Opinion Magazine
Number of visits: 9446708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોરસદ પ્લેગનિવારણઃ લોકલક્ષી નેતાગીરીનું યાદ કરવા જેવું પ્રકરણ

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|2 June 2020

કોરોનાનો મુકાબલો કરવાના મામલે રાજ્યોની અને દેશની નેતાગીરીના મૉડેલ સામે ઘણા સવાલ ઊભા થયા છે. આખા કોરોનાકાળમાં અદૃશ્ય રહેવું એ મંત્રીઓની શૈલી રહી છે અને વક્તવ્યો ફટકારી જવાં-અવનવી પ્રવૃત્તિઓ આપી જવી, એ વડાપ્રધાનની. આ વાત વિપક્ષી નેતાઓ માટે પણ એટલી જ સાચી છે.

આવા સંજોગોમાં લોકલક્ષી નેતૃત્વ હોય તો શું થઈ શકે? તેનું એક ઉત્તમ મૉડેલ ગાંધીજી, સરદાર પટેલ અને દરબાર ગોપાલદાસે બોરસદમાં જે રીતે પ્લેગનો મુકાબલો કર્યો, તેમાંથી મળે છે. એ ખરું કે બોરસદનો પ્લેગ તેનાં ૨૭ ગામ પૂરતો ફેલાયો હતો. પરંતુ એ ગામોમાં તેનો આતંક હતો. સરખામણી જ કરવી હોય તો, ચેપગ્રસ્તો માટે એ કોરોના કરતાં પણ વધારે જીવલેણ હતો. ત્યારના નેતાઓ પાસે આજના જેવાં સાધનસામગ્રી કે દૂર રહીને સક્રિયતા દાખવી શકાય એવી ટૅક્નોલોજી ન હતાં, એવું કોઈ ચોક્કસ કહી શકે. પરંતુ કયા ગુણો નેતાગીરીને આત્મલક્ષી કે સત્તાલક્ષી નહીં, પણ પ્રજાલક્ષી બનાવે છે, તેનાં તારણ બોરસદના પ્લેગના પ્રસંગમાંથી કાઢી શકાય છે. સાથોસાથ, ઇવેન્ટ મૅનેજમૅન્ટ અને પ્રજાલક્ષી વહીવટ-આયોજન વચ્ચેનો તફાવત પણ ગાંધીજીની-સરદારની કાર્યપદ્ધતિમાંથી સ્પષ્ટ રીતે જાણવા મળી રહે છે. ગાંધીજીના સત્યાગ્રહને ઘણું ખરું રાજકીય ઓજાર તરીકે જોવામાં આવે છે, પણ બોરસદ સત્યાગ્રહને કારણે ઊભા થયેલા વાતાવરણ ઉપરાંત સત્યાગ્રહ થકી મળતી સામાજિક સેવાની બહુઆયામી તાલીમનો સીધો પરિચય પણ પ્લેગનિવારણના પ્રસંગમાંથી મળે છે. કેવળ રાજકીય આઝાદી અને રાજકીય વ્યૂહરચનાઓ પર લક્ષ્ય રાખવાને બદલે પ્રજાકીય ઘડતર કરવાની ગાંધીજીની તાલાવેલી અને નોંધપાત્ર સફળતા પણ આવા પ્રસંગોએ દેખાઈ આવે છે.

બંને મહાન નેતાઓના જીવનમાં બોરસદનું પ્લેગ પ્રકરણ પ્રમાણમાં ઓછું જાણીતું રહ્યું છે. પણ તે જરા ય ઓછું યશસ્વી નથી અને બાવલાંને બદલે મૂલ્યોમાં ધ્યાન આપવું હોય, તો એકાદ સદી પછી પણ તેમાંથી ઘણા બોધપાઠ મેળવી શકાય એમ છે. અગાઉ તેનો ટૂંકો ઉલ્લેખ આ પાનાં પર કરવામાં આવ્યો હતો. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સમયના સાથીદાર અને પછી ચરોતરમાં સરદારના સાથી બનેલા રાવજીભાઈ મણિભાઈ પટેલે તેમના પુસ્તક જીવનનાં ઝરણાં (ભાગ-૧)માં આખો ઘટનાક્રમ વિગતે નોંધ્યો છે. તેનાં પ્રકરણ ૧૧૯ (બોરસદ પ્લેગનિવારણ), પ્રકરણ-૧૨૦ (પ્લેગની સામે સફળ મોરચો), પ્રકરણ ૧૨૧ (પ્લેગના દરદીઓનું દવાખાનું), અને પ્રકરણ ૧૨૨ (મહાત્માજીના આશીર્વાદ)માંથી ચુનંદા અંશ.

•

બોરસદ પ્લેગનિવારણ 

° રાવજીભાઈ મણિભાઈ પટેલ

જે પુરુષ સેવાના ક્ષેત્રમાં હંમેશનો બેઠો હોય છે તેને સેવા શોધવા જવી પડતી નથી. સરદારશ્રી વલ્લભભાઈ પટેલ નાસિક જેલમાંથી મુક્ત થઈને મુંબઈમા આખા ગુજરાત ઉપર દૃષ્ટિ નાખતા બેઠા હતા. દરબારસાહેબ (દરબાર ગોપાલદાસ) બોરસદ સત્યાગ્રહ છાવણીમાં બેઠા હતા. તે બોરસદથી અને હું નડિયાદથી  જિલ્લાની પરિસ્થિતિથી વારંવાર તેમને વાકેફ રાખતા હતા.

બોરસદ તાલુકામાં પ્લેગ ચાલતો હતો. સને ૧૯૩૨માં પ્રથમ કેસ બનેલો. પણ આવા કેસ બનતાં સુધી તરત આપણે કે આપણી સુધરાઈઓ જાગ્રત થતી નથી. કેટલીક વખત તેમને ખ્યાલ પણ નથી હોતો. મરણ નોંધાવનાર પોતાને તકલીફમાં ઊતરવું પડે એટલા માટે પ્લેગથી નીપજેલા મરણને બીજું કોઈ કારણ આપી નોંધાવે છે. પ્લેગનું મરણ નોંધાયેલું હોય તો પણ નોંધનાર તે માણસ બહારથી આવ્યો હતો અને હવે બીજો તેવો કેસ નથી, તેમ જ થવા સંભવ નથી એવો હેવાલ ઉપરી અધિકારીને મોકલી આપે છે અને પોતાની જવાબદારી પૂરી થઈ સમજે છે. આમ બેદરકારી ચાલી … સને ૧૯૩૫માં સત્તાવીસ ગામમાં મળીને સાડા ચારસો કેસ થયા … દરબારશ્રીએ સરદારસાહેબને બોરસદનાં ગામોના પ્લેગની વાત લખી મોકલી અને લોકોમાં પ્લેગને કારણે ફેલાઈ રહેલા ત્રાસથી માહિતીગાર કર્યા. સરદારશ્રીએ ડૉક્ટર ભાસ્કર પટેલને બોલાવીને તેમની મદદ માગી. તેમણે મદદ આપવાની તત્પરતા બતાવી. ડૉક્ટર ભાસ્કર પટેલ ૧૩મી માર્ચ(૧૯૩૫)ના રોજ બોરસદ તાલુકામાં આવ્યા. બે-ત્રણ દિવસ પ્લેગવાળા ગામોમાં ફરી વળ્યા અને ત્યાંની પરિસ્થિતિનો હેવાલ તૈયાર કરીને સરદારસાહેબ સમક્ષ રજૂ કર્યો. (યાદ રહેઃ સરદાર કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા ન હતા અને ડૉ. ભાસ્કર પટેલ તેમના કર્મચારી ન હતા.)

સરદારસાહેબે પૂછ્યું , ‘ડૉક્ટર, આનો કંઈ ઉપાય ખરો?’… ડૉક્ટર ભાસ્કરે જણાવ્યું, ઉપાય તો છે જ. યુરોપમાં આવા ચેપી રોગને આમ વધવા દે નહીં. તુરત જ તેના ઉપર અંકુશ મૂકે અને જે હોય તેને ધીમે ધીમે નાબૂદ કરે. આપણે પણ તેમ કરી શકીએ.’ સરદારશ્રીએ જાણવા ઇચ્છ્યું, ’કેટલી મુદતમાં આ કાર્યને આપણે પહોંચી વળીએ?’ ડૉક્ટર ભાસ્કરે સત્તાવીસ ચેપવાળાં ગામોની શુદ્ધિ કરવાની અને પ્લેગના જે દરદીઓ જૂના ચાલુ હોય અને નવા થાય તેમને માટે દવાખાનું ઊભું કરવાની સૂચના કરી. એકંદરે બે અઢી માસ જેટલું ત્યાં સતત રહેવું જોઈએ.

‘પણ આમાં એક કાર્યકુશળ ડૉક્ટરની જરૂર પડે જ. તમે આ કાર્ય માટે બે માસ આપી શકશો? તમે આવો તો પ્લેગને વાળીઝૂડી કાઢવાનો અખતરો બોરસદ તાલુકામાં કરીએ. માણસના જુલમનો સામનો કરવા સાથે પ્લેગ જેવા ચેપી રોગનો સામનો કરીને તેને પણ આપણે ભગાડી શકીએ છીએ, એવું દુનિયાને બતાવીએ.’

ડૉક્ટર ભાસ્કર ધૂળિયા જેલમાંથી મુક્ત થઈ માંડ માંડ મુંબઈમાં ગોઠવાઈ જવાની શરૂઆતમાં હતા. આ સેવા કરવાનું કહેણ સરદારશ્રીએ આપ્યું તેને અવગણાય પણ શી રીતે? તેમણે હા પાડી અને સરદારશ્રીએ દરબારશ્રીને લખી જણાવ્યું કે બોરસદના પ્લેગની સામે લડાઈ કરવા બોરસદ આવું છું. ત્યાં પ્લેગસંકટનિવારણ છાવણી ઊભી કરવી, ગામ બહાર અનુકૂળ સ્થળે સ્વયંસેવકોને રહેવાજમવાની સગવડ કરવી, ત્યાં પાણી વગેરેની સગવડ હોવી જોઈએ. પ્લેગના દરદીઓ માટે દવાખાનું પણ ઊભું કરવું પડશે. આ બધાં માટે વિચાર કરીને જગ્યાની પસંદગી કરજો.

આ પત્ર વાંચીને દરબારસાહેબે મને બોરસદ બોલાવ્યો. બોરસદના કેટલાક મિત્રોની મદદથી બોરસદ સત્યાગ્રહ છાવણની પાસે જ મીઠા પાણીના કૂવાવાળા મોટા ખેતરોમાં માંડવા બંધાવ્યા. સ્વયંસેવકોને રહેવાને માટે, રસોડાને માટે, સામાન માટે, સરદારશ્રી માટે તેમ જ મહાત્માજી પણ કદાચ આવવા ઇચ્છે તો તેમને માટે પણ એક માંડવો આંબા નીચે તૈયાર કર્યો. સત્યાગ્રહ છાવણીને માટે દવાખાનું બનાવ્યું. વીસ પચીસ ખાટલા, ગાદલાં, ચાદરો, ઉશીકાં વગેરે દરદીઓ માટેનાં સાધન તૈયાર કર્યાં. ડૉક્ટર ભાસ્કરે જોઈતી દવાઓની યાદી કરી તે પ્રમાણે સરદારશ્રીએ મુંબઈથી દવાની પેટીઓ મોકલાવી. આમ બધી તૈયારી થઈ ગઈ.

પણ પ્લેગ સામે બાથ ભીડવાની હતી. તે માટે સ્વયંસેવકો જેટલા વધારે મળે તેટલું જલદી કામ થાય. સરદારશ્રીએ આ કાર્યનું જોખમ સ્પષ્ટ સમજાવીને તે જોખમ પોતે સમજીને સેવાની ભાવનાથી કામમાં આવે એવા સ્વયંસેવકો માટે જાહેર અપીલ કરી. દરબારસાહેબને તેવા સાઠેક ઉમેદવારો મળ્યા. એટલી સંખ્યા બસ હતી. ઓછી હોત તો પણ કામ તો થાત જ. એક અઠવાડિયામાં જ આ બધું તૈયાર થઈ ગયું. આ કાર્યમાં બોરસદમાં ધંધો કરતા ડૉક્ટર જીવણજી રતનજી દેસાઈએ પણ ડૉક્ટર તરીકે પોતાની સેવા આપવાની ઇચ્છા દર્શાવી. તે મદદ પણ સારી મળી. આમ બધું ગોઠવાયું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં તો અમારું કામ શરૂ થઈ ગયું.

સરદારશ્રીએ આવીને પ્લેગમાં સપડાયેલાં બધાં ગામોની મુલાકાત લીધી અને લોકોને વિનંતી કરી કે અમે જે કામ ઉપાડીએ તેમાં તમારો સહકાર આપીને અમારી સૂચના પ્રમાણે વર્તશો તો આ દુઃખમાંથી છૂટશો.

પ્લેગનિવારણ છાવણીને મોખરે જ એક મોટા રાયણના વૃક્ષ નીચે સરદારશ્રીનો માંડવો હતો. રાયણની નીચે ખાટલામાં થડિયાને અઢેલીને બેઠા બેઠા વાતો કરતા કે પત્રિકા લખતા કે થયેલા કાર્યની બાતમી મેળવતા જ્યારે ત્યારે સરદારસાહેબને આપણે દેખીએ.

પ્લેગની સામે સફળ મોરચો

જેવી લડાઈ તેવું સાધન, એ સૂત્ર આપણે મહાત્માજી પાસેથી શીખ્યા છીએ. પ્લેગની સામેની લડાઈમાં ચાર મુખ્ય સાધનો યોજ્યાં હતાં : ૧. સ્વયંસેવકો ૨. દરદીઓની સારવારની અને હવાશુદ્ધિની સામગ્રી ૩. પ્રજાનો સહકાર અને ૪. પ્રચાર.

૧. પ્લેગનો ભય તજીને કામે લાગે એવા નાનામોટા સ્વયંસેવકો. તેમાં સરદારશ્રી અને દરબારશ્રી જેવાનો પણ સમાવેશ થઈ શકે. તે અન્ય સ્વયંસેવકોને ઉત્સાહ, સાધન અને દોરવણી આપે. તે ફક્ત દૂર બેઠા બેઠા પત્રિકાઓ લખે અને સૂચના જ આપે, પણ જોખમથી ડરે તો ન જ ચાલે. તેમણે તો સૌથી પ્રથમ જોખમમાં પડવું જોઈએ. તો જ બીજા સ્વયંસેવકો હિંમતથી કામ કરી શકે. આમાં તે બન્ને વડીલો માટે કહેવાપણું ન જ હોય. (એ વખતે સરદારની ઉંમર ૬૦ વર્ષ અને દરબારસાહેબની ઉંમર ૪૮ વર્ષ હતી.) જાહેર કામ કરવાની ઇચ્છાવાળા કૉલેજના અને બીજા ઘણા યુવકો પ્લેગના ચેપથી ડરીને ભાગતા, ત્યાં આવવાની હિંમત પણ કરતા નહીં. કેટલાક યુવાનો આવતા પણ તેમનાં માબાપને ખબર પડતી ત્યારે કજિયો કરીને તેને પાછા ભગાડી જતાં … એક ભય તો ઊભો હતો જ. સ્વયંસેવકો અને છાવણીઓની વ્યવસ્થા કરનારા એકંદરે એકસો માણસની સંખ્યા પૈકી કોઈને પ્લેગ લાગુ પડે તો? આથી માબાપની ઇચ્છાવિરુદ્ધ ત્યાં રહેવાને સરદારસાહેબ કોઈને ઉત્તેજે નહીં. તેઓ તો એમ જ કહે કે જેમને સહેજેય ડર હોય, શંકા હોય તેઓ ભલે ચાલ્યા જાય. અને જે ગણ્યાગાંઠ્યા માણસો નભોયા થઈને ત્યાં કામમાં રોકાય તેમનાથી જ ચલાવી લેવું ….

૨. પ્લેગના રોગથી સપડાયેલા દરદીઓની પાસે રહી તેમની સારવાર કરવી, દવા આપવી, તેમને માટે જોઈતાં સાધનોની અને ખાવાપીવાની વ્યવસ્થા કરવી વગેરે. આમાં ડૉક્ટરો અને સારવાર કરનાર બરદાસીનો સમાવેશ થઈ જાય. આ કાર્ય સહુથી વધારે જોખમી હતું. તેમાં દરબારસાહેબનાં પુત્રો અને પુત્રવધૂઓ રહ્યાં.

૩. … દેવદેવીની વહેમી માન્યતાને કારણે કેટલાક અજ્ઞાન વર્ગનો સહકાર નહોતો મળતો. આ તો માતાનો કોપ, તેમાં દવા ન થાય, દવા કે ઉપચાર કરીએ તો માતા કે દેવ કોપે અને આપણું સત્યાનાશ વાળે … એવા વહેમોથી દૂર રહી પૂરો સહકાર પ્રજા આપે તો કાર્ય સરસ અને જલદી થાય.

૪. ઉપરનાં ત્રણેય સાધનો સાથે પ્રચારનું સાધન પણ જોઈએ. પ્લેગ થવાનાં કારણ, તેને અટકાવવાના ઉપાયો અને તેને નાબૂદ કરવાના રસ્તા, પ્લેગ થાય તેમાં આપણી જવાબદારી, સરકારની જવાબદારી વગેરે માહિતી અને અન્ય કેટલીક અગત્યની સૂચનાઓ પણ પ્રચારના કાર્યમાં આપવાની હોય.

આ ચારેય સાધનો સરદારશ્રીએ તૈયાર કર્યાં હતાં. પ્રથમ સાધનમાં સ્વયંસેવકો એકંદરે સો હતા. તેમાં સરદારસાહેબ, દરબારસાહેબ, ડૉક્ટરો, દવાખાનામાં પાંચ-સાત બરદાસી, ઑફિસનું કામ કરનારા, પ્રચારનાં કાર્યમાં રોકાયેલા, ખાવાપીવાની ગોઠવણ કરનારા વગેરે મળી ૪૦ જણ હતા અને આશરે સાઠેક જણ પ્લેગવાળાં ગામડાંમાં કામ કરનારા હતા. એ દરેકને પ્લેગની રસી આપવામાં આવી હતી. શરીરમાં જે તત્ત્વને પ્લેગનાં જંતુ જલદી અસર કરે તે તત્ત્વને નાબૂદ કરવા માટે આ રસી લેવાની હતી અને તેવી રસી બધાએ લેવી એવો સરદારશ્રીનો હુકમ હતો. કોઈ તેવી રસી લેવાની ના ન પાડે તે માટે તેમણે પોતે પણ લીધી હતી.

… જ્યારે અમે કોઈ ગામમાં ટોળાબંધ જઈએ ત્યારે લોકો જોવા આવે. તેઓ અમોને જુએ. અમારી પાસે લાંબાં ટૂંકાં ઝાડુ હોય, કોદાળીઓ હોય, પાવડા હોય, ઘાસતેલના ડબ્બા હોય, ઇમલ્શનના ડબ્બા હોય, ગંધક હોય, ઇમલ્શન અને બ્લીચિંગનું પાણી છાંટવાના ઝારા હોય, અંધારામાં તપાસ કરવા માટે બેટરીઓ હોય, લોબાન અને ગંધકનો જથ્થો હોય અને ધૂપ કરવાનાં ઘમેલાં હોય. તે સાથે અમારાં લૂગડાં, પથારી ઉપરાંત એક કોથળામાં શેકેલા ચણા, મગફળી અને ગોળ પણ હોય — કોઈ ગામમાં જમવાની વ્યવસ્થા થાય તેમ ન હોય તો ચણા મમરા ફાકીને પણ ચલાવીએ. અમે દરેકે રસી તો લીધેલી જ હતી. તે ઉપરાંત કામ શરૂ કરતાં પહેલાં હાથે અને પગે ઇમલ્શન ચોપડતા. અમે કપૂરની મોટી ગોળીઓ ચોવીસેય કલાક પાસે રાખતા. વળી દિવસમાં બે વખત નાહીધોઈ બન્ને વખતે ધોયેલાં લૂગડાં પહેરતા. રાત્રે તાજું ધોયેલું પંચિયું કે ચડ્ડી પહેરીને સૂતા. અમારી પથારીઓ આખો દિવસ તાપમાં તપાવીને રાત્રે વાપરતા. આટલી સાવચેતી સાથે અમે નિર્ભયતાથી અમારા કાર્યમાં મંડ્યા રહેતા. લોકો તો મોટે ભાગે ગામ બહાર માંડવે ગયેલા હોય. તેઓને બોલાવવામાં આવતા. તેમની પાસે ઘર ઉઘડાવતા. ઘરનાં બારીબારણાં અર્ધોક કલાક ખુલ્લાં રાખતા. પછી અમારી ચઢાઈ થતી. હાથમાં નાનાંમોટાં ઝાડુ લઈને ઘરને ખૂણેખાંચરેથી, કોઠીઓના ગાળેથી, પેટીપટારાની આગળપાછળથી, પેટીપટારા આઘાપાછા કરી તેની નીચેથી પ્રથમ કચરો સાફ કરી બહાર ચકલે નાખી આવતા અને ઢગલો કરી ઘાસતેલ છાંટી બાળી મૂકતા. તેમાં કેટલાક મરી ગયેલા ઉંદરો પણ હોય. બત્તીઓના તેજથી અજવાળું કરી કરીને અંધારા ખૂણામાં પણ સહેજેય કચરો ન રહે એ રીતે અમે સફાઈ કરતા. આમ કરતાં ચાંચડ અમારે પગે ચઢી જાય કે લાગલો અમે ઇમલ્શનનો ઉપયોગ કરી નાખીએ. આવી સ્વચ્છતા કરીને પછી ઇમલ્શન ઝારામાં ભરીને છાંટીએ, ભોંયતળિયે અને બબ્બે ફૂટ દીવાલે ખૂબ છાંટીએ. તે વિધિ પૂરો થયા બાદ ઘમેલામાં અંગાર કરીને ઘરના બધા ભાગમાં ઘરમનાં બારી-બારણાં-બાકાં-જાળિયાં બંધ કરીને ઘરના દરેક ખંડમાં મૂકી તેમાં ગંધક નાખી ઘર બંધ કરીએ, તે ઘરધણી બીજે દિવસે ઉઘાડે. આમ પ્લેગવાળાં સત્તાવીસેય ગામમાં બ્રાહ્મણથી માંડીને ભંગી સુધીનાં નાનાંમોટાં બધાંય ઘરો સ્વચ્છ કરીને, હવાશુદ્ધિ કરીએ. આ રીતે સાંજ સુધીમાં જેટલું કામ થાય તેટલું કરીને ગામલોકોને સાંજે ભેગા કરીએ, તેમને પ્લેગ અંગેની બધી હકીકત સમજાવીએ. કેટલીક સૂચનાઓ આપીએ, તે લોકોને કાંઈ કહેવાનું હોય તે સાંભળીને તેમને સંતોષ આપીએ. સામાન્ય સ્વચ્છ રહેણીકરણી અને ગામની સફાઈમાં હરેકે કેવો હિસ્સો આપવો તે સમજાવીએ તેમ જ સરદારસાહેબ તરફથી આવેલી પત્રિકા વાંચી સંભળાવીએ.

(વધુ આવતી કાલે)

જીવનનાં ઝરણાં-૧, રાવજીભાઈ મણિભાઈ પટેલ, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, સુધારેલીવધારેલી બીજી આવૃત્તિઃ ડિસેમ્બર, ૧૯૫૯

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 જૂન 2020

Loading

2 June 2020 admin
← The Pandemic Is A Portal
સેનામાં ટૂર ઓફ ડયૂટીઃ ખર્ચ ઘટશે, દેશભક્તિ વધશે! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved