આ મુશ્કેલ સમય માટે જવાબદાર દુર્ઘટનાવલિને આપણે ડિઝાસ્ટર કહીએ છીએ, મહામારી કે હોનારત કહીએ છીએ, પણ સાંભળો, મારો પ્રિય સાહિત્યકાર કાફ્કા શું કહે છે. તે કહે છે કે પુસ્તકો કુદરતી હોનારતની જેમ આપણને દુ:ખી દુ:ખી કરી મૂકે એવાં, સાવ જુદાં જ હોવાં જોઈએ.
જુઓ ને, કેટલું ઊંધું પણ ઉપકારક કહે છે. કહે છે કે ‘અ બુક મસ્ટ બી ધી ઍક્સ ફૉર ધ ફ્રોઝન સી ઇનસાઇડ અસ.’— આપણામાં ઠરી ગયેલા સાગર માટે પુસ્તક એક કુહાડી બનવું જોઈએ. ફરક એ છે કે કુદરતી મહામારી, અને પ્રવર્તમાન કોરોના-મહામારી પણ, પ્રાણઘાતક હોય છે. પણ કાફ્કા કહે છે એવું પુસ્તક તો સંજીવની પુરવાર થાય છે, પ્રાણપ્રદ નીવડે છે. કુહાડી તરીકે પુરવાર થાય, કુહાડીની ગરજ સારે, એવા સમર્થ પુસ્તકનું વાચન આપણા મગજ પર થતો એક જાતનો જરૂરી પ્રહાર હોય છે. એવો પ્રહાર, કે જેને દુ:ખવિનાશક કે પીડાવિદારક જ કહેવો પડે. એટલા માટે કે એ આપણા પ્રમાદને પછાડે છે. આપણા જાડ્યને ઝંઝેડી નાખે છે. આપણી સુસ્ત ભાવદશાઓને ઢંઢોળે છે. આપણને, ઉત્તિષ્ઠ ! કહીને નવેસરથી ખડા કરે છે.
બાકી, આપણે તો છોકરાં પેદા કરવામાં, ઉછેરીને એમને મોટાં કરી કહેવાતી સભ્યતાને લાયક બનાવવાના જંગી વૈતરાંમાંથી ઊંચા જ ક્યાં આવીએ છીએ ! આપણે વીસરી ગયા હોઈએ છીએ કે આપણા દરેકમાં પ્રેમનો એક સાગર પણ છે. આપણા દરેકમાં લાગણીઓનો એક દરિયો પણ છે. આપણને ભાન નથી પડતી કે પૈસા અને એથી મળનારી ક્ષુલ્લક સગવડો પાછળની ભાગદોડમાં એ તો બધું ક્યારનુંયે ચૂપ થઈ ગયું હોય છે ! જીવનમાં ન કશો ઘૂઘવાટ, ન કશો ઉછાળ, બધું સપાટ સપાટ. કોઈ કોઈને તો ભાગ્યે જ યાદ હોય છે કે છેલ્લે પોતે સાચું ક્યારે રડેલો. કોઈ તો વળી આખો દિવસ મોઢું ફુલાવીને બેઠો રહે છે. કોઈ કોઈએ તો ઘણા વખતથી એકાદ કુદરતી પુષ્પને આંગળી પણ નથી અડાડી હોતી. કોઈને તો જવલ્લે જ યાદ હોય છે કે નાનપણામાં ગાયેલી પ્રાર્થનાઓના કાલાઘેલા બોલ કેટલા તો મીઠા હતા. શહેરીજનોને આકાશમાં બીજનો ચન્દ્ર છે કે આઠમનો, એ જોવા-જાણવાની ફુરસદ કે ગતાગમ જ નથી હોતી. દિવસમાં એકાદ વાર પણ, સામી વ્યક્તિને આપણે નાનકડું સ્મિત પણ આપ્યું હોય છે ખરું?
લાગણીઓની એવી અછતને અને ભાવોર્મિની એવી ઓછપને જ કાફ્કા કદાચ ‘ફ્રોઝન સી’ કહે છે. અંદર બધું ઠરી ગયું હોય એટલે આપણે સૂમસામ હોઈએ. એટલે આપણને એ વાતનું ભાન નથી પડતું કે આપણે કેટલું બધું ઉપરછલ્લું જીવીએ છીએ. એ નથી સમજાતું કે આસપાસની કઈ વસ્તુઓ આપણને પરેશાન કરી રહી છે. એ નથી દેખાતું કે આપણા કયા સંદર્ભો સડી ગયા છે ને હાનિકારક દુર્ગન્ધ ફેલાવી રહ્યા છે. આપણને એ નથી સૂઝતું કે શાસનની કે સમાજજીવનની કઈ સિસ્ટમ પોલી છે ને આપણા કશા જ વાંક વિના આપણને દમી રહી છે. પરિણામે આપણે સહિષ્ણુ અક્રિય અને નિ:સામાન્ય બની ગયા હોઈએ છીએ. આ એક વિલક્ષણ દુર્દશા છે. સમર્થ પુસ્તક આપણને ત્યાંથી ઉખેડીને સદ્ દિશા બતાવે છે.
કાફ્કા તો આગળ વધીને એમ કહે છે કે આપણને એવાં પુસ્તકોની જરૂર છે જે આપણને વ્યથિત કરી મૂકે. એટલે સુધી કહે છે કે વ્યથા એવી થાય જેવી સ્વજનના મૃત્યુથી થતી હોય છે – ઊંડે લગી દ્રવી જવાય. વ્યથા એવી થાય જેવી હર કોઇથી દૂર-સુદુરે કશો વનવટો ભોગવવાથી થાય. વ્યથા એવી થાય જેવી આપઘાત વખતે થાય.
કાફ્કા કવિ ન ન્હૉતા, પણ આમ ઉપમાઓ પ્રયોજે છે. પુસ્તકને કુહાડી કહી દે છે. પણ એમ કહેવા પાછળનું એમનું તાત્પર્ય સમજવું જોઈશે. તાત્પર્ય એ કે પુસ્તક હૃદયને હલબલાવી મૂકે એવું હોવું જોઈએ – વિચારોને ડ્હૉળી નાખે – વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા કરે – સ્થિતસ્ય સમર્થનમ્ ન કરે –કાળજામાં નક્કાર અને હૈયામાં વિદ્રોહવૃત્તિ જગવે. શબ્દરૂપી કુહાડીનો પ્રહાર એવો થાય કે વ્યક્તિ જાનફિશાની માટે તત્પર થઈ ગઈ હોય. …
મારે ‘સભ્ય’ નથી થાવું, ઠાકોરજી …
કાફ્કાએ એવાં પુસ્તકોની યાદી નથી આપી. પરન્તુ, એમ નહીં કરીને એમણે પુસ્તક અને કુહાડી વચ્ચેના પોતીકા સત્યને સાચવી લીધું છે. હું પણ એવી યાદી નથી આપી શકતો, પણ કહું કે ‘મહાભારત’-નાં ‘આરણ્યકપર્વ’, ‘ઉદ્યોગપર્વ’, ‘કર્ણપર્વ’ અને ‘સ્ત્રીપર્વ’ કુહાડીની ગરજ સારે એવાં છે. ‘રામાયણ’માં ‘લંકાકાણ્ડ’ એવો છે. બીજે, કેટલાક પ્રસંગોનાં નિરૂપણ પણ એવાં છે – જેમ કે, દ્રૌપદીવસ્ત્રહરણ. રામવિલાપ, સીતાનું ધરામાં સમાહિત થવું. શકુન્તલાનું પ્રત્યાખ્યાન. નળે કરેલો દમયન્તીનો તિરસ્કાર. ઑથેલોએ કરેલી ડૅસ્ડેમોનાની હત્યા અને આત્મહત્યા. હૅમ્લેટની ‘ટુ બી ઑર નૉટ ટુ બી’-ની દ્વિધા. ‘ધ ડૉલ્સ હાઉસ’ની નૉરાએ બારણું પછાડ્યું અને એમ પતિને પડકાર્યો, પૈતૃક સત્તાને તમાચો માર્યો, એવો એ સૂચક અન્ત. ‘સરસ્વતીચંદ્ર’-માં ‘જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન’ એ પ્રકરણ. ‘માનવીની ભવાઈ’-માં દુકાળનું નિરૂપણ.
બન્ને વિશ્વયુદ્ધો સંદર્ભે કાવ્યો, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, સંસ્મરણોપત્રો લખાયાં છે. સૅંકડો સૈનિકો shell shock અનુભવતા એ એમના ‘પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર’ની વ્યથાઓ લખાઈ છે – સૈનિકો જાતના કાબૂ બહાર કાંપવા લાગતા, રડી પડતા, ભયભીત રહેતા, ને વધારામાં, ચિત્તમાં એમના સ્મરણોની ઘૂસ-પેઠ ચાલુ થઈ જતી. એવું તો ઘણું લખાયું છે. સંખ્યાબંધ ફિલ્મો બની છે. એ સઘળું યુદ્ધવિષયક સાહિત્ય શાસનમાત્રને પડકારે છે, વખોડે છે અને કહે છે કે જીવન ઍબ્સર્ડ છે, સભ્યતાઓ અને સંસ્કૃતિઓ સાર્વત્રિક દમ્ભ છે, પરન્તુ શાસકો તો ધૂર્ત અને માનવ્યવિહોણા છે.
e.mail : suman.g.shah@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 ઍપ્રિલ 2020