ઉચ્ચ શિક્ષણ આપતી વિદ્યાસંસ્થાઓએ પોતાની ગરિમા દિવસે દિવસે વધુ ઉજ્જ્વળ કરતી રહેવી જોઈએ, એવી આપણી અપેક્ષા વધુ પડતી નથી. પણ કોઈ સંસ્થા પોતાની પ્રતિષ્ઠા ઝાંખી થાય એવા વિઘાતક નિર્ણયો કરે ત્યારે, આવા નિર્ણયોનો હિંમતપૂર્વક વિરોધ કરવો જ જોઈએ. ઘણા સમયથી આપણા શિક્ષણક્ષેત્રના પ્રશ્નો વધુ ને વધુ ગૂંચવાતા રહ્યા છે. તાજેતરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિષયની અભ્યાસક્રમ સમિતિએ એક વર્ષ પૂર્વે કરેલા નિર્ણયોને અચાનક ખાસ સભામાં જે કારણે બદલ્યા તે અનિચ્છનીય છે. (‘વીર નર્મદ યુનિવર્સિટીનાં શિક્ષણ સાહિત્યની સ્વાયત્તતા પર હુમલો’, ભરત મહેતા, ‘નિરીક્ષક’. ૧૬/૨/૨૦૨૦)
પૂર્વે ગુજરાતી વિષયની અભ્યાસક્રમ-સમિતિએ ભીષ્મ સાહનીની મહત્ત્વની કૃતિ ‘તમસ’ (અનુવાદક : નારાયણ દેસાઈ) અને હરિકૃષ્ણ પાઠક સંપાદિત ‘આપની યાદી’(કલાપી)ને દૂર કરવાનો આપખુદ નિર્ણય ખાસ સભામાં લીધો. આપણા વિચારથી જુદા પ્રકારની કૃતિ હોય જ નહીં? આપણી સંસ્કૃતિ તો બહુલતાવાદને સ્વીકારનારી છે અને તેથી જ આપણી સંસ્કૃતિ સમૃદ્ધ છે. વધુ ને વધુ સંકુચિત બનવાથી નુકસાન આપણને જ થવાનું છે, થઈ રહ્યું છે. ‘તમસ’ અને ‘આપની યાદી’ને અભ્યાસક્રમમાંથી કાઢવાના નિર્ણય માટે અમે સાંભળ્યું છે કે વિષય-નિષ્ણાત તરીકે ડૉ. નીતિન વડગામા અને ડૉ. ઉષા ઉપાધ્યાય સભામાં મૌન રહ્યાં તેથી કૃતિઓને નિષ્કાસિત કરવામાં સરળતા રહી એવું લાગે છે. આ ખાસ સભામાં, યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના ખાસ પ્રતિનિધિ તરીકે ડૉ. ભરત ઠાકોરને હાજર રખાયા હતા. આપણને આશ્ચર્ય થાય કે ત્રણ મિત્રોની એક અધ્યાપક અને સાહિત્યકાર તરીકેની સમજ અને નિષ્ઠાનું શું?
આ રીતે જ બધું ગબડતું રહેશે, તો ભવિષ્યના ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, દર્શક આદિને પણ આવી સભા યુનિવર્સિટીની બહાર ધકેલી દે તો નવાઈ નહીં.
આપણો બુદ્ધિજીવી વર્ગ આવા સમયે ન બોલે, તો એનો અર્થ આપણે શું કરવો ? એ જ રીતે આપણાં વર્તમાનપત્રો (જેને ‘ચોથી જાગીર’ કહીએ છીએ) પણ કેમ મૂંગાં છે ? એમણે આવા મુદ્દે ખોંખારીને બોલવું જોઈએ.
આપણા ગુજરાતીના અધ્યાપકસંઘો, ગુજરાતી સાહિત્ય પરિષદ, સાહિત્ય અને કળાની અન્ય સંસ્થાઓ અને સમગ્ર, શિક્ષણજગતે પણ સક્રિય બની ચર્ચા કરવી જોઈએ. આવા આપખુદ નિર્ણયને ચલાવી લઈશું તો પરિસ્થિતિ વધુ બગડતી જશે. ફરીફરી ઉમાશંકર જોશીને યાદ કરી કહીએ : ‘સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી કાં ગુલામ?’ ડૉ. ભરત મહેતાએ પહેલ કરી ‘નિરીક્ષક’માં પૂર્વે લખ્યું એ માટે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ. દ.ગુ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને અન્ય અધ્યાપકોને, જે કંઈ થયું તે સંદર્ભે કંઈક કહેવાનું થાય છે કે નહીં?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 08