ભારત અને નેપાળ વચ્ચે જે તણખા ઝર્યા છે, એમાં ચીનનું દેખીતું યોગદાન નથી પણ ચીન અહીં અંગારાને તેજ બનાવવા ફૂંક મારે છે એ સમજી લેવું જરૂરી છે
નેપાળને ભારત સામે જબરું વાકું પડ્યું છે, ચીનની આડોડાઇમાં નેપાળના કૂદકા એ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. ભારત અને નેપાળ વચ્ચે અંદાજે ૬,૦૦૦ નદીઓ વહે છે જે સીમાઓ નક્કી કરવામાં ચાવીરૂપ છે. રાજકીય દ્રષ્ટિએ કાલાપાની અને લિપુલેખ ક્ષેત્રની સીમાએ નકશાનો વિવાદ ચાલતો હતો અને તાજા સમાચાર મુજબ વિવાદી નકશાને નેપાળનાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ પગલે 395 કિલોમીટર વિસ્તાર જે ભારતનો છે તે નેપાળે પોતાને હિસ્સે ગણાવ્યો છે. આ હિમાલયી રાજ્યનાં નકશામાં પરિવર્તન કાયદેસર રીતે લાગુ થઇ ગયું છે. અત્યાર સુધી તો ભારતે નેપાળનાં આવા બધા ચાળાને એકતરફી ગણાવ્યા છે.
અત્યારે જે રીતે સરહદે તંગ માહોલ છે તે જોતા લાગે છે કે હવે ભારત નેપાળના સંબંધો વધુ બગડશે એ નક્કી છે. નેપાળની સરહદ પાસે ભારતે એક રસ્તો બનાવ્યો જે કૈલાસ માનસરોવરની યાત્રાને ધ્યાનમાં રાખીને બનાવાયો હતો અને તે ચીનની સરહદને અડી જાય છે. નેપાળને ને આ ન ગમ્યું કારણ કે તેમના મતે આ જમીન તેમની છે. આ રસ્તાનું ઉદ્ઘાટન થયું ત્યારથી નેપાળે એ પ્રદેશમાં પોલીસ ટૂકડીઓને તૈનાત કરી, ભારતીય એલચીને કઠમાંડુ બોલાવ્યા અને નકશો બદલવાની તજવીજ પણ શરૂ કરી દીધી. આ તરફ ભારતે વાટાઘાટો કરવાની તૈયારી બતાડી પણ નેપાળ માટે આ મુદ્દો કેટલો તાકીદનો છે તે સમજવાની કોઇ પણ તસ્દી ન લીધી. બલકે ભારતે તો કહ્યું કે કોરોના વાઇરસનાં રોગચાળાનો પ્રશ્ન પતશે પછી તે નેપાળ સાથે આ અંગે વાત કરશે. હવે વાટાઘાટો સુધી પહોંચે તે પહેલાં તો નેપાળ પોલીસે સીતામઢીમાં ગોળીબાર કર્યો અને ચાર ભારતીયોને તેમાં ઇજા થઇ, તેમાંથી એકનું મોત થયું.
હવે જો તમને એમ લાગતું હોય કે નેપાળને અચાનક જ પોતાની જમીનને મામલે આ કરવાનું સુજ્યું તો એક સ્પષ્ટતા એ કે નેવુંના દાયકાથી લિપુલેખ, કાલાપાની, લિમ્પિયાધુરા જે ઉત્તરાખંડમાં પડે છે તેને નેપાળ પોતાના જ પ્રદેશો માને છે. ૨૦૧૯નાં નવેમ્બરમાં પણ સરકારને કઠમાંડુનાં વાંધાવચકાથી વાકેફ કરાઇ હતી, પણ નેપાળે જ્યારે બૅક ઑફ ઇન્ડિયા કેમ્પેઇન ચલાવ્યું તો ભારતને નવાઇ લાગી. પરંતુ ભારતને નવાઇ ન લાગવી જોઇએ કારણ કે, એક તો આ મુદ્દો નવો નથી, નેપાળનાં આંતરિક રાજકારણ સમજનારને ખ્યાલ આવવો જોઇએ કે ભારતનું આ પગલું નેપાળી વડાપ્રધાન ઓલીના સ્થાનને હચમચાવી નાખનારું સાબિત થાય અને તે પોતાનું સ્થાન મજબૂત બનાવવા, પોતાનું જોર બતાડવા દાંત તો કચકચાવશે જ.
નેપાળની વિદેશ નીતિ એક રાજકીય ખેલ બની ચૂકી છે. ભારત અને નેપાળ વચ્ચેનો આ વિવાદ ગમે ત્યારે મોટું સ્વરૂપ પકડશે તે આ બંન્ને દેશોનાં સમીકરણોનો અભ્યાસ કરનારને ખબર જ હતી. ભારતીય રસ્તો રાતોરાત નહોતો બનાવાયો અને નેપાળ સરકારને પણ પરિસ્થિતિની જાણ હતી. કાશ્મીરમાં 370ની કલમ હટાવાઇ ત્યારે ભારતે પોતાનો નવો રાજકીય નકશો જાહેર કર્યો અને તેમાં પણ એ પ્રદેશો હતા જેને નેપાળ પોતાનાં ગણાવે છે. અત્યાર સુધી ગણગણાટ કરીને ચૂપ રહેનારી નેપાળી સત્તાએ આ વખતે અધિકૃત રીતે ઘોંઘાટ કર્યો જેનાં પરિણામ આપણે નેપાળમાં ચાલતા ભારત વિરોધ રૂપે જોઇ રહ્યા છીએ. ઓલી માટે આ મુદ્દો પોતાનું સ્થાન મજબૂત કરવાનો આધાર બની ગયો અને તેણે પણ રાષ્ટ્રવાદ પર રાજકારણ રમવાનું નક્કી કર્યું. ઓલીની નિષ્ફળતાઓ આ ઘોંઘાટમાં ઢંકાઇ જાય તેવી તેની ઇચ્છા હોય તે સ્વાભાવિક છે.
ભારત અને નેપાળ વચ્ચે જે તણખા ઝર્યા છે એમાં ચીનનું દેખીતું યોગદાન નથી, પણ ચીન અહીં અંગારાને તેજ બનાવવા ફૂંક મારે છે એ સમજી લેવું જરૂરી છે. નેપાળી રાષ્ટ્રવાદીઓ અને વડાપ્રધાને પહેલેથી જ ભારતીય રસ્તાની જાહેરાતનો વિરોધ કર્યો હતો. પણ તેનો અર્થ એમ પણ નથી કે ચીનને ભારતનાં પાડોશીનો ઉપયોગ પ્રોક્સી તરીકે કરવામાં રસ નથી. ચીન માટે નેપાળ અને અન્ય કેટલાક દેશ જે ભારતના પાડોશી છે તે હજી પ્રમાણમાં જુવાન લોકશાહી છે, ત્યાં હજી રાજકીય પરિવર્તનો થઇ રહ્યા છે. ચીન તકવાદી છે, એ કંઇ નવી વાત નથી. આ તરફ ભારત માટે નેપાળ જેવા દેશ સાથે સ્થિર સંબંધો પણ જરૂરી છે. બેઇજિંગની સત્તાએ નેપાળી વડાપ્રધાનને ઉશ્કેરીને ભારત વિરોધી વલણ લેવા તૈયાર કર્યા જ છે, નેપાળ ચીનનાં વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો ભાગ પણ છે. ભારત સાથે વાટાઘાટો કરવા નેપાળે બે વાર તૈયારી બતાડી પણ દિલ્હીએ પ્રતિભાવ ન આપ્યો તેમ નેપાળનું કહેવું છે. ભારતનો અભિગમ એવો રહ્યો છે કે આ કંઇ એટલો મોટો મુદ્દો નથી, પછી જોઇ લેશું અને એમાં પરિસ્થિતિ વણસી રહી છે.
એક્સપર્ટ્સનાં મતે તો આ સમસ્યાના એકથી વધુ વિકલ્પો હોઇ શકે છે, જેને માટે બન્ને દેશોએ વિચાર કરવાની જરૂર છે. રાષ્ટ્રવાદ, પ્રાદેશિક અને સાર્વભૌમત્વનાં ગુંચવાડામાંથી ઉપખંડને મુક્ત કરી જ શકાય તેમ છે પણ સંવાદ વિના આ શક્ય નથી. અવગણનાને પગલે ક્લેશ વધશે જ.
બાય ધી વેઃ
તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ગુલાબો સિતાબોની વાર્તાનું મૂળ છે બેની લડાઇમાં ત્રીજો ફાવે, બસ ભારત અને નેપાળે આટલી સીધી વાત સમજવાની જરૂર છે. કોઇ પ્રશ્ન નાનો હોય તો તેને એ હદે ન ટાળવો જોઇએ કે તે ‘એલિફન્ટ ઇન ધી રૂમ’ બની જાય. ઐતિહાસિક, ટેકનિકલ અને નકશાકીય દાવાઓનો તો કોઇ અંત નહીં આવે પણ એમાં ચીન અને પાકિસ્તાન જેવા પડોશીઓ આ ચકમકમાંથી પોતાની સગડીના કોલસા સળગાવી ન જાય તે જોવાનું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જૂન 2020