અહીંથી તારા દૂરના ઘરના છેડે
મારે ય તારી જેમ
પગપાળા ખેડવી છે આ ખેપ !
ધરતીને ધરાઈને જોઈ શકું
ઘેઘૂર ને સુક્કાં ઝાડવાંને
તાપભેળાં આંખે ભરી શકું
ને ધોમ ધોમ ધખતા
તાપને માથે ફાળિયાની જેમ બાંધી
ચાલી શકું
ભૂખને બાંધી શકું ખભે
સુક્કી નદીમાં નીતારી શકું
મારી તરસના ભીના છેડાને.
બુઝાતી જતી આશાને
ગાંઠે બાંધી ઢસડાતો
મને જોઈ શકું !
ને તો જ કદાચ
તારી કરુણ કથાને
કાવ્યમાં કંડારી શકું
કદાચ …
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020