસ, ૧૯૧૯ના, જુલાઈની ૨૭મીએ રજબઅલી લાખાણીનો જન્મ. ૧૯૪૬ની ૧લી જુલાઈએ હિંદુ-મુસ્લિમ એખલાસ માટે જ્યારે એમણે જીવ ગુમાવ્યો ત્યારે વસંતરાવ ચાળીસના અને રજબઅલી સત્તાવીસ વરસના હતા. ધર્મની ઓળખે વસંત હિંદુ હતા તો રજબ મુસ્લિમ. પણ તેમની શહાદત અને ભેરુબંધી એ ઓળખથી પર હતા. બંનેને મળવાનું તો બહુ મોડેથી અને બહુ ઓછા સમય માટે થયું હતું. પણ ગાંધીના આદર્શોથી ઘડતર તેમની વચ્ચેની સમાનતા હતી બેઉએ ઔપચારિક શિક્ષણ સ્વરાજ આંદોલનમાં સક્રિય થવા છોડ્યું. હતું અને એક કરતાં વધુ વખત જેલવાસ વેઠ્યો હતો.
કિશોરાવસ્થામાં નબળું શરીર ધરાવતા વસંતરાવ સ્વબળે અખાડિયન બનેલા. અસામાજિક તત્ત્વો અને મવાલીઓ એમનાથી ડરતા. પણ ગાંધીની અહિંસાને એવા વરેલા કે ધરાસણા સત્યાગ્રહ વખતે અંગ્રેજ સૈનિકોનો માર ખાતા હરફ નહોતો ઉચ્ચાર્યો. સમાજ અને કૉન્ગ્રેસથી આઘામાં આઘા અને પાછામાં પાછાને કાખમાં લેવા અમદાવાદના કોચરબમાં એમણે દલિતો માટેની રાત્રિશાળા ચલાવેલી, અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં ફરીને, આત્મીયતા કેળવીને કૉન્ગ્રેસના દોઢબે હજાર સભ્યો નોંધેલા. રજબઅલી કરાંચી, લીંબડી, ભાવનગર થઈ અમદાવાદ આવી વસંતરાવ ભેળા રહ્યા. લેખન, વાચન, અનુવાદના શોખ ખરા પણ આઝાદી આંદોલનના સૈનિક તરીકે રતુભાઈ અદાણીના અમરેલી પાસેના તરવડા ગામે જઈ રહ્યા તો દલિત વિધ્યાર્થીઓ સાથે ચંપલ સીવવા પણ લાગ્યા.
૧૯૪૧માં અમદાવાદમાં કોમી રમખાણો થયા ત્યાં સુધી વસંત-રજબને સાથે મળીને કામ કરવાનું થયું નહોતું. પણ ૧૯૪૧ના રમખાણો અંગે બંનેનો પ્રતિભાવ લગભગ એક સરખો હતો. વસંતરાવે કહ્યું હતું કે, ‘આટલા મોટા અમદાવાદમાંથી શું બસો-ચારસો નીડર માણસો ન નીકળ્યા ? ગાંધીજીના અમદાવાદમાંથી એકાદ ગણેશંકર વિધ્યાર્થી પણ ન નીકળ્યો ?’ કંઈક આવો જ પ્રતિભાવ રજબઅલીનો પણ હતો કે, ‘અમદાવાદમાંથી એકે કૉન્ગ્રેસમેન આ હુલ્લડમાં ખપી ન ગયો તે આપણા વિરોધીઓને ટીકા કરવાની તક આપશે’ એટલે જે અમન અને એખલાસ તે ઝંખતા હતા, જે કોમીશાંતિ અને ભાઈચારો તે ચાહતા હતા તેને કાયમ રાખવા તક મળી ત્યારે જીવ પર આવી ઝઝૂમ્યા હતા. અમદાવાદની ૧૯૪૬ની રથયાત્રાની એ સાંજે જ્યારે કૉન્ગ્રેસ સેવાદળના આ કાર્યકરોને જમાલપુરની ખાંડની શેરી પાસે ડુગલપુરામાં દલિત દુધાભાઈ અને બીજા દલિત પરિવારો પર હુમલો થવાના ખબર મળ્યા તો તે કૉન્ગ્રેસ ભવનથી પગપાળા જ નીકળી પડ્યા. વસંત-રજબ ઝનૂની ટોળાને વારવા, સમજાવવા મથ્યા અને જ્યારે ટોળું ના માન્યું તો દલિતોને બચાવવા અને ટોળાંને આગળ વધતું અટકાવવા જાણે કે અહિંસક સત્યાગ્રહ કરતા હોય તેમ તેઓ રસ્તા વચ્ચે સૂઈ ગયા. ‘અમે શાંતિ માટે આવ્યા છીએ અમને મારવાથી તમારી આગ બૂઝતી હોય તો અમે મરવા પણ તૈયાર છીએ. અમે બચવાનો કોઈ પ્રયત્ન નહીં કરીએ.’ એમ પણ કહ્યું પરંતુ ઝનૂની ટોળાં પર તેની અસર ન થઈ અને તેમણે વસંત-રજબને મારી નાંખી પોતાની આગ બૂઝાવી.
વસંત-રજબની શહાદત થઈ ત્યારે ગાંધીજી પૂનામાં હતા. અંગ્રેજ સરકાર અને તે વખતની કૉન્ગ્રેસની મુંબઈની પ્રાંતિક સરકારની કામગીરી અંગે તેમણે કહ્યું, ‘સરકારની નિષ્ફળતાને કારણે આ હિંસા ભડકી છે. હવે સમજદારી દાખવીને લોકો સાથે તાલમેલ મેળવીને સરકાર કામ કરે. શાસકો વહીવટી આવડત દાખવે તો હિંસા રોકાઈ શકે.’ એ સમયના મુંબઈ સરકારના ગૃહપ્રધાન મોરારજી દેસાઈએ એમની આત્મકથા ‘મારું જીવન વૃત્તાંત’માં વસંતરજબની શહીદી અને તે પછીની સ્થિતિ અંગે વિગતે લખ્યું છે. પૂનામાં ગાંધીજીને મળેલા ગૃહપ્રધાન મોરારજીભાઈને ગાંધીજીએ, ‘પોલીસ અને ફોજની મદદ વિના’, ‘બે લડતાં બળોની વચ્ચે જવા અને જરૂર પડે તો બલિદાન દઈને આગને ઠંડી કરવા’નો એકમાત્ર ઉપાય જણાવ્યો હતો. મોરારજીભાઈને ગાંધીજીની વાત ‘તાત્ત્વિક દ્રષ્ટિએ સાચી’ લાગી હતી. પણ ‘પોતાની, સમાજની અને રાજ્યની મર્યાદાઓ જોતાં આમ કરવું કેટલું ઉપયોગી થાય તે વિશે શંકા હતી’. એટલે એમણે નક્કી કર્યું કે ‘આ બે લડતાં બળોની વચ્ચે હોમાઈ જવામાં કાંઈ ફાયદો થાય તેના કરતાં નુકસાન વધારે થશે. રાજ્યના ગૃહમંત્રી જો વચ્ચે પડે અને એમને મારી નાંખવામાં આવે તો એથી સમાજમાં ભારે નિરાશાની અને હતાશાની લાગણી ફેલાય અને લોકોને રાજ્ય વિશે આદર રહે નહીં.’ (મારું જીવન વૃત્તાંત , ભાગ-૧, પૃષ્ઠ – ૨૪૮)
ગૃહમંત્રી મોરારજીને ગાંધીજીએ આપેલી સલાહ દાદાસાહેબ માવળંકર સહિતના ઘણાં નેતાઓને ગમી નહોતી. વસંત-રજબની શહીદી અંગે ‘વીરા તમે રંગ રાખ્યો’ ગીત લખનાર અને પછી વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કરનાર ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને સંબોધીને લખ્યું હતું કે ‘તેઓ જે પ્રતિકાર સૂચવે છે તે એમણે કોઈ પણ ઠેકાણે અજમાવી જોયો નથી’ ગાંધીજી જો આ સમયે અમદાવાદ આવ્યા હોત તો ‘જગતને કંઈક જાણવા-ગ્રહવાજોગું જરૂર મળ્યું હોત’. એમ પણ લખ્યું હતું. આ પ્રકારની પ્રતિક્રિયાઓ અંગે ગાંધીજીનો જવાબ હતો : ‘જે ઘોર હિંસા ચાલી રહી છે તેમાંથી અહિંસા પ્રગટ થાય તેને માટે મારા જેવાં અનેક બલિદાનોની જરૂર પડશે.’
જેમને અમદાવાદના ચારતોડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા તે રજબ અલીનું હાલમાં જન્મ શતાબ્દી વરસ છે. આઝાદી આંદોલન દરમિયાન ગામડાંઓમાં જવાનું થતું ત્યારે જુનવાણી હિંદુ કુટુંબોમાં ક્યારેક રજબઅલીને મિત્રો રજનીકાંત તરીકે ઓળખાવે તે રજબને પસંદ નહોતું. એમને આમ કરવું ‘જાતે જ હિંદુ મુસ્લિમના કૃત્રિમ ભેદ પર મહોર મારવા જેવું’ લાગતું હતું. પરંતુ આગાખાની ખોજા એવા રજબઅલીના કોઈ વારસો આજે જોવા મળતા નથી. એમ કહેવાય છે કે એમના પરિવારજનોએ કોમી અશાંતિથી તંગ આવીને હિંદુ નામ-ઓળખ અપનાવવી કે વિદેશમાં વસી જવાનું મુનાસિબ સમજ્યું છે. અમદાવાદમાં વસંત-રજબ ચોક છે અને ચોકી છે, બંધુત્વ સ્મારક છે અને શહીદ સ્મારક છે. વસંત-રજબ ટાઉનશીપ છે તો વસંત-રજબ સ્લમ કવાર્ટસ છે, વસંત-રજબ માધ્યમિક શાળા છે અને વસંત-રજબ વ્યાયામ શાળા પણ છે. પરંતુ જે અમન અને એખલાસ માટે વસંત-રજબે શહાદત વહોરી તે ક્યાં ?
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 01 જુલાઈ 2020