વૈશાખની ક્રુદ્ધ બપોરનો સન્નાટો
તાપ અને તાપ સિવાય
ક્યો બાપ નવરો હોય અટાણે?
હા, થોડે દૂર ભઠ્ઠીમાંથી ઉકાળેલો ડામર
ડોલથી ભરી ભરી રસ્તા પર પાથરતાં
મજૂરો છે
રસ્તા પર તો મજૂરો જ હોય ને?
એમનું આમ હોવું અને
આ માથાફોડ તાપને એક અકસ્માત ગણો.
પ્લાસ્ટિકનાં ધગી ગયેલાં ચપ્પલોનો ફટક્ ફટક્ ફટકાર
રસ્તાના સૂનકારને જરી જરી ટપારે છે.
થોડેક દૂર રસ્તા પરનાં એક માત્ર ઝાડ હેઠ
મુકાદમે બીડી સળગાવી લીધી છે.
એક લારીની આડશે
એક-બે ખોયાં બંધાયેલાં છે.
ઉકળતા ડામરની તીવ્ર વાસથી
ભીંસોભીંસ થઈ ગયેલો રસ્તો
ફરી દોડતો થઈ જશે …
હાલ તો
અનેક અનેક અનેક બપોરને
એક સામટી સળગાવી નાખવાના તોરમાં
ધગી રહેલા સૂરજની
સામે પડ્યાં છે આ માથાકૂટિયા મજૂરો
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 મે 2020
![]()

