આમ તો એ થવાનું જ હતું અને થયું. આપણે પણ સમુદાયમાં ફેલાવો – community spreadની સ્થિતિમાં પહોંચી ગયા. આટલી મોટી વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં એ અવશ્યંભાવી જ હતું. કરોડો લોકો ભોજન, આશરો અને સુરક્ષા વિના લૉક ડાઉન થયા. તંત્ર અને પોલીસની નિષ્કાળજી, બેજવાબદારી અને બેરહેમીના દાખલાઓ રોજ સમાચારપત્ર તેમ જ ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં બયાં થાય છે. આજે તો હવે પ્રશ્ન એ છે કે દેશમાં કોરોનાથી વધુ લોકો મરશે કે ભૂખમરાથી? ખાવાનું ન મળતાં આત્મહત્યાના અને ઘરે પહોંચવા માટે ભૂખ્યાં-તરસ્યાં ચાલતા જવાને કારણે મૃત્યુના આંકડા-કિસ્સા પણ નોંધાઈ રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં એ વિચાર જરૂર આવે કે ચેપનો ફેલાવો રોકવા માટે સાંકળ તોડવી જરૂરી હોય – to break the chain – તો પણ લૉક ડાઉનને કઈ હદ સુધી લઈ જવાય? આવું જડબેસલાક લૉક ડાઉન શું જરૂરી હતું? કે પછી રાજ્યને (સરકારને) બીજું કંઈ કરવું ન પડે એટલા માટે બધાને ઘરમાં પૂરી દીધાં? ચાલો, લોકોએ એ પણ સ્વીકારી લીધું. સરકારમાં વિશ્વાસ રાખ્યો. પરંતુ હકીકત શું છે ? લોકો તો ૨૧ દિવસ (અને ત્યાર પછી વધુ ૧૯ દિવસ) પૂરાયા છે. પરંતુ એ સમય દરમિયાન સરકારે શી શી અને કેટલી તૈયારીઓ કરી? ભારત જેવા 135 કરોડની વસ્તી ધરાવતા દેશ માટે કેટલા ઈમરજન્સી હોસ્પિટલ બેડની વ્યવસ્થા થઈ? સમાચાર માધ્યમો સતત એ વાત કરે છે કે ડોક્ટરો પાસે પૂરતાં દવા-સાધનોનો અભાવ છે, અરે, માસ્ક જેવી સાદી વસ્તુને માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમની પોતાની સલામતીનો સવાલ છે. ડૉક્ટર, નર્સોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે અને તેમનાં મૃત્યુ પણ થઈ રહ્યાં છે. યુદ્ધમાં જે મહત્તા સેનાપતિ કે સૈનિકની હોય, તે સ્થાન આજે આ રોગ સામે લડવા માટે ડોકટરો તેમ જ આરોગ્યકર્મીઓનું છે. તેમની કાળજી લેવાની ક્ષમતા પર આપણે ધરાવતા નથી? કે પછી આપણે (એટલે કે રાજ્ય-શાસન) એટલું રીઢું-ઉદાસીન છે? સમજાતું નથી.
હા, ભારત ગરીબ દેશ છે, દક્ષિણ કોરિયા કે જર્મનીની જેમ આપણે મોટા પ્રમાણમાં ટેસ્ટ ન કરાવી શકીએ. પણ જેટલા કરી શકીએ તેમ છીએ, એટલા પણ કરવાનું માળખું ગોઠવાયું ખરું? જો નહીં તો કેમ? અહીં દક્ષિણ કોરિયાનો કેસ ટૂંકમાં સમજી લેવા જેવો છે. કારણ કે તેણે જે રીતે મહામારીની સાથે કામ લીધું છે અને આ રોગની ફેલાવાની ગતિને ધીમી પાડી છે તે ચોક્કસ સરાહનીય છે. દક્ષિણ કોરિયા એક પ્રજાસત્તાક દેશ છે. કીમ-વુ-જો, જે ચેપી રોગના નિષ્ણાત છે તેમનું કહેવું છે કે, ‘લૉક ડાઉન કરવું એ અમને વાજબી ન લાગ્યું. પરંતુ અમે કુશળ અને સુનિયોજિત ટેસ્ટિંગનો કાર્યક્રમ અમલમાં મૂક્યો.’ દક્ષિણ કોરિયાએ વાઇરસનો ટેસ્ટ કરવા માટેની કિટ બનાવનારી કંપનીઓની તાત્કાલિક મિટિંગ બોલાવીને કહ્યું કે એક અઠવાડિયામાં હજારોની સંખ્યામાં કોરોનાનો ટેસ્ટ કરવાની કિટ બનાવો. યુદ્ધના ધોરણે આ કામ કરો. આજે હવે દક્ષિણ કોરિયા રોજની એક લાખ કિટ બનાવે છે અને આ બધું દક્ષિણ કોરિયાએ ત્યારે જ કરી લીધું, જ્યારે હજુ આ રોગ તેમના દેશમાં ફેલાયો ન હતો. આને કહેવાય આયોજન, તૈયારી, બાહોશી, દૂરંદેશી! ખેર, આજ સુધીમાં (11 એપ્રિલ સુધીમાં) તેમણે સાડા ત્રણ લાખ લોકોના ટેસ્ટ કરી લીધા છે – એટલે વસ્તીના 7 ટકા, દર 142 વ્યક્તિએ એક ટેસ્ટ દક્ષિણ કોરિયા કરી ચૂક્યું છે !
ભારતને પણ પૂરતો સમય મળ્યો હતો. ૩૦મી જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. આપણે પણ સારું આયોજન કરી શક્યા હોત, જો આપણે એક મહિના સુધી ટ્રમ્પને આવકારવાની તૈયારીઓ કે બીજી રાજરમતમાં રચ્યાપચ્યા ન હોત. આપણે ત્યાં પણ અનેક સારી ફાર્મા કંપનીઓ તેમ જ મૅડિસિનના નિષ્ણાતો છે. તેમને કોરોના સામે લડવા જરૂરી તૈયારીઓ કરવાની તાકીદ કરી શક્યા હોત. પરંતુ આપણે તો માસ્ક નિકાસ કર્યા અને એટલું જ ઓછું હતું તેમ અમેરિકાની ધમકીને વશ થઈને હાઇડ્રોક્સિ-ક્લોરોક્વિન તેને આપવા પણ તૈયાર થઈ ગયા. શું માત્ર નારા, સૂત્રો, બેનરો અને ફોનના રિંગટોનથી આપણે કોરોના સામે લડવાના છીએ? શા માટે બાહોશીથી રાત-દિવસ એક કરીને કામ કરતા નેતાઓ નજરે નથી ચડતાં? કે એવા દાખલા સામે નથી આવતા? આપણા એક નેતા રામાયણ જુએ છે અને બીજા લુડો રમે છે અને ત્રીજા થાળી વગાડે છે – કોરોના ભગાડવામાં આ છે કેન્દ્રીય મંત્રીઓનો અભૂતપૂર્વ ફાળો.
નોઆખલી સળગ્યું ત્યારે ગાંધી પોતે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમની ઉંમર ૭૮ વર્ષની હતી. સુરતના પ્લેગ વખતે કમિશનર રાવ હોય કે ઓરિસ્સાના વાવાઝોડા વખતે તત્કાલિન મુખ્ય મંત્રી નવીન પટનાયકની ભૂમિકા – વિશેષ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે દેશના મોભી તરીકે દેશના વડાનો એક વિશેષ રોલ હોય છે, જે માત્ર થોડા થોડાં દિવસે રાત્રે 8 વાગે ભાષણ આપી દેવાથી પૂરો થતો નથી. તેના માટે જાત ઘસવી પડે છે, બલિદાન આપવું પડે છે – દેશવાસીઓના બલિદાન માંગવા કે લેવાના નથી હોતા. ગાંધીજીએ કહેલું આંસુ લૂછવા જાઉં છું … એવું ચરિત્ર, એવા મોભી ક્યાંથી લાવવા ? ખેર !
જે રીતે અચાનક લૉક ડાઉન જાહેર થયું તેને કારણે લાખો લોકો-સ્થળાંતર કરનારા મજૂરો રસ્તા પર રખડી ગયા. કેટલાક કામના સ્થળે રોકાયા. એક અભ્યાસ પ્રમાણે ૪૦ ટકા મજૂરો પોતાના ઘરે પાછા જઈ શક્યા નથી. કેટલાક રસ્તામાં ફસાઈ ગયા. ચાર લાખ જેવા મજૂર શૅલ્ટર હોમમાં છે, તો કેટલાક રઝળતાં, રખડતાં, ચાલતા ઘરે પહોંચ્યા, રસ્તામાં મૃત્યુ પામ્યા. કર્મશીલ હર્ષ મંદર અને અંજલિ ભારદ્વાજે આ મજૂરોને તાત્કાલિક રોજી ચૂકવવામાં આવે તેના માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. આ લૉક ડાઉનના સમયગાળા દરમિયાન જ્યારે મધ્યમ વર્ગ-નોકરિયાત વર્ગને તેમના પગાર મળવાના છે તો શું આ સ્થળાંતરિત મજૂરોને તેમનો રોજ ન ચૂકવવો જોઈએ? આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સરકારની નીતિગત બાબત છે અને કોર્ટ તેમાં દખલ કરશે નહીં. એટલું જ નહીં, આ મજૂરીના પૈસા આપવાની કોઈ જરૂર નથી કારણ કે સરકાર તેમને ખાવાનું તો પહોંચાડી જ રહી છે! એવું લાગે છે જાણે આ દેશમાં હવે ન્યાયની પણ શ્રદ્ધાંજલિ લખવાના દિવસો પાકી રહ્યા છે.
જમીની હકીકત એ છે કે આ સરકારે મજૂરો માટે જે પેકેજ જાહેર કર્યાં તે ખૂબ જ નજીવાં, તેમ જ જીવનનિર્વાહ માટે અપૂરતાં છે. અનાજવહેંચણીની જાહેરાત થઈ છે, પણ લોકોને આવા લૉક ડાઉનના સમયે ધક્કા ખાવા પડે છે, સડેલું અનાજ મળે છે, ગેરરીતિઓ થતાં સસ્તા અનાજની દુકાનો બંધ કરવાના પણ સમાચાર આવ્યા છે. 24 માર્ચે લોકડાઉન જાહેર થતાં જ સ્વયંસેવી સંસ્થાઓ અનાજ પહોંચાડવાની અને ફસાઈ ગયેલાઓને યોગ્ય સ્થાને પહોંચાડવામાં જોતરાઇ ગઈ હતી. પરંતુ કોરોના ફેલાવાના ભયને કારણે (?!) આ પ્રવૃત્તિઓ પણ મહદંશે રોકી દેવામાં આવી.
કુનેહ અને નિષ્ઠા હોય તો આ આવેલી આપત્તિને અવસરમાં ફેરવી શકાય અને ઘણાં રચનાત્મક કામો રચનાત્મક વલણ સાથે કરી શકાય. પરંતુ કમનસીબે રાજકારણીઓ આવા સમયમાં પણ પોતાના સ્વાર્થથી મુક્ત થઈ શકતા નથી. આમાં ભાગ્યે જ કોઈ દેશ કે કોઈ પક્ષ બાકાત છે અને જ્યાં આવા અપવાદો છે ત્યાં સ્થિતિ વધુ વણસી નથી – પણ તેની વાત ફરી ક્યારેક. આજે વિશ્વમાં વાતાવરણ એવું બનાવાયું છે કે આ રોગ માટે દોષનો ટોપલો ઢોળી દેવામાં કોઈક ને કોઈક શોધી લેવાય છે. ચીન યુ.એસ.ને અને યુ.એસ. ચીનને ગાળો ભાંડે છે, તો અમેરિકા અશ્વેતોને દોષી માને છે અને ભારતમાં કોરોનાના પ્રસાર થવા માટે તબલીઘી જમાતને દોષી ઠેરવવામાં આવી છે. (અલબત્ત નિઝામુદ્દીનનો મેળાવડો હોય કે કર્ણાટકમાં લગ્ન તેમ જ જન્મદિવસની પાર્ટીના પ્રસંગ, એ દિવસોમાં જેમણે પણ આ કર્યું તે અત્યંત જોખમી મૂર્ખતાભર્યું તેમ જ ગેરજવાબદાર વર્તન હતું. એમાં કોઈ શંકા નથી.) આવી પડેલું આ સંકટ એટલું મોટું છે કે આજે જરૂર છે નક્કર સક્રિયતાની. જેને અંગ્રેજીમાં optics કહે છે, માત્ર દેખાડો નહીં, પરંતુ અસરકારક actionનો સમય છે. રાજકીય પ્રચારમાં પરિણમે તેવા દીવા-મીણબત્તી અને થાળીઓ વગાડવાથી આગળ ઘણું કરવું પડે તેમ છે. કેટલીક બુનિયાદી વાતોનો વિચાર કરવાનો પણ આ સમય છે. કોરોના જેવી આ મહામારી આજે વિશ્વમાં સૌથી ખરાબ સમયે આવી છે એવું લાગે છે. કારણ કે આજે દુનિયા પાસે ન કોઈ એવું સન્માનિત તેમ જ ધીરગંભીર નેતૃત્વ છે, ન કોઈ એવી આદરપાત્ર સંસ્થા કે જે વૈશ્વિક સંકટની આ ઘડીમાં આખી સ્થિતિને પોતાના હાથમાં લે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણે સ્વાર્થ અને આત્મસંરક્ષણની પરાકાષ્ઠા જોઈ છે. આમ તો પર્યાવરણ પરિવર્તનનો મુદ્દો પણ એટલો જ ગંભીર છે. છતાં વિશ્વના સત્તાધીશો-નિર્ણયકર્તાઓ માનવતાના અસ્તિત્વનો સવાલ છે કે જેમાં વૈશ્વિક સહયોગની જરૂર છે તેના વિશે જે બેજવાબદારીભર્યું વર્તન કરે છે તે જોતાં, આ મહામારી અંગેનું તેમનું વર્તન કંઈ નવાઈ પમાડે તેવું તો નથી જ. પરંતુ, આપણને જરૂર એમ થાય કે આવી સંકટની ઘડીમાં જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી દેશો ઘૂંટણિયાભેર થઈ ગયા છે, ત્યારે આપણે એક થઈને આ વૈશ્વિક મહામારીની સામે સંગઠિત વૈશ્વિક પ્રતિક્રિયા કેમ નથી આપી શકતા? નિહિત સ્વાર્થથી ઉપર ઊઠીને માનવતાના કલ્યાણ માટે ઉપર ઊઠવાનું વિશ્વના નેતાઓ માટે કેમ શક્ય નથી બની રહ્યું?
અમેરિકા હોય, તુર્કિસ્તાન, બ્રાઝિલ કે ભારત—બધે જ ધ્રુવીકરણ એટલું થઈ રહ્યું છે – થયું છે કે જે તે દેશના નેતાઓ હકીકતમાં આખા દેશનું નેતૃત્વ નથી કરતાં. નેતૃત્વનું ચરિત્ર એવું છે કે આખા દેશને સમગ્ર નેતૃત્વ આપી શકે તે શક્ય નથી બનતું. આવી પરિસ્થિતિ હોય ત્યારે આવી પડેલા સંકટમાં જે વિશેષ કર્તૃત્વની જરૂર પડે છે, તેની ઊણપ આજે આખા વિશ્વમાં વધતી રહી છે.
એક તરફ વૈશ્વિક નેતૃત્વનો અભાવ છે, તો બીજી તરફ આપણે વૈશ્વિકીકરણના જમાનામાં જીવી રહ્યા છીએ અને તેને એક આદર્શ સ્થિતિ માનીએ છીએ. શું આ કોરોના આપણને વૈશ્વિકીકરણ પર વિચાર કરવાનું નથી કરી રહ્યો? ઑક્સફર્ડ યુનિવર્સિટીના ‘ગ્લોબલાઈઝેશન અને વિકાસના’ અધ્યાપક ઇયાન ગોલ્ડીનનું કહેવું કંઈક આમ છે : ‘આપણને લાગે છે કે વૈશ્વિકીકરણ બહુ સારું છે. કારણ કે તે લોકોને ગરીબીમાંથી બહાર કાઢે છે, તકો પૂરી પાડે છે, દવાઓ, રસીઓ, નોકરીઓ, તેમ જ પૈસા આપે છે. તેને કારણે જ ભારતે પણ બીજા વિકાસશીલ દેશોની જેમ પ્રગતિ કરી છે. વૈશ્વિકીકરણને કારણે જ ટૅક્નોલોજી, કૌશલ્ય, વસ્તુઓ, સેવાઓ તેમ જ નાણાકીય આદાનપ્રદાન અનેક દેશો વચ્ચે થાય છે. પરંતુ આ ખૂબ જોખમી પણ છે અને તેનાથી ડર લાગે તેવી પણ બાબત છે. હું વૈશ્વિકીકરણને સારું અને ખરાબ બંને માનું છું. તેનો ફાયદો ઉઠાવવા માટે તેનાથી ઊભાં થતાં જોખમો અંગે પણ વ્યવસ્થા કરવી જરૂરી છે. જે મોટા ભાગે નજરઅંદાજ કરવામાં આવે છે. આ જ કારણ છે કે જેનાથી આજે વૈશ્વિકીકરણ ખૂબ જોખમી સાબિત થઈ રહ્યું છે. આ મહામારી તેનું જ પરિણામ છે.’
‘વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનનો દબદબો, ૧૪૦ કરોડ પર્યટક, તેમ જ દર વર્ષે વ્યાપાર અર્થે દુનિયાભરમાં પ્રવાસ કરતા યાત્રીઓ સારી વસ્તુઓની સાથે ખરાબ વસ્તુઓનો પણ ફેલાવો કરે છે. કોવિડ-19 જેવી મહામારીને આ પરિપ્રેક્ષ્યમાં સમજવી જરૂરી છે. મુંબઈ તેમ જ વુહાન જેવા શહેરોમાં ખૂબ ઝડપથી વિકાસ થયો. અહીં મોટા પ્રમાણમાં વિમાનોની અવરજવર છે. આવા શહેરોમાં કંઈ પણ થાય તો તેને આખા વિશ્વમાં ફેલાતાં વાર ન લાગે તે સમજાય તેવી બાબત છે. આ મહામારીમાં પણ આપણે આ જ જોઈ રહ્યાં છીએ. અને આ માત્ર કોરોનાની વાત નથી. સાલ 2008ની મહામંદી વખતે પણ આપણે આ ઘટના જોઈ હતી.’
‘આનો જવાબ ડીગ્લોબલાઇઝેશન નથી. આનો જવાબ ઊંચી દીવાલોનું નિર્માણ કરવું એ પણ ન હોઈ શકે. આવી દીવાલો આવનારા જોખમોને રોકી નહીં શકે. આ જોખમો એટલે હવામાનનું બદલાવવું, જુદા જુદા ભયંકર રોગચાળા અને આર્થિક સંકટ છે. આ ઊંચી દીવાલો માત્ર વિચારો, ટેકનોલોજી, રસીકરણ અને આર્થિક વ્યવહાર ને બહાર રાખી શકશે.’
‘વૈશ્વિકીકરણમાં જે વસ્તુ ખૂટે છે તે છે રાજકીય અને માનવીય વૈશ્વિકીરણ. આપણે એ સમજવું જરૂરી છે કે આપણી દુનિયા એટલી જ મજબૂત હોઈ શકે જેટલું એની સૌથી નબળી કડીમાં જોર હોય. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખૂબ જ પ્રયત્ન કરે છે. પણ આજે ૨૧મી સદીમાં એવા દેશો છે જે તેને સહકાર આપતા નથી, આ એક મોટો પડકાર છે.’
ઇઝરાયેલના લેખક યુવાલ હરારી પર એટલા માટે શાબ્દિક હુમલો થયો, કારણ કે તેમણે આક્ષેપ કર્યો કે બેન્જામિન નેતેન્યાહૂ (ઇઝરાયેલ વડાપ્રધાન) કોરોના-ડિક્ટેટરશિપ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોનાનું ઓઠું લઇ નેતેન્યાહૂ ઇઝરાયેલની બધી જનતાંત્રિક સંસ્થાઓનું ગળું દબાવી રહ્યા છે. હરારીની ટીકા થઈ રહી છે કે આ સમય સરકાર પર લોકશાહી અંગે પ્રશ્નો ઉઠાવવાનો નહીં, પરંતુ સરકારના હાથ મજબૂત કરવાનો છે. કેટલાક વર્તુળોમાં એ ચિંતા પણ જોર પકડી રહી છે કે કોરોનાના કેસોની તપાસ કરવાના બહાને લોકશાહી સરકાર તેની જનતા પર ચોકીપહેરો (surveillance) ગોઠવી રહી છે. આરોગ્ય એક એવી બાબત છે કે કોઈ પણ માણસ નબળો પડી જાય. તેનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે.
અમર્ત્ય સેન પોતાના અભ્યાસમાં જણાવે છે તેમ, રાજ્યમાં જેટલા પ્રમાણમાં ખુલ્લાપણું અને લોકશાહીનાં મૂલ્યો સ્થાપિત થયેલાં હશે, મહામારી તેટલી જલદી રોકી શકાશે. જો ચીનમાં આવી મોકળાશ હોત તો ડૉ. લી વેનલિયાંગની ચેતવણી જાન્યુઆરી મહિનામાં ધ્યાન પર લેવાઈ હોત. તેમ કરવાનું તો દૂર, ચીની અધિકારીઓએ ડૉ. લી પર અફવા ફેલાવવાનો આરોપ લગાડ્યો. તેમ જ તેમની સખત ટીકા કરવામાં આવી. કમનસીબે ડૉક્ટરનું કોરોનાને કારણે મૃત્યુ પણ થયું. પરંતુ આ વાત માત્ર ચીન જેવા બંધિયાર દેશની નથી. અમેરિકા જે વિશ્વનો સૌથી મુક્ત દેશ હોવાનો દાવો કરે છે તેના રાષ્ટ્રપ્રમુખે પણ શરૂઆતમાં કોરોનાને ‘બકવાસ’ – ચીની વાઇરસ વગેરે કહીને ઉડાઉ જવાબો આપ્યા હતા. આજે અમેરિકા આ જ રોગથી સૌથી વધુ મૃત્યુનો સામનો કરી રહ્યું છે.
અમેરિકાના ડૉક્ટરો કહે છે કે, સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્વસ્ત કર્યા પછી આ મહામારીથી બચવાની વાત કરવી. એ અમેરિકા સાથે થઈ રહેલી એક ક્રૂર મજાક છે. આ વાત બધા દેશો માટે સાચી છે. સાર્વજનિક સ્વાસ્થ્યના મુદ્દે એ સમજી લેવાની જરૂર છે કે આપણી સૌથી નબળી કડી જેટલાં જ આપણે મજબૂત છીએ. જો સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા જનતા સુધી, છેલ્લામાં છેલ્લા માણસ સુધી નહીં પહોંચે, જે પરિસ્થિતિ આજે મોટા ભાગની વિકાસશીલ દુનિયામાં છે, તો આપણે આવી મહામારીનો સામનો નહીં કરી શકીએ. આજે હવે કોઈ એક દેશની આરોગ્ય વ્યવસ્થાને મજબૂત કરીને પણ ચાલવાનું નથી. આજે સરકારો પોતાના બજેટમાં આરોગ્ય કરતાં લશ્કર પાછળ વધુ રૂપિયા, વધુ સંસાધનો ફાળવે છે. હવે આ વાત બદલાવી જોઈશે. સમગ્ર સ્વાસ્થ્ય પ્રણાલીમાં રોકાણ કરવાનું કોરોના આપણને શીખવી રહ્યો છે.
આખરે કોરોના તો એક ચેતવણી છે. આજે ભલે કોરોનાએ આપણા દિલોદિમાગને ઘેરી લીધા હોય, છેલ્લા આંકડા પ્રમાણે તેની અસર ૨૦ લાખ લોકોને (વિશ્વમાં) થઈ છે. પરંતુ ગ્લોબલ વૉર્મિંગ બહુ મોટા પ્રશ્ન લઈને આવી રહ્યું છે. અને એ પ્રશ્નો એવા નથી જે માત્ર લૉક ડાઉન કરવાથી કે માસ્ક પહેરવાથી ઊકલી જાય! આરોગ્ય વ્યવસ્થા હોય કે ગ્લોબલ વૉર્મિંગ, પડઘમ વાગ્યો છે સમાનતાનો. કોરોનામાંથી કંઈક શીખ લેવાની હોય તો આ છે : આપણે જીવી શકીશું જો સાથે – એકસમાન સ્તર પર હોઈશું તો જ. નિર્ણય માનવજાતે કરવાનો છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 ઍપ્રિલ 2020