અમેરિકામાં જ્યોર્જ ફ્લોય્ડનું પોલીસના અત્યાચારથી મોત થયું, ત્યાં તોફાનો ફાટી નિકળ્યાં અને ભારતમાં વૉટ્સએપ સ્ટેટસ ફાટી નિકળ્યા. પોતાના દેશમાં થતી સમસ્યાઓ પર રાજકીય ઝુકાવ અનુસાર કોલાહલ કરાય છે જે શરમજનક કહેવાય.
કોરોના, તીડ, નિસર્ગ આ બધાંની વચ્ચે એક ચિંઘાડ બીજી ઊઠી અને એ કદાચ આઘાતની બધી સીમાઓ પાર કરી ગઇ. લૉકડાઉનમાં સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેનારાઓ કેરળની એ દર્દનાક ઘટનાને એક યા બીજી રીતે કવખોડી, તેની પર આર્ટવર્કસ પણ બન્યા જે સતત શેર પણ કરાયા. માનવતા મરી પરવારી છેનો ઘોંઘાટ પણ ગરજ્યો અને પછી રતન તાતાથી માંડીને બૉલીવુડનાં સિતારાઓ, પી.એમ.ઓ. સહિત દરેકે પીડાની ટીસ વ્યક્ત કરી. મોડી રાત સુધીમાં જાત ભાતની ચોખવટો, ચર્ચાઓ અને વિશ્લેષણ પણ આવ્યા અને કેન્દ્ર સરકારે આ મુદ્દામાં પૂરી તપાસ થશે તેમ પણ કહ્યું. બદનસીબે એક મુંગા પ્રાણીનો જીવ ગયો અને તેની પર રાજકારણીઓની રોટલી પણ શેકાવા માંડી તો તેને કોમી રંગ આપવાનો ખેલ પણ પ્રસાર માધ્યમોએ કર્યો.
એક સગર્ભા હાથણીનું મોત થયું કારણ કે તેને ફટાકડા ભરેલું અનાનાસ ખવડાવી દેવાયું. આ અમાનુષી ઘટનાની ચર્ચાઓનો દેકારો એટલો થયો કે અમુક વાસ્તવિકતાઓ ઘોંઘાટમાં દબાઇ ગઇ. પહેલા તો સમાચાર એમ આવ્યા કે આ ઘટના મલ્લાપુરમમાં થઇ જ્યાં સંજોગોવશાત મુસલમાનોની સંખ્યા મોટી છે તો હકીકતમાં હાથણીનું મૃત્યુ પલક્કડ જિલ્લાનાં મન્નારક્કડ વિસ્તારમાં થયું હતું. ‘ધી હિંદુ’ અખબારમાં આવેલા એક રિપોર્ટ અનુસાર મન્નારક્કડનાં ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર અનુસાર હાથણીને આ અનાનાસ જાણી જોઇને ખવડાવાયું હતું તેવા કોઇ પુરાવા ન હતા. બીજી એક સામાન્ય હકીકત બહાર આવી છે કે જંગલની સરહદ પાસે જે ખેડૂતો રહેતા હોય છે તે પોતાના પાકને જંગલી સુવરોથી બચાવવા માટે આવા ફટાકડા ભરેલા અનાનાસ મુકતા હોય છે. વળી કેરળ સરકારા તો હજી માર્ચમાં જ એવો કાયદો પસાર કર્યો હતો કે જંગલી સુવરોને સરકારી અધિકારીઓ ધારે તો ગોળીએ દઇ દઇ શકે અને આ કાયદો પાછો એક અન્ય વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નાં સેક્શન 62ને સમાંતર છે જેમાં અમુક પ્રાણીઓને વર્મિન એટલે કે નુકસાનકારક ગણીને તેમની કત્લ કરી શકાય છે.
તમે માનશો નહીં પણ જંગલી સુવર ઉપરાંત નિલગાય અને માંકડા પણ આ લિસ્ટનો ભાગ છે. પ્રાણીઓ તો આ પણ મૂંગા જ છે. હવે બિચારી સગર્ભા હાથણી સાથે જે થયું એ ખરેખર દર્દનાક છે પણ તેની પાછળ જે ખેલ થઇ રહ્યો છે વધુ ચિંતાજનક છે. જંગલખાતાના અધિકારીઓએ આ કૃત્ય કરનારાઓને સ્વાર્થી કહ્યા, મીડિયામાં શરૂઆતનાં રિપોર્ટ્સમાં પણ હકીકતો ખોટી હતી અને લોકોને જાણે કોરોનાનાં કાળમુખા સમાચારો વચ્ચે કંઇ નવી ચર્ચા મળી ગઇ, તો રાજકારણીઓએ પોતાની ચોપાટનાં પાસા નાખ્યાં.
જંગલો આખરે છે કોની માલિકીનાં? હાથણીનાં મોતની સાથે સાથે એક બીજા હાથીનાં મોતની ચર્ચા પણ ચાલી. કેરળમાં હાથીઓનાં મોત થવા સામાન્ય બાબત છે એવો અવાજ પણ ઉઠ્યો. મુદ્દો એ છે કે વિકાસને નામે હાથીનાં મોત પર મગરનાં આંસુ સારનારા લોકોએ જંગલોનો સફાયો કરી નાખ્યો છે. બે હાથે અંકરાતિયાની માફક માંસાહાર કરનારાઓએ પણ આક્રંદ કર્યો પણ તેમને જે પ્રાણીઓ ખાવાં છે, તેના ઉછેર માટે પણ તો જંગલો કપાતા રહે છે, પાણીનાં સ્રોત પર પણ માણસને કબજો કરવો છે. પ્રાણીઓ તેમના પોતાના વસવાટનાં વિસ્તારો ગુમાવતા રહે છે અને ભૂલથી સ્વાર્થી માણસોનાં પ્રદેશોમાં આવી જાય છે અને જીવ ગુમાવે છે, પછી તે હાથી હોય, દીપડા હોય કે પછી કોઇ બીજા પ્રાણીઓ.
હાથી હોય કે સુવર, હત્યા તો કોઇની પણ ક્રૂરતા જ છે. જેમનાં ઘર છીનવી લીધા છે તેમનાં મોત પર રોદણાં રડવાને બદલે જે ખરી સમસ્યા છે તેનો વિચાર કરવો જરૂરી છે. અહીં કોઇ પણ રાજકીય પક્ષની વાત છે જ નહીં બસ વાડાબંધી, ફાટાબંધી, કોમવાદ નહીં પણ નક્કર સમસ્યા પર જે જોઇ શકે તેવી સત્તાની જરૂર છે.
બાય ધી વેઃ
અમેરિકામાં જ્યોર્જ ફ્લોય્ડનું પોલીસના અત્યાચારથી મોત થયું, ત્યાં તોફાનો ફાટી નિકળ્યાં અને ભારતમાં વૉટ્સએપ સ્ટેટસ ફાટી નિકળ્યા. પોતાના દેશમાં થતી સમસ્યાઓ પર રાજકીય ઝુકાવ અનુસાર કોલાહલ કરાય છે જે સાવ શરમજનક કહેવાય. વૉટ્સએપ પર સાઇન કરાતા પિટીશન્સથી કોઇ ફેર નથી પડતો એ પણ તમારે સમજવાની જરૂર છે. અરુણાચલ પ્રદેશમાં જે 3 લાખ વૃક્ષો એક બંધનાં પ્રોજેક્ટને લીધે કપાઇ જવાનાં છે તેની પીડા પણ એટલી જ થવી જોઇએ. માણસ અને પ્રાણીઓનાં સંઘર્ષ ઘટાડવા માટે જંગલ બચાવવાં પડશે એટલું સાદું સત્ય વિકાસ ભૂખ્યા માણસને ખબર પડવી જોઇએ. ગરીબ ગુરબાં ખેડૂતો જે ટચૂકડી જમીન પર કંઇક ઊગાડીને પેટ ભરે છે તેની ય ચિંતા સત્તાવાળાઓને થવી જોઇએ અને જ્યારે જંગલખાતા પાસે તેઓ મદદ માગે અને હતાશા સાંપડે ત્યારે તેઓ અનાનાસ ભરેલા ફટાકડા વાપરી પ્રાણીઓથી પાકને બચાવે તો તેમને માથે માછલાં ધોવા કે સત્તાધીશોનો કૉલર પકડવો તે પણ આપણે વિચારવું પડે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જૂન 2020