Opinion Magazine
Number of visits: 9450069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યૉર્જ ફ્લૉઈડને વિવિધ કવિઓ દ્વારા અંગ્રેજીમાં કાવ્યાંજલિનું સંકલન અને અનુવાદ

સં. રૂપાલી બર્ક|Poetry|5 June 2020

૧.

લી. : સૅલી ડગમૅન

(જ્યૉર્જ ફ્લૉઈડના અંતિમ ઉદ્ગારોનું શબ્દસહ લિપિયાંતર સૅલીએ કર્યું. સૅલી મુજબ એ ઉદ્ગારો કવિતાથી કમ નથી.)

મારો ચહેરો છે, ભાઈ
મેં કશું ગંભીર નથી કર્યું, ભાઈ
પ્લીઝ
પ્લીઝ
પ્લીઝ, મારાથી શ્વાસ નથી લેવાતો
પ્લીઝ, ભાઈ
પ્લીઝ, કોઈ છે?
પ્લીઝ, ભાઈ
મારાથી શ્વાસ નથી લેવાતો
મારાથી શ્વાસ નથી લેવાતો
પ્લીઝ
(…શબ્દો સંભળાતા નથી…)
મારાથી શ્વાસ નથી લેવાતો, બળ્યું
હું કરીને રહીશ
મારાથી હલાતું નથી
મામા
મામા
નથી થતું
મારો ઢીંચણ
મારા વૃષણ
નથી જીરવાતું
નથી જીરવાતું
મને ગભરામણ થાય છે
મારું પેટ દબાય છે
મારી ડોક દબાય છે
થોડું પાણી કે કશુંક
પ્લીઝ
પ્લીઝ
મારાથી શ્વાસ નથી લેવાતો, ઑફિસર
મને મારી ન નાખશો
મને મારી નાખશે, ભાઈ
છોડી દો, ભાઈ
મારાથી શ્વાસ નથી લેવાતો
મારાથી શ્વાસ નથી લેવાતો
આ લોકો મને મારી નાખશે
આ લોકો મને મારી નાખશે
મારાથી શ્વાસ નથી લેવાતો
મારાથી શ્વાસ નથી લેવાતો
પ્લીઝ, સર
પ્લીઝ
પ્લીઝ
પ્લીઝ, મારાથી શ્વાસ નથી લેવાતો …

સ્રોત : countercurrents.org

•

૨.

કવિ : ટૅનર મૅંગમ

કેમ કરી મૌન રહું?
શું કામ ઝૂકીને ઊભો રહું?
મૌન એ સંમતિ છે
અજ્ઞાનતાનું બહાનું હવે ચાલે એમ નથી

બહાનાને સ્વીકૃતિમાં ફેરવવા પડશે
હું શ્વેત વ્યક્તિ છું
મારો પૂર્વગ્રહ ઓળખું છું
મારો વિશેષાધિકાર પીછાણું છું
વણમાગેલો વિશેષાધિકાર અચૂક લાભ કરે છે મને
ક્યારે ય અવલંબવો પડતો નથી
મારે ટીકાત્મક પક્ષપાત
અન્યાયી પ્રથાઓનો સામનો મારે કરવાનો આવતો નથી

નથી વહોરવા પડતા મારે ઘૃણા ને શંકા
કે કટ્ટરતા, ઇતરત્વ ને વિરોધ
સ્વીકારવું અઘરું છે, જે કેટલા બધા જાણે છે
એ લાગણી હું જાણું છું એમ કહી શકતો નથી

જાતિવાદના વાસ્તવને સ્વીકારવો એટલે
મારે ઘણું કરવાનું છે એનું ભાન થવું
કરૂણાના પૂલ બાંધવાના
ને અવિશ્વાસની દિવાલો ધ્વંસ કરવાની.

ઊંડે મારા હૃદયમાં એ જીવે છે
મને ને બીજાને જવાબદાર ઠેરવવાની પ્રતિબદ્ધતા
અન્યોની કહાનીઓ ને અનુભવોનો આદર કરવાની વચનબદ્ધતા
ખુલ્લા મનથી જોવા-સમજવાનું

હું જોઉં છું તમને, મારા અશ્વેત મિત્રો
અનંત દમન વેઠતા
સતત પૂર્વગ્રહનો સામનો કરતા
કપટી તંત્ર સામે લડતા

તમારી વિરુદ્ધ ખડકાયેલા તંત્રો
સ્વાભાવિકપણે આપણને એકબીજા વિરુદ્ધ ખડકી દે છે
અમુક માટે જ સ્વાતંત્ર્ય અને ન્યાય
અંતે એકેય માટે સમાનતા હોતી નથી.

સ્રોત : instagram

•

૩.

કવિ : બ્રિલિયન્ટ પોંગો

હું શ્વાસ નથી લઈ શકતો
ને હાથકડી પહેરાવી, તમારો ઢીંચણ દબાવો છો
મારી બોચી પર
આવું કેવું, હું અશ્વેત છું માટે?

મારી સેવા ને રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તમે
પણ તમે તો મારો પ્રાણ ખૂંચવી લીધો
હું વિનવું છું, હું શ્વાસ નથી લઈ શકતો
મારું પેટ, મારી ડોક, બધું જ દુ:ખે છે

તમે વાત કરો છો એટલે તમે જીવતા છો
પ્રતિકાર બંધ કર!!!
હું શ્વાસ લઈ શકતો નથી, હું વિનવું છું
પરંતુ દરેક વિનંતી સાથે તમે વધુ ભાર વધારો છો
શ્વાસ લેતો અટકાવવા મને.

કૉલિન રૅન્ડ કૅપરનિકનો ઢીંચણ જમીન પર હતો
કોઈ વ્યક્તિની બોચી પર નહીં
તો ય રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ રોષે ભરાયા હતા
હવે એક શ્વેત પોલીસવાળાનો ઢીંચણ એક જિંદગી બુઝાવી દે છે, તેથી શું?

તમે થાળે પડી જશો
આક્રોશ શમવા દેશો
અમે ચારેય ઑફિસરોને નોકરીમાંથી કાઢી નાખ્યા છે
એફ.બી.આઇ. તપાસ કરી રહી છે

મારા આંતરમનમાં ગમગીનીના વાદળો છવાય જાય છે
ન્યાય મને ક્યાં ય દેખાતો નથી
કથિત આર્થિક ઘટના તરીકે જે શરૂ થઈ
અશ્વેત માણસ માટે ફરી એકવાર જીવલેણ સાબિત થઈ.


અશ્વેત માણસ જીવન ગુમાવે, શ્વેત માણસ માત્ર નોકરી ગુમાવે

હું શ્વાસ નથી લઈ શકતો
મને પીડા થાય છે
હું અશ્વેત છું
હું અમેરિકન છું
હું ગુનેગાાર નથી
મારે શ્વાસ લેવાની જરૂર છે
હું શ્વાસ નથી લઈ શકતો
પ્લીઝ, મને શ્વાસ લેવા દો
અશ્વેત લોકો પણ મનુષ્યો છે.

સ્રોત : reportfocusnews.com

•

૪.

કવિ : મૈનેમન

હું ઢીંચણનો ભાર ખમું છું જ્યારે
વિભિન્ન જાતિના મારા ભાઈઓ ને બહેનો સાથે ઊભો રહું છું
હાથ ઉપર, ‘હત્યાના બનાવો માટે ન્યાય’ની
બૂમો પાડતા લોકોને મદદ કરવા
રાજ્યોના બધાં શહેરોનું સંકલન કરતા
અમને અહેસાસ થાય છે કે નિષ્ક્રિય રહેવા માટે
હવે ખૂબ મોડું થઈ ચુક્યું છે
આપણે ભેગા મળીને સારા માટે બદલાવ લાવવો જ પડશે
જો વિલંબ કરીશું તો બીજાની જેમ માર્યા જઈશું
કોણ ખરેખર દુષ્ટ છે એ જાણવા માટે
લોકોને મરવું પડે છે એ દુ:ખદ છે
ઘૃણા સામે બળવો પોકારો
પણ લોકોની વચ્ચે રમખાણ ના થવા દો
આશા સેવું છું, દોસ્તો, આપણે સાથે મળીને ચાલી શકીએ
જેથી આપણા બાળકોની આજ બને એમનું ભવિષ્ય
પ્રાર્થું કે અન્ય સંસ્કૃતિઓ વચ્ચે
ખુલ્લા મને જીવે શાંતિમાં
હું ઢીંચણનો ભાર ખમું છું જ્યારે
વિભિન્ન જાતિના મારા ભાઈઓ ને બહેનો સાથે ઊભો રહું છું

સ્રોત : youtube

•

૫.

કવિ : લૉરા કૅમિલૅન

મારાથી શ્વાસ નથી લેવાતો
આ શબ્દો પડઘાય છે
મારા મસ્તકમાં
વધુ એક માણસ
નિર્દોષ છતાં ય મર્યો
ના દોષ, ના ગુનો
મારા કરતાં જુદી ચામડીના રંગને લીધે મર્યો

વધુ એક જિંદગીનો ભોગ લેવાઈ ગયો
કારણ વગર
માણસ સાથે વ્યવહાર થાય એવો નહીં
ઉંદર સાથે થાય એવો
હજુ કેટલી જિંદગીઓનો ભોગ લેવાશે
ઊંઘમાંથી જાગીશું ત્યાં સુધી?

ચામડીના જુદા રંગથી
શું તમારું મૂલ્ય ઘટી જાય છે?
અપમાન સહન કરવા માટે તમને
સજ્જ કરે છે?
શું ભેદ છે
તમારા ને મારામાં?
મને જીવવાનું મળે
ને તમારે મરવું પડે.

મારાથી શ્વાસ નથી લેવાતો
શ્વાસ માટે વલખા મારતો એ બોલેલો
એની પ્રાર્થનાના જવાબની અપેક્ષા હતી એને
તો ય એકલો મરી ગયો
કોઈ પાસે એની પીઠ નહોતી
એનું એકમાત્ર કારણ
એ અશ્વેત હતો.

સ્રોત : guidemematter.com

•

૬.

કવિ : નિમો બૅસી

શારીરિક અંતર ઘટે
એમ સામાજિક અંતર વધે
જ્યોર્જ ફ્લોઇડની બોચી ને દેહમાં
કાતિલ પોલીસવાળાના ઢીંચણ ખૂંપેલા ત્યારે
આપણે જોયું તો ખરું
મારાથી શ્વાસ નથી લેવાતો
આગ ઝબૂકે ત્યારે
ગોળીઓ છૂટે ત્યારે
ઘૃણાના ધોળાયેલા શસ્ત્રાગારમાંથી
ખૂની કૂતરા ને વિનાશના
ક્યારે ય ન સાંભળેલા એવા
શસ્ત્રો છોડવામાં આવે ત્યારે
આપણી બૂમો સંભળાવવી જ જોઈએ એમને
મારાથી શ્વાસ નથી લેવાતો
આપણા માથા ઉપરની ધરીમાં ગોઠવાય છે
ક્લ્પનાની ઉડાન ને નફરતના વાવટા
ને નાગરિકો, કાળા-ધોળા, પીળા-લાલ
ને બીજા દૂર ને પાસે
ઘૂંટણે નમે છે સુદૃઢતામાં
જાતિવાદ વિરુદ્ધ
ગુલામી વિરુદ્ધ
સંસ્થાનવાદ વિરુદ્ધ
રાજાશાહી વિરુદ્ધ
ઘોષણા કરતા
મારાથી શ્વાસ નથી લેવાતો
જ્યાં સુધી એક જાતિને ઊંચી
ને બીજી જાતિ ને નીચી ઠેરવતી ફિલસૂફી
પૂરેપૂરી ને કાયમી ધોરણે
વગોવાશે અને ત્યજાશે નહીં
ત્યાં સુધી બધે યુદ્ધ જ છે
હું કહું છું
મારાથી શ્વાસ નથી લેવાતો
હવામાં મુક્કા ઉગામતા
અમે ઘૂંટણે નમીએ છે સુદૃઢતામાં
આંતર-રાષ્ટ્રિય સુદૃઢતા માટે સામૂહિક યત્ન
ને ઘોષણા કરીએ છીએ : ઘૃણા ને જાતિવાદનો
વાયરસ ફરી ક્યારે ય
અમારા લોકોનો શ્વાસ છીનવી શકશે નહીં
આપણે ફરી શ્વાસ લેવો જ પડશે!

સ્રોત : oilchangeinternational.org

•

૭.

કવિ : ઊમંગ કુમાર

ઘરબંધી, ચક્કાજામ
ઍરિક ગાર્નર સાથે પડી ગયું ન્યુયોર્ક તું
શ્વાસ હેઠો બેઠો જ નહીં તારો
કોણે જાણેલું કે તારી ભીતર વાયરસ
આટલા લાંબા સમયથી હયાત હતો
તારા લીલા ફેફસાંને ય ચેપ લાગ્યો છે એનો
નવું શું છે —
આ વાયરસે ટ્રેવૉનનો પીછો કર્યો, તામીરનો ભોગ લીધો
ફ્રૅડીને પાડી દીધો, સૅન્ડ્રાને બુઝાવી દીધી
આખા દેશમાં ફેલાઈ ચુક્યો છે વાયરસ
શું આહમુદથી આગળ નીકળી જવા માગતા હતા?
મિનિયાપલિસના હાથ ફિલૅન્ડોના લોહીથી ખરડાયેલા છે
યાદ રહે, આ રીતે એ હત્યા કરે છે, જ્યોર્જ
ડોક પર ઢીંચણ મૂકી
ભાર દઈને
તમને કચડવા
શ્વાસ રૂંધી કાઢવા
સિવિયર
ઍક્યુટ
રૅસ્પિરેટ્રી
સિન્ડ્રોમ
મહામારી —
અમેરિકા, તું માસ્ક અને હૂડની પાછળ
કે સમયથી છૂપાતું ફરે છે
આરોગ્યનાં બીજાં લક્ષણો સાથે
કૉરૉનરી આર્ટરી ડિઝીઝ હાઇપરટેન્સીવ હાર્ટ ડિઝીઝ
હવામાં ફરતા વાયરસની જેમ પથરાયેલી છે
શ્વેત નિર્દોષતાનું એરસૉલ ધુમ્મસ
કોણ કહે છે કે વાયરસ
જાતિ કે વર્ગના ભેદભાવ વિના મારે છે.

સ્રોત : cafedissensusblog.com

•

૮.

કવિ : ટોની ફ્રૅન્ચ

શ્વેત સંસ્કૃતિમાં જન્મેલા ને ઐતિહાસિક દૃષ્ટિએ શ્વેત વંશ
રાખોડી રંગની અનેક ઝાંય છે ને
લોકોમાં કંઈ કેટલી વિવિધતા
પણ તમે જોઈ શકો છો મારા ચહેરા પર
એક અશ્વેત માણસ, જ્યોર્જ ફ્લોઇડની હત્યા મધ્યે
શ્વેત હોવાને લીધે ભોગવતો વિશેષાધિકારની કબૂલાત કરવા માગું છું
અભાનપણે પણ, આવા સમયે શિખવા ને વિકસવા માટે
જે પડકારનો સામનો કરું છું, એની કસોટી થાય છે
માટે બધું બાજુએ મૂકીને મારે આટલી તો શરૂઆત કરવી પડશે :
જ્યૉર્જ ફ્લૉઇડને શ્ર્દ્ધાંજલિ અર્પીને,
એક પિતા, અશ્વેત વ્યક્તિ, શાંતિ અને પ્રતિકારના કર્મશીલ
અમેરિકામાં વસતા અશ્વેત સમુદાય આગળ શીશ નમાવું
જ્યાં આ માણસ સમુદાયમાંથી,
‘અશ્વેત જિંદગીઓ દરકારલાયક છે’ની એકતામાંથી
સાહજીક આક્રોશમાંથી, પ્રતિકારમાંથી ખોવાયેલો છે
યુ.એસ. પોલીસ અને અશ્વેતો માટે  યુ.એસ.ના અનાદર સામે
સજા ભોગવવાના ડર વિના થઈ રહેલા દેખાવો વચ્ચે
જ્યારે એની જિંદગી, બીજાની માફક, અન્યાય સામે હારી જાય છે.

સ્રોત : thepoetryoftonyfrench.com

•

૯.

કવિ : ગેરશૉન સાયમન

“શ્વેત માણસ દોડી શકે, તો હું કેમ નહીં?”
“શ્વેત માણસ જોખમ વિના આક્રોશભર્યો પ્રતિરોધ કરી શકે, તો હું કેમ નહીં?”
“શ્વેત માણસને નામના મળી શકે, તો મને કેમ નહીં?”
“શ્વેત માણસ ઘસરકા વગર પ્રતિકાર કરી શકે, તો હું કેમ નહીં?”
“શ્વેત માણસનો ગુનો સાબિત થાય ત્યાં સુધી એ નિર્દોષ ગણાય, તો હું કેમ નહીં?
“શ્વેત માણસ નિ:શસ્ત્ર જતો રહી શકે છે, તો હું કેમ નહીં?”
“શ્વેત માણસ વિશેષાધિકાર ધરાવે, તો હું કેમ નહીં?”
“શ્વેત માણસ મુક્ત છે, તો હું કેમ નહીં?”
“શ્વેત માણસ જીવતો રહે, તો મારે શા માટે મરવું?”

સ્રોત : thetribunedemocrat.com

•

૧૦.

કવિ : ઍન્ટની ઓઅન

તારા મૃત્યુનો સફેદ પ્લેગ નિહાળ્યો મેં
ચાલ, આ નુકશાનની કિંમત કાઢીએ
વીસ ડૉલરની નોટ ને વધુ એક જાતિવાદી રાષ્ટ્રપ્રમુખ
જેની માલિકીમાં સાવ ભુલાઈ ગયેલા ગુલામોના ઘાસથી ખરડાયેલા ઢીંચણ છે.

અશ્વેત અને છુપાયેલા લૅન્સમાં ઝડપાયેલું મૃત્યુ સાદું હોય છે
મરતા વ્યક્તિની આંખો તમે લૂંટી શકતા નથી, એ ભાઈ છે મારો
ને હું મૂળભૂત રંગોથી કંટાળેલો શ્વેત વ્યક્તિ છું
અમારી ચામડીનો દોષ અમારો નથી અને તો ય છે.

 

પૃથ્વીની ધરીની ગોળાઈમાં રૂપાળા ધોળા તારા નથી
અધિક્રમિક ગીધો જેવા એ ઉપગ્રહો છે
ને હવે એ એટલી તીવ્રતાથી તને ઝંખે છે કે તારી કિંમત વધી ગઈ છે
સંત, ના, માણસ, હા, મિરૅન્ડા* વિનાનો માણસ.

જ્યૉર્જ ફ્લૉઇડ — પથારીમાં મારા ઢીંચણ પર આ કાવ્ય લખાયું છે
મારા લૅપટૉપના માંસલ હૂંફાળા શ્વાસને અડતી મારી શ્વેત ચામડી
ટૂંકમાં જ એ શ્વાસ લેવાનું બંધ કરશે ને હું સરી જઈશ ઘોર, સુરક્ષિત નિદ્રામાં
કારણ અશ્વેત માણસ વિશે લખતો શ્વેત માણસ છું,
તારું આખું જીવન અને મૃત્યુ ચોરીને બેઠો છું.


* ધરપકડ કરાયેલી વ્યક્તિનો વકીલ રોકવાનો કાનૂની અધિકાર

સ્રોત : antonyowenpoetry.wordpress.com

•

૧૧.

કવિ : જોહેના ઍલી

આ કાવ્ય શરૂ કરેલું
મારા પાડોશીનાં વૃક્ષ માટે
કેવી જોઈ રહી હતી માણસોને
૪૦ ફૂટ ઊંચે ચઢેલા
જૂના કૉર્ક ઓકના વૃક્ષ
ઘટાટોપ ડાળીઓ વચ્ચે
એના ગૂંચવાયેલા લીલા વાળાઓને
આછા ને ટૂંકા કરવા
વિચારતી હતી
કઈ ડાળી કાપવી કેવી રીતે
ખબર પડતી હશે
શું વૃક્ષને પીડા થતી હશે?
એમની સાંકળકરવતની ત્રાડ સાંભળી
શેરીના કૂતરા ભસવા લાગેલા
મરડાયેલી શાખાઓ કાપી નાખવામાં આવી
ને લાકડા વહેરવાના યંત્ર સુધી ઊંચકી જવાઈ
વૃક્ષો પ્રેમની ક્રીડા કરે છે —
એ ઑક્સીજન વહેંચે છે
પણ હવે દરેક વૃક્ષની ડાળીઓમાં
મને વારંવાર બોલાયેલી ઉક્તિ સંભળાય છે
“હું શ્વાસ નથી લઈ શકતો”
ગઈ રાતે, વધુ એક અશ્વેત માણસ
કપાયેલા ઓક જેવો જમીન પર પછડાઈ પડ્યો
એકેએક હાથપગ કાપવાને બદલે
એક પોલીસવાળો એ માણસની ડોક પર ઢીંચણ વડે
વજન આપી બેસી ગયો
“હું શ્વાસ નથી લઈ શક્તો”
એમ મહામુસીબતે એ બોલતો હતો
એનાથી ક્યાં ય વધુ સમય સુધી.
વૃક્ષ કાપનારા ચાલ્યા ગયા છે
ને કોર્ક ઑક ઊભું છે અડીખમ ને સુંદર —
એની મજબૂત શાખાઓ ઉપર તરફ વળેલી
પ્રકાશને પહોંચવા સારુ
“શ્વાસ લે”, વૃક્ષ કાનમાં કહે છે
“મારો પ્રેમ ભરી લે તારામાં”
પરંતુ અમારા અવાજો ડાળીઓમાં કણસે છે
એક કાવ્ય આપણે ફરી બોલવું પડશે —
જ્યૉર્જ ફ્લૉઇડના અંતિમ શબ્દો
“હું શ્વાસ લઈ શકતો નથી”.

સ્રોત : sanfranciscochronicle.com

~

Loading

5 June 2020 admin
← કોરોનાના કમઠાણ પછી શેમ્પૂપ્રધાન બજારનું શું?
સાવરણો →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved