મે ૬, ૨૦૨૦
આટલું સૂમસામ અમદાવાદ મેં ક્યારે ય નથી જોયું. ૨૦૦૨ના દિવસો તો મારા શાળાજીવનના દિવસો હતા અને મારુ ઘર તોફાનરહિત વિસ્તારમાં. એટલે આવી સ્મશાનવત્ શાંતિ પહેલાં ન તો ક્યારે ય જોઈ છે, ન અનુભવી છે. આજે બપોરે બધું કામ આટોપીને રાશનનો જરૂરી સામાન લેવા માટે હું નીકળી. આખો આશ્રમરોડ સૂમસામ ભાસતો હતો. સૂસવાટા મારતી ગરમ હવા, ઇન્કમટૅક્સ ફ્લાયઓવર નીચે બેઠેલા કેટલાક ઘરવિહોણા લોકો અને વાહનોની છૂટક અવરજવર સિવાય બીજા કશાનું અસ્તિત્વ નહોતું. હું સડસડાટ જઈ રહી હતી, ત્યાં કોઈ બૅન્ક કર્મચારી જેવાં લાગતાં બહેન ચાલતાં જતાં હતાં. પહેલાં તો સહેજ હું આગળ વધી ગઈ, પણ પછી તરત જ પાછળ વળીને એ બહેનને પૂછ્યું કે, ‘હું તમને કઈ મદદ કરી શકું?’ બહેને મારા ગળામાં લટકાવેલો લૉક ડાઉનનો પાસ જોઈને હસીને પ્રમાણિકતાથી કહ્યું કે, 'તમે તો બહાર ફરતા હશો, એટલે હું તમારી પાછળ ના બેસી શકું.' આટલા દિવસથી મને ઘણું બધું સમજાવવા લાગ્યું હતું. હું પણ હસીને મારા રસ્તે આગળ વધી.
રસ્તામાં ગાંધી આશ્રમની ફૂટપાથ પર તડકામાં પોતાનો સામાન લઈને બેઠેલા કામદારોની લાંબી લાઈનો જોવા મળી. એમને જોઈને આગળ વધી ન શકાયું. ઊભા રહીને થોડીક વાતચીત કરી. છેલ્લા ચાર દિવસથી આ લોકો આમ જ બેઠાં છે. આસપાસના લોકો ખાવા-પીવાનું તો આપી જાય છે. એટલે ભૂખ શમી જાય છે, પણ તડકો નથી વેઠાતો ! થોડીક આગળ વધી તો સુભાષ બ્રિજ સર્કલ, ચીમનભાઈ પટેલ બ્રિજના છેડે આ મજૂરોનાં ટોળાં વિખરાયેલાં બેઠાં હતાં. આશરે ૫૦૦-૬૦૦ કામદારો હશે. એમાં મહિલાઓ અને વૃદ્ધો પણ ખરાં. કોઈ સાણંદથી ચાલીને આવ્યું છે, તો કોઈ મહેસાણા-ગાંધીનગરથી. એક ભાઈ તો અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવી ચૂકેલા છે, તે લાકડીના ટેકે સાણંદથી ચાલીને કલેક્ટર કચેરી સુધી આવ્યા હતા. પણ કલેક્ટર કચેરીમાં જવાબ આપનાર કે સાંભળનારું કોઈ નથી. પાંચ દિવસથી આ લોકો સતત આ જ જગ્યાએ બેઠા છે. પોલીસો મારીને ભગાડે છે એટલે છૂટાછવાયા બેઠા છે. આસપાસની દુકાનો બંધ છે, એટલે એના છાંયડે થોડો ઘણો આશરો મળે છે. કેટલાક સૅન્ટ્રલ જેલના કમ્પાઉન્ડની દીવાલના ટૂંકા છાંયડે પોતાની જાતને સમાવીને બેઠા છે. એમની સાથે શું થશે, કેવી રીતે વતન પરત ફરશે, કંઈ જ ખબર નથી. ફૅક્ટરીમાંથી માલિકોએ કાઢ્યા, તો ભાડા વગર મકાનમાલિકોએ કાઢ્યા.
સાબરમતી રેલવે સ્ટેશનની બહાર પણ આવાં જ દૃશ્યો છે. આ લોકોનાં ખાવા-પીવાની, ઊંઘવાની, નહાવાની, શૌચાલય જવાની કોઈ જ વ્યવસ્થા નથી. મહિલાઓની સ્થિતિ તો અવર્ણનીય છે. કલેક્ટર કચેરી પાસે બે જ પ્રતિભાવ છેઃ તમારા મોબાઇલ ઉપર ફોન કે મૅસેજ આવે એની રાહ જુઓ અથવા વધારે પૂછપરછ કરશો તો પોલીસના ડંડા માટે તૈયાર રહો. એમાં ય આ તો પરપ્રાંતિય મજૂરો. એટલે પોલીસને છૂટો દોર મળી જાય. કલેક્ટર કચેરીમાં જવાબ આપતા અધિકારીઓ જાણે છે કે આ મજૂરો છેલ્લા પાંચ-છ દિવસથી ત્યાં જ બેઠા છે. એમના મોબાઈલની બેટરી રસ્તા પર ચાર્જિંગ વિના કેવી રીતે બચી હોય? બંધ ફોનમાં મેસેજ કે ફોન કેવી રીતે આવે? પણ આવા પ્રશ્નો તો ત્યાં કરાય જ નહીં! માણસ રૂબરૂ હાજર છે, તો સીધો જવાબ આપી ન શકાય? બની શકે કે કદાચ આપણું તંત્ર સંપૂર્ણ ડિજિટલ-પેપરલેસ બની ગયું હોય. એટલે કાગળ ઉપર કોઈ માહિતી ન પણ હોય!
નજીકમાં જ આંબેડકર હૉલ છે, અનુસૂચિત જનજાતિ કન્યા છાત્રાલય છે, કૉર્પોરેશનની શાળાઓ છે. શું ત્યાં આ કામદારોના રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા કરવી એ કંઈ બહુ મોટી પડકારજનક બાબત છે? પણ કરે કોણ? મેં ખાવા-પીવાની મદદ માટે પૂછ્યું, તો તેમણે મને પ્રમાણિકતાથી કહ્યું કે, 'આસપાસના લોકો ખાવાની વ્યવસ્થા કંઈક અંશે કરી દે છે. પણ ઉનાળામાં પીવાનું પાણી નથી મળતું. જો કે અમારે ખાવાપીવા નથી જોઈતું. બસ અમારા જવાની વ્યવસ્થા થઈ જાય તો સારું!’ સરકારે જાહેર કરેલા બે હેલ્પલાઇન નંબર પર હું સતત ફોન કરું છું, પણ કોઈ ઉઠાવતું નથી. ટ્રુકોલરમાં આ ફોન નંબર અક્ષર ટ્રાવેલ્સના બતાવે છે.
પાણીથી છલકાતી એમની, આંખો પણ ચહેરા સાવ સૂકા અને મારા મનમાં ખટકતી મારી ભારોભાર લાચારી! તંત્રની મરી પરવારેલી સંવેદના અને સામાન્ય લોકોએ જીવંત રાખેલી માનવતા. કોરોનાની મહામારીએ તો આજ સુધી ઢંકાયેલી નિષ્ઠુરતા અને સંવેદનશીલતા બેયને ઉજાગર તો કર્યા. એમાં નિષ્ઠુરતાનું પલ્લું ભારે રહ્યું.
મે ૧૧, ૨૦૨૦
હવે તો તંત્ર કોરોના મહામારીના બદલે અર્થતંત્રની ગતિ વધારવા માટે વધુ ધ્યાન આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પણ લૉક ડાઉનની વચ્ચે અઢળક ફરિયાદો વધી હોવા છતાં તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ટ્રેન શરૂ કરવાનો નિર્ણય એક વાર લેવાયો અને વળી પાછો પણ ખેંચી લેવામાં આવ્યો. અરાજકતા અને અવ્યવસ્થાની વચ્ચે આપણે આ કાળઝાળ ગરમીમાં હજારો કિલોમીટર ચાલીને જતાં લાખો મજૂરોની હિજરત પણ જોઈ.
શનિવારે બપોરે મારી મિત્ર પ્રતિમાનો ભારે ઉચાટવાળો ફોન આવ્યો હતો. શનિવારનો અડધો દિવસ પૂરો કરીને એ નોકરીથી ઘરે જઈ રહી હતી. ત્યાં જ સાબરમતી રેલવે સ્ટેશનેથી ભર તડકામાં પસાર થઈ રહેલા બસો-ત્રણસો મજૂરોને જોયા. એક તો માથું ફાટી જાય એવો તડકો. રસ્તે બીજું કોઈ જ જોવા ના મળે. પ્રતિમાએ એમને પૂછ્યું તો જાણવા મળ્યું કે છેલ્લા પાંચ-છ દિવસથી તે સાબરમતી રેલવે સ્ટેશનની બહાર જ બેઠા હતા. પણ છેક આજે ખબર પડી કે હવે મધ્ય પ્રદેશ જવા માટે એક પણ ટ્રેનની જોગવાઈ નથી. એટલે તેમણે પગપાળા જ પોતાની વાટ પકડી છે. પ્રતિમાનો ઉચાટભર્યો ફોન તેમના ખાવાપીવાની વ્યવસ્થા થઈ શકે તો કરવા માટેનો હતો. અમે કોશિશ કરવા તૈયાર હતાં, પરંતુ પોલીસના ડંડાની બીકે, આ મજૂરો ભૂખ્યાં પેટ હોવા છતાં રાહ જોવા પણ તૈયાર નહોતા.
સંપૂર્ણ લૉક ડાઉનને કારણે રસ્તામાં કોઈ દુકાન ખુલ્લી નહોતી કે જેથી કંઈક ખરીદીને પણ તેમને આપી શકાય. મૅડિકલ સ્ટોર કે દૂધની દુકાનો પણ બપોરનો સમય હોવાથી બંધ હતી. નહીં તો ત્યાંથી પણ દૂધ, છાશ કે મૅડિકલ સ્ટોરમાંથી ગ્લુકોઝ પાવડરનાં પૅકેટ ખરીદવાનો વિચાર આવ્યો હતો. અંતે પ્રતિમાએ કોઈક રીતે નજીકના એક દવાખાનામાંથી માંડ માંડ ૫૦૦ જેટલાં ORSના પૅકેટની વ્યવસ્થા કરીને તેમને આપ્યા. ન પાણી, ન ખાવાનું, પગમાં ઘસાઈ ગયેલાં-તૂટેલાં ચંપલ અને ગરમીના કારણે ફોલ્લા પડી ગયેલા પગનાં તળિયાં, પોલીસના ડંડાની બીક અને માથા ઉપર ૪૩ ડિગ્રીનો તડકો! આ લોકો કોરોનાથી મરશે કે પછી તંત્રની જડતા અને બિનસંવેદનશીલતાથી?
એ જ દિવસે, આવો જ ફોન મારી નાની બે બહેનો, ખુશ્બૂ અને ડિમ્પાનો પણ આવ્યો. સુભાષ બ્રિજ સર્કલ, કલેક્ટર કચેરીની આસપાસ આશરે ૭૦૦-૮૦૦ મજૂરો આવી જ રીતે અઠવાડિયાથી અડધા ભૂખ્યાં તરસ્યાં બેઠાં છે. ખુશ્બૂ-ડિમ્પા-મારાં કાકી એ લોકો ઇચ્છતાં હતાં કે ઘરેથી જમવાનું બનાવીને કંઈક થઈ શકે તો કરીએ. પણ મેં મન હોવા છતાં ના પાડી. કારણ કે ઘરે માંડ વધુમાં વધુ પચીસ-ત્રીસ લોકોનું જમવાનું બનાવી શકાય. આખી સોસાયટીના લોકોને વિનંતી કરીએ તો પણ સો-બસો લોકોને પહોંચી વળીએ. ત્યાં થોડુંક ખાવાનું લઈને આ ૭૦૦-૮૦૦ લોકો વચ્ચે કેવી રીતે વિતરણ કરવું? ઉપરથી ભારે અવ્યવસ્થા સર્જાય. અનેક સંસ્થાઓ પાસે આટલી સંખ્યામાં રસોઈ બનાવવાનું માળખું છે. પણ આ સંપૂર્ણ લૉક ડાઉનમાં પહોંચવું કેવી રીતે? અને જ્યાં લાખો હજારો લોકો આવી રીતે હિજરત કરતા હોય ત્યાં સરકારી તંત્ર સિવાય બીજું કોઈ પહોંચી પણ ન શકે.
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020