૨૪મી માર્ચે ચાર કલાકની નોટિસમાં વડા પ્રધાને દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી, ત્યારે દેશમાં કરોનાગ્રસ્તોની કુલ સંખ્યા ૫૩૬ની હતી અને કોરોનાને કારણે મૃત્યુ પામેલાંઓની સંખ્યા દસની હતી. ફરી એક વાર નોંધી લો; ૫૩૬ અને દસ.
આ બાજુ અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા સમયાંતરે કરવામાં આવતા મજૂરો વિશેના સર્વેક્ષણ (પીરિયોડિક લેબર ફોર્સ સર્વે) મુજબ ૨૦૧૮-૨૦૧૯માં એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં મજૂરી કરવા જતા મજૂરોની સંખ્યા ૯૦ લાખની હતી. સર્વેક્ષણ કરનારાઓએ કહ્યું છે કે આ આંકડો ભારત સરકારના આગલા વરસના આર્થિક સર્વેક્ષણ અને રેલવેમાં ઉતારુઓની યાતાયાતના આધારે કાઢવામાં આવ્યો છે. આ ૯૦ લાખમાં એ મજૂરોને ગણવામાં આવ્યા નથી, જે એક જ રાજ્યમાં એકથી બીજી જગ્યાએ મજૂરી કરવા જતા હોય, જેમ કે કોઈ ઓખાથી સુરત મજૂરી કરવા આવ્યા હોય. આ વર્ગના લોકોની સંખ્યા કેટલી હશે? આંકડો મળતો નથી, પણ ઓછામાં ઓછા વીસેક લાખ તો હશે જ.
તો વાસ્તવિકતા એ છે કે ૨૪મી માર્ચે રાતે આઠ વાગે માત્ર ચાર કલાકની નોટિસમાં વડા પ્રધાને જ્યારે લોક ડાઉનની જાહેરાત કરી, ત્યારે દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૫૩૬ની હતી, એમાં મૃત્યુ પામેલાંઓની સંખ્યા દસની હતી અને ઓછામાં એક કરોડ ગરીબો એવા હતા જે દેશભરનાં શહેરોમાં પથરાયેલા હતા; જે પોતાના વતનથી દૂર હતા, ધોરણસરના આશ્રય વગરના હતા અને બીજા જ દિવસથી તેમની રોજી બંધ થવાની હતી.
હવે આજની સ્થિતિ જોઈએ. ચોથી મેએ મજૂરોને ટ્રેન કે બસો દ્વારા પોતાને વતન મોકલવાનો નિણર્ય લેવાયો ત્યારે દેશભરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૪૬,૪૩૭ની હતી અને તેમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧,૫૬૬ની હતી. આજે આઠમી મેએ હું આ લેખ લખી રહ્યો છું ત્યારે આ સંખ્યા અનુક્રમે ૫૬,૩૫૧ અને ૧,૮૮૯ છે. લોક ડાઉન જાહેર કર્યો ત્યારે આ સંખ્યા અનુક્રમે માત્ર ૫૩૬ અને દસની હતી. આ બાજુ આપણને જાણ નથી કે એક કરોડ ગરીબ મજૂરોમાંથી કેટલાં ચાલીને કે જે મળ્યું એ સાધન દ્વારા પોતાને વતન પહોંચી ગયાં છે. ધારી લઈએ કે વીસેક લાખ મજૂરો પોતાને વતન પહોંચી ગયાં હશે. તો એનો અર્થ એ થયો કે ઓછામાં ઓછા ૮૦ લાખ મજૂરોને હવે પોતાને વતન મોકલવામાં આવી રહ્યાં છે.
હવે સમજદાર શાસકો હોય તો શું કરે? કોરોનાગ્રસ્તોની સંખ્યા ૫૩૬ની હોય ત્યારે મજૂરોને થાળે પાડે કે ૫૬,૩૫૧ હોય ત્યારે? વળી ૨૪મી માર્ચે જ્યારે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો ત્યારે કુલ ૫૩૬ કરોનાગ્રસ્તોમાંથી મોટા ભાગના અસરગ્રસ્તો મુંબઈમાં, થોડાક કેસ દિલ્હીમાં અને કેરળમાં હતા. દેશના કુલ ૭૩૩ જિલ્લાઓમાંથી અંદાજે ૭૧૫ જિલ્લા સંપૂર્ણપણે કોરોનામુક્ત હતા. આજે ૧૩૦ જિલ્લાઓ રેડ ઝોનમાં છે અને ૨૮૪ જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં છે અને ૩૧૯ ગ્રીન ઝોનમાં છે. દેશનો ૯૫ ટકા પ્રદેશ જ્યારે કોરોનામુક્ત હતો અને અસરગ્રસ્તોની સંખ્યા માત્ર ૫૩૬ની હતી ત્યારે મજૂરોને એકથી બીજા સ્થળે મોકલવા જોઈતા હતા કે આજે, જ્યારે કરોનાગ્રસ્તોની સંખ્યા ૫૬ હજાર કરતાં વધુ છે અને દેશના ૭૩૩ જિલ્લાઓમાંથી ૪૧૪ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત હોય ત્યારે?
બીજું, એક કરોડ મજૂરોને ગોંધી રાખવા છતાં દેશના ૪૧૪ જિલ્લાઓ આજે કોરોનાગ્રસ્ત છે અને કોરોનાગ્રસ્તોની સંખ્યા ૫૬ હજાર સુધી પહોંચી ગઈ છે. તો એનો અર્થ એ થયો કે લોક ડાઉન જાહેર કરતાં પહેલાં જો મજૂરોને પોતાને વતન જવા દેવામાં આવ્યા હોત, તો તેમના દ્વારા કોરોના ફેલાવાનું જોખમ નહીંવત્ હતું. ઊલટું આજે જોખમ વધારે છે, કારણ કે કોરોના દેશભરનાં આર્થિક રીતે ધમધમતાં શહેરોમાં ફેલાયો છે અને મજૂરો પેટનો ખાડો પૂરવા ફિઝીકલ ડિસ્ટન્સીંગની ઐસીતૈસી કરીને જ્યાં રોટલો મળે ત્યાં કે જ્યાંથી ભાગવા મળે ત્યાં ટોળે વળતા હતા. ૨૪મી માર્ચે ભાગ્યે જ કોઈ ગરીબ મજૂર કોરોનાગ્રસ્ત હતો, પણ આજે હજારોની સંખ્યામાં મજૂરો કોરોનાગ્રસ્ત હશે જે પોતાને ગામ કોરોના લઈ જશે.
ત્રીજું, સરકાર દાવો કરે છે એમ જો મજૂરોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તેમને બે ટંક રોટલો આપવામાં આવ્યો હતો તો મજૂરો શું ગાંડા થઈ ગયા હતા કે તેઓ અહીં તહીં ભટકે, રોટલો મળે ત્યાં ટોળે વળે, ભાગવા મળે તો ભાગવાની કોશિશ કરે, પોલીસ ઉપર પથ્થરમારો કરે? શું તેમને પોતાનો જીવ વહાલો નથી? તેમને તેમનાં બૈરીછોકરાં વહાલાં નથી? આ રઘવાયો ભટકાવ જ સાબિત કરે છે કે તેમનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. ઊલટું કર્ણાટકની સરકારે તો બિલ્ડર લોબીનાં દબાણ તળે મજૂરોને અટકાવી રાખ્યા હતા. તેમને માટે નિર્ધારિત કરવામાં આવેલી ટ્રેન રદ્દ કરાવી હતી! વીતેલા યુગમાં જેમ કુલીઓનો વેપાર કરવામાં આવતો હતો એમ કર્ણાટકના મુખ્ય પ્રધાને મજૂરોનો સોદો કર્યો હતો. નીચતાની આ પરાકાષ્ટા હતી. દેશભરમાં થૂ થૂ થયા પછી કર્ણાટકની સરકારે નિર્ણય બદલ્યો છે.
અને છેલ્લે, તમને લાગે છે કે સ્થિતિ થાળે પડ્યા પછી આ મજૂરોમાંથી બધા જ પાછા આવશે? તેમને જે માનસિક આઘાત પહોંચાડવામાં આવ્યો છે એ એટલો ઊંડો અને કારમો છે કે એ આઘાત જ્યાં સુધી ભૂલાશે નહીં ત્યાં સુધી તેઓ પાછા આવવાના નથી. ઓછામાં ઓછા પચાસ ટકા મજૂરો પાછા નહીં ફરે. તેમને સમજાઈ ગયું છે કે તેમનું કોઈ નથી. કર્ણાટકના બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ ડરી ગયા, એ આ વાત સાબિત કરે છે. મજૂરો પાછા નહીં ફરે એનું આર્થિક પરિણામ કેવું હશે એ વિચારી જુઓ!
આને કહેવાય ખોટનો સોદો. વડા પ્રધાને સલાહ લેવાની અને સાંભળવાની ટેવ પાડવાની જરૂર છે. થોડો શ્રેય ભલે બીજા લઈ જાય, એકંદર શ્રેય તો તમને જ મળવાનો છે! નોટબંધી વખતે પણ આવું જ થયું હતું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 મે 2020
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય