વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ ભાષણમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ શબ્દનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કોરોના વાઇરસથી લડવાનો એક માત્ર ઉપાય એકબીજાથી શારીરિક અંતર બનાવી રાખવાનો છે. બે મહિના પહેલાં, કોરોના વાઇરસ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ બંને શબ્દો પરદેશી હતા. એવું નથી કે આપણને ચેપી રોગનો અનુભવ નથી, પરંતુ કોઈ સંક્રમિત વ્યક્તિને ત્રણ મીટરની અંદર મળવાથી તેનો વાઇરસ આપણામાં ઊતરી જાય, એ જાણકારી એટલી બધી નવી હતી કે આજે ૧૦૦ કરોડ લોકો ચુસ્તીથી અજાણ્યા લોકોથી દૂર રહેતાં શીખી ગયાં છે.
જાણકારો કહે છે કે ભારતના લોકો માટે બીજી વ્યક્તિથી શારીરિક અંતર રાખવું એ એક તદ્દન નવો સંસ્કાર છે, અને લોકો બહુ લાંબો સમય સુધી હવે તેનું પાલન કરશે. શારીરિક દૂરી બનાવી રાખવી એ પશ્ચિમની સભ્યતાની ટેવ છે, કારણ કે 'પર્સનલ સ્પેસ'નો વિચાર પશ્ચિમના વ્યક્તિવાદી (ઇન્ડિવિડ્યુઆલિસ્ટિક) અભિગમમાં આવે છે. દાખલા તરીકે, પશ્ચિમમાં પોતાનાં બાળકને હાથ અડકાડે તો ય માતા-પિતા સામે પોલીસ કેસ થઇ શકે છે. પશ્ચિમમાં શારીરિક અંતર એ અંગત અધિકારની કેટેગરીમાં આવે છે. તમે મારી મંજૂરી વગર મારી પર્સનલ સ્પેસનું ઉલંઘન ના કરી શકો.
આપણે ત્યાં ઊંધું છે. આપણું જીવન જ 'ભીડ'માં શરૂ થાય છે. મોટા ભાગનાં પેરેન્ટ્સ તેમનાં બાળકોને અલગ રૂમમાં રાખતાં નથી. મોટા ભાગના પરિવારો પાસે અલગ-અલગ રૂમની ગુંજાયેશ નથી હોતી. એટલે શહેરનાં વિભકત કુટુંબોમાં માતા-પિતા અને તેમનાં બે બાળકો એક જ રૂમનો ઉપયોગ કરે છે. માતા-પિતાનું સેક્સ જીવન પર પણ બાળકોની ઊંઘનો નાજુક પડદો હોય છે. એક જ બાથરૂમ હોય છે અને એક જ ટોયલેટ હોય છે.
ઘરમાં જેવી સ્થિતિ હોય છે, એવી જ સ્થિતિ બહાર મકાનની હોય છે. એક માધ્યમ-વર્ગીય ઇલાકાઓમાં સરેરાશ ૫૦૦ ચોરસ ફૂટનાં મકાનો એકબીજાને અડીને ઊભાં હોય છે અને તેમાં રહેતા તમામ લોકો એકબીજાંને એટલા નજીકથી જાણતાં હોય છે કે એકબીજાંની શારીરિક વિશેષતાઓ ગણાવી શકે!
ઘર હોય, બજાર હોય, રેલવે સ્ટેશન હોય, બેંકની લાઈન હોય, મંદિર હોય કે મેદાન હોય, 'ભીડ' એ ભારતની વિશેષતા છે અને એમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ લક્ઝરી કહેવાય. ઇન ફેક્ટ, આપણે એકલા નથી. દુનિયા આખીને પહેલી વાર સોશ્યલ ડિસ્ટન્સિંગનો અનુભવ થઈ રહ્યો છે, અને જાણકાર લોકો કહે છે કે કોરોના વાઇરસની મહામારી (તેની અસરકારક રસી કે દવાની ગેરહાજરીમાં) એ લોકોને એટલા ગભરાવી માર્યા છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગની ટેવ ઘણો લાંબો સમય ચાલવાની છે.
એવું નથી કે સોશ્યલ ડિસ્ટન્સિંગનો વિચાર પહેલીવાર આવ્યો છે. આપણે જેને 'આભડછેટ' કહીએ છીએ, તેને પશ્ચિમના લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ કહે છે, અને વર્ષોથી અલગ-અલગ સ્વરૂપમાં તેનો અમલ થતો રહ્યો છે, પણ એક સાથે વૈશ્વિક સ્તરે આટલી આકરી રીતે તેની જરૂરિયાત પહેલી વાર આવી પડી છે. ફરક એટલો છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગ વૈજ્ઞાનિક અભિગમ છે, જ્યારે 'આભડછેટ' સામાજિક કુરીતિ છે. ભારતમાં આવનારા દિવસોમાં લોકો તેને કલંકનું રૂપે પાળે છે કે પછી વૈજ્ઞાનિક ઉપાય તરીકે, તે જોવાનું રહેશે.
મધ્ય યુગમાં યુરોપમાં અને ભારતમાં રક્તપિત્તના રોગીઓ માટે અલગ વસાહતો હતી, જે સોશ્યલ ડિસ્ટન્સિંગનું સૌથી જૂનું નોધાયેલું ઉદાહરણ છે. બાઈબલના સમયના એક પુસ્તક ‘લેવીટિકસ’માં ઉલ્લેખ છે કે ઇસુ પૂર્વે પાંચમી સદીમાં રક્તપિત્તની મહામારીમાં સમ્રાટ જસ્ટિનિયને બાયઝનટાઈન સામ્રાજ્યમાં લોકોના ભેગા થવા પર નિયંત્રણો મુક્યાં હતાં.
પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે સમાપ્તિ તરફ હતું, ત્યારે દુનિયાભરમાં એક ગંદો ફ્લુ ફેલાવાની શરૂઆત થઈ હતી, જેને પાછળથી સ્પેનિશ ફ્લુ (૧૯૧૮-૧૯૨૦) તરીકે ઓળખાયો હતો. યુદ્ધના કારણે જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને અમેરિકામાં સેન્સરશીપ હતી, એટલે ત્યાંનાં સમાચારપત્રો યુદ્ધમાંથી બાકાત સ્પેનમાં ફ્લુના સમાચારો જ છાપતાં હતાં, એટલે એનું નામ સ્પેનિશ ફ્લુ પડ્યું હતું. એ બીમારીમાં દુનિયામાં ૫થી ૧૦ કરોડ લોકો માર્યા ગયા હતા (ભારતમાં તેની સંખ્યા ૧.૨થી ૧.૭ કરોડની હતી). સરહદોની આરપાર સૈન્યોને ઝડપી અવરજવરનાં કારણે આ ફ્લુનો ફેલાવો આખી દુનિયામાં થયો હતો.
તે વખતે, સપ્ટેમ્બર ૧૯૧૮માં, અમેરિકાનાં શહેરો યુદ્ધ માટેનાં લીબર્ટી બોન્ડના પ્રચાર માટે મોટી રેલીઓ કાઢવાનાં હતાં. ત્યાં પેન્સીલવેનિયાના ફિલાડેલ્ફીઆમાં ૬૦૦ સૈનિકોને ફ્લુ થયો હતો, છતાં શહેર નિગમે રેલી કાઢવાનું નક્કી કર્યું. એમાં ૨ લાખ લોકો ઊમટી પડ્યા. ૯૦૦ માઈલ દૂર, ફ્લુના કેસ નોંધાયાના બે જ દિવસમાં મિસોરીના શહેર સેન્ટ લુઇસે જાહેર સ્થળો પર લોકોના ભેગા થવા પર નિયંત્રણ મૂકી દીધાં. એક મહિના પછી, ફિલાડેલ્ફીઆમાં ૧૦,૦૦૦થી વધુ લોકો ફ્લુમાં મરી ગયા, જયારે સેન્ટ લુઇસમાં મૃત્યુનો આંકડો ૭૦૦થી નીચે રહ્યો. ૧૯૧૮માં અમેરિકાના અન્ય શહેરોના આંકડામાં પણ ખબર પડી કે જે શહેરોએ સ્કૂલો, થિયેટરો, ચર્ચો, મેદાનોમાં લોકોના ભેગા થવા પર સમયસર નિયંત્રણો મૂક્યાં હતાં, ત્યાં ફ્લુમાં મરનારાઓની સંખ્યા ઓછી રહી હતી.
પશ્ચિમના દેશોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું આ પહેલું ઉદાહરણ હતું. સોએક વર્ષ પછી, દુનિયા આવી જ મોટી મહામારીનો સામનો કરી રહી છે. આજે દુનિયાની વસ્તી ૧૯૧૮ કરતાં ૬૦૦ કરોડ વધુ છે. ન્યુઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ કેન્ટરબરીમાં એપીડેમિઓલોજીના પ્રોફેસર અરિન્દમ બાસુ કહે છે કે, “અત્યારે તો આપણને કોરોના વાઇરસની સલામત અને અસરકારક રસી કે તેને નાબૂદ કરે તેવી દવાની ખબર નથી, એટલે આપણું એક માત્ર શ્રેષ્ઠ હથિયાર તેના ફેલાવાને રોકવાનું છે.”
સોશ્યલ ડિસ્ટન્સિંગન કેમ સૌથી અસરકારક ઉપાય છે, તેનો જવાબ રિ-પ્રોડક્શન નંબરની પદ્ધતિમાં છે. એપીડેમિઓલોજીસ્ટ દરેક ચેપી રોગમાં એ જાણવાની કોશિશ કરે છે કે એક વ્યક્તિ કેટલી વ્યક્તિને ચેપ લગાડી શકે. સ્પેનિશ ફ્લુના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે એક વ્યક્તિ 8માંથી સરેરાશ ૧ વ્યક્તિને ચેપ લગાડતો હતો. કોરોના વાઇરસનો શરૂઆતનો અભ્યાસ કહે છે કે એક વ્યક્તિથી અન્ય ૨થી૩ વ્યક્તિને ચેપની સંભાવના છે.
કોરોનાની મુસીબત એ છે કે લોકો પાછા ભેગા થવાનું ચાલુ કરશે, એટલે વાઇરસ ફરીથી ફેલાશે અને કેસો વધશે, એટલા માટે વૈજ્ઞાનિકોને કોરોનાની મહામારીનો બીજા તબક્કો આવશે, તેવો ડર છે. એટલા માટે દુનિયામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ ચાલુ-બંધ થયા કરશે. કેસો ઘટે એટલે નિયંત્રણો હળવાં થશે અને કેસો વધે એટલે સોશ્યલ ડિસ્ટન્સિંગ લાગુ કરવું. તે ઉપરાંત, આ વખતે પહેલીવાર પૂરી દુનિયામાં સૌથી છેવાડાના, ગરીબમાં ગરીબ અને અભણમાં અભણ માણસને પણ એકબીજાંથી આઘા રહેવાનું કારણ સમજાઈ ગયું છે, એટલે એક વાત નક્કી છે કે આવનારા લાંબા સમય સુધી શાયર બશીર બદ્રની આ શાયરીનું બધા લોકો પાલન કરવાના છે :
કોઈ હાથ ભી ના મિલાયેગા જો ગલે મિલોગે તપાક સે
યે નયે મિજાજ કા શહર હૈ જરા ફાસલે સે મિલા કરો
પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 ઍપ્રિલ 2020