કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા અને અન્યને બચાવવા સમગ્ર વિશ્વને લાગુ પડતી સલાહ શું છે? માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને સૌથી અગત્યનું, સેનિટાઈઝરથી ૨૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધુઓ. હા, ઘસીને દિવસમાં વારંવાર હાથ ધોવાના છે. અમેરિકાના સૅન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલની સલાહ પ્રમાણે તો દિવસમાં સામાન્યતઃ ૧૦ વખત હાથ ધોવાના છે. ‘વૉશ યૉર હેન્ડ્ઝ’ હાલ એક મંત્ર સમાન છે. કોવિડ-૧૯ વિષાણુ સામે કોઈ રસી હજુ શોધાઈ નથી, તેથી સ્પર્શ-સંસર્ગથી વિષાણુ શરીરમાં પ્રવેશ કરે તે પહેલાં જ સેનિટાઈઝરથી તેનો નાશ કરવાનો ઉપાય હાથવગો રહ્યો છે.
સામાન્ય સંજોગોમાં તો એ જાણવામાં કદાચ રસ ન પડે, પણ અત્યારે એ જાણવા જેવું છે કે વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૧૫ ઑક્ટોબરનો દિવસ વિશ્વભરમાં ‘વર્લ્ડ હૅન્ડ વૉશિંગ ડે’ તરીકે ઉજવાય છે. કોરોનાથી પહેલાં પણ હાથ ધોવાનું આટલું બધું મહત્ત્વ શી રીતે ઊભું થયું, તેની પાછળ વિજ્ઞાનની રસિક અને કરુણ કથા રહેલી છે. જીવાણુઓનાં કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે તેવા મતલબની ‘જર્મ થિયરી’ની ઘોષણા કરનાર લૂઈ પાશ્ચર કે જીવાણુઓના નાશ માટેની એન્ટીસેપ્ટિકની પ્રક્રિયાના પ્રર્વતક જોસેફ લિસ્ટર હજુ પોતાના અભ્યાસો-સંશોધનોનાં પરિણામોને ચકાસતા હતા. કોઈ એક ચોક્કસ જીવાણુ અને તેના કારણે ફેલાતા ચોક્કસ રોગ અંગેનો રોબર્ટ કોખનો સિદ્ધાંત ૪૦ વર્ષ પછી પુરવાર થવાનો હતો. જીવાણુથી થતા રોગનો સામનો કરતી પહેલી એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક એલેકઝાન્ડર ફ્લેમિંગનો જન્મ થયો ન હતો. પાઉલ એહરલિકની જીવાણુને શોધી શોધી મારી શકે તેવી જાદુઈ ગોળી (મૅજિક બુલેટ) ‘સાલવરસન’ના આગમન માટે વિશ્વને ૭૦ વર્ષ રાહ જોવાની હતી. વિષાણુ ઉર્ફે વાઇરસની ઓળખ ઘણી દૂર હતી.
ત્યારે ૧૫ મે, ૧૮૫૦ ની સાંજે વિયેનાની મૅડિકલ સોસાયટીના ભવ્ય પ્રવચન ખંડના મંચ પરથી એક યુવાન સ્ત્રીરોગશાસ્ત્રી ડૉ. ઈગ્નાઝ ફિલિપ સેમેલ્વિસે તબીબો સમક્ષ દરદીઓને બચાવવા માટે ઘસીને હાથ ધોવાનું સૂચન કરતું પ્રવચન કર્યું. શહેરની જનરલ હૉસ્પિટલમાં રોગોનું સંક્રમણ અટકાવવાના પોતાના અનુભવ અને ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણથી હાથ ધોવાના ફાયદા સેમેલ્વિસે જણાવ્યા. તબીબી ક્ષેત્રની કેટલીક મહાન શોધોની જાહેરાતના સાક્ષી બની ચૂકેલા તે ખંડમાં સેમેલ્વિસના વિદ્યાર્થીઓ અને સાથીઓ ઉપરાંત ઓસ્ટ્રિયાના નામાંકિત તબીબો-સ્ત્રીરોગ નિષ્ણાતો પણ હાજર હતાં. તેમના પ્રવચનના અહેવાલો પણ ઑસ્ટ્રિયાનાં સમાચારપત્રોમાં પ્રસિદ્ધ થયા. પરંતુ કેટલાક દાયકા સુધી તબીબી આલમે સેમેલ્વિસની શોધને ગંભીરતાથી લીધી નહીં.
યુરોપના દાક્તરોએ દરદીઓને તપાસતાં પહેલાં અને પછી, દરદીઓની વાઢકાપ કરતાં પહેલાં અને પછી તથા લેબર રૂમમાં પ્રસૂતિ કરાવ્યા પહેલાં અને પછી હાથ ધોવાની-સ્વચ્છતા જાળવવાની ટેવ અપનાવી ન હતી. ત્યારે, વર્ષ ૧૮૪૭ના અરસામાં ૨૯ વર્ષના સેમેલ્વિસ વિયેનાની જનરલ હૉસ્પિટલના પ્રસૂતિગૃહમાં મદદનીશ તબીબ તરીકે નીમાયા. બે ભાગમાં વહેંચાયેલા હૉસ્પિટલનું પ્રસૂતિગૃહમાં સેમેલ્વિસે ફર્સ્ટ ક્લિનિકમાં હૉસ્પિટલના પ્રૉફેસર જોન ક્લેનના હાથ નીચે કામ કરવાનું હતું અને વિદ્યાર્થીઓને તાલીમ આપવાની હતી, જ્યારે સૅકન્ડ ક્લિનિકમાં દાયણો દ્વારા પ્રસૂતિ કરાવાતી હતી.
યુરોપ-અમેરિકાની શ્રેષ્ઠ ગણાતી હૉસ્પિટલોમાં વર્ષ ૧૮૫૦ પહેલાં તબીબો દ્વારા કરાવાતી પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુનો દર, દાયણો દ્વારા ઘરે કરાવાતી પ્રસૂતિ વખતના મૃત્યુદર કરતાં ઘણો વધારે રહેતો હતો. બાળકના જન્મના ર૪ કલાકમાં જ પ્રસૂતાના મૃત્યુની કોઈ નવાઈ ન હતી. આ પરિસ્થિતિનું કારણ પ્રસૂતાઓને લાગતી ચાઇલ્ડ ફીવર નામની બીમારી હતી. તે દિવસોમાં યુરોપમાં મોટા ભાગની સ્ત્રીઓ ઘરે રહીને પ્રસૂતિ માટે દાયણોની સેવાઓ લેવાનું પસંદ કરતી હતી. પરંતુ અનૈતિક સંબંધો, નાજુક સ્વાસ્થ્ય અને મોટે ભાગે ગરીબીને કારણે ઘણી સ્ત્રીઓને પ્રસૂતિ માટે સરકારી દવાખાનાનો આશરો લેવો પડતો. કમનસીબે હૉસ્પિટલમાં થતી પ્રસૂતિઓને કારણે માતાઓનાં મરણનું પ્રમાણ રપ-૩૦ ટકા સુધી પહોંચી જતું હતું. કેટલાક લોકોના મતે દવાખાનાંની ગીચતા, અપૂરતાં હવા-ઉજાસ કે પ્રસૂતામાં ધાવણની શરૂઆત જેવાં કારણો આવાં મૃત્યુ માટે જવાબદાર હતાં. કેટલાક જીવલેણ-અસાધ્ય રોગો પણ કારણભૂત હોવાનો ત્યારના અગ્રણી તબીબોનો મત હતો.
સેમેલ્વિસ શરૂઆતથી જ માતાઓનાં મૃત્યુ અંગેનાં તથાકથિત કારણો સાથે સહમત ન હતા. તેમણે પોતાના વિભાગીય વડાના વિરોધ છતાં સાચાં કારણ શોધવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે ફર્સ્ટ ક્લિનિકમાં દાખલ થતી ગર્ભવતી સ્ત્રીઓ ક્લિનિકમાંથી રજા લઈ પ્રસૂતિ માટે ઘરે જવાનો આગ્રહ કરતી હતી, પરંતુ સૅકન્ડ ક્લિનિકમાં દાખલ કરાતી સ્ત્રીઓને આવી કોઈ ફરિયાદ ન હતી. થોડા મહિનામાં સેમેલ્વિસના ધ્યાને એક આશ્ચર્યકારક હકીક્ત આવીઃ સૅકન્ડ ક્લિનિક કરતાં ફર્સ્ટ ક્લિનિકમાં માતાઓનો મૃત્યુદર લગભગ ત્રણ ગણો વધારે હતો.
ડૉ. સેમેલ્વિસે બંને ક્લિનિકમાં દાખલ થયેલાં દરદીઓ, તેમને તપાસનારાં, દરદીઓનાં સ્વાસ્થ્યની સ્થિતિ અને સારવાર તથા મૃત્યુ કે પ્રસૂતિ બાદ રજા આપ્યાની વિગતો સહિતની વિસ્તૃત માહિતી તૈયાર કરી. સાથેસાથે બન્ને ક્લિનિકની વ્યવસ્થા-સગવડો અને દાયણો તથા તબીબી વિદ્યાર્થીઓની કાર્યશૈલીની પણ ઝીણવટભરી નોંધો તૈયાર કરી. સેમેલ્વિસનું પ્રાથમિક તારણ એ હતું કે તબીબોની હાજરીવાળા વોર્ડમાં પ્રસૂતાઓના વધુ મૃત્યુનું કારણ તબીબો સાથે સંકળાયેલું હોવું જોઈએ. તેમના બારીક નિરીક્ષણે એ બાબત નોંધી કે સામાન્ય રીતે તબીબી વિદ્યાર્થીઓ પહેલાં દવાખાનાના શબઘરમાં મૃતદેહોની ઑટોપ્સી કરતા હતા અને ત્યાર બાદ હાથ સાફ કર્યા વિના ફર્સ્ટ ક્લિનિકમાં જતા હતા, જ્યારે દાયણોને શબઘરમાં કશું કામ ન હોવાથી તે ત્યાંથી દૂર રહેતાં હતાં. સેમેલ્વિસે વિચાર્યું કે ઑટોપ્સી દરમિયાન મૃતદેહોમાંથી કોઈ પ્રકારનું ઝેર તબીબો દ્વારા પ્રસૂતિગૃહમાં સંક્રમિત થતું હોવું જોઈએ. આ દરમિયાન ચાઇલ્ડ ફીવરની બીમારીથી અવસાન પામનાર એક સ્ત્રીની પ્રસૂતિ કરાવતાં લાગેલા ઘામાં ચેપ લાગતાં એક સાથી તબીબનું અવસાન થયું. તબીબ અને મૃત પ્રસૂતાની બીમારીનાં લક્ષણોમાં સામ્ય જોવા મળતાં સેમેલ્વિસની ધારણાને બળ મળ્યું. કેટલાક અખતરા બાદ સેમેલ્વિસે તમામ દાક્તરોને ઘસીને હાથ ધોવાની સલાહ આપી. શરૂઆતના તબક્કે સાબુનાં પાણીનો ઉપયોગ સફળ ન થતાં ક્લોરિનેટેડ લાઈમનાં દ્વાવણનો ઉપયોગ કરવાની સૂચનાઓ કરી અને તમામ તબીબી કામગીરી દરમ્યાન ફરજિયાતપણે હાથ ધોતા રહેવાની નીતિ અખત્યાર કરાવી. પરિણામે ફર્સ્ટ ક્લિનિકમાં પ્રસૂતા સ્ત્રીઓનાં મૃત્યુની ટકાવારી ૧૮.૨૮ ટકાથી ઘટીને ૧.૨૭ ટકા થઈ ગઈ. ૧૮૪૮ના ઑગષ્ટ મહિનાથી સેમેલ્વિસના ફર્સ્ટ ક્લિનિકમાં ચાઇલ્ડ ફીવરને કારણે થતાં પ્રસૂતાનાં મૃત્યુ અટકી ગયાં.
સેમેલ્વિસને ચાઇલ્ડ ફીવરના સંક્રમણ અને ઉદ્દભવ માટે જવાબદાર જીવાણુનો તે સમયે ખ્યાલ કે વિચાર આવ્યો ન હતો. વિયેનાના યુવાન તબીબોને સેમેલ્વિસની શોધનું મહત્ત્વ સમજાયું હતું. પરંતુ અનુભવી અને ઉપરી તબીબો સેમેલ્વિસને સમજી શક્યા ન હોવાથી તેમની ટીકા કરતા હતા. ચાઇલ્ડ ફીવરનું કારણ માત્ર સ્વચ્છતાનો અભાવ હોઈ શકે. તેવી સેમેલ્વિસની ધારણાની હાંસી ઊડાવવામાં આવી. કેટલાકને વારંવાર હાથ ધોવાની કાર્યપદ્ધતિની અગવડ પસંદ ન હતી. એટલું જ નહીં, ઘણા તબીબોએ સેમેલ્વિસનાં સૂચનો અને ઘસીને હાથ ધોવાની પદ્ધતિને અવગણ્યાં. ઇતિહાસકારો નોંધે છે કે પોતાના ઉપરી તબીબો દ્વારા હાથ ધોવાની પદ્ધતિની અસરકારકતાનો ખાતરીબદ્ધ પુરાવા સેમેલ્વિસ આપી શક્યા ન હતા. પ્રસૂતાઓનાં મૃત્યુ માટે ખરાબ હવા જવાબદાર છે, તેવી માન્યતામાં ઉપરી તબીબો શ્રદ્ધા ધરાવતા હતા. તબીબી વ્યવસાય દૈવી ગણાતો હોવાથી તબીબો પોતે જ કોઈ રોગ માટે જવાબદાર હોય, તેવી સેમેલ્વિસની ધારણા તેમને સદંતર અસ્વીકાર્ય હતી.
સૈદ્ધાંતિક અને વૈચારિક ઘર્ષણના પરિણામે વિયેનાની જનરલ હૉસ્પિટલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકેની સેમેલ્વિસની નિમણૂંક રિન્યૂ કરવામાં ન આવી. તેથી સેમેલ્વિસ નિરાશ થઈ વિયેના છોડી હંગેરીમાં પોતાના વતન બુડાપેસ્ટ ગયા. ૧૮૫૧માં તેઓ સેન્ટ રોકસ હૉસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગના વડા નીમાયા. ત્યાં તેમણે દાક્તરો અને નર્સોને સંક્રમણ અટકાવવા ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણથી હાથ ધોવાની પ્રણાલીમાં જોડ્યાં અને તે હૉસ્પિટલનો માતાઓનો મૃત્યુદર ઘટાડવામાં સફળ થયા. એટલું જ નહીં, સેમેલ્વિસે આ પ્રણાલીનો ઉપયોગ તબીબી તપાસ, વાઢકાપ અને પ્રસૂતિમાં વપરાતાં તમામ સાધન-ઓજારોનાં નિજંતુકરણ માટે કરવાનું પણ શરૂ કર્યું. દવાખાનાંઓની આંતરિક વ્યવસ્થાઓમાં હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા, વૉશ બેઝિન, સાબુ અને ચોખ્ખા રૂમાલની સગવડોનો પણ ઉમેરો કર્યો. દરદીઓની સારવાર માટેની કાર્યપદ્ધતિમાં મહત્ત્વના ફેરફાર સૂચવ્યા. તેમ છતાં સેમેલ્વિસની શોધને સાર્વત્રિક આવકાર ક્યારે ય ન મળ્યો. બુડાપેસ્ટના અન્ય સ્ત્રીરોગ નિષ્ણાતોએ સેમેલ્વિસના વિચારોને સ્વીકાર્યા ન હતા.
ક્લોરિનેટેડ લાઈમનું દ્રાવણ હકીકતમાં ચાઇલ્ડ ફીવર માટે જવાબદાર જીવાણુઓનો નાશ કરે છે અને આ જીવાણુઓ સડેલા મૃતદેહો કે અન્ય પદાર્થોમાંથી સંક્રમિત થતા હોવાનો તાર્કિક સંબંધ સેમેલ્વિસ સમજાવી શક્યા ન હતા. જો કે પ્રોફેસર બર્લીના અવસાન બાદ વર્ષ ૧૮૫૫ માં સેમેલ્વિસ પેસ્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર બની શક્યા હતા. ત્યાં સુધી ક્લોરિનેટેડ લાઈમના દ્રાવણના જીવાણુનાશક તરીકેના ઉપયોગની તેમની શોધ અને તેનાં પરિણામ તેમણે પ્રસિદ્ધ કર્યાં ન હતાં. આખરે વર્ષ ૧૮૬૧માં તેમણે પોતાનું સંશોધન પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરી ચાઇલ્ડ ફીવરના સંક્રમણની પદ્ધતિ સમજાવી અને તેના નિવારણ માટે ઘસીને હાથ ધોવાની કાર્યપદ્ધતિની અસરકારકતાનાં પરિણામો રજૂ કર્યાં. એ જ પુસ્તકમાં તેમણે પોતાના ટીકાકારોની ખૂબ આકરા શબ્દોમાં ટીકા પણ કરી હતી.
સેમેલ્વિસના વ્યક્તિત્વને સમજવું અને તેમના સાથે કામ પાર પાડવાનું અઘરું હતું. અભ્યાસીઓના મતે તેમનું વ્યક્તિત્વ પણ એક રીતે તેમની શોધના અસ્વીકારનું એક કારણ બની ગયેલું. મિત્રોના આગ્રહ છતાં તેમણે ૧૩ વર્ષ સુધી પોતાના સંશોધનને પ્રસિદ્ધ કરવાનો ઈનકાર કર્યા હતો. તે માનતા હતા કે લાઈમ વોટરના દ્વાવણથી હાથ સાફ કરવાની શોધને કોઈ પુરાવાની જરૂર નથી. કહેવાય છે કે તે ઉદ્ધત અને અહંકારી પણ હતા. પોતાની શોધના અસ્વીકારના કારણે વ્યાપેલી હતાશાને કારણે તેઓ ક્રોધાવેશમાં સૌથી શક્તિશાળી અને ઉપરી તબીબોનું ખરાબ રીતે અપમાન કરતા હતા. તબીબી ક્ષેત્રના વ્યવસાયિકોની પોતાના તરફની ઉદાસીનતાથી સેમેલ્વિસ અકળાઈ ગયા હતા અને યુરોપના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાતોને તેમણે તીખી ભાષામાં જાહેર પત્રો લખવાનું શરૂ કર્યું હતું. અપમાન સહન નહીં કરવાના કારણે તેમના વર્તનમાં આવેલ પરિવર્તન અને આક્રોશને કારણે તેમનાં પત્ની મારિયા અને મિત્રોએ માન્યું કે સેમેલ્વિસે માનસિક સ્થિરતા ગુમાવી છે. વર્ષ ૧૮૬૫માં તેમને અસ્થિર મગજના લોકોની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં પખવાડિયા બાદ તેમનું મૃત્યુ થયું. હૉસ્પિટલમાંથી ભાગવા જતાં હૉસ્પિટલના ચોકીદારોના મારથી તેમનું મૃત્યુ થયાની ધારણા છે.
ઉપરની તસવીરોમાં ડૉ. સેમેલ્વિસના પ્રદાન પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે જર્મની, ઑસ્ટ્રિયા અને હંગેરીએ જુદા જુદા સમયે પ્રગટ કરેલી ટપાલટિકિટો
નવી શોધ કે નવા પુરાવાની અવગણના કરવાના વલણને વિજ્ઞાનના ઇતિહાસકારો સેમેલ્વિસે રીફ્લૅક્સ તરીકે ઓળખાવે છે. સ્થાપિત ધોરણો અને માન્યતાઓથી વિરુદ્ધની નવી શોધો જ્યારે જૂના વિચારો માટે પડકારજનક સાબિત થાય છે, ત્યારે તેમના શોધકો સેમેલ્વિસની જેમ અવગણનાનો ભોગ બનતા હોય છે. તબીબી વિજ્ઞાનના ઇતિહાસકારો સેમેલ્વિસને યોગ્ય રીતે જ ‘સંક્રમણનિયંત્રણના પિતા‘ અને ‘માતાઓના ઉદ્ધારક‘ તરીકે ઓળખાવે છે. તે જ્યાં અધ્યાપક હતા તે બુડાપેસ્ટની મેડિકલ સ્કૂલનું નામ તેમની સ્મૃતિમાં ‘સેમેલ્વિસ યુનિવર્સિટી ઓફ મેડિસિન‘ રાખવામાં આવ્યું છે.
ઈંગ્લેન્ડના સર્જન જોસેફ લિસ્ટરે વર્ષ ૧૮૬૫માં જ એક અસરકારક જીવાણુનાશક —એન્ટીસેપ્ટિક એજન્ટ તરીકે કાર્બોલિક એસિડ(ફિનોલ)ની શોધ પ્રસિદ્ધ કરી, જેનો વ્યાપકપણે સ્વીકાર થયો. સેમેલ્વિસની શોધ અને સંઘર્ષથી અજાણ લિસ્ટર પછીથી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાનું ચૂક્યા ન હતા.
વર્ષ ૧૮૫૦માં ચાઇલ્ડ ફીવરને રોકવા કે તેનો સામનો કરવા કોઈ દવા કે રસી શોધાઈ ન હતી, તેમ કોવિડ-૧૯ના પ્રતિકાર માટે પણ આજે કોઈ ઉપાય ઉપલબ્ધ નથી. તેથી ૧૫ મે, ૧૮૫૦ પછી બરાબર ૧૭૦ વર્ષ પછી ૧૫ મે, ૨૦૨૦ના દિવસે પણ એક જુદા જ રોગનુ સંક્રમણ રોકવા ડૉ. સેમેલ્વિસની ‘વૉશ યૉર હૅન્ડ્ઝ ટુ સેવ લાઇવ્ઝ’ની સલાહ વર્તમાન વિશ્વ માટે એટલી જ સાચી છે.
e.mail : dipakjoshi3057@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 15 મે 2020