કોરોનાના આગમન બાદ સાવ નવી પરિસ્થિતિઓ પણ આપણી સામે આવવા લાગી. જગતમાં માનવ થકી ચાલતું ઘણુંબધું અચાનક થંભી ગયું. કામ બંધ થાય એટલે કામદાર નવરો પડે. દુનિયાના ઘણાં બધાં તંત્રો બંધ થઈ ગયાં, સિવાય કે પાચનતંત્ર. આમ પણ બધા જીવો આ તંત્ર ચલાવવા માટે જ દોડમદોડ કરે છે ને! પાચનતંત્ર ચલાવવા માટે જ માણસ ગુફાથી ગામ સુધી અને પછી શહેર સુધી પહોંચ્યો છે.
હા, શહેરમાં જવાના કેટલાંક બીજાં કારણો પણ છે, પરંતું મુખ્ય કારણ ભૂખઃ પેટની ભૂખ, પૈસાની ભૂખ, પ્રજ્ઞાની ભૂખ, પદની ભૂખ, પ્રસિદ્ધિની ભૂખ, પ્રમોદની ભૂખ, અરે પ્રમાદની ભૂખ અને કોઈકને પૂરતી સ્વતંત્રતા ના મળતી હોય તો પ્રેમની ભૂખ પણ શહેર સુધી ખેંચી જાય છે. મૂળે ભૂખ સંતોષવા માણસ શહેરમાં પહોંચે છે. સંતોષ મળે કે ન મળે, પણ મોટા ભાગના લોકો ત્યાં ટકી જાય છે અથવા એમ કહીએ કે સંતોષ ન મળ્યો હોય એ સંતોષ પામવા અને મળ્યો હોય તો એ ટકાવવા પણ ત્યાં ટકી જાય છે. આમે ય ધરાપો આવવો સહેલો નથી.
છેલ્લા દિવસોમાં ઘણું બધું અટકી ગયું. એટલે ઘણા બધા લોકોને શહેરમાં ટકી રહેવું મુશ્કેલ થઈ પડ્યું. અમારા રાજેન્દ્રસિંહ પેલા બે પ્રકારોની ઘણી વાર વાત કરે છેઃ ફાવી ગયેલા અને રહી ગયેલા. જે લોકો ધરાઈને જમવા પામતા નથી એવા લાખો લોકો પોતાના ગામમાં જવા અધીરા બન્યા. સરકારે નોકરીદાતાઓને અપીલ કરી હતી કે કામદારનો પગાર ચાલુ રાખે અને મકાનમાલિકોને અપીલ કરી હતી કે હમણાં ભાડું ન લે, પણ બધા એમ ક્યાં માને! અને મજૂરી કરનારનો આધાર બને જ કોણ?
જે ગ્રામીણોએ શહેરીઓની આટલી બધી સેવા કરી એમને થોડાક દિવસો પણ કેમ ના સાચવી શકાયા? જે મજૂરના પરસેવે માલિક પૈસાદાર થયો એને એક માસનો પગાર એમ જ આપી શકવા જેટલી ઉદારતા કેમ દાખવવામાં ના આવી? જે કામવાળી બાઈએ ઘરનાં કચરા/પોતા/વાસણ સાથે પોતાની જાત ઘસી છે એનો નિભાવ એક માસ પણ ન કરી શકાય? જેમણે રોડ, મૉલ ને ફ્લેટ બનાવ્યાં એમની શહેર તરફની આશા કેમ ધરાશાયી થઈ ગઈ? હા, માન્યું કે સંકટ સમયે ઘર જ યાદ આવે, પણ એમને શહેરમાં ઘર જેવી હૂંફ કેમ ના આપી શકાઈ?
સવાલો તો અનેક છે. હા, દયા સૌના કોઠે હોય છે અને કેટલાકે દાખવી પણ છે. પરંતું એની જરૂર ખૂબ મોટા પ્રમાણમાં છે. સરકારે પણ ઘણા બધાંને ભોજન આપવાનો પ્રયત્ન કર્યો, પરંતું કરોડો લોકોની ભૂખ સામે તંત્રના હાથ ટૂંકા પડે છે. ખલિલ ધનતેજવીની એક ગઝલનો આ શેર આ સમયે એકદમ પ્રસ્તુત છે,
"अब में राशन की कतारोंमें नज़र आता हूं,
अपने खेतों से बिछड़ने की सजा पाता हूं"
કદાચ આવો જ ભાવ લાખો લોકોના મનમાં જન્મ્યો હશે અને એમણે શહેરથી પોતાના વતન તરફની વાટ પકડી હશે. જે ગામ શહેરે દેખાડેલ સપનાંઓના કારણે છોડ્યું હતું, ત્યાં જ આશરો મળશે એવી આશા બંધાઈ.
આ ક્ષણે એ પણ વિચારવું રહ્યું કે ગામડાંમાં પણ કંઈ ઓછી મુશ્કેલીઓ નથી. છતાં શહેર છોડીને ગામમાં જઈ રહેલા સૌને એવી આશા છે કે તેઓ ત્યાં ભૂખે નહીં મરે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020