Opinion Magazine
Number of visits: 9450177
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ટીઆરપી આમાર ધર્મ, ટીઆરપી આમાર ગોત્ર’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 April 2020

‘રિપબ્લિક’ના રાજરાજેશ્વર અર્ણબ ગોસ્વામી આજકાલ ઓર રાજાપાઠમાં છે. હિંદુ સંતોના લિન્ચિંગ સબબ ચેનલ ચિચિયારામાં એમણે હંમેશની ઉત્સ્ફૂર્ત શૈલીમાં કશી કચાશ છોડી નથી. ૧૬મી એપ્રિલે રાતે જૂના અખાડાના બે સાધુઓ અને એમના ટેક્સી ડ્રાઇવર ભાઈને પાલઘર પાસે ટોળાએ મારવા લીધા અને જે નિર્ઘૃણ ઘટના ઘટી તે વિષે સેકયુલર મંડળી કેમ મૌન છે, ક્યાં ગયા પેલા એવોર્ડવાપસીવાળા—જેવો આક્રોશ તો હરહંમેશ હાજરાહજૂર હોય જ વારુ.

વાતનો ઉપાડ આપણે અર્ણબથી કીધો અને આગળ ઉપર પણ એમની વાત આવશે. પણ આ કોરોના-દિવસોમાં સુધ્ધાં જે એક માનસિકતાથી આપણે પ્રજા તરીકે પીછો નથી છોડાવી શકતા તે મારા મનમાં મુખ્ય છે. પાલઘર ઘટનાને ઘટ્યે અઠવાડિયું થતે થતે તો અર્ણબ સામે એફ.આઈ.આર.ના હારડા ઉપરાંત સર્વોચ્ચ અદાલત લગીની રજૂઆત વગેરે આખો નાટ્યાત્મક ઘટનાક્રમ બહાર આવ્યો છે. એફ.આઈ.આર.નો હારડો, હિંદુ સંતોના હાલહવાલને જોરે સોનિયા ગાંધીએ ઇટાલી જોગ જે વધામણી ખાધી એના અર્ણબઓચર્યા કલ્પના-ચિત્રને આભારી છે. શરૂના દિવસોમાં નહીં તેમ પછીના દિવસોમાં મિશનરી-સી.પી.એમ. વર્તુળો પર દોષનો ટોપલો નાખવાની કોશિશ પણ થઈ રહી છે, પણ આ ક્ષણે મારો પ્રથમ મુદ્દો એ પણ નથી.

જોવાનું એ છે કે પાલઘરની નિર્ઘૃણ ઘટના પછી એક-બે દિવસે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરાઈ, જુઓ મુસ્લિમોએ આ શું કર્યું અને લિબરલો કશું બોલતા નથી એવો ઉત્પાત મચવાય છે … બિલકુલ ક્લાસિક ઢબે રિફલેક્સ રાબેતો ! જે પણ અજુગતું બને એની પૂંઠે બીજું કોઈ હોય કે નહીં, નઠારા મુસ્લિમો તો ખરા જ ખરા. કોઈકે તાનમાં આવી સોશિયલ મીડિયાની રાંગેથી બાંગ પણ પોકારી કે મીડિયા-નક્સલ પાલઘરકે બાદ ક્વૉરન્ટીન હો ગયેં હૈ. મુદ્દે, આ મુસ્લિમોએ કરેલ લિન્ચિંગ છે, એ તરજ પર ટીકામારો અપેક્ષિત હતો અને કેમ કે તે મુસ્લિમોએ કર્યું છે માટે તમે ચૂપ છો, એ સીધો આક્ષેપ હતો.

દરમિયાન, મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર શાંત બેઠી નહોતી. એણે લિન્ચિંગ આસપાસની ગુનાઈત કારવાઈમાં સંડોવાયેલા હોઈ શકતા સોથી વધુ લોકોને પકડ્યા, તેમ સમયસર ને ધોરણસર એક્શનની રીતે પાછા પડેલા બે પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા. (આરંભિક હેવાલો પ્રમાણે આ ઘટના, પાલઘર પંથકમાં કિડનીબજાર માટે છોકરાં ઉપાડી જતી તેમ જ ચોરીચપાટી કરતી ગેંગ સક્રિય હોવાની સતત અફવાગત આશંકાને કારણે બની હતી.) રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે પકડાયેલાઓની આખી યાદી બહાર પાડી (જેમાં એક પણ મુસ્લિમ ન હતો) અને તે સૌને વિશેષ તપાસ માટે ૩૦મી લગી પોલીસ કસ્ટડીમાં રાખ્યાની જાહેરાત કરી. જે પણ ઝઘડો હશે, સામસામા ધર્મોને ધોરણે નથી, પણ એક જ ધર્મના લોકોમાં માંહોમાંહે હશે એ પ્રકારનું ચિત્ર ઉઘડતું હતું. ત્યારે આ લખનાર જેવાએ સોશિયલ મીડિયા પરની ઘોર કાલ્પનિક મુસ્લિમદ્વેષી ટિપ્પણીમાં તથ્યને ધોરણે વિવેકસર દરમિયાન થવા કોશિશ કરી કે, જે વિગતો બહાર આવી રહી છે એ તો જુઓ. તરત કમરપટા તળેના પ્રહાર જેવી પ્રતિક્રિયાનું માન મળ્યું કે મોગલ દરબારના ખાણીપીણીની કળ હજુ લગી વળી જણાતી નથી.

ખરું જોતાં પરબારી ધારણા બહારની ઉઘડતી આવતી વિગતો વચ્ચે (અને અન્યથા પણ) નાગરિક પ્રતિક્રિયા સવિશેષ માનવીય હોવી જોઈતી હતી, જેવી શરીફા વીજળીવાળાની ૨૧મી એપ્રિલની વહેલી સવારે ૧ વાગ્યા આસપાસની (ખરું જોતાં આપણે હિસાબે ૨૦મીની મોડી રાતની) ફેસબુક પોસ્ટમાં જોવા મળી હતી: “મનુષ્યના જીવથી વધારે કશું નથી ને એ છીનવી લેવાનો કોઈને અધિકાર નથી. કોઈ પણ જગ્યાએ આવું બને તો સાચા ભારતીય તરીકે એનો વિરોધ કરવો જ પડે. હું મહારાષ્ટ્રમાં બનેલી ક્રૂર ઘટનાનો માણસ તરીકે વિરોધ કરું જ.”

૨૩મી એપ્રિલે રફી મલેકની જે ફેસબુક પોસ્ટ સાથે મુખોમુખ થવાનું બન્યું તે સ-તસવીર હતી. જે બુઝુર્ગ સાધુ છેવટે લિન્ચિંગનો ભોગ બન્યા, એ ટોળા વચ્ચોવચ સ્મિત અને આર્જવે રસી (કદાચ આજીજીની) ભાષામાં કશુંક જાણે કહી રહ્યા હતા. તસવીર સાથેની ટિપ્પણીમાં રફીએ લખ્યું હતું : “એક સાથે ઘણુંબધું કહી જતું આ સ્મિત કેમ આક્રમણખોરોને ખાળી નહિ શક્યું હોય?” વાંસોવાંસ સંભવિત જવાબ ચાલ્યો આવતો હતો: “એક વાત સાચી કે આપણે જેવું વાવીએ, તેવું લણીએ છીએ. આપણે મૉબ લિન્ચિંગના ગુનેગારોને આવકારતા વરઘોડા રોકી શક્યા નહીં અને આપણા પૈકી ઘણાએ એમને જામીન મળ્યાનાં વધામણાંઉજવણાં પણ કીધાં. હવે એનાં (માઠાં) પરિણામ જોઈ રહ્યાં છીએ. હજુ ય વિનંતી એટલી જ કે ધિક્કાર ને તિરસ્કાર છોડો અને એ પ્રસારનારા કોઈ જૂથમાં ન જોડાઓ.”

વાચક જોશે કે તથ્યનિરપેક્ષપણે તૂટી પડવાને બદલે અહીં વ્યકત થતો પ્રતિભાવ મુસ્લિમ કે હિંદુ હોવાને ધોરણે નહીં, પણ ભારતીય તરીકે, માણસ તરીકે એમ નાગરિક છેડેથી થયેલો છે. લિન્ચિંગના લાંબા સિલસિલામાં કોઈ કોમવિશેષને નિશાન નહિ બનાવતા પ્રજા તરીકે “આપણે” એટલે કે વયંભાવને ધોરણે પ્રગટ થવા મથતી વાતો આ છે. શાલીન, સંયત, સંવેદનસિક્ત.

કોરોના સામે એકજૂટ રહેવાની ને થવાની તાકીદ ભીંત પરના અક્ષર પેઠે સાફ છે ત્યારે પણ જેઓ અમે વિ. તમે કે હિંદુ વિ. મુસ્લિમ જેવી ફર્માફીટ (અણ)સમજ છોડી શકતા નથી એમને શું કહીશું. નિઝામુદ્દીન(દિલ્હી)ની તબલીઘ/મરકઝ ઘટના તમે જુઓ. માર્ચના બીજા અઠવાડિયાના એ જમાવડાની ગુનાઈત બેજવાબદારી વિષે બેમત નથી. (જો કે માર્ચના બીજા અઠવાડિયા સુધીના ચાલીસ-પિસ્તાળીસ દિવસ – ૩૦મી જાન્યુઆરીના સર્વ પ્રથમ કોરોના કેસ પછી – કેન્દ્ર સરકારે લગભગ નકામા જવા દીધા, ટ્રમ્પ પ્રથમ ક્રમે અને કોરોના તે પછીના કોઈક ક્રમે – એ વળી જુદો મુદ્દો છે.) મરકઝની ગુનાઈત બેજવાબદારી સબબ સઘળી કારવાઈનું ચોક્કસ લૉજિક છે. માત્ર, કોરોનાપ્રસારનું સઘળું શ્રેય એને ખતવવાનું વલણ સરકારપક્ષે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી છૂટી પડવાનું ને છટકી જવાનું છે, તો સરકારના સમર્થકો પૈકી એક નિર્ણાયક તબક્કાની સ્થાયી માનસિકતાને સારું એ ખાણદાણ પણ બની રહે છે. વ્યાપક સમાજમાનસમાં આવો જે હીન ભાવ મુસ્લિમો વિષે છે એમાં ફોડ પાડીને કેમ સમજાવવું કે તબલીઘ/મરકઝ ફૉલો-અપ હાથ ધરાયું ત્યારે બીજા વર્ગોમાં ટેસ્ટિંગનું પ્રમાણ હજુ અલ્પ, અતિઅલ્પ હતું. કુલ ટેસ્ટિંગમાં વધુ ટેસ્ટિંગ ટકાવારી મરકઝ મામલે હતી, એટલે એના પૉઝિટિવ કેસોની સંખ્યા વાસ્તવ કરતાં વધુ ટકાવારીમાં ચોંકાવનારી બનીને ઉભરી. (એમ તો, શાકભાજીથી સંભવિત વાઇરસ સંક્રાન્તતા બાબતે પોલીસની સૂચનારૂપે પહેલાં જે પોસ્ટ સોશિયલ મીડિયામાં રમતી થઈ, તે મુસ્લિમ શાકભાજીવાળાઓની લારી અંગે હતી. પછી સુધારો આવ્યો, સાંભરે છે ત્યાં લગી પોલીસ છેડેથી, ત્યારે એ આખી યાદી છાપી છેવટે ‘અફવા’ એવો ખુલાસો વાંચવા મળ્યો હતો અને સરવાળે સર્વ શાકભાજીવાળા બાબતે કાળજી લેવાની વાત હતી.)

પાછા પાલઘર. મુસ્લિમ મુદ્દો હેઠો પડ્યો. ‘ભારતરક્ષકો’ ભોંઠા પડ્યા. એવામાં અઠવાડિયું ઉતરતે ‘ઑર્ગેનાઇઝર’ પડમાં પ્રવેશ્યું. એણે કહ્યું કે આ તો બધું પાલઘર પંથકમાં આદિવાસીઓ વચ્ચે સક્રિય ખ્રિસ્તી મિશનરીઓને કારણે છે – અને હા, પાછા સી.પી.એમ.વાળા મહીં પડેલા છે. ટૂંકમાં ધરાર રાષ્ટ્રવાદની ક્લાસિક શત્રુખોજમાં મુસ્લિમ નહિ તો ખ્રિસ્તી સહી, બીજું શું. પાલઘર પંથકમાં એ બધો આદિવાસી ઇલાકો છે અને મિશનરી સેવાપ્રવૃત્તિ (તેમ ધર્માંતર કોશિશ) વશ પ્રશ્નો અવશ્ય હશે. ઘરવાપસી કોશિશ અને મુખ્ય ચર્ચો હવે ચિત્રમાં નથી પણ જે ફ્રિન્જલાઇન ચર્ચો હશે એમની ધર્માંતર કોશિશ વચ્ચે વર્ચસની લડાઈ હશે. સી.પી.એમ. ધારાસભ્ય ચૂંટાયાથી ભા.જ.પ.ને સારુ નવેસર સત્તાસંઘર્ષની જમીની અનિવાર્યતા હશે. આર્થિક-સામાજિક-રાજનૈતિક જે પણ સ્થાનિક પ્રશ્નો હશે તે હશે, પણ એ વળી એક જુદી ચર્ચાનો વિષય છે.

પણ અત્યારે તો નોંધવાનો મુદ્દો એ છે કે ‘ઓર્ગેનાઇઝર’દીધા વળ ને આમળા સાથે નાળચું બીજી તરફ ફેરવાતાં લાભ એ થયો કે મહાવિકાસ આઘાડીમાં ભાગીદાર કૉંગ્રેસ સંદર્ભે સોનિયા લપેટમાં આવ્યાં. સોનિયા એટલે આમ તો જો કે સોનિયા ગાંધી, પણ હવેની ચર્ચાના સંદર્ભમાં ચોક્કસ છેડેથી સોનિયા મૈનોને દાખલ કરવાનો મોકો આવી મળ્યો. સાંભરે છે કે ગુજરાત ૨૦૦૨માં આપણે આ ધન્યવચનોના પ્રત્યક્ષ પુણ્યપરિચયમાં ખાસ્સા મુકાયા હતા. રક્તબંબોળ ચૂંટણી ના થાય તે ગણતરી એ તારીખ પાછી લઈ જવાની વડા ચૂંટણી કમિશનર લિન્ગ્દોહની ચિંતા જાહેર અને જાણીતી હતી. એ વખતે પેલી શત્રુખોજે સોનિયા મૈનો અને જેમ્સ માઈકલ લિન્ગ્દોહ બંને ચર્ચમાં મળીને વ્યૂહરચના કરતા હશે એવો (કમરપટા તળેનો) વૈખરીમારો ચલાવ્યો હતો. પાછળથી રાજ્ય સરકારે પોતે સર્વોચ્ચ અદાલત સમક્ષ જે એન્કાઉન્ટર કેવળ ફેક હોવાનું હલફનામું રજૂ કીધું હતું એ કિસ્સામાં શ્રીમુખેથી એટલે કે શીર્ષ સત્તાસ્થાનેથી સંભાળવા મળેલું જ ને કે એવાનો ‘નિકાલ’ કરવા મારે શું સોનિયાબેનને પૂછવા જવું? અને આ સોનિયા તે કોણ? રા.રા. અર્ણબ બહાદુર આપણું પ્રબોધન કરતાં કહે છે કે હિંદુ સંતોની હત્યા થઇ ને બાઈએ ઇટાલી-બેઠા આકાઓને રાજીના રેડ રિપોર્ટ આપ્યો, એ. ઓળખી લો એમને.

૨૦૦૨ની ગુજરાત ઘટના એ પહેલા ટેલિવાઈઝડ રાયટ્સની હતી. (આ રમખાણો ખરેખર તો પોગ્રોમ કે એથનિક ક્લીન્ઝિંગના કુળનાં હતાં.) આ લખનારને યાદ છે કે એપ્રિલ ૨૦૦૨ના બીજા અઠવાડિયામાં હરિયાણાના માનેસર ખાતે અજીત ભટ્ટાચાર્યની અધ્યક્ષતામાં પ્રેસ કાઉન્સિલના ઉપક્રમે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, આવું બધું તો વળી ટી.વી.ના પડદે બતાવતું હશે, એવી વિમાસણના ઉત્તરમાં અર્ણબે સફાઈ આપી હતી કે ભાઈ અમે જે જોયું એ બધું ઝડપ્યું નથી. એમણે મસ્જિદોમાં હનુમાન સ્થાપવાનું કેટલે મોટે પાયે થયું છે અને અમારા કેમેરામાં અમે વિવેકસર કેટલું ઓછું ઝડપ્યું છે એવો દાખલો પણ નિખાલસપણે આપ્યો હતો. અમદાવાદમાં શાંતિયાત્રા યોજવા સંદર્ભે ચુનીકાકા (ચુનીભાઈ વૈદ્ય), ઇલાબહેન (ઇલા પાઠક) અને આ લખનાર (પ્રકાશ ન. શાહ) મોરારિબાપુને મળવા ગયાં ત્યારે અર્ણબને ટાંકીને મેં આ વાત કહી હતી અને હિંદુત્વ ટોળાંની વર્તણૂકમાં હનુમાનના અવમાનના ધર્મદ્રોહ તરફ ધ્યાન ખેંચ્યું હતું. એ વખતે મોરારિબાપુએ જે રીતે લમણે હાથ મૂકી દીધા હતા, એ મુદ્રા આજે લખતી વેળાએ નજર સામે જેમની તેમ તરવરે છે. ગમે તેમ પણ, અર્ણબ આજે બીજે છેડે પૂગી ‘ટી.આર.પી. આમાર ધર્મ, ટી.આર.પી. આમાર ગોત્ર’ની વ્યૂહરચનામાં મત્ત મચેલા છે તે હકીકત છે.

સર્વોચ્ચ અદાલતે અર્ણબને ત્રણ અઠવાડિયાં સુધી, એમની સામે કોરટકચેરી તરફ્થી કોઈ ‘કોઅર્સિવ એક્શન’ નહિ એવો અભય એફ.આઈ.આર. સંદર્ભે આપ્યો છે અને એ રીતે પ્રેસ ફ્રીડમની દાઝ જાણવા સાથે અર્ણબને હાલ કરતાં વિશેષ રક્ષણની જરૂરત જણાતી હોય તો એ માટે પણ રાજ્ય સરકારને સૂચના આપી છે એ યોગ્ય જ થયું છે. જે બે કૉંગ્રેસ કાર્યકરોએ દફ્તરથી ઘરે જઈ રહેલ અર્ણબદંપતીને આંતરી આક્રમક કોશિશ કીધી એમનો ગુનો નોંધાઈ કામ ચાલશે એ પણ ઠીક છે. હુમલો થયાની અને તે થયો તે પહેલાં જ એની જાહેરાત થઈ ગયાની વાત ચાલી હતી અને એ અંગે સ્વાભાવિક જ ઊહાપોહ થયો હતો. દેખીતા ટાઇમગેપને કારણે જાગેલ પ્રશ્ન કેમ ખોટો હતો અને આ વિસંગતિ કેમ પેદા થઇ શકે તે વિશે ઑલ્ટ ન્યુઝે ઘટતી સમજ સાથે કૉંગ્રેસ પ્રવક્તાઓની ગેરસમજ દૂર કરી છે એ તરફ વાચકોનું (એમાં પણ ખાસ કરીને જેઓ હાલના સત્તા-પ્રતિષ્ઠાન સાથે દિલોદિમાગથી સંધાન ધરાવે છે એવા વાચકોનું) આ તબક્કે ધ્યાન દોરવાની રજા લઉં છું. આજે આપણી વચ્ચે સદભાગ્યે ઑલ્ટ ન્યૂઝ અને બૂમ જેવી જનહિતૈષી જોગવાઈ છે જે વોટ્સએપ યુનિવર્સિટીના ધોધમાર પ્રવાહ વચ્ચે, સોશિયલ મીડિયામારી વચાળે ઊભી જે તે સમાચારની ખરાઇ તપાસવાનું કર્તવ્ય બજાવે છે. સોશિયલ મીડિયામાં અગ્રસક્રિયતા (એક ગાળે લગભગ એકાધિકાર) ભા.જ.પ.નો હતો. આજે એનો ઓથાર (અને હૅંગ ઓવર) છતાં સમાન્તર પ્રવેશ ઠીક ઠીક છે. ઑલ્ટ ન્યૂઝ પ્રકારના ધક્કા અલબત્ત ભા.જ.પી. વ્યૂહમારીને કારણે લાગેલા છે, પણ જોવાનું એ છે કે તે ભા.જ.પ. સામેનાં બળોને પણ ખરાઈને ધોરણે મૂલવી જનહિતૈષી કામગીરીને ધોરણે ખરા ઉતરે છે.

પ્રશ્ન એ છે કે અર્ણબ પ્રકારની મીડિયામારી અને દર્શકજુમલો વધારવાની ઘોર ચેષ્ટાનું કોઈ સોશિયલ ઑડિટ ખરું કે નહિ. ભેગાભેગો અહીં એક ઈશારો એ વિશે પણ કરી લઈએ કે અર્ણબની ચેનલ પર એન્કરનો આક્રમક ઘોંઘાટ સાંખવાની તત્પરતા સાથે પેનલમંડળી કેમ હાજરી ભરતી હશે. સત્તાપક્ષને તો સરવાળે અરસપરસનો આનંદ હશે, પણ બીજા? ગમે તેમ પણ, અર્ણબની કે બીજી ચેનલો પર બધા મુસ્લિમ મૌલવીમૌલાના હાજર થાય છે તે પૈકી પણ કેટલોએક વર્ગ ખાસી તપાસ માંગી લે છે. એક તો, એ લગભગ સ્નબ થવા માટે શા સારું આવે છે. બીજું, સહેજ પણ ઓછું અગત્યનું નહિ એવું, અવલોકન એ છે કે એમનું સંદર્ભવિશ્વ એકંદર મુસ્લિમ સમાજના મેળમાં છે કે નહિ એવો સવાલ સતત રહે છે. આસારામ બાપુ પકડાયા ત્યારે પ્રવીણ તોગડિયા અને બાબા રામદેવ વગેરેએ હિન્દુધર્મની તૌહીનના ચીપિયા ખખડાવ્યા હતા. આજે એ રણકાર શમી ગયો છે, અને કોઈ એમની છીંકણી લેતું નથી. મુલ્લામૌલવીઓના કિસ્સામાંયે એવું હોઈ તો શકે. રાજદીપ સરદેસાઈએ ચેનલવીર મૌલાનાઓ પૈકી કેટલાકને પૂછ્યું ત્યારે એમનું વલણ હસી કાઢવાનું અને ટાળંટાળીનું હતું. (કેટલાકને માથે ખાસ પ્રકારની ટોપી સ્ટુડિયો જ પૂરી પાડે છે.) રાજદીપે છેવટે, બધા બબ્બે હજાર રૂપિયાના ઘરાક છે, એમ કહી પૂર્ણવિરામની કોશિશ કીધી છે. હવે ચર્ચા એ તો ટૉક શો છે અને શો માત્રમાં તર્ક અને તથ્યથી ઉફરાટે પ્રૉપ્સનો મહિમા, એ આપણી નિયતિ છે, બીજું શું.

દરમ્યાન, હાલ પૂરતું સંકેલો કરતે કરતે એ એક અનિવાર્ય ઉલ્લેખ કે એક્સપ્રેસ સર્વેક્ષણ મુજબ છેલ્લા એક વરસમાં દેશમાં પાલઘર પ્રકારના સત્તાવીસ બનાવો નોધાયા છે અફવા અને હત્યાના; બે છેડે કોઈ પૂર્વપરિચય પણ નહિ ! કોરોના તનાવમાં જ્યારે આવી ધ્યાનાર્હ વિગત આપણી સામે આવે ત્યારે તે તપાસી આગળ વધવા વાસ્તે ધોરણસરની સમજ જોઈએ. ફર્માફીટ રાષ્ટ્રવાદ અગર આ કે તે બીબું નહીં પણ તપાસ અને સમજ.

સોશિયલ ડિસ્ટન્સના બહુ ગાજેલા પ્રયોગમાં વર્ણવાસ્તવ અને કોમવાદના આપણા ઈતિહાસબોજને સંઘ પ્રવેશની તક છે. એથી કંઈક બચવા અને વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં સમ્યક પ્રયોગની ખોજમાં હવે ‘ફિઝિકલ ડિસ્ટન્સ’ પર ભાર મુકાય છે, ત્યારે પાલઘર નિમિત્તે આટલો સહવિચાર, એ ઉમેદે કે બાળપણ અને કિશોરાવસ્થાનાં સંગમવર્ષોમાં ભદ્રંભદ્ર અને બકોર પટેલ સહિતના ગંતવ્યસ્થાન લેખે ચિત્તમાં જે નગરીનો મહિમા હતો તેનું આ પ્રવેશદ્વાર અને પ્રભાતની પહેલી ચા…કાશ, કોઈ મુઝે મેરા બચપન લૌટા દે!        

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020

Loading

28 April 2020 admin
← કોરોનાની આગાહી : કલ્પના કે તથ્ય?
સાક્ષાત્‌ સંતબાઈ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved