ભારત સામે એક સમસ્યા છે. એમાં ઓછામાં ઓછા બે અને કેટલીકવાર તો પાંચ કે છ પક્ષકાર છે. પક્ષકાર દેશી છે, વિદેશી છે, એક સમયના દેશી પણ હવે વિદેશી છે. જે દેશી છે એ ધર્મ, ભાષા, પ્રદેશ અમે દરેક પ્રકારના દેશી છે. એ સમસ્યા સો વરસ, દોઢસો વરસ અને એનાથી પણ જૂની છે અને દરેક પક્ષકારને સમાધાન થાય એ રીતે તેનો હજુ નિકાલ આવતો નથી. સમસ્યા અંગ્રેજોને પણ વારસામાં મળી હતી, અંગ્રેજોએ તેનો લાભ લઈને વધારે અઘરી કરીને વારસામાં આપી છે અને અંગ્રેજોએ પેદા કરીને સ્વતંત્ર ભારતને વારસામાં આપી હતી. અને આવી સમસ્યા એક-બે-પાંચ નથી; પણ પચાસ છે. આ ભારત દેશ છે. આવી જે પચાસ જેટલી સમસ્યા છે એમાં એક ચીન સાથેનો સરહદી વિવાદ છે.
મને સમજાતું નથી કે ચપટી વગાડતા દરેક સમસ્યાને હલ કરવાનો આત્મવિશ્વાસ આપણા વડા પ્રધાન ક્યાંથી લઈ આવે છે? કાં તો એમને સમસ્યાના સ્વરૂપનું ભાન નથી અથવા તેમને એ ઉકેલવામાં કોઈ રસ નથી. મને તો બંને સંભાવના એક સરખી સાચી લાગે છે, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ક્યારે ય ભારત સમજાયું નથી અને વિદેશથી આયાત કરેલા રાષ્ટ્રવાદના ચશ્માંથી તેઓ ભારતને જુએ છે. તેમને ભાન જ નથી કે ભારત ઇટલી નથી. જો ભારતનાં સ્વરૂપની સાચી સમજ હોત તો સવાલ થવો જોઈતો હતો કે જેમાં બંને પક્ષકાર હિંદુ છે એવી સમસ્યાઓ કેમ ઉકેલાતી નથી? અને આવી એક-બે નથી; એક ડઝન સમસ્યાઓ છે જેમાં બંને પક્ષકારો હિંદુ છે. ઉદાહરણ આપવાં હોય તો હિંદી ભાષાના રાષ્ટ્રભાષા તરીકેના સ્વીકારનું આપી શકાય. બે રાજ્યો વચ્ચેનાં સરહદી વિવાદોનું આપી શકાય, પ્રાંતીય ભાષાઓનું આપી શકાય. અનામતનું આપી શકાય, ભૂમિપુત્ર અને પરપ્રાંતીઓનું આપી શકાય. જેમાં બંને પક્ષકારો હિંદુ હોય એવી સમસ્યાઓ કેમ નથી ઉકેલાતી? આર.એસ.એસે. અત્યાર સુધી દરેક સમસ્યાનું રાષ્ટ્રવાદના નામે સરળીકરણ જ કર્યું છે. તેમની સમસ્યા એ છે કે જો દેશની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરે તો તેમના ધ્યાનમાં આવે કે અહીં તો બાંધછોડ કરવી પડે એમ છે અને બધાને સાથે રાખીને ચાલવું પડે એમ છે. એટલે ભાંગી નાખું કાપી નાખુંના પાડો બરાડા!
આમ વડા પ્રધાનને ભારતની ટિપીકલ સમસ્યાઓની ખાસ કોઈ સમજ હોય એમ લાગતું નથી, કારણ કે સંઘને સમજ નથી. આ ઉપરાંત સમસ્યા ઉકેલવા તેઓ કોઈ ગંભીર હોય એમ પણ લાગતું નથી. જરૂર શું છે જ્યારે પાળેલા શ્વાન બોલેલા શબ્દોને બ્રહ્મવાક્ય માનીને ચાટતા હોય અને ભક્તો તાળીઓનો ગડગડાટ કરતા હોય. બંને મળીને સાચવી લેશે.
શ્વાનો તો પૈસા માટે જયજયકાર કરે છે પણ ભક્તોએ એક વાર અમસ્તા વિચારવું જોઈએ કે દાદાભાઈ નવરોજીથી લઈને મનમોહન સિહ સુધીના શું બધા જ લોકો નમાલા અને નાસમજ હતા? સમજદારી અને બહાદુરીનો પ્રાદુર્ભાવ પહેલી વખત ૨૦૧૪માં થયો? જો સમસ્યા એક બે નહીં પચાસ જેટલી હોય, એ પાછી સો દોઢસો વરસ જૂની હોય, એમાં અનેક પક્ષકારો હોય અને દાદાભાઈ નવરોજીથી લઈને મનમોહન સિંહ સુધીના એકાદ હજાર મહાનુભાવો હલ કરી શક્યા ન હોય એ આપણા સાહેબ ચપટી વગાડતા ઉકેલી નાખે! થોડી તો અક્કલ વાપરો!
ચીન સાથેનો સરહદી વિવાદ આવો પેચીદો છે. એમાં ભારત, પાકિસ્તાન. ચીન, તિબેટ અને કાશ્મીર એમ પાંચ પક્ષકારો છે. એ અંગ્રેજોએ આપણને વારસામાં આપ્યો છે અને તેને ૧૦૭ વરસ થઈ ગયાં છે. ૧૯૧૩માં બ્રિટિશ ભારત-તિબેટ અને ચીન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી થઈ હતી જેમાં અંગ્રેજોએ ખેંચેલી સરહદની રેખા ચીને તેની નિર્બળતાને કારણે માન્ય રાખવી પડી હતી. એ સમયે સમજૂતી ઉપર સહી કરતી વખતે ચીનના પ્રતિનિધિએ લખ્યું હતું: નોટ એક્સેપ્ટેબલ એન્ડ સાઈનિંગ વિથ પ્રોટેસ્ટ. ભારતને આઝાદી મળી અને અને ચીન સામ્યવાદી બન્યું એ પછી બે દેશ વચ્ચે એક વાર યુદ્ધ થઈ ચૂક્યું છે. ચીને અનેક વાર સરહદનું ઉલ્લંઘન કર્યું છે અને તેની પાછળનો ઈરાદો ભારતને મૂંઝવવાનો હોય છે. પાકિસ્તાને અક્સય ચીનનો પ્રદેશ ચીનને આપી દીધો છે જ્યાંથી કોર્રાકોરમ હાઇવે કાઢવામાં આવ્યો છે. હવે પાકિસ્તાનના ગ્વાડર બંદર સુધી બીઝનેસ કૉરીડોર બનાવી રહ્યું છે. ચીને ભારતનાં તમામ પાડોશી દેશો સાથે સમજૂતીઓ કરીને ભારતને લગભગ ઘેર્યું છે. આ ઉપરાંત ચીનની લશ્કરી અને આર્થિક તાકાત ૧૯૬૨ની તુલનામાં અનેકગણી છે. ચીન અત્યારે એક મહાસત્તા છે.
આનો અર્થ એવો નથી કે ભારતે ચીન સામે ઝૂકી જવું જોઈએ. જો લડી શકાય એમ હોય અને લડવું હોય તો લડવાની ગંભીરતાપૂર્વક તૈયારી કરવી જોઈએ જે રીતે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં કરી હતી. જો સરહદીવિવાદ સાચો હોય (અને સાચો છે જ) તો તેનો વાતચીત દ્વારા આપ-લેના ધોરણે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. જો ભારતે પોતાના કબજાનો પ્રદેશ ન જ છોડવો હોય અને લડાઈ પણ ટાળવી હોય તો એ રીતના સંભવ હોય એવા પ્રયાસ કરવા જોઈએ. આગલી સરકારો આ ત્રીજા વિકલ્પ માટે પ્રયાસો કરતી આવી છે એ કોઈ પણ દૃષ્ટિએ નબળાઈ તો ન જ કહેવાય. પણ નરેન્દ્ર મોદીને એમ લાગતું હોય કે તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે એમ છે તો કરે તૈયારી!
આ ત્રણ સિવાય કોઈ ચોથો વિકલ્પ નથી. વડા પ્રધાન કોઈ એક વિકલ્પ અપનાવી લે. આજે બન્યું છે એવું કે ચીને લદાખમાં દસેક હજાર સૈનિકો ઉતાર્યા છે અને પંદર-વીસ કિલોમીટર વિસ્તાર કબજે કરી લીધો છે અને ભારત નથી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતું કે નથી વાસ્તવિકતા બદલી શકતું. ડોકલામમાં પણ આવું જ બન્યું હતું. હાકલા પડકારા કરતા રહીએ અને સાથે પ્રદેશ ગુમાવતા રહીએ એ ડહાપણનો સોદો કહેવાય?
મારો અંગત અભિપ્રાય એવો છે કે ભારતે બીજો વિકલ્પ અપનાવવો જોઈએ. ૧૯૧૩ની સરહદ-સમજૂતી એકપક્ષીય અને દાદાગીરીવાળી હતી. એ વાત જુદી છે કે ચીન જે પ્રદેશ ઉપર દાવો કરે છે એ ચીનનો પ્રદેશ નથી, પણ તિબેટનો છે જેને ચીન રક્ષણ કરવાને નામે ગળી ગયું છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જૂન 2020