કેવડી મોટી ખોટ ! એમનાં કામો બોલતાં રહેશે; બહુ મોટી વિરાસત મૂકીને એ ગયાં છે.
− ફારુક ઘાંચી ‘બાબુલ’
•
અા સમાચાર જાણીને હું તદ્દન ભાંગી પડી છું. ઇલાબહેન હકીકતે તો અસાધારણ માનવી હતાં, અને વળી, મારે સારુ તો મુઠ્ઠી ઊંચેરા રૉલ મૉડલ પણ.
એમની સમગ્ર દેણગી નાશ ન પામે તે જોવા કરવા માટે અાપણે ઉચિત કામ કરવાં રહેશે.
− બાલા ઠકરાર
ડિરેક્ટર, એશિયન ફાઉન્ડેશન ફૉર ફિલાન્થ્રોપી
•
ખૂબ આઘાતજનક સમાચાર છે. દુનિયામાં જ્યારે આવાં કર્મશીલોની વધુ જરૂર છે, ત્યારે એમની ખોટ અસહ્ય લાગે. આશા રાખીએ કે એમણે જલાવેલી જ્યોત સંભાળનારાં તૈયાર કર્યાં હોય.
ઓમ શાંતિ.
− અાશા બૂચ
•
ઇલાબહેન પાઠક સરીખાં મહિલા કર્મશીલ હવે હયાત નથી તે જાણી દયા અને હું, બન્ન,ે ભારે અાઘાત અનુભવીએ છીએ. કદાચ એમને રૂબરૂ હળવામળવાનું નહીં થયું હોય, પરંતુ એમની શક્તિશાળી કલમ અને પ્રવૃત્તિઅોથી પૂરતાં વાકેફ રહ્યાં છીએ અને એમના પ્રતિના અાદરમાં સતત વધારો થતો અનુભવ્યો છે.
અા ઘડીએ અમારી પ્રાર્થનાઅો શેષ પરિવાર જોડાજોડ છે. દિવંગતને ચરમ શાંતિ મળજો. અામીન !
− મનસુખ શાહ
•
અા ખરેખરે દુ:ખદ સમાચાર છે ! એમને અહીં છેલ્લે મળ્યાં, ત્યારે એ કેટલાં તંદુરસ્ત દેખાતાં હતાં. એ એંશીનાં હોય તેમ પણ લાગતું નહોતું !!
ગુજરાત અને તેમાં ય ખાસ કરીને ગુજરાતી મહિલાઅોએ એક જબ્બર હામી ખોયાં છે. મહિલાઅોના અધિકાર માટે એ જીવનભર લડતાં અાવ્યાં. એમનું કામ, એમની નીડરતા ચોક્કસપણે નોંધપાત્ર હતાં.
એમને સદાય શાંતિ મળજો.
− ભદ્રા વડગામા
•
અા સમાચાર જાણીને સાચેસાચ બહુ જ દુ:ખ થયું !!
જાન્યુઅારી 2012માં ઇલાબહેનને મળવાનું બન્યું ત્યારે એ 79ની વયે પહોંચ્યાં હશે, તેમ વર્તાતું જ નહોતું. એમની ઊર્જાશક્તિ અને જોમ ભારે અનુકરણીય હતાં ! અને વળી એમણે અાદરેલાં અને અાટોપેલાં અનેક કામો પણ કાબિલે દાદ છે. એમની ભારે મોટી ખોટ સાલતી રહેવાની છે.
– સુષમા સંઘવી
•
તમારા સૌ કોઈનાં દુ:ખ અને વેદનામાં હું પણ સામેલ છું. ઇલાબહેન હવે નથી એ સ્વીકારવાનું બહુ ભારે લાગી રહ્યું છે. અાપણા સૌ માટે અા બહુ મોટી ખોટ છે.
એમના અાત્માને ચિરંજીવ શાંતિ મળજો.
− ઉષા ઠક્કર
•
ઇલાબહેન પાઠકના નિધનથી અમે ય ભારે અાઘાત તથા તીવ્ર વેદના અનુભવીએ છીએ. એ ગુજરાતનાં મહાન સ્ત્રી યોદ્ધા હતાં. બધું અાંચકી લેવામાં રચ્યાપચ્યા અાજના નિરંકુશ રાજ્ય શાસન સામે મહિલાઅોના અને સામાન્ય જનના અધિકારો માટે એ સતત લડતા હતાં. બીજી તરફ નિગૂઢ, મૂઢાગ્રહી, પૂર્વગ્રંથિયુક્ત તેમ જ સુધારાવાદના વિરોધમાં ખદબદતા સમાજ સામે ય એ પડકાર ઝીલી અણનમ લડતાં હતાં.
મારી એમને સહૃદય વિદાય વંદના હજો. એમના અા કમનસીબ અવસાનથી ગુજરાત ખરેખાત રાંક બન્યું છે.
− દાઉદભાઈ ઘાંચી
•
અનુગાંધી યુગિન ગુજરાતના જાહેર જીવનમાં, ઇલાબહેન પાઠકનું કામ, સ્થાન કદથી ક્યાં ય ઊંચેરું રહ્યું છે. ‘અમદાવાદ વીમેન્સ એક્શન ગૃપ’નાં સ્થાપક ઇલાબહેન હકીકતે સ્ત્રીનો અવાજ પૂરવાર રહ્યાં.
પંદેરક વરસના નિજી પરિચયમાં જે સમજાયું તે એટલું કે ઇલાબહેન અંગ્રેજી સાહિત્યના એક કુશળ અધ્યાપિકા હતાં, નાગરિકી સ્વાતંત્ર્યના અનેકવિધ અાંદોલનોમાં કર્મઠ કર્મશીલ હતાં. મહિલા અાંદોલનની દીવાદાંડી જ ન હતાં, તે દરેકની મજબૂત પીઠ પણ હતાં. અન્યાય સામે લડનારાં અાગેવાન હતાં. અત્યન્ત ઋજુ સ્વભાવના, અા નિષ્ઠાવંત વ્યક્તિવિશેષે ભાતભાતનાં માનઅકરામો મેળવ્યાં છતાં તેનો કોઈ અાડંબર કે અહંકાર ક્યાં ય ભાળ્યો જડતો નહોતો.
મહુવાના ખેડૂતોને થયેલા અન્યાય સારુ થયેલા અાંદોલનમાં, ડો. કળસરિયા, ચુનીકાકા, સનતભાઈ મહેતા જોડાજોડ ઇલાબહેન પણ હતાં. કડવીબહેન સાથે સાંપ્રત મુખ્ય પ્રધાનને મળવા ગયેલાં પ્રતિનિધિમંડળની મુખ્ય પ્રધાને સાંગોપાંગ ઉપેક્ષા કરી, તે બધિર મુખ્ય મંત્રીની છબિ એમણે જે રીતે અંકિત કરી હતી, તે બાબત મને સતત સાંભરતી રહી છે. કડવીબહેન પ્રત્યેની એ ઉપેક્ષા એ માત્ર કડવીબહેનની વેદના ન જ બની, એ સમગ્ર ગુજરાતીની, સર્વાંગી માનવતાની ઉપેક્ષા બનતી હતી, તેવી છાપ હજુ મનમાં અંકિત રહી છે.
ઇલાબહેન પાઠક ‘અાવાજ’ના ધણીધોરી જ નહોતાં, એમની સીમા અમદાવાદ વળોટીને ગુજરાતમાં જ પ્રસરી રહી નહોતી, તેનો વ્યાપ ભારતમાં ય ચોમેર હતો; અરે, અહીં અમે વિલાયતમાં ય તેનો પડછાયો અનુભવીએ છીએ.
અહીં લંડનમાં તેમ જ અમદાવાદમાં, ઇલાબહેનને મળવાના અનેક અવસરો મળ્યાં છે. દરેક વેળા એમની કનેથી હું કંઈક મેળવીને સમૃદ્ધ થયો હોઉં તેવો અનુભવ છે.
મરણ રોક્યું રોકી શકાતું નથી. અને હવે તેનું સ્થાન સ્મરણ લેશે તેની ખાતરી. એમનાં કામો, અાદર્યાં અધૂરાં પૂરા કરવાની સૌ કોઈને શક્તિ, મતિ, ભક્તિ મળજો.
− વિપુલ કલ્યાણી
(ફોટો સૌજન્ય : બિનીતભાઈ મોદી)