એવા સમાચાર છે કે રિઝર્વ બેંકે કેટલાક વિલફુલ ડિફોલ્ટરોના 68,000 કરોડ માંડી વાળ્યા છે. એમાં મેહુલ ચોકસીના 5,492 કરોડ સહિત 50 જેટલાં નામો છે. કોઈ એવોર્ડ જાહેર કર્યા હોય તેમ આ માંડી વાળવાની રિઝર્વ બેંકની ટેવ ઘાતક છે. આની ભરપાઈ કોણ કરશે? તો કે બેંકોના ગ્રાહકો ક્યારે કામ આવશે?
રિઝર્વ બેન્ક કરતી આવી છે તેમ વળી રેપો રેટમાં ઘટાડો કરશે ને વ્યાજ દર ઘટાડશે તેથી લોન સસ્તી થશે. આ લોન લેનારા જ બેન્કોને ડુબાડતા આવ્યા છે. નાની લોન લેનારા પર બેંક ડોળા લાલ કરતી રહે છે ને મોટી લોનવાળા પર અમી નજર રાખી લોન માંડવાળ કરતી રહે છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી જેવાને એ મામલે યાદ કરી શકાય.
અત્યારનો એન.પી.એ.નો આંકડો 19 લાખ કરોડ સંભળાય છે. આ આંકડો આનાથી વધારે પણ હોઈ શકે છે. રિઝર્વ બેંક અત્યારે બે મોટાં કામો કરી રહી છે. રેપોરેટ ઘટાડીને લોન સસ્તી કરવાનું. એમાં ડિપોઝિટર્સની તો એણે પથારી ફેરવી નાખી છે. તેમાં પણ જે લોકો વ્યાજ પર જીવે છે એવા સિનિઅર્સને તો મરવા વાંકે જ જીવવાની તેણે ફરજ પાડી છે. બીજું કામ તે હજારો કરોડની માંડવાળીનું. કેટલા ય માલેતુજારોને આવી નીતિને કારણે તેણે હરામી બનાવ્યા છે. જે પ્રમાણિક છે તે મરવા માટે જ છે. તેને અનેક નાના મોટા ચાર્જીસ લગાવીને લૂંટી શકાય એમ છે ને એ રીતે માંડવાળીની વસૂલાત કરવાનું બેંકોને ફાવતું આવ્યું છે ને આવશે. એવા દિવસ આવે તો આઘાત ન લાગવો જોઈએ કે બેલેન્સ પૂછવાનો ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલાય.
એક બીજું કામ રિઝર્વ બેંકે કર્યું છે તે મરેલી બેંકોને જીવતી કરવાનું. યસ બેંક પડી. તેને સ્ટેટ બેંકે બેઠી કરવા ટેકો કર્યો. એ સારું થયું કે ખરાબ, તે તો સમય કહેશે. બીજી કેટલીક નબળી બેંકો ને કેટલીક સક્ષમ બેંકો સાથે મર્જ કરવામાં આવી. એનાથી નબળી બેંકો કેટલી ઊભી થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ સક્ષમ બેંકો પર તો બોજ વધ્યો જ છે. તેના મર્જ થયેલ બેંકો સાથેના પ્રશ્નો વધ્યા છે. સ્ટાફની વ્યવસ્થાના, ખાતેદારોના ખાતાના સવાલો સામે આવ્યા છે. એમાં જતે દિવસે સક્ષમ બેંકો નબળી ન જ પડે એવી આગાહી કોઈ કરી શકે એમ નથી. એ સંજોગોમાં મર્જર, મર્ડરની ગરજ સારે તો નવાઈ નહીં. ખરેખર તો મર્જરના આ વેપલા બંધ કરવા જેવા છે. આમે ય કેટલીક બેંકો બંધ પડી જ છે ને પોતાનો બોજ ઉપાડી શકી નથી તેમાં જે તે બેંકોની જવાબદારી બને જ છે. તેને થોડોઘણો ટેકો કરવાથી બેન્ક બેઠી થતી હોય તો તેવા પ્રયત્નોની ના જ નથી, પણ સારી કેરી પાસે સડેલી કેરી મૂકવાથી સારી પણ સડે તે આપણે સૌ જાણીએ છીએ. રિઝર્વ બેંકને એની ખબર હોય તો આનંદ થાય.વધારે શું કહેવું?