Opinion Magazine
Number of visits: 9447102
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વપ્નસિક્ત સંઘર્ષના દોરમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 June 2020

કોરોનારણ્યે અભયની ખોજમાં જડેલી એક બુટ્ટી કથિત સામાજિક અંતર – સોશ્યલ ડિસ્ટન્સની છે. ખરું જોતાં, વાજબી રીતે જ, સૂચવાયું છે તેમ મુદ્દો ફિઝિકલ ડિસ્ટન્સનો છે. આપણે ત્યાં, દલિતવંચિતશ્રમિકસર્વહારા જે કહો એની પાસે શારીરિક કે ભૌતિક અંતરનો અવકાશ નથી, અને બીજી બાજુ એક નાનકડા ટાપુલોકથી એને અંતર જ અંતર છે. વિલાસવૃદ્ધ, સુવિધાસમૃદ્ધ ટચુકડા મુંબઈની ખોળાધરી, તમે જુઓ, વિશ્વવિશ્રુત સ્લમખદબદ ધારાવી છેઃ એની કને જણ જણ વચ્ચે જરૂરી શરીરઅવકાશ કે જગામોકળાશ નથી; પણ પેલું જે ‘મુંબઈ’, એને મુકાબલે સામાજિક અંતર? એ તો બેહિસાબ છે – એની વાંસોવાંસ આ લખતે લખતે સૂઝેલો પ્રયોગ ‘બેનકાબ’ છે. બેહિસાબ-બેનકાબ એ પ્રાસ તાલમેળ લાગે, અને છે પણ; પરંતુ આ દિવસોમાં વિકૃત વિકાસનું દુર્દૈવ વાસ્તવ બિલકુલ બેનકાબ થઈને સામે આવ્યું છે તે આવ્યું છે. ગુજરાતમાં વખતોવખત એક તબકાને જેનું એકાવનમું રાજ્ય થવાનો સોલો ઉપડતો રહે છે એ અમેરિકામાં, જોગાનુજોગ, આ જ દિવસોમાં ફરી એક વાર ગોરાકાળાનું સોશ્યલ ડિસ્ટન્સ કહેતાં નસલવાદ/ જાતિવાદ/ વંશવાદ ઉભરી આવેલ માલૂમ પડે છે.

… પણ ૨૦૨૦ની આ સાલને જરી જુદી રીતે પણ સમજવા ને બૂજવા જેવી તો છે સ્તો ! એ બેઠી શાહીનબાગની બુલંદી સાથે, અને એનો અધવચનો ઉભાર સાગરને પેલે પારથી ‘બ્લૅક લાઇવ્ઝ મૅટર’નો છે. બેઉ ઘટના સમાનતા અને ન્યાય માટેની મનુષ્યજાતિની છટપટાહટની સાહેદી છે. અને એ અર્થમાં એમ પણ કહેવાની ઊર્મિ સહજ જ થઈ આવે કે આપણો આ દોર વસંતગર્ભા શિશિર શો કે પછી સ્વપ્નગર્ભ બલકે સ્વપ્નસિક્ત સંઘર્ષનો છે.

ફરિયાદ અને વેદનાને ધોરણે લખવા જેવું અલબત્ત ઘણુંબધું છે. જ્યોર્જ ફ્લોય્‌ડ ઘટનાએ નસલવાદને મામલે આપણ સૌને ઝંઝેડ્યા ને ઝકઝોર્યા છે. અમેરિકામાં ઓબામાના ઉદય સાથે થયું હતું કે લિંકનની શહાદત બે સૈકા વટીને રંગ લાવી રહી છે. કેવાં હતાં વચલાં વરસો – સાડા ચાર દાયકા પરનાં એક કાર્ટૂનદર્શનનાં સંભારણાં આ મિનિટે પણ દૂઝતાં અનુભવું છું. કાર્ટૂનિસ્ટે સ્વાતંત્ર્યદેવીનું પૂતળું દર્શાવવા સાથે એનો પડછાયો પણ રજૂ કર્યો હતો. સાથેલગી બોલકી એટલી જ અંદર અંદર શારતી એકપંક્તિકા હતી – સ્વાતંત્ર્યદેવીનો પડછાયો કાળો છે!

ના, લિંકન – માર્ટિન લ્યુથર કિંગ – ઓબામા પરંપરા નકામી નથી ગઈ. જ્યોર્જના શ્વેત પડોશીઓએ (કિંગના અમેરિકન ડ્રીમ અને માલ્કમ એક્સના માફ્રિકન ડ્રીમ વચ્ચે આફ્રિકી-અમેરિકી મેળની પ્રક્રિયા ભલે તનાવમાંથી પસાર થઈ રહી હોય) ઘૂંટણિયે પડી સૌ આફ્રિકી અમેરિકી સાથી નાગરિકોની ખિદમતમાં ક્ષમાપ્રાર્થનાનો ઉપચાર કરતાં સંકોચ નથી કર્યો. ઉત્કટ હૃદયભાવ અને ઇતિહાસબોધ વિના આ ન જ બને. પ્રમુખ ટ્રમ્પને સારુ તે બાવનબહારની બીના હશે તો હશે. પણ વિપરીત સંકેતો અને પ્રવાહો છતાં ‘અન્કલ ટૉમ્સ કેબિન’(હેરિયટ બીયર સ્ટો)થી માંડીને ‘બ્લૅક લાઈક મી’ (જ્હોન હાવર્ડ ગ્રિફિન) પ્રકારની સાહિત્યધારાનો એક આખો સિલસિલો રહ્યો છે, તો ‘બ્લૅક ઇઝ બ્યુટીફૂલ’ જેવો આફ્રિકી-અમેરિકી ઉદ્‌ઘોષ (અને અમેરિકી સમાજનું નવ્ય એસ્થેટિક્સ) પણ વચલાં વર્ષોમાં વિકસેલ છે.

કમાલ તો તમે જુઓ, સ્વપ્નસિક્ત સંઘર્ષ અને વસંતગર્ભા શિશિર શી, મેરિયમ-વેબ્સ્ટર ડિક્શનરી નવસંદર્ભમાં શબ્દાર્થવિકાસ અને શબ્દાર્થસુધારની રીતે વિચારે છે. કોઈકે વેબ્સ્ટર દફતરને લખ્યું કે જુઓ ચોમેરચોફેર આ શું ચાલી રહ્યું છે. કોશમાં નસલવાદ / વંશવાદ (રેસિઝમ)નો અર્થમાં કેટલો સીમિત છે – નથી લાગતું તમને કે નસલવાદ જરી ઓર સમજૂત માગે છે. શી છે કોશમાંહેલી પરંપરાગત સમજૂત? જે તે મનુષ્ય સમુદાય બાબતે એનાં ગુણલક્ષણ સઘળું નક્કી કરનાર પ્રાથમિક પરિબળ એની જાતિ/વંશ/નસલ (રેસ) છે, એવી માન્યતા તે નસલવાદ. નસલ, નસલ વચ્ચેનું જે અંતર તે અમુકેક ચોક્કસ નસલને જન્મગત શ્રેષ્ઠતા (ઇન્હેરન્ટ સુપિરિયોરિટી) બક્ષે છે, એવી માન્યતા. હવે વર્તમાન સંદર્ભને અનુલક્ષીને મેરિયમ વેબ્સ્ટર કોશ કાર્યાલયની સંપાદક મંડળીમાંથી એકે આપેલ પ્રતિભાવ મુજબ નસલવાદની સમજૂતમાં બે વિગતમુદ્દા બિનચૂક ઉમેરવાનું વિચારાઈ રહ્યું છે. એક તો, નસલગત કારણોસર કોઈ ચોક્કસ પ્રજાવર્ગ સાથે સંસ્થીકૃત ભેદભાવ. બીજું, જે તે દેશમાં કે રાજ્ય હેઠળ નસલગત ધોરણે અસમાન સત્તાવહેંચણી.

આ દિવસોમાં, આમ, જો અમેરિકાની મર્યાદાઓ દેખાઈ આવી તો લિંકન અને કિંગની પરંપરામાં એની સમાનતાલક્ષી ક્ષમતા પણ વધુ એકવાર અંકિત થઈ અને ભલે ઇંચ બ ઇંચ પણ વિશ્વમાનવતાનાં આગેકદમની સંભાવના પણ અંકે થઈ. શાહીનબાગ ઘટનાએ સ્થાપિત કરેલ કીર્તિમાન ૨૦૨૦ના વરસનું યશોજ્જવલ પ્રભાત હતું જેમાં લઘુમતી મહિલાઓ દેશના બંધારણ અને તિરંગાની સાખે પૂરા કદની નાગરિકતા વાસ્તે શાંતિમય નિદર્શનમાં ઊતરી હતી.

જો કે, એની બધી જ સર્જનાત્મક શક્યતાઓમાં રહેલી ઇતિહાસતકને જાણે રોળીટોળી નાખવી હોય એમ ઇશાન દિલ્હીમાં આપણે પ્રાયોજિત કોમી કાંડ પણ જોયો. ચારેકોર કોરોના કોરોના ઓથાર વચ્ચે ઇશાન દિલ્હીમાં હાલ મોડે મોડે જાગેલ દિલ્હી પોલીસે જે બધી એફ.આઈ.આર. દર્જ કરવા માંડી છે એમાં તે વખતે જેઓ ચોખ્ખા જવાબદાર જણાતા હતા એ તો બાજુએ જ રહી ગયા છે. વાચકને યાદ હશે કે એ દિવસોમાં દિલ્હી હાઇકોર્ટે (ન્યાયમૂર્તિ મુરલીધરે અને બીજાઓએ) ૨૬મી ફેબ્રુઆરીએ ઉશ્કેરણીકારો સામે એફ.આઈ.આર. કેમ નથી દર્જ કરી એવો સોંસરો સવાલ પૂછ્યો ત્યારે સોલિસિટર જનરલે લાળા આવ્યા હતા કે હજુ એ માટે ‘કન્ડ્યુસિવ’ અને ‘એપ્રોપિયેટ’ સમય પાક્યો નથી. કોણ હતા એ ઉશ્કેરણીકારો? ભા.જ.પ. અગ્રણી કપિલ મિશ્રા, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પરવેશ સિંહ વર્મા. શું હતી એમની ઉશ્કેરણી? ‘વિરોધ પોકારનારાઓને ખદેડો.’ (પોલીસને અલ્ટિમેટમ). મંત્રીએ પૂછ્યું – ‘દેશ કે ગદ્દારોં કો’; ટોળું બોલ્યું, ‘ગોલી મારો.’ વળી, ‘આ લોકો (સમજ્યાને ?) તમારા ઘરમાં ઘૂસી બહેનદીકરીને મારશે.’ ‘ન્યાયમૂર્તિએ આલા પોલીસ અફસર અને સૉલિસિટર જનરલને કહ્યું કે તમારાં  દફતરોમાં ટી.વી. છે તો આ બધું જોતા નથી? છતાં, તમે જુઓ, આ લખાઈ રહ્યું છે ત્યારે ય ઉશ્કેરણીકારો એફ.આઈ.આર.થી સદંતર મુક્ત છે!

નિરાશા કે નિઃસારતાની રીતે નહીં પણ સર્જનાત્મક ક્ષણો વચ્ચે પણ કેવાં બધાં યથાસ્થિતિનાં અને પ્રતિગામી બળો ઇતિહાસમાં દુર્નિવારપણે હોય છે એ દર્શાવવા આ દાખલો લગરીક વિગતે આવ્યો છે. શ્રમિકોના પ્રશ્નો દેશની સર્વોચ્ચ અદાલત ભલે મોડેથી પણ સુઓ મોટો લેતી થઈ અને ૧૯૯૧ની નવી આર્થિક નીતિમાંથી આવેલો નવમધ્યમ વર્ગ શ્રમિકો વિશે કિંચિત સ-ભાન બન્યો એ આ ગાળાની જરૂર એક લબ્ધિ લેખાશે. પચાસ કરોડ લગોલગની એમની સંખ્યામાં આર્થિક-સામાજિક સુરક્ષા સમેતની નોકરી આખા ચારપાંચ કરોડ પાસે છે. હમણાં સુધી એ આંકડા હતા, હવે જીવતા માણસ છે.

જો કે, સંસદના ચોમાસુ સત્રમાં સર્વ કામદારોને સુરક્ષા બક્ષતા કાયદાને નામે રજૂ થઈ રહેલો ખરડો ૧૯૨૩થી ૨૦૦૮ દરમ્યાન આ સંદર્ભે થયેલા નવ કાયદાઓના (જે છતાં ચાળીસ-પિસ્તાળીસ કરોડ શ્રમિકો હજી અરક્ષિત છે, એના) એકત્રીકરણથી આગળ નથી. મતલબ, શ્રમિકો પૂરા કદના નાગરિક બને એ મજલ હજુ લાંઆઆબી હોવાની છે, અને નવજાગ્રત સભાનતાનો જખમ દૂઝતો રાખવાની જવાબદારી નાગરિક સમાજ કર્મશીલોની છે. કાશ, સરકાર આ કર્મશીલોને રાજકીય હરીફના ખાનામાં નાખી રંજાડવાને બદલે જુદી રીતે વિચારી શકે! ગમે તેમ પણ કોવિડ પર્વે કર્મશીલ તબકા ઉપરાંતના વ્યાપક પ્રજાવર્ગને શ્રમિકોના દુર્દૈવ વાસ્તવ બાબતે ઝંઝેડ્યો છે તે મોડેવહેલે પણ પરિણામદાયી બન્યા વગર નહીં રહે.

આ બધા મુદ્દા વિમર્શમાં સ્થાન પામે અને પડ જાગતું રહે તે તટસ્થ મીડિયાએ જોવું જોઈશે. સોશ્યલ ડિસ્ટન્ટસ(વાસ્તવમાં ફિઝિકલ ડિસ્ટન્સ)ની ચર્ચા આપણે ત્યાંના દલિત વાસ્તવને કેન્દ્રમાં લઈ આવી તો અમેરિકામાં વળી આફ્રિકન-અમેરિકન મુદ્દો એકદમ જ જાગી ઊઠ્યો. બને કે ટ્રમ્પ એમાં સામી ચૂંટણીએ ‘રોકડી’ કરી આપતું ધ્રુવીકરણ જોતા હોય. પણ વેબ્સ્ટરે નસલવાદનો અર્થ સામ્પ્રતમાં સ્ફૂટ કરવાની જે માનવીય ચેષ્ટા દાખવી એ વૃક્ષ પરની ટગલી ડાળીનો નવ્ય ઇતિહાસ-રોમાન્સ છે. અને એ સ્તો સ્વપ્નસિક્ત સંઘર્ષના આ દોરમાં આપણું સંબલ છે.

જૂન ૧૪, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 01-02

Loading

16 June 2020 admin
← પરિષદ-પ્રમુખની ચૂંટણી સંદર્ભે થોડા સ્ફુટ વિચાર
ગાંધીવિચારના ભાષ્યકાર અને સર્વોદય ચિંતક દાદા ધર્માધિકારી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved