કોરોનાકાળની હૃદયદ્રાવક કથા
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ 31 માર્ચે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે ‘હાલ કોઈ વ્યક્તિ એવી નથી કે જે તેના વતનના ગામે જવા માટે રસ્તા પર ચાલતી હોય.’ વધુમાં તેમણે પ્રતિજ્ઞાપૂર્વક એવો દાવો કર્યો કે બધાં જ હિજરતી શ્રમજીવીઓને શૅલ્ટર હોમ્સમાં રાખવામાં આવ્યાં છે અને ત્યાં તેમને પીવાનું પાણી, ખાવાનું અને દવાઓ જેવી પાયાની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. તુષાર મહેતાએ અદાલત સમક્ષ આવા દાવા જે દિવસે કર્યા, બરાબર એ જ દિવસની સાંજે ગુજરાતની સરહદે આવેલા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સ્ત્રીઓ અને બાળકો સહિત 120 મજૂરો દોજખમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમને બધી બાજુથી બંધ હોય એવી કન્ટેઇનર ટ્રકમાં બળપૂર્વક ગોંધીને રાજ્યની સરહદની બહાર લઈ જવામાં આવી રહ્યાં હતાં. કન્ટેઇનર ટ્રકમાં સિલિન્ડર આકારનું એક સળંગ બૉડી હોય છે અને તેમાં હવા આવવા-જવા માટે કોઈ જ અવકાશ હોતો નથી.
વડાપ્રધાને 24 માર્ચે એકવીસ દિવસના લૉક ડાઉનની જાહેરાત કરી. એટલે બેંગલુરુના એક વેલ્ડિંગ કારખાનામાં કામ કરતાં 120 જેટલાં સ્ત્રી-પુરુષ કામદારો 1,870 કિલોમીટર પર આવેલા રાજસ્થાનના બાડમેર અને એની આસપાસના વિસ્તારના પોતાનાં વતનમાં જવા ઊપડ્યાં. દેશનાં બીજાં લાખો મજૂરોની જેમ આ બધાં પાસે પણ પૈસા અને ખોરાક ન હતાં. મરણિયા થઈને કરેલા આ યાતનાદાયક પ્રવાસમાં તેમને ભૂખ, છેતરપિંડી અને પોલીસની હિંસાનો ભયંકર અનુભવ થયો.
આ પ્રવાસી શ્રમજીવીઓમાં પ્રકાશ બિશ્નોઈ, તેમનાં પત્ની અને બે બાળકો પણ હતાં. એમણે ‘ધ વાયર’ સાથે વાત કરતાં કહ્યું કે લગભગ છ દિવસ ચાલ્યાં બાદ એ બધાં વાપી પહોંચ્યાં. ત્યાં તેમને પોલીસે ખૂબ મારીને કન્ટેઇનરમાં ઘૂસાડી દીધાં. પ્રકાશે કહ્યું, ‘અમે 31 માર્ચે બપોરના ટાણે વાપી પહોંચ્યાં. ત્યાં અમને પોલીસે રોક્યા અને આગળ જવાની મનાઈ ફરમાવી. પોલીસે અમને એક ઢાબા પર મોકલીને થોડુંક ખાવાનું અને પાણી આપ્યાં. એટલે અમને થયું કે એ લોકો સારા છે અને અમારી વ્યવસ્થા કરી રહ્યા છે. પણ સાંજે સાતેક વાગ્યે અચાનક ઢાબા પર આવીને અમને ઝૂડવાની શરૂઆત કરી.’
પ્રકાશે એમ પણ કહ્યું કે પછી પોલીસે અમને બાજુમાં ઊભેલાં બે ટ્રક કન્ટેઇનરમાં બળજબરીથી ભરી દીધાં અને કહ્યું કે અમને રાજસ્થાનની સરહદે ઊતારવામાં આવશે. ‘સાહજિક રીતે જ કન્ટેઇનરમાં જવા અમે તૈયાર ન જ હતાં, અમને બાળકોની ખાસ ચિંતા હતી. પણ એ લોકોએ અમારાં માટે કોઈ પસંદગી રાખી જ ન હતી. દલીલ કરનાર પર પોલીસ તૂટી પડતી’ એમ એક મહિલા કામદારે ઊમેર્યું.
કામદારોનું કહેવું છે કે ટ્રકવાળા તેમને રાજસ્થાન લઈ જવાને બદલે મહારાષ્ટ્રમાં ચાળીસેક કિલોમીટર સુધી લઈ ગયા. ‘અમને અંદર ગૂંગળામણ થતી હતી અને અમારામાંથી કેટલાંક બેભાન થવા લાગ્યાં હતાં. બાળકોના શ્વાસ ચઢવા લાગ્યા હતા અને તેઓ હવા માટે હાંફી રહ્યાં હતાં. એ દરમિયાન અમારામાંથી એક જણને ફોનમાંથી ખ્યાલ આવ્યો કે અમે વળી પાછા પાલઘરમાં છીએ. અમે ડરી ગયા અને કન્ટેઇનર ટ્રકનાં ઢાંકણાં પર લાતો મારવા લાગ્યા. આખરે એક બારણું ખૂલ્યું એટલે ડ્રાઇવરને વાહન રોકવાની ફરજ પડી’, પ્રકાશે કહ્યું.
એ દરમિયાન એક કામદાર રાજસ્થાનના ‘આજીવિકા બ્યૂરો’ નામનાં મજૂર સંગઠનનો સંપર્ક કરી શક્યો. સંગઠને રાજ્યના મજૂર કમિશનરનો સંપર્ક કર્યો અને એમણે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી. મહારાષ્ટ્ર પોલીસ અને રાજસ્થાનનાં વહીવટી તંત્ર બંનેએ પ્રકાશની વાત માન્ય રાખી છે.
પોલીસે બંને કન્ટેઇનર ટ્રકોને શોધીને મજૂરોને તત્કાળ મુક્ત કર્યા અને ડ્રાઇવરોનાં બયાન લીધાં. અત્યારે 120માંથી ત્રીસેક મજૂરોને પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાની એક છાવણીમાં આશરો આપવામાં આવ્યો છે. પોલીસના દાવા મુજબ આ ત્રીસેક મજૂરો સિવાયના મજૂરો ડરના માર્યા સ્થળ છોડીને જતા રહ્યાં છે અને તેમની શોધ ચાલુ છે.
પ્રકાશે કહ્યું કે વાપીની પોલીસ ખુદ દરેક મજૂરને બળપૂર્વક ખેંચીને કન્ટેઇનર ટ્રકમાં ધકેલી રહી હતી. જે લોકો પ્રતિકાર કરે તેમને માર પડતો હતો. મજૂરોને બે હિસ્સામાં વહેંચીને એક-એક કન્ટેઇનરમાં ધકેલવામાં આવ્યા હતા. પ્રકાશના જણાવ્યા મુજબ કન્ટેઇનરમાંથી બગડેલાં દૂધની જે વાસ હોય તેવી વાસ આવતી હતી. અંદર કાળું મેશ અંધારું હતું, અને એમાં તેમને ગોઠવાઈ જવા માટે દસેક મિનિટ આપવામાં આવી.
પ્રકાશના કહેવા મુજબ 120 કામદારોમાં વીસેક બાળકો હતાં અને વીસેક મહિલાઓ હતી. તેઓ રાજસ્થાનની અધર બૅકવર્ડ ક્લાસીસની ગાડિયા-લોહાર, ભિશ્તી અને લબાણા કોમોના હતાં. તેઓ બેંગલુરુ અને તેની આસાપાસનાં વેલ્ડિંગ કારખાનામાં કામ કરતાં હતાં. લૉક ડાઉન જાહેર થયા બાદ મુશ્કેલીઓ વધતી ગઈ, એટલે મજૂરોના દલાલો કામદારોને કશું જ કહ્યા વિના મજૂર-નાકાં છોડીને એમનાં ગામ જતા રહ્યાં. કામદારોને પગાર પણ ન મળ્યો.
પ્રકાશની જેમ બીજો એક કામદાર ગોવિંદ જન્ગુ પણ તેનું કારખાનું બંધ થતાં પ્રકાશના જૂથ સાથે જોડાયો. જન્ગુએ કહ્યું, ‘અમારા શેઠે અમને કારખાને રહેવાની છૂટ ન આપી એટલું જ નહીં પગારેય ન આપ્યો. અમને ખ્યાલ આવી ગયો કે અમે તરત અહીંથી નીકળીશું નહીં તો ભૂખે મરીશું. એટલે અમે 25 માર્ચે મળસ્કે નીકળી જવાનું નક્કી કર્યું.’ એ મુજબ તેઓ બેંગલુરુથી નીકળ્યાં અને પહેલાં દિવસે એંશી કિલોમીટર ચાલીને ટુમકુર પહોંચ્યા. જન્ગુએ કહ્યું, ‘અમારી પાસે થોડું ખાવાનું હતું, પણ એમાંથી અમે સાવ નજીવું ખાઈને ચાલતાં રહ્યાં. અમે રાત સુધી નહીં અટકવાનું નક્કી કર્યું હતું, એટલે અમે ચાલતાં જ રહ્યાં. બાળકો થાક્યાં હતાં, તેમનાં શરીર કળતાં હતાં, તેઓ રડતાં હતાં. પણ અમે ન અટક્યાં, ને ચાલતાં જ રહ્યાં.’ ટુમકુરમાં એક ટ્રકવાળાએ તેમને બેળગાંવ સુધી પહોંચાડ્યા. અલબત્ત, એણે મોટી રકમ માગી. પ્રકાશે કહ્યું, ‘અમારી પાસે જે કંઈ પૈસા હતા એમાંથી કેટલીક રકમ આપીને અમે બેળગાંવ પહોંચ્યા જ્યાં પોલીસે અમને અટકાવ્યા.’
26 માર્ચે બધા રાજ્યો અને જિલ્લાની સરહદો સીલ થઈ ચૂકી હતી. બેળગાંવ ચૅકપોસ્ટ પર પોલીસ પ્રવાસી શ્રમજીવીઓ પર લાઠીમાર પણ કરતી હતી. પણ પ્રકાશે કહ્યું કે ‘એમને અમારા પર દયા આવી એટલે એમણે અમને આગળ વધવા દીધાં.’ પછી 27 માર્ચની રાત સુધી તેઓ બીજાં દોઢસો કિલોમીટર ચાલ્યાં. જન્ગુએ વાત આગળ ચલાવી, ‘અમે બધાં બહુ જ ભૂખ્યાં થયાં હતાં. અમારી પાસેનાં ફૂડ પૅકેટસ ખલાસ થઈ ગયાં હતાં. બાળકોની તાકાત ખતમ થઈ ચૂકી હતી. અમે મહારાષ્ટ્રમાં કોઈક જ્ગ્યાએ હતા. જે કંઈ પૈસા બચ્યા હતા તે આપી અમે એક ટ્રકવાળાની સાથે ગોઠવણ કરી. તે અમને થોડાંક સો કિલોમીટર સુધી લઈ ગયો અને મહારાષ્ટ્રના એક ચેક પૉઇન્ટ પર અમારા પૈસા લઈને અમને મૂકીને ભાગી ગયો.’
રાજ્સ્થાનના મજૂર કમિશનર પ્રતીક ઝાંઝરિયાએ ‘ધ વાયર’ સાથે વાત કરતાં કહ્યું, ‘મને આ બનાવની જાણ 31 માર્ચે રાત્રે અગિયાર વાગ્યે થઈ. શ્રમજીવીઓની વચ્ચે કામ કરનાર ‘આજીવિકા’ નામનાં મજૂર સંગઠનને અને રાજ્ય સરકારને આ અંગેનો ફોન આવ્યો હતો. એ તાકીદનો કૉલ હતો. એટલે મેં પાલઘર જિલ્લાના કલેક્ટર કૈલાશ શિંદે તેમ જ પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને તંત્રને આ મજૂરોને મદદ કરવા જણાવ્યું. પછી તરત જ તેમને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા.’ મજૂર કમિશનરે ઉમેર્યું કે વીતેલું અઠવાડિયું તેમના વિભાગ માટે પડકારરૂપ હતું, કારણે કે અટવાયેલા મજૂરોના સતત કૉલ આવતા હતા. તેની સતત વ્યસ્ત રહેલી હૅલ્પ લાઇન પર એ અઠવાડિયામાં 25 હજાર કૉલ આવ્યા. તલાસરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર અજય વસાવેએ ‘ધ વાયર’ને કહ્યું કે એ રાજસ્થાન લેબર કમિશનરના સતત સંપર્કમાં છે અને અટવાયેલા આ મજૂરોનું કાઉન્સેલિન્ગ કરવામાં આવી રહ્યું છે. વસાવેએ ઉમેર્યું, ‘એ લોકો વારંવાર એમને ઘરે જવા દેવાનું કહી રહ્યાં છે, પણ અત્યારે તો એ શક્ય જ નથી. અમે એટલી તકેદારી ચોક્કસ રાખીએ છીએ કે એ લોકો 31 માર્ચે જે હાલતમાં હતા તેવી એમની હાલત ફરીથી ન થાય.’ મહારાષ્ટ્ર પોલીસે આ બનાવનો અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં આ મજૂરોને કેવી રીતે મુક્ત કરવામાં આવ્યા તેની વિગતો છે. વળી આ અહેવાલમાં વાપી પોલીસ પર એમની સરહદની બહાર મજૂરોની અમાનવીય હેરાફેરીનો એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. અલબત્ત, વાપી પોલીસે આ આરોપને રદિયો આપ્યો છે.
સૌજન્યઃ "ધ વાયર", અનુવાદઃ સંજય શ્રીપાદ ભાવે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020