Opinion Magazine
Number of visits: 9450080
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આખરે હું કોરોનાની ઝપટમાં આવી ગયો અને ઊગરી પણ ગયો’

મુલાકાત: ડર્ક ડ્રૉલાન્સે ડચમાંથી અંગ્રેજી અનુવાદ: માર્ટિન એન્સરીન્ક|Opinion - Opinion|24 May 2020

બેલ્જિયમના ૭૧ વર્ષના વિષાણુવિજ્ઞાની પીટર પીયટની આપવીતી

બેલ્જિયમમાં ઉછરેલા અને લંડન સ્કૂલ ઑફ હાઇજીન એન્ડ ટ્રૉપિકલ મૅડિસીનના નિયામક પીટર પીયટ ૧૯૭૬માં ઇબોલા વાઇરસના શોધકોમાંના એક અને તેને નાથવા મથતા અગ્રણી વિષાણુવિજ્ઞાની છે. પોતાની પૂરી કારકિર્દી તેમણે ચેપી રોગો સામે ઝઝૂમવામાં વીતાવી છે. ૧૯૯૫ અને ૨૦૦૮ દરમિયાન એચ.આઈ.વી./એઈડ્સ પરના સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત કાર્યક્રમનું વડપણ તેમણે જ કરેલું. હાલ તે યુરોપિયન કમિશનનાં પ્રમુખ ઉર્સૂલા વૉન ડેર લેયનના કોરોના વાઇરસને લગતી બાબતોના સલાહકાર છે. આટલા જ્ઞાન, અનુભવ અને તેમાં હાંસલ કરેલી સિદ્ધિ છતાં, તેમને પોતાને કોરોનાનો ચેપ લાગ્યો ત્યારે તેમણે આઘાત કે આંચકો અનુભવવાને બદલે, કેવળ એક ડૉક્ટર કે વિજ્ઞાની તરીકે જ નહીં, એક જાગ્રત દરદી તરીકે પણ સતર્ક રહીને જબ્બર લડત આપી અને તેને નાથવામાં ફતેહ પણ મેળવી. એ દરમિયાન થયેલા અનુભવોએ તેમને જીવન પ્રત્યેની નવી દૃષ્ટિ બક્ષી.

માર્ચ,૨૦૨૦ની મધ્યમાં કોરોનાથી ચેપગ્રસ્ત થયા પછી પીટરે એક સપ્તાહ પોતાને ઘેર જ આઇસોલેશનમાં ગાળ્યું. ત્યાર પછી સામાન્ય દરદીની જેમ તે હૉસ્પિટલમા ભરતી થઈ ગયા. જરૂરી સમય ત્યાં વીતાવ્યા પછી ઘરે પાછા ફરીને તેમણે જોયું કે દાદર ચડતી વખતે એમનાથી હાંફી જવાય છે. આવું અગાઉ કદી થતું નહોતું. મતલબ કે આ વખતનાં ચિહ્નો નવાં હતાં. તેમને તરત સમજાઈ ગયું કે કોરોના વાઇરસ તેમના દેહમાં પ્રવેશ કરી ચુક્યો છે અને એ હવે તેનો પંજો ફેલાવ્યા વિના રહેવાનો નથી. આ કારમી સભાનતા પ્રગટી તો ખરી, પણ એ ન તો તેમને કોઈ આઘાત આપી શકી કે ને તેમને બેબાકળા બનાવી શકી. અત્યારના સાર્વત્રિક ગભરાટના સંજોગોમાં આવી માનસિકતા જાળવવી એ જેવીતેવી વાત નથી. એ માટે વૈજ્ઞાનિક અભિગમ અને મજબૂત મનોબળ જોઈએ. ચેપમાંથી હેમખેમ ઊગરી ગયા પછી તેમણે બીજી મેના રોજ આપેલી મુલાકાતના આધારે. તેમની આપવીતીનો સારઅનુવાદઃ

માર્ચ ૧૯, ૨૦૨૦ના દિવસે અચાનક મને સખત તાવ અને માથાનો તીવ્ર દુખાવો થઈ આવ્યો. માથામાં અને વાળનાં મૂળ(તાળવા)માં ખૂબ દર્દ થતું હતું, જે વિચિત્ર હતું. પહેલાં તો સામાન્ય ખાંસી ગણીને મેં તેને ગણકાર્યું નહીં અને મારું કામ ચાલુ રાખ્યું. છતાં મને થયું કે મારે એક વાર ટેસ્ટ તો કરાવી લેવો જોઇએ. મેં એક ખાનગી હૉસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે મારી આશંકા સાચી પડતી જણાઈ. મારો કોવિડ-૧૯ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો ! આની મને ખબર પડી કે તરત મેં જરા ય વિલંબ કર્યા વગર મારા ઘરના ગેસ્ટ રૂમમાં મારી જાતને અલગ (આઇસોલેશનમાં) રાખી દીધી. ઠીક ઠીક સમય એ રીતે રહ્યો. છતાં પણ તાવ ઉતર્યો નહીં. હું ૭૧ વર્ષનો છું. આ ઉંમરે પણ સ્વસ્થ જીવન જીવનારો છું. નિયમિતપણે ચાલવા જાઉં છું. આટલાં વર્ષોમાં હું કદી ગંભીર રીતે બીમાર પડ્યો નથી. છતાં કોરોનાના રૂપમાં પહેલી વાર મારા મનમાં જોખમ ઊભું થયું. જો કે હું આશાવાદી છું. એથી મેં વિચાર્યું કે ચેપ મને કંઈ અસર નહીં કરે. મારી આ માન્યતા છતાં પણ પહેલી એપ્રિલે મારા એક ડૉક્ટર મિત્રે મને સંપૂર્ણ ચૅક-અપ કરાવી લેવાની સલાહ આપી, કેમ કે, તાવ ઊતરવાનું નામ લેતો નહોતો અને થાક સતત વધતો જતો હતો.

ચૅક-અપ કરાવવાથી ખ્યાલ આવ્યો કે મને ઑક્સિજનની તીવ્ર અછત અનુભવાય છે. જો કે, હજુ મને બેઠાં બેઠાં શ્વાસ ચડવાની કોઇ ફરિયાદ નહોતી. પરંતુ ફેફસાંની ઇમેજમાં દેખાઈ આવ્યું કે મને તીવ્ર બૅક્ટેરિયલ ન્યુમોનિયા છે, જે કોવિડ-૧૯ની ખાસિયત છે. સામાન્ય રીતે હું હંમેશાં ઊર્જાથી ભરપૂર હોઉં છું, પણ હવે મને સતત થાક લાગવા માંડ્યો. મેં એ પણ જોયું કે એ સાધારણ થાક નહોતો. હું સાવ લોથ થઈ જતો હતો.

આ દરમિયાન વાઇરસનો મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો. આનો અર્થ સામાન્ય દરદી તો એમ જ કરે કે પોતે હવે કોરાનામુક્ત છે. પણ હું જાણતો હતો કે આ કોવિડ-૧૯ની એક છેતરામણી ખાસિયત છે. મતલબ કે વાઇરસ અદૃશ્ય થઈ જાય, પણ તેની અસર કેટલા ય સપ્તાહ સુધી રહે. આ જાણતો હોવાથી મારે હૉસ્પિટલમાં દાખલ થવું જ પડ્યું. મને અંદેશો હતો કે દાખલ થતાંવેંત ક્યાંક મને વૅન્ટિલેટર પર ન મૂકી દેવામાં આવે ! મારી આ ફિકર છેક પાયા વગરની નહોતી. મેં વાંચ્યું હતું કે વૅન્ટિલેટર પર મુકાનારા દરદીઓમાં મૃત્યુની ટકાવારી ખાસ્સી વધુ હોય છે. એટલે એ શક્યતાનો વિચાર આવતા જ હું ખૂબ ગભરાઈ ગયો. સદ્ભાગ્યે મને બીક હતી એવું કંઈ થયું નહીં. કારણ કે પહેલાં મને ઑક્સિજન માસ્ક આપવામાં આવ્યો અને એ ઇલાજ ખરેખર કારગત નીવડ્યો. ઑક્સિજન માસ્ક સાથે મારે ઇન્ટેન્સિવ કૅર વિભાગના પ્રવેશખંડ(એન્ટીચેમ્બર)માં રહેવાનું થયું. થાકેલો હતો એટલે પછી મેં નસીબને ભરોસે જ જાતને મૂકી દીધી. મારે સંપૂર્ણપણે નર્સિંગ સ્ટાફને હવાલે જ રહેવાનું થયું. મને આશા હતી કે મારી હાલત ધીરે ધીરે સુધરતી જશે. એટલે મેં હૉસ્પિટલમાં સિરિન્જથી માંડીને ઇન્ફ્યુઝનના ક્રમને સ્વીકારી લીધો. ઘરે હું મારી રીતે કામમાં વ્યસ્ત રહેનારો, પણ અહીં હું સોએ સો ટકા આજ્ઞાંકિત દરદી બની રહ્યો.

મેં જોયું છે કે ઇંગ્લેન્ડની જાહેર સ્વાસ્થ્ય સેવામાં અલગ અલગ દરજ્જો ધરાવતા દરદીઓ વચ્ચે કશો ભેદભાવ રાખવામાં આવતો નથી. મારી પાસે જો કે હૉસ્પિટલાઇઝેશનનો વિશેષ આરોગ્યવીમો હતો, પણ મુશ્કેલી એ હતી કે ઇંગ્લેન્ડનાં મોંઘાં ખાનગી દવાખાનાં પણ કોવિડના દરદીઓની સારવાર કરવાનું ટાળે છે અને દરદીને સીધા સરકારી દવાખાને ધકેલી દે છે. તમામ સારસંભાળ અને દવાઓ-બધો ખર્ચ સરકારી હૉસ્પિટલ જ ભોગવે છે. હું પણ એ રીતે સરકારી હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો. મારા રૂમમાં મારા ઉપરાંત બીજા ત્રણ જણ હતા. તેમાં એક નિરાશ્રિત, કોલંબિયાનો એક સફાઈકર્મી અને એક બાંગલાદેશી. આ ત્રણે ડાયાબિટીસના દરદી હતા. (ડાયાબિટીસની ખાસિયતો આ રોગને મોક્ળું મેદાન આપે તેવી હોય છે.) દાખલ થયા પછી મારાં દિવસરાત સાવ એકાકી અવસ્થામાં વીતવાં માંડ્યાં. કોઈની સાથે સામાન્ય વાત પણ થતી નહીં. કારણ કે કોઈનામાં બોલવાની હામ નહોતી. ઘણા અઠવાડિયા લગી હું પણ સાવ ધીમા અવાજે જ વાત કરી શકતો અને મારા મનમાં સતત એ સવાલ ઘોળાયા કરતો કે આમાંથી મારો છૂટકારો ક્યારે?

ચાળીસથી પણ વધુ વર્ષથી વિશ્વભરમાં વાઇરસ સામે લડ્યા પછી હું ઇન્ફેક્શ સિન્ડ્રોમનો નિષ્ણાત ગણાઉં છું. એટલે મારી એ જાણકારીથી હું મનોમન રાજી રહેતો હતો કે મને કોરોના છે, ઇબોલા નહીં. જો કે, મેં એક વૈજ્ઞાનિક અભ્યાસલેખ વાંચ્યો, જેમાં લખેલું કે કોવિડ-૧૯ સાથે બ્રિટિશ હૉસ્પિટલમાં દાખલ થનારામાં મૃત્યુનો દર 30 ટકા છે. પશ્ચિમ આફ્રિકામાં વર્ષ ૨૦૧૪માં ઇબોલા માટેનો મૃત્યુદર લગભગ આટલો જ હતો. આવા આંકડા દિમાગમાં રહી જાય, એટલે આપણે ભૂલાવામાં પડીએ છીએ અને ઘણી વાર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિસારે પાડીને બહુ પોચટ પ્રતિક્રિયાઓ આપવા માંડીએ છીએ. મને પણ એવું જ થયેલું. મને એમ જ લાગવા માંડ્યું કે વાઇરસ સામે લડતાં મેં આખું જીવન ગાળ્યું અને આખરે વાઇરસે એનું વેર વાળ્યે જ પાર કર્યો ! બસ, પૂરા એક સપ્તાહ સુધી હું એ વિચારે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે ઝોલાં ખાતો રહ્યો કે મારો અંજામ શો હશે? જીવન કે મૃત્યુ ?

સતત કંટાળાને કારણે સમય કેમેય કરીને ખૂટતો નહોતો. આખરે, અઠવાડિયા પછી હૉસ્પિટલમાંથી રજા મળતાં મને હાશકારો થયો. મારે ઘેર જ જતા રહેવાનું હોય, પણ હું સીધો ઘરભેગો થવાને બદલે શહેરને જોવા માગતો હતો. એટલે મેં ખાનગી કારને બદલે જાહેર પરિવહન દ્વારા ઘર સુધીની સફર કરી. રસ્તામાં મેં જોયું કે સમગ્ર શહેરની શેરીઓમાં સૂનકાર ગાજતો હતો. માણસ તો શું, ચકલું ય ફરકતું નહોતું ! તાળાં દેવાઈ ગયેલાં પબ અને નવાઈ લાગે એટલી તાજી હવા ! બહુ વિચિત્ર અનુભવ હતો એ.

ઘેર પહોંચીને ખ્યાલ આવ્યો કે હું સરખું ચાલી પણ શકતો નહોતો. સતત સૂતા રહેવાને કારણે અને લાંબા સમય સુધી કશું હલનચલન ન થવાને કારણે મારા સ્નાયુ નબળા પડી ગયા હતા. એક વિજ્ઞાની તરીકે હું સમજું છું કે ફેફસાંની સારવાર ચાલી રહી હોય ત્યારે આવી નબળા સ્નાયુવાળી સ્થિતિ સારી ન ગણાય. ઘરમાં આવીને તરત હું સૂઈ ગયો. હજી આથી પણ વધારે ગંભીર કશું બની શકે છે, એ વિચાર મને સતાવ્યા કરતો હતો અને હું ફરી વાર હું કેદમાં આવી પડ્યો હોઉં એવું અનુભવતો હતો. પછી મારામાં એવી સભાનતા પ્રગટી કે આવી સ્થિતિને પણ મારે પૉઝિટિવ રીતે લેવી જોઈએ. રોગચાળાને કાબૂમાં લેવા મથતા વિજ્ઞાનીઓ અને સાવ જોયા-જાણ્યા વગર એમની ટીકા કરનારા પર હું એટલા માટે જ બરાબર અકળાયો હતો. મને સમજાતું હતું કોઈ નિષ્ઠાપૂર્વક કામ કરતું હોય ત્યારે તેના વિશે ટીકા-ટીપ્પણી વરસાવવાનું વાજબી ન ગણાય. ડરના માનસિક માહોલ વચ્ચે પણ મને એટલી હૈયાધારણ હતી મને ઇબોલા નહીં, પણ કોરોના હતો. કેમ કે, ઇબોલા જીવલેણ વાઇરસ છે.

ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના વડા મારા સારા મિત્ર છે. એટલે, છેક શરૂઆતથી, જાન્યુઆરીથી કોરોનાની ગતિવિધિઓ પર હું નજર રાખી શક્યો છું. શરૂઆતમાં તો અમને લાગ્યું કે આ સાર્સ (SARS – સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) વાઇરસની નવી આવૃત્તિ છે. ચીનમાં તે ૨૦૦૩માં દેખાયો હતો, પણ તેની અસર મર્યાદિત હતી. પછી તેની ભયંકરતાનો અંદાજ આવ્યો. દરમિયાન, જાન્યુઆરીના અંતમાં સ્વિત્ઝર્ન્લેન્ડના દાઓસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનૉમિક ફોરમની બેઠકોમા વૈશ્વિક મહામારીની ચર્ચા માટે અગાઉથી નક્કી થયેલી વધારાની બેઠકો રદ કરી નાખવામાં આવી. કેમ કે, કોઈને તેની જરૂર લાગી ન હતી. એ વખતે અમે જાણતા નહોતા કે કોરોના વાઇરસ વૈશ્વિક રીતે પ્રસરે તો મોટી સમસ્યા સર્જાઈ શકે. પછી જ્યારે એવી સભાનતા જાગી ત્યારે તો એ વિશ્વભરમાં ફેલાઈ ચુક્યો હતો.

SARS માત્ર ફેફસાંમાં ઊંડે સુધી જાય છે, જ્યારે કોરોના વાઇરસની તો વાત જ જુદી છે. તે શ્વસનમાર્ગના ઉપલા ભાગમાં પગપેસારો કરીને પછી આખા શરીરમાં આસાનીથી પ્રસરી જાય છે. તેની સામેની પ્રતિરોધક-રસી વિકસાવવા માટે કમિશન એકદમ પ્રતિબદ્ધ છે. કેમ કે, તેના વિના આપણે સામાન્ય જીવન જીવી શકીએ, એ શક્ય નથી. રસી વિકસાવીને વિશ્વવ્યાપી બનાવવી એ જ આ દુનિયાને કટોકટીમાંથી બહાર કાઢવા માટેની એક માત્ર ઠોસ વ્યૂહરચના છે. સાથોસાથ એ પણ યાદ રાખવું જોઇએ કે અનેક પ્રયત્નો છતાં હજુ કોવિડ-૧૯ની રસી વિકસાવી શકાશે કે નહીં, તે ચોક્કસપણે કહી શકાતું નથી. ધારો કે રસી વિકસાવી પણ શકાય તો પણ કેવળ એટલા માત્રથી જ કામ પૂરું નહીં થાય. કરોડોની સંખ્યામાં એ રસીના ડોઝ અને એમ્પ્યુલ્સ તૈયાર કરવાં જોઇશે. એ પણ આપણી સામેનો મોટો પડકાર છે.

વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે લોકો આજકાલ વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવી એ જાણવાની બહુ ચીવટ રાખે છે. ચેપગ્રસ્ત લોકો ચેપ લાગતાં પહેલાંના સપ્તાહે કોને કોને મળ્યા હતા એની ઝીણવટથી તપાસ કરવામાં આવે છે. મને પોતાને તો કોઈ પારકા દેશમાં નહીં, પણ ઇંગ્લેન્ડમાં હતો ત્યારે જ કોરોનાનો ચેપ લાગેલો. પણ એ સમયગાળા અગાઉ હું ઓછામાં ઓછા દોઢસો લોકોના સંપર્કમાં આવ્યો હોઈશ. એટલે જો એ સંદર્ભે તપાસ કરવાનું નક્કી કરવામાં આવે, તો મારા સંસર્ગમાં એ વખતે આવી ચૂકેલા તમામ લોકોની તપાસ કરવી પડે! ખણખોદનું આ કામ સહેલું નથી. કારણ કે એ કેવી રીતે ખબર પડે કે હું જેને જેને મળ્યો હતો તે વ્યક્તિ ચેપગ્રસ્ત હતી કે નહીં? બીજી વાતઃ હું વાઇરસનો કેટલી હદે પ્રતિકાર કરી શકું એમ છું? આ જાણવું સહેલું નથી. કારણ કે શરીરમાં કોરોનાની સામે પ્રતિરોધશક્તિ (ઇમ્યુનિટી) શી રીતે પેદા કરી શકાય, તે અંગેની પ્રાથમિક જાણકારી પણ અત્યારે આપણે ધરાવતા નથી.

‘આગામી વૈશ્વિક મહામારી માટે આપણે સજ્જ છીએ?’ આ સવાલનો જવાબ હું મારાં વક્તવ્યોમાં ૨૦૧૪થી આપતો આવ્યો છું. કારણ કે આપણને ખાતરી હતી કે કોઈ મહામારી આવશે જ અને મોટે ભાગે એ શ્વસનને લગતા વાઇરસને લીધે હશે. એ આફત આવશે એમાં બેમત નથી પણ ‘ક્યારે?’નો જવાબ નથી હોતો. એટલે આપણે એવી આગાહીઓમાં અટવાયા વગર વિશ્વને એવી મહામારીના મુકાબલા માટે સજ્જ કરવા મચી પડવું જરૂરી છે..આપણે સામાજિક અંતર જાળવ્યા વગર સાવ એકબીજાથી સાવ પાસે પાસે કે સાવ અડીને રહીએ છીએ. પ્રવાસો પણ વધુ પડતા કરીએ છીએ. પ્રાણીઓમાંથી મનુષ્યદેહમાં થતા વાઇરસના સંક્રમણને માટે આ તમામ પરિબળો પોષક છે.

એ બાબતે કોઈ શંકા નથી કે કોરોના વાઇરસથી વાગેલો આર્થિક ફટકો 2008માં ઊભી થયેલી આર્થિક કટોકટી કરતાં ઘણો આકરો હશે. યુરોપિયન કમિશન આ કટોકટીને વર્તમાન સમયની સૌથી મોટી કટોકટી ગણે છે. હું તો એવી ઉમેદ પણ રાખું કે આ કોરોના-કટોકટી ઘણા વિસ્તારોમાં ચાલી રહેલી રાજકીય ગરમાગરમી ઘટાડવામાં નિમિત્ત બને. આવું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે. પોલિયો રસીકરણની ઝુંબેશ તેની આડપેદાશ તરીકે સુમેળ અને શાંતિ તરફ દોરી ગઈ છે. એ જ ધોરણે હું આશા રાખું છું કે કોવિડ-૧૯ સામેની લડતમાં ઉત્તમ ભૂમિકા નિભાવતા વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)માં જરૂરી સુધારા કરીને તેને બાબુશાહી અને સલાહકાર સમિતિઓ પર ઓછું નિર્ભર બનાવવામાં આવે. એ એક એવું સંગઠન બની રહે કે જેના માધ્યમથી સંબંધિત દેશ પોતાનાં હિતનું રક્ષણ કરી શકે.

વાઇરસમાં મને હંમેશાં ખૂબ રસ રહ્યો છે, જે હજી આવા અનુભવ પછી પણ ઘટ્યો નથી. એઈડ્સના વાઇરસ સામે લડતાં મેં મારું ઘણું જીવન વ્યતીત કર્યું છે. મારા નિરીક્ષણ મુજબ તે એટલો ચંચળ હોય છે કે તેને રોકવાની આપણી ગમે તેટલી મહેનત કરીએ તો પણ તે તો છટકી જ જાય છે. આ બોલતાં બોલતાં જ્યારે હવે મારા શરીરમાં (કોવિડ-૧૯) વાઇરસની હાજરી હું અનુભવી રહ્યો છું ત્યારે હું એને જરા નવી નજરે જોઇ રહ્યો છું. વાઇરસ સાથે થયેલા મારા અગાઉના મુકાબલાના અનુભવો છતાં મને લાગે છે કે નક્કી આ વાઇરસ મારા જીવનને ધરમૂળથી પલટી નાખવાનો છે. એ રીતે વિચારતાં હવે મને મારા જાન ઉપર વધુ જોખમ હોવાનું લાગે છે.

હૉસ્પિટલમાંથી મને રજા આપ્યાના એક સપ્તાહ પછી મને શ્વાસની તકલીફ સતત વધવા લાગી. ત્યારે મારે ફરી હોસ્પિટલે જવું પડ્યું, પણ આ વખતે સદ્ભાગ્યે મારી સારવાર એક આઉટપેશન્ટ તરીકે થઈ. તપાસમાં મને ન્યુમોનિયા પ્રેરિત ફેફસાંનો રોગ હોવાનું માલૂમ પડ્યું, જે મારી રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી સક્રિય હોવાનું પરિણામ હતું. વાઇરસ દ્વારા થયેલા નુકસાનથી નહીં, પણ તેમની રોગ પ્રતિકારકશક્તિની વધુ પડતી પ્રતિક્રિયાઓને કારણે ઘણા એવા લોકો મૃત્યુને ભેટે છે, જેમને ખબર નથી કે વાઇરસ સાથે શી રીતે કામ પાડવું. કોરોના માટેની મારી સારવાર હજુ ચાલુ છે. કોર્ટિકોસ્ટેરોઈડના ભારે ડોઝ મને આપવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મંદ પાડે છે. નવાઈ લાગે તેવી વાત છે કે આ પ્રતિકારક શક્તિ વધુ તીવ્ર બનાવવાને બદલે મંદ પાડવી પણ જરૂરી છે ! એવું જોવા મળ્યું છે કે ઘણા દરદીઓ વાઇરસને કારણે શરીરની પેશીઓને થતાં નુકસાનને કારણે નહીં, પણ આ વાઇરસ સામેની પોતાની રોગપ્રતિકારકતાની વધુ પડતી પ્રતિક્રિયાને કારણે પણ મરણને શરણ થાય છે. (બહાદૂર લડવૈયો પણ જો વધુ પડતા ઝનૂને ચડી જાય તો પોતાનાં જ માણસોનાં ઢીમ ઢાળી દે એના જેવી આ વાત છે.) આમ થવાનું કારણ એ છે કે આપણા રોગપ્રતિકારક તંત્ર માટે આ નવતર વાઇરસનો મુકાબલો એ નવા મોરચાની નવી લડાઈ છે.

મારી વાત કરું તો, મારી સારવાર ચાલુ જ છે, પણ ઉપરની થિયરી જોતાં મને લાગે છે કે મારા શરીરમાં આ વાઇરસની સામે જો મારી ભીતરનું રોગપ્રતિકારક તંત્ર પણ વધુ પડતું સક્રિય બની રહ્યું હોત તો કદાચ હું બચી શક્યો ન હોત ! વધુ પડતો પ્રતિકાર મને જીવવા દેત નહીં. એક વાત આમાં ઉમેરવી જરૂરી લાગે છે કે આ સારવાર દરમિયાન મારા હૃદયના ધબકારા 170 પ્રતિ મિનિટ સુધી પહોંચી ગયા હતા. લોહીને ગંઠાઈ જતું રોકવા માટે કે પક્ષાઘાતના સંભવિત હુમલાને ખાળવા માટે આ ગતિ અનિવાર્ય છે.

વાઇરસની તાકાતને હજુ આપણે ઓછી આંકીએ છીએ. વાઇરસ આપણા શરીરનાં તમામ અંગોને અસર પહોંચાડી શકે છે. ઘણા લોકો માને છે કે કોવિડ-૧૯ માત્ર એક ટકો દરદીઓનો જ જીવ લઇ લે છે અને બાકીના ૯૯ ટકાને તો માત્ર ફ્લુ જેવાં લક્ષણો જ રહે છે. પણ આ વાત લાગે છે તેટલી સીધીસરળ નથી. આ રોગ પછી ઘણા લોકોમાં કિડની અને હૃદયની લાંબા ગાળાની સમસ્યાઓ પેદા થઈ શકે છે. ઘણાને બાકીની જિંદગી ડાયાલિસીસ કરાવવું પડે એવું પણ બને. આમ કોરોના વાઇરસ વિષે જેમ વધુ જાણતા જઈએ, તેમ વધુ સવાલ ઊભા થાય છે અને તેના જવાબોમાં શોધતાં શોધતાં જ આપણું એ અંગેનું જ્ઞાન વધતું જાય છે.

આજે  હવે કોરોનાનો ચેપ લાગ્યાનાં સાત સપ્તાહ પછી, પહેલી વાર મને કંઈક સારું લાગે છે. હમણાં જ મારા ઘરની પાસેના ખૂણે આવેલા ટર્કીશ દુકાનદાર પાસેથી સફેદ એસ્પારેગસ (શતાવરી) મંગાવીને મેં ખાધી. મારા માટે એ પરિચિત વનસ્પતિ છે. કારણ કે હું બેલ્જિયમના કીરબર્ગનનો છું અને અમે એસ્પારેગસ ઘેર જ ઊગાડતા હોઈએ છીએ. મારાં ફેફસાંની ઇમેજ પણ હવે બહેતર દેખાય છે. જો કે થોડા સમય માટે મારે મારી ગતિવિધિઓ પર મર્યાદા રાખવી પડશે. તેમ છતાં હું પાછો કામે ચડી જવા માગું છું. મેં ફરી હાથમાં લીધેલું પહેલવહેલું કામ છે વૉન ડેર લેયનના કોવિડ-૧૯ના વિશેષ સલાહકાર તરીકેનું.

મુલાકાત: ડર્ક ડ્રૉલાન્સે, ડચમાંથી અંગ્રેજી અનુવાદ: માર્ટિન એન્સરીન્ક, ડૉ. તુષાર શાહ (અમદાવાદ)ના સૂચનથી લેખની ગુજરાતીમાં રજૂઆત: રજનીકુમાર પંડ્યા, બીરેન કોઠારી

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 મે 2020

Loading

24 May 2020 admin
← ગઝલ આટલી વકરી કેમ?
મુશ્કેલ સમયમાં (18) →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved