વડા પ્રધાન પ્રતિકૂળતાઓનો સામનો કરવાની જગ્યાએ તેનાથી દૂર ભાગે છે, એવું મેં ગાલવાનની ખીણની ઘટના પછી લખ્યું ત્યારે કેટલાક ભક્તોને ગમ્યું નહોતું, પણ મેં જે લખ્યું હતું એનું પ્રમાણ વડા પ્રધાને પોતે જ બીજા દિવસે આપી દીધું. ૧૮મી તારીખે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને કહ્યું હતું કે ચીનાઓ ભારતમાં પ્રવેશ્યા નહોતા, તેઓ અત્યારે ભારતની ભૂમિમાં છે નહીં અને તેમણે ભારતનું કોઈ લશ્કરી થાણું કબજે કર્યું નથી. બોલો. હવે આની વિરુદ્ધ, એટલે વડા પ્રધાનને જ ખોટા સાબિત કરે એવા ઓછામાં ઓછા અડધો ડઝન સરકારી પ્રમાણો ઉપલબ્ધ છે એનું વડા પ્રધાનને બોલતી વખતે ધ્યાન નહોતું રહ્યું.
ચીને તો તરત જ એનો લાભ લેવાનું શરૂ કર્યું. ચીની મીડિયા બીજા દિવસથી ચોવીસે કલાક વડા પ્રધાનની ક્લીપ બતાવીને જગતને કહેતા રહ્યા કે જુઓ ચીને કોઈ મર્યાદાભંગ કર્યો જ નથી એમ ભારતના વડા પ્રધાન પોતે કહે છે. ભારતના વડા પ્રધાન જ્યારે ક્લીન ચીટ આપતા હોય ત્યારે જગતે કાંઈ કહેવાનું કે કરવાનું રહેતું જ નથી. આ એક ખોટ. બીજી ખોટ એ કે જગત આખાના મીડિયાઓએ ભારતના વિદેશ પ્રધાનના, સંરક્ષણ પ્રધાનના, જનરલ નરવણેના અને વિદેશ તેમ જ સંરક્ષણ ખાતાના અધિકારીઓના ટી.વી. પરના બીજી જૂનથી ૧૪મી જૂન સુધીનાં વક્તવ્યોની ક્લીપો બતાવીને કહેવા માંડ્યું કે ચીને ભારતમાં પ્રવેશ કર્યો હતો. આવું ફારસ તો જગતે ભાગ્યે જ જોયું હશે. ભારત માટે સહાનુભૂતિ ધરાવનારા દેશો ચીનની નાગાઈના પ્રત્યક્ષ પ્રમાણ નજર સામે હોવા છતાં ભારતના વડા પ્રધાનના વક્તવ્યના કારણે સહાનુભૂતિ વ્યક્ત નહોતા કરી શકતા. માર ખાનાર એમ કહે કે મને તો કોઈએ માર્યો જ નથી તો દોસ્ત માટે પણ બહુ સારું કહીને જતા રહેવા સિવાય બીજો કયો વિકલ્પ બચે! પીઠ ફેરવીને મૂછમાં હસતા હોય એ જુદી વાત છે.
courtesy : Satish Acharya
હદ તો એ વાતની હતી કે ‘ધ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ’ (આઈ.આઈ.એસ.એસ.) નામની જગતની પ્રતિષ્ઠિત સુરક્ષા સંશોધન સંસ્થાના સામયિકમાં ‘અન્ડરસ્ટેન્ડીંગ ધ મિલીટરી બીલ્ડ-અપ ઓન ધ ચાઈના-ઇન્ડિયા બોર્ડર’ એવો એક લેખ વડા પ્રધાને ઉક્ત વક્તવ્ય કર્યું એ પહેલાં પ્રકાશિત થઈ ચૂક્યો હતો, અને એ લેખમાં ૨૨મી મેની સેટેલાઈટ તસ્વીરો પ્રમાણ તરીકે બતાવવામાં આવી હતી. આ એવું સામયિક છે જેને જગતભરના લશ્કરી અધિકારીઓ, સંરક્ષણ-નિષ્ણાતો, સરકારી અમલદારો, વિદેશ ખાતાના અમલદારો, શસ્ત્રસોદાગરો અને શાસકો અવશ્ય વાંચે છે. સામાન્ય જનતા અને પોપ્યુલર મીડિયા તેના તરફ બહુ નજર કરતા નથી, પણ ભારતના વડા પ્રધાનના ઉક્ત નિવેદન પછી પોપ્યુલર મીડિયાએ પણ વડા પ્રધાનને ખોટા સાબિત કરવા તેનો ઉપયોગ કરવા માંડ્યો. તમે જગતનું કોઈ પણ પ્રતિષ્ઠત અખબાર કે ટી.વી. ચેનલ જોઈ જાવ, આઈ.આઈ.એસ.એસ.ની પ્રકાશિત કરેલી તસ્વીરો જોવા મળશે.
આપણા વડા પ્રધાનને જગતે ખોટા સાબિત કર્યા, ઉપરથી મિત્રદેશો સહાનુભૂતિ હોવા છતાં સહાનુભૂતિ વ્યક્ત ન કરી શક્યા અને ચીનને પાછો કહેવાનો મોકો મળ્યો કે અમે તો કોઈ ખોટું કામ કર્યું જ નથી, પૂછી જુઓ ભારતના વડા પ્રધાનને. ગયા અઠવાડિયે મેં લખ્યું હતું એમ લોકો માર ખાધા વિના ય કાગારોળ કરે અને અહીં ખાઈને કહે કે કાંઈ થયું જ નથી. આ મનોવૃત્તિને કઈ રીતે ઓળખાવશો? તમે જ નક્કી કરો.
ચીને જ્યારે બીજા દિવસે વડા પ્રધાનના નિવેદનનો લાભ લેવાનું શરૂ કર્યું ત્યારે સરકારે ખૂલાસો કર્યો કે વડા પ્રધાન આમ નહીં, પણ આમ કહેવા માગતા હતા. એ શીર્ષાસન પછી પણ ભારત સરકાર એમ કહી કહેવાની સ્થિતિમાં નહોતી કે ચીનાઓને અમારી ભૂમિ ઉપર કબજો કર્યો છે. કારણ બહુ સ્પષ્ટ છે. અસત્ય એટલું મોટું અને બોલકું હતું કે પૂરું સત્ય બોલી શકાય એમ નહોતું. જો એમ કરે તો વડા પ્રધાન ભૂંડા લાગે. આ ફારસ જોઈને ક્યારે ય શિખામણ નહીં આપનારા ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને શિખામણ આપવી પડી કે પરિણામોનો વિચાર કરીને બોલો. અને હવે વડા પ્રધાનના એ અમર ભાષણને વડા પ્રધાનની સત્તાવાર વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યું છે. યોગાનુયોગ એવો છે કે ૨૫મી જૂન ૧૯૭૫ના રોજ ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાગુ કરીને બીજાનાં વક્તવ્યો પર સેન્સરશીપ લાદી હતી. ૪૫ વરસ પછી એ જ દિવસે ભારતના વડા પ્રધાને પોતાના જ વક્તવ્ય ઉપર સેન્સરશીપ લાદી!
મારે વડા પ્રધાનને નમ્રતાપૂર્વક બે વાત કહેવી છે. એક તો એ કે વાસ્તવિકતાનો સ્વીકાર કરો. મોઢું ફેરવી લેવાથી કે આંખ મીંચી દેવાથી વાસ્તવિકતાનો અંત આવવાનો નથી. ઊલટી એ વધારે વકરીને સામે આવે; જેમ કોરોના, જી.એસ.ટી. કે નોટબંધીની બાબતમાં બન્યું છે. ખાસ કરીને, પ્રજા સંકટનો અનુભવ કરતી હોય અને દુનિયાને સંકટ દેખાતું હોય ત્યારે આંખ આડા કાન કઈ રીતે કરી શકાય?
બીજી વાત એ કહેવી છે કે પોતાના વિત્તને ભરોસે શાસન કરો. સંબિત પાત્રાઓ, અર્ણવ ગોસ્વામીઓ, ટ્રોલ્સ અને ભક્તોની ચીસો અને ચિચિયારીઓની મૂડી ઇતિહાસ જ્યારે ત્રાજવે તોળશે ત્યારે કામમાં નહીં આવે. એ લોકો વર્તમાનમાં ગમે એટલો જયજયકાર કરે પણ સમયનો ચાળણો જ્યારે ચાલશે ત્યારે તે તમને બચાવી નહીં શકે. આપણા કવિ ઉમાશંકર કહેતા કે કાળનો ચાળણો હાથીના હાથીને ચાળી નાંખે છે અને નક્કર સત્ત્વ જો હોય તો કીડીને ઉગારી લે છે. સમય અથવા ઇતિહાસ પાત્રાઓને, અર્ણવોને, ટ્રોલ્સને કે ભક્તોને ત્રાજવે નથી તોળવાનો; પણ તમને તોળશે. બે દાયકા પછી તમારા ચીઅરલીડર્સ બિચારા સમયના પટ પરથી ખોવાઈ ગયા હશે અને તમે એકલા ઇતિહાસના દરવાજે નોધારા ઊભા હશો.
હજુ રોકડા ચાર વરસ તમારા હાથમાં છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરો, પોતાની મૂડીથી શાસન કરો અને ચીઅરલીડર્સને રામરામ કરો. આમ પણ એ બધા થોડાં વરસોમાં સાથ છોડીને જતા રહેવાના છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જૂન 2020