= = = = નિત્શે જેની વાત કરે છે એ છે ચૈતસિક હોનારત. એવો વિચાર જે આપણાં સુસ્થિર મનાતાં ધર્મ કે રાજ્ય જેવાં સત્તાતન્ત્રોને હચમાચવી દે, પરાસ્ત કરી દે – એટલે કે ક્રાન્તિકારી પુરવાર થાય = = = =
= = = = હોનારત નીવડનારા એ વિચાર-દર્શનની આગવી સત્તાએ કરીને નવ-પરિવર્તન પ્રગટે છે. એવી ક્રાન્તિ, હોનારત છે. નિત્શે એવી હોનારત પુરવાર થયા છે બલકે નિત્શે પોતાને ખુદને જ હોનારત ગણતા હતા = = = =
આ મુશ્કેલ સમયમાં વિશ્વ સમગ્રની પરિસ્થિતિ, પણ ખાસ તો, ઘરમાં રહેવાથી ઊભી થયેલી આપણી ખુદની પરિસ્થતિ આપણું ઘણું ધ્યાન ખૅંચી રહી છે.
બહાર ભમતો સમય વિકરાળ છે, પણ ઘરમાં સ્થિર થવા લાગેલો સમય ચિન્તાજનક છે. આ પહેલાં, રોજનો આપણો સમય ટાઇમટેબલ પ્રમાણે ગોઠવાઈ ગયેલો. ટાઇમનાં આપણે ખાનાં પાડી લીધેલાં, કહો કે, આપોઆપ પડી ગયેલાં. સવારે ઊઠ્યા પછી એકીબેકી ચા-પાણી સ્નાન નાસ્તાપાણી ને પછી લન્ચ ને કામધંધે વળગવા સીધા ઘરની બ્હાર – કાં તો કારમાં કે સ્કૂટર પર અથવા તો બસમાં કે ટ્રેનમાં. આપણી સાંજો અને રાતો પણ વ્યવસ્થામાં બંધાયેલી હતી. નિદ્રાશરણે અમુક સમયે જ જવું એમ પણ નક્કી હતું.
ટૂંકમાં, આપણો દરેક સમય અને સમયનો દરેક ટુકડો સ-પ્રયોજન હતો. સમયને આપણે કોઈ-ને-કોઈ પ્રયોજન, આશય કે હેતુ સાથે જોડી રાખેલો. પણ હવે ઘરમાં ને ઘરમાં જ છીએ એટલે પ્રયોજન તો એક જ છે કે કોરોનાથી બચવું. અને એટલે આશય કે હેતુ પણ એટલો જ છે કે ખાવું પીવું ને ઊંઘવું. અને એ બધી પ્રવૃત્તિઓ પણ આપણે આપણી ઇચ્છા પડે ત્યારે ને તેમ કરતાં હોઈએ છીએ. કહેવાનો મતલબ, સમયનાં ટેબલ કે કોઠા કે ચૉકઠાં તૂટી ગયાં છે. સવાર બપોર સાંજ ને રાત વચ્ચેની સરહદો ભેળાઈ ગઈ છે. ઘણી વાર તો બુધવાર ચાલુ થઈ ગયો હોય તો પણ આપણે મંગળવારમાં જ રહી ગયા હોઈએ. સમજવાનું એ છે કે આપણો સમય પ્રવાહી થઈ ગયો છે …
હવે, એ તો જાણીતું છે કે પ્રવાહી હોય એ ધીમે ધીમે ઠરી જાય. જેમ પાણીનો બરફ થાય એમ પ્રવાહી સમય પણ ક્રમે ક્રમે થીજીને ઘન થઈ જાય. જુઓને, એટલે સ્તો આપણે ઘણી વાર બબડતાં હોઈએ છીએ – આ બપોર સાલી ખસતી જ નથી … આ સાંજ કોણ જાણે બહુ ભારે લાગે છે …
ઘરની બહારનાં તમામ સ્થળ પણ એટલાં જ ચિન્તાજનક છે. પણ ઘર વધારે ચિન્તા કરાવે છે. કેમ કે એ આપણું સર્જન છે, ઉપાર્જન છે. છતાં, બને છે કેવું તે જુઓ : ઘરનો અસબાબ રાચરચીલું ચીજવસ્તુઓ સુખસગવડનાં સાધનો એ-નાં-એ જ છે તે રોજે રોજ નજરને એ-ની-એ ભાતમાં અથડાયા કરે છે. ઘર આપણી જાણ બ્હાર મગજમાં ઘુંટાવા લાગે છે. એ-ના-એ રૂમોમાં આપણી એ-ની-એ અવરજવર. એકબીજાં સાથે આપણી એ-ની-એ વાતો. જાત જાતનાં રંગરંગીન ફૉર્વર્ડઝ ખરાં પણ સુણાવે છે એ-ની-એ જ વાત કે – સ્ટે સેફ – કીપ સ્માઇલિન્ગ – ટેક કૅર … શરૂ શરૂમાં ઘરનું કે ઘરમાં આપણને મળેલા રૂમનું એકાન્ત આપણને બહુ ગમે, એની જોડે વાતો કરી શકાય, પણ ધીમેધીમે એ ય બોલતું બંધ થઈ જાય છે. આપણે એક જ સૂર રેલાવ્યા કરીએ છીએ કે – આ ક્યારે જશે – જશે કે કેમ. વગેરે વગેરે દરેક વસ્તુનું ઘરમાં પુનરાવર્તન જ થયા કરવાનું. વસ્તુઓ ધીમે ધીમે પોતાની વિશેષતાઓ ગુમાવવાની. બને કે ક્રમે ક્રમે વસ્તુઓની ઓળખ પણ ભુંસાવા લાગે. કોઈક વાર તો મને એમ થઈ આવે છે કે આ સ્ટડીરૂમ કોઈ બીજાનો તો નથી ને …
હવે આનો તો શો ઇલાજ? આપણે આપણા પ્રસન્ન જોશી અને એ.આર. રહેમાનની જોડે જોશભેર ગાઈ લઈએ કે ‘હમ હાર નહીં માનેંગે, હમ સૂરજ હૈ, અન્ધકાર નહીં માનેંગે’ … એમ પણ થાય કે કવિ સુન્દરમ્ -ના કાવ્યનાયકની જેમ ‘ઘણ ઉઠાવ મારી ભુજા ઘણુંક ઘણું ભાંગવું’ કરતાક ને આ આખી પરિસ્થિતિના નાશને માટે મચી પણ પડીએ. પરન્તુ કેસિસ અને ડેથ્સના વધતા આંકડા એ જોશને અને એ ભુજાને નીચે બેસાડી દેવાના …
જો કે એક બીજી વાત વધારે નૉંધપાત્ર છે. તે એ કે આવાં સમય અને સ્થળની અસર આપણા મન પર ઘણી જ થાય છે – મોટે ભાગે તો આપણી જાણ બ્હાર … ચિત્ત સુન્ન થઈ જાય … કંટાળો બેચૅની ચીડ વગેરે જામી પડે … બુદ્ધિ થાકેલી પડી રહે … નવો વિચાર તો જાગે જ નહીં … હોય તે વિચારો ય તાર તાર થવા માંડે … જે કંઈ શાસ્ત્ર ભણ્યાં હોઈએ એ બધાં તકલાદી દીસે … આપણાં બધાં જ આચરણો સાંધાસુધી વિનાનાં વેરવિખેર લાગે. જીવન-તાર બાપડો સ્તબ્ધ ને ચૂપ, ન રણકાર, ન ઝંકૃતિ. સંવેદનશીલ જીવને થાય અને એ કવિ ઉમાશંકરની જેમ કહે પણ ખરો – હું છિન્નભિન્ન છું …
આ છિન્નભિન્નતાને નિત્શે shattering કહે છે. વેરવિખેર, શીર્ણવિશીર્ણ કે વેરણછેરણ કરનારું. મતલબ, મૂઢ-વિમૂઢ થઈ જવાયું હોય. એકોએક વાત-વસ્તુના ભાંગીને ભુક્કા થઈ ગયા હોય. બધું ધૂળધાણી થઈ ગયું હોય. જુઓને, કોરોનાની હોનારતને કારણે એ સ્તો બની રહ્યું છે !
પણ ફર્ક એ છે કે નિત્શે એવી ભૌતિક હોનારતની વાત નથી કરતા. એઓ જેની વાત કરે છે એ છે ચૈતસિક હોનારત. એવો વિચાર જે આપણાં સુસ્થિર મનાતાં ધર્મ કે રાજ્ય જેવાં સત્તાતન્ત્રોને હચમાચવી દે, પરાસ્ત કરી દે – એટલે કે ક્રાન્તિકારી પુરવાર થાય. એમણે તો ચૈતસિક હોનારતને વ્યક્તિ અને વિશ્વના સંદર્ભે બહુ જરૂરી લેખી છે. કહે છે, એક વિચાર કે વિચારની માત્રશક્યતા પણ આપણને વેરવિખેર કરીને આપણને બદલી નાખી શકે છે.
આપણે જોઈએ છીએ કે આજે માનવજાત અને એણે ઊભી કરેલી તમામ સિસ્ટમ્સ પડી ભાંગી છે. રીલિજ્યન પાસે સીધો ઇલાજ નથી. સ્ટેટ મથે છે. સોસાયટી પરેશાન છે. સિવિલિઝેશન નાકામયાબ છે. પણ નિત્શેનું દર્શન એમ સૂચવે છે કે રીલિજ્યન સ્ટેટ સોસાયટી કે સિવિલિઝેશન જો પડી ભાંગ્યા છે તો એને વિશે આપણને પ્રશ્નો થવા જોઈએ. આપણને એનાં પોલાણોની ખબર પડવી જોઈએ. એની વ્યર્થતાઓ અને વિ સંગતતાઓ દેખાઈ જવી જોઈએ. વિચાર અને તેની સર્જક વ્યક્તિ બન્ને હોનારત પુરવાર થવાં જોઈએ. પણ એટલે શું? એટલે એમ કે બસ, ક્રાન્તિકારી પુરવાર થવું.
ક્રાન્તિકારી વ્યક્તિ એક હોનારત પુરવાર થાય છે કેમ કે એની પાસે બધું ઊથલપાથલ કરી નાખે એવી પ્રચણ્ડ શક્તિશાળી વિચારધારા હોય છે. નિત્શેએ પુરાણા સિદ્ધાન્તોના અને શાસ્ત્રોના પાયા ઉખાડી મૂકેલા. મનોમૂર્તિભંજક હતા. પ્રારમ્ભે શાપનહાવર અને વૅગ્નર એમની મનોમૂર્તિઓ હતી, પણ પાછળથી એઓ એ બન્નેના આકારા સમીક્ષક રહ્યા હતા.
એવી વિચારધારાઓ જીવનની વાસ્તવિકતામાંથી જન્મી હોય છે. બુદ્ધે ‘દુ:ખ’-ને પરમ વાસ્તવિકતા ગણી હતી અને એ સમેતનાં ચાર આર્યસત્યો ઉચ્ચાર્યાં હતાં. જિસસે ‘પ્રેમ’ને જ સર્વેસર્વા ગણ્યો હતો. કિર્કેગાર્ડે ‘આત્મ-તા’-ને જ સત્ય લેખ્યું હતું. ગાંધીજીએ ‘સત્ય’ અને ‘અહિંસા’-ને કેન્દ્રમાં રાખીને સદાગ્રહી વર્તનના વિચારને વિકસાવ્યો હતો. આપણા કિશોરલાલ મશરૂવાળાએ ‘સમૂળી ક્રાન્તિ’ નામે એક પુસ્તિકા લખી છે. એ સંકેતાર્થમાં નિત્શેને સમૂળી ક્રાન્તિના કરનાર કહી શકાય. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીએ કવિને ક્રાન્તદૃષ્ટા કહ્યો છે. ભૂત-વર્તમાન અને દેશ-વિદેશની સીમાઓ ઓળંગીને ભવિષ્યને જોનારો. એ અર્થસંકેતમાં નિત્શે ક્રાન્તદૃષ્ટા હતા. જુઓ, બુદ્ધ જિસસ કિર્કેગાર્ડ કે ગાંધીજી ક્રાન્તદૃષ્ટા હતા, ભલે ને એમણે નિત્શેએ કહ્યું એવું ખુલ્લંખુલ્લાં ન્હૉતું કહ્યું કે પોતે હોનારત છે …
હોનારત નીવડનારા એ વિચાર-દર્શનની આગવી સત્તાએ કરીને નવ-પરિવર્તન પ્રગટે છે. એવી ક્રાન્તિ, હોનારત છે. નિત્શે એવી હોનારત પુરવાર થયા છે બલકે નિત્શે પોતાને ખુદને જ હોનારત ગણતા હતા – એમ કે હું માણસજાતને એક ચિન્તક તરીકે ભારે પડવાનો છું.
નિત્શે એક વાર એમની બહેન ઇલિસાબેથ ફોર્સ્ટરને પત્ર લખવા માગતા હતા. એમણે પત્ર માટે નૉધ તૈયાર કરેલી. એમાં લખેલું કે : મારે જે કરવાનું છે એ ભયકારી છે, terrible છે – 'ટૅરિબલ' શબ્દના એકોએક અર્થસંકેતમાં ભયકારી છે. હું ભારોભારનો આરોપ મૂકીને વ્યક્તિને નહીં પણ સમગ્ર મનુષ્યજાતિને પડકારું છું. નિર્ણય ભલે ને મારા પક્ષમાં આવે કે મારી વિરુદ્ધમાં આવે. મારા નામ સાથે ભલે ને ગમે એટલી મોટી હોનારત કેમ નથી જોડાતી…
નિત્શેને આ પત્ર મોકલવાનું મુનાસિબ નહીં લાગ્યું હોય. તેમછતાં, એમની એક મિત્ર મેલ્વિડાને પણ એમણે આ જ સૂરમાં જણાવી દીધેલું કે : મારા આત્મા પર જે વસ્તુઓ છે એ હજારગણી ભારે છે, મનુષ્યથી ન ઉંચકાય એવી. એટલે, શક્ય છે કે સમગ્ર મનુષ્યજાતિ માટે હું એક હોનારત નીવડવાનો છું. પરિણામે એ ઘણું શક્ય છે કે એક દિવસ હું માનવતાને વિશેના મારા પ્રેમને ખાતર મૂંગો થઈ જઈશ …
સાહિત્યકાર કાફ્કા માથામાં કુહાડીના પ્રહાર જેવા પ્રભાવક પુસ્તકની વાત કરે છે, તો નિત્શે પોતાને જ એક હોનારત કહે છે.
એમ કહેવાય છે કે નિત્શેના શૅટરિન્ગથી ૧૯૧૨ આસપાસના લગભગ બધા જ જર્મન કવિઓ પ્રભાવિત થયેલા. ગુજરાત અને ભારતસમગ્ર પાસે કવિઓ તો ઘણા છે પણ પોતાના શૅટરિન્ગથી એમને પ્રભાવિત કરી દે એવો નિત્શે નથી …
= = =
May 4, 2020 : Ahmedabad