અત્યારે વિશ્વ એવું સપડાયેલું છે કે લોકોને હકારાત્મક વિચારો, વાતો અને ચર્ચાઓની જાણે ટોનિકની જેમ જરૂર પડે છે. લોકોને સમજાઇ રહ્યું છે કે ઘણી બધી વસ્તુઓ વગર ચલાવી શકાય પણ વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ જોઇએ તો ત્રણ મોટાં રાષ્ટ્રો એવા છે જેમની ઓળખ જ જાણે ધરમૂળથી બદલાઇ ગઇ છે. યુરોપનો એકીકરણ પ્રોજેક્ટ પડી ભાંગ્યો, યુનાઇટેડ થઇને કામ કરતી મહાસત્તા સ્ટેટ્સ ઑફ અમેરિકામાં તિરાડો પડી ગઇ અને ચીની સત્તા અને તેના નાગરિકો વચ્ચે જે સમજણ હતી જેમાં નાગરિકો રાષ્ટ્ર માટે પોતાની સ્વતંત્રતા જતી કરવા તૈયાર હતા તેનો મિજાજ પણ ફેરવાઇ રહ્યો છે.
યુરોપની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી છે કારણ કે ન તે એટલું વિશાળ છે કે એને માટે પોતાને બચાવવું અશક્ય છે અને તેની આભા એટલી વિશાળ છે કે તેને તે નિષ્ફળતા પણ પોસાય એમ નથી. બ્રેક્ઝિટનો ફટકો અને પછી થોડા વખતમાં રોગચાળાની ઝાપટમાં ઇટાલી સાવ એકલું પડી ગયું તેવો ઘાટ થયો. યુરોપિયન સાથીઓને ઇટાલીની કોઇ પરવા જ નહોતી તેમ ઇટાલીને લાગ્યું અને મોતની વરવી વાસ્તવિકતાની એ તસવીરો ઇટાલીનાં હ્રદય પર કાયમનો ઘસરકો બની રહેશે. યુરોપિયન યુનિયનના એક્સપર્ટ્સ મોટાં મોટાં જારગન્સ – અઘરાં શબ્દો વાપરવામાંથી ઊંચા ન આવ્યા અને ક્યાંક દેવાની વાતને લઇને મ્હેણાં મરાયા તો ક્યાંક કોરોના વાઇરસ સામેની લડત માટેનાં ભંડોળને લઇને ડ્રામા થયા. જર્મનીની સંકુચિત માનસિકતા ત્યારે ઉઘાડી પડી ગઇ જ્યારે ફેડરલ કોન્સ્ટીટ્યુશનલ કોર્ટે યુરોપિયન સેન્ટ્રલ બેંકની પ્રવૃત્તિઓ પર એવો ચૂકાદો આપ્યો જેનાથી એકથી વધારે રાષ્ટ્ર મોનિટરી યુનિયનનાં વિકલ્પમાંથી બહાર ફેંકાઇ ગયા. એમ બને કે યુરોપિયન યુનિયનની મુખ્ય અર્થવ્યવસ્થાઓ બેઠી થાય પણ પરિધમાં જે પણ અર્થવ્યવસ્થાઓ છે તેમની સ્થિતિ ન સુધરે. રોગચાળાની સ્થિતિમાં જેને ટેકો ન મળ્યો હોય તેવા રાષ્ટ્રોનો ઇતિહાસ લખાશે ત્યારે તેમાં એકીકરણ કે સંગઠનનો ઉલ્લેખ સુદ્ધાં નહીં હોય તે સ્વાભાવિક છે.
યુનાઇટેડ સ્ટેટ્સની વાત કરીએ તો તેનું પતન જાણે લાંબા સમયથી ભાખી દેવાયેલું ભવિષ્ય છે પણ છતાં ય લોકોને એમ થશે એ વાત પર બહુ વિશ્વાસ નથી. કોરોના વાઇરસે અમેરિકા પર ગ્રહણ લગાડવાનું શરૂ કર્યું તે પહેલાંથી જ યુ.એસ.એ.નાં મહત્ત્વનાં સંસ્થાનોમાં સડો પેઠો હોવાનું છતું થવા માંડ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પનું નેતૃત્વ, ભાંગ્યો તુટ્યો સંઘવાદ, રાજકીય રંગે ડહોળાયેલી સુપ્રિમ કોર્ટ આ તમામ અને આવું ઘણું યુ.એસ.એ.ની વિખેરાઇ રહેલી છબીનાં પુરાવા છે. જો કે લોકોને ત્યાંની શિક્ષણ સંસ્થાઓ, મીડિયા, આંત્રપ્રિન્યોરિયલ મિજાજ અને ટેક્નોલોજીકલ શક્તિ પર વિશ્વાસ છે અને આ તમામ સત્તાથી અલગ છે એટલે રાષ્ટ્ર ટકી જશે તેવી ખાતરી છે. આ બધું હોવા છતાં ય રોગચાળાનાં ભરડામાં સૌથી વધારે પાંસળા યુ.એસ.એ.નાં જ ભાંગ્યા છે, વિશ્વમાં કોરોના વાઇરસથી થયેલા મૃત્યુના કૂલ આંકડામાંથી 24 ટકા અમેરિકામાં થયા છે. ઇરાક યુદ્ધ, વૈશ્વિક મંદી, ટ્રમ્પ અને કોરોના વાઇરસના રોગચાળાને કાબૂમાં લાવવામાં મળેલી સરિયામ નિષ્ફળતા યુ.એસ.એ.નાં કાંગરા ખેરવવા માટે પૂરતા છે, આમ પણ વૈશ્વિક નેતૃત્વની તેની ઓળખ ઝાંખી અને વાસી થઇ ગઇ છે. કશું પણ રાતોરાત નથી થવાનું, વિકાસ હોય કે વિનાશ પણ અમેરિકા તો બધાંથી અલગ છે અને એને તો ઊની આંચ પણ ન આવે એવું માનવાની ભૂલ થઇ તો પછી વિનાશ ધાર્યા કરતા વધારે ઝડપથી આવી શકે છે.
ચીનનો સામ્યવાદ તો વર્ષોથી યથાવત્ રહ્યો છે, જ્યાં નાગરિકો સરકાર સાથે એક એવા કોન્ટ્રાક્ટમાં છે જ્યાં તેઓ પોતાની સ્વતંત્રતાઓ, છૂટછાટ તમામને જતાં કરે છે, રાજકીય મૌન સેવે છે અને રાજ્યએ જેનુ વચન આપ્યું છે તે સમૃદ્ધિ મેળવવા દોડ્યા કરે છે. રાજ્ય અને નાગરિકો વચ્ચેની આ લેણાદેણીને વાઇરસ બદલી નાખે તો નવાઇ નહીં. ચીને જે રીતે રોગચાળાની સ્થિતિ ન સંભાળી અને દાટ વળ્યો, તેને કારણે સત્તાધીશોની આવડત પર લોકોએ સવાલ કર્યા છે. જો સરકાર નાગરિકોને પ્રાથમિક રક્ષણ ન આપી શકે તો ‘સોશ્યલ કોન્ટ્રાક્ટ’ તો કંઇ કામનો જ નથી રહેતો. ચીનમાં ખરેખર કેટલા લોકોનો ભોગ લેવાયો છે તે પણ ક્યારેકને ક્યારેક જાહેર થશે જ અને હોંગકોંગ તથા તાઇવાન જેવી મુક્ત સોસાયટીએ રોગચાળાને કેવી રીતે હેન્ડલ કર્યો છે તે પણ લોકોની આંખો ખોલશે. ચીનનાં લાંબાગાળાની આર્થિક શક્તિ પાંખી પડી જાય તેવી પૂરી શક્યતાઓ છે કારણે વિશ્વ ‘આત્મનિર્ભર’ થવા મથશે. આમ તો ઝીનપિંગ બહુ કડક નેતા છે એટલે ત્યાં રાતોરાત ક્રાંતિ તો નહીં થાય પણ નાગરિકોને અત્યારનો જે સોશ્યલ કોન્ટ્રાક્ટ છે તે બોગસ અને પોકળ લાગવા માંડશે તે ચોક્કસ છે.
વિશ્વની મહાસત્તાઓના આ હાલ છે અને આપણું નેતૃત્વ મહા સત્તા બનવાનાં પગથિયાં ચઢવા માગે છે. મહત્ત્વાકાંક્ષાઓ હોવી અને તેનું સાકાર થવું તેમાં અંતર ઘણું લાંબુ હોય છે એટલે આ તો વખત આવ્યે જ કહી શકાશે.
બાય ધી વેઃ
આત્મનિર્ભરતાનાં કેટલા પાઠ તમે શીખ્યા? મીમ્સનાં ઢગલાઓ વચ્ચે આત્મનિર્ભરતાની ચર્ચાઓ, પેકેજિઝ જાહેર થતા જશે, એમાં માલ્યા જો દેશમાં પાછા લવાશે તો એક બીજા ડ્રામાનો પડદો ઊંચકાશે. વધુ પડતો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સારા નહીં એવું સત્તાધીશોએ યાદ રાખવું પડશે અને જો ભૂલી જવાના હોય તો જે ત્રણ મહાસત્તાઓની હાલતની સ્થિતિની આપણે ચર્ચા કરી તેની પર એક નજર કરી દેવી જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 મે 2020