ચાલો ઘારાપુરીની સહેલગાહે, બોરી બંદરની મુલાકાતે
ભગ્ન ત્રિમૂર્તિ અને ગુમ થયેલી રાણીની મૂર્તિ
આજે એ સ્ટેશન અને બાગ છે, પણ રાણીનું નામનિશાન નથી
બકોર પટેલ અને તેમનું છાપું
બાળપણમાં વાંચેલી કે સાંભળેલી બકોર પટેલની વાર્તાઓ યાદ છે? જયારે જુઓ ત્યારે બસ, હાથમાં છાપું લઈને બેઠા હોય. કોરોના-પૂર્વેનાં વર્ષોમાં આપણે બધાં બેસતાં તેમ. એ બકોર પટેલની વાર્તાઓમાની એક વાર્તા છે ‘ઘારાપૂરીની સહેલગાહ.’ આ બંને શબ્દો આજે લગભગ અજાણ્યા લાગશે, ઘણાખરાને. કારણ અંગ્રેજીમાંથી વટલાઈને ગુજરાતી બની ગયેલો શબ્દ ‘પિકનિક’ આજે વપરાય છે ‘સહેલગાહ’ને બદલે. અને કોઈ રડ્યાખડ્યા વયોવૃદ્ધોને બાદ કરતાં ‘ઘારાપુરી’ એ વળી કઈ બલા છે એની ખબર બીજાને નહિ હોય. પણ આજે આપણે જવું છે એ ઘારાપુરી. પણ જવાનું કાંઈ કારણ? આજે છે ‘વિશ્વ વિરાસત દિવસ,’ વર્લડ હેરિટેજ ડે’. એટલે ચાલો જઈએ મુંબઈની આગવી સાંસ્કૃતિક વિરાસત જેવી ઘારાપુરીની ગુફાઓ જોવા. શું કહ્યું? લોકડાઉન છે ને કેવી રીતે જશું? ચિંતા ન કરો. આપણી પાસે છે અરબસ્તાનથી મગાવેલી ઊડતી શેતરંજી. એ ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યાં લઇ જઈ શકે છે, કોઈને પણ.
એલિફન્ટાની ત્રિમૂર્તિ
‘ઊડતી શેતરંજી, અમને લઇ જા ઘારાપુરી.’ આ ઘારાપુરી એટલે એલિફન્ટા. મુંબઈથી દસ કિલોમીટર દૂર આવેલો નાનો ટાપુ. પણ મુંબઈનાં બે જ સ્થળોને ‘યુનેસકો વર્લ્ડ હેરિટેજ સાઈટ’ હોવાનું ગૌરવ મળ્યું છે. તેમાંનું એક આ ઘારાપુરી ઉર્ફે એલિફન્ટા. નવાઈની વાત એ છે કે આપણા દેશના ઇતિહાસમાં ધારાપુરીનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. પણ અહીંની ગુફાઓ જોતાં એટલું તો નક્કી કહી શકાય કે એક જમાનામાં આ સ્થળ શૈવ મતનું મહત્ત્વનું મથક હોવું જોઈએ. આ ટાપુ પરથી મળી આવેલા કેટલાક અવશેષોને આધારે એમ માનવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે બીજી સદીથી અહીં માણસનો વસવાટ શરૂ થયો હોવો જોઈએ. આ ટાપુ પહેલાં બૌદ્ધ ધર્મના હિનયાન સંપ્રદાયના હાથમાં હતો અને એટલે જ અહીં બૌદ્ધ સ્તુપો પણ જોવા મળે છે. ત્યાર બાદ અહીં શૈવ હિંદુઓ આવ્યા. ચોથી સદીના ક્ષત્રપ કાળના કેટલાક સિક્કા આ ટાપુ પરથી મળી આવ્યા છે. ગુપ્ત સમયમાં આ પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે પણ તેમાં ગુફાઓ અંગે કશું કહેવાયું નથી. એટલે આ ગુફાઓ પાંચમીથી આઠમી સદી દરમ્યાન તૈયાર થઈ હશે તેમ મનાય છે.
ટપાલ ટિકિટ પર ત્રિમૂર્તિ
આરકિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને યુનેસ્કોના કહેવા પ્રમાણે ગુપ્તયુગ દરમ્યાન શિલ્પ-સ્થાપત્યની જે વસંત બેઠી હતી તે દરમ્યાન, પાંચમી-છઠ્ઠી સદી દરમ્યાન આ ગુફાઓ તૈયાર થઈ હોવી જોઈએ. અને આ ગુફાઓને કારણે જ જગ્યાનું નામ પડ્યું ઘારાપુરી, એટલે કે ગુફાઓની નગરી. એક વખત ગુજરાતના સુલતાનોનું અહીં રાજ હતું. પછી પોર્ટુગીઝોનું થયું. તેમણે આ ટાપુને ‘એલિફન્ટા’ નામ આપ્યું કારણ તેને કિનારે એક વિશાળકાય હાથીનું પથ્થરનું શિલ્પ એ વખતે હતું. પછીથી અંગ્રેજોનું રાજ આવ્યું. તેમણે આ હાથીના શિલ્પને પોતાને દેશ લઇ જવા વિચાર્યું, પણ તેમ કરવા જતાં એ ભાંગી ગયું. એટલે ૧૮૬૪માં તેના ટુકડાઓને વિક્ટોરિયા ગાર્ડનમાં લઈ ગયા. છેક ૧૯૧૪માં આ ટુકડાઓને જોડીને ફરીથી શિલ્પ તૈયાર કરવામાં આવ્યું જે આજે જીજામાતા ઉદ્યાનમાં જોવા મળે છે. અહીં આવેલી પાંચ ગુફાઓ ઉપર ઘણી હાડમારી વીતી છે, અને લગભગ બધી ભગ્નાવસ્થામાં છે. આવી દુર્દશા કોણે કરી એ અંગે વિદ્વાનોમાં મતભેદ છે.
શિવ-પાર્વતી વિવાહ
પાંચ ગુફાઓમાંથી સૌથી વધુ જાણીતી છે એક નંબરની ગુફા. તેમાંની સદાશિવ ત્રિમૂર્તિ જગવિખ્યાત બની છે. આઝાદી પછી ૧૯૪૯ના ઓગસ્ટની ૧૫મી તારીખે સરકારે ૧૬ ‘ડેફિનેટિવ’ ટપાલ-ટિકિટ બહાર પાડી હતી જેના પર દેશનાં મહત્ત્વનાં ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યને સ્થાન આપવામાં આવેલું. તેમાં ૯ પૈસાની ટિકિટ પર લીલા રંગમાં આ ત્રિમૂર્તિનું ચિત્ર હતું. ૨૦ ફૂટ ઊંચી આ મૂર્તિ હકીકતમાં પંચમુખી મહાદેવની મૂર્તિ છે. પણ તે દિવાલમાં ‘રિલીફ’ પદ્ધતિએ કંડારાઈ હોવાથી પાંચમાંથી ત્રણ મુખ જ નજરે પડે છે. ત્રિમૂર્તિની આજુ બાજુ અર્ધનારીશ્વર અને ગંગાધરનાં શિલ્પ જોવા મળે છે. બંને શિલ્પો ખંડિત છે. અંધક વધ, શિવ-પાર્વતી વિવાહના પ્રસંગને લગતાં, શિવનાં યોગીશ્વર અને નટરાજનાં રૂપ દર્શાવતાં, વગેરે શિલ્પો પણ આ ગુફામાં છે. આજે આ બધાં શિલ્પ-સ્થાપત્ય ખંડેર જેવાં બની ગયાં છે, પણ જ્યારે તે અખંડ હશે અને શ્રદ્ધાળુઓના ભક્તિનાદ અને દીપમાળાઓ વાતાવરણને ભરી દેતાં હશે ત્યારે આ ગુફાઓમાં જે દિવ્ય વાતાવર સર્જાતું હશે તેની તો હવે કલ્પના જ કરવી રહી.
વિક્ટોરિયા ટર્મિનસ, ૧૯૦૮માં
‘ઊડતી શેતરંજી, હવે ચાલ બોરી બંદર.’ એલિફન્ટાની સરખામણીમાં ઉંમરની બાબતમાં તો આ ઈમારત હજી બચ્ચું ગણાય. પણ છે વિશાળ, સ્થાપત્યની દૃષ્ટિએ અત્યંત પ્રભાવક, અને લગભગ ચોવીસ કલાક જીવતી-જાગતી. એનું હાલનું નામ છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, કહેતાં વિક્ટોરિયા ટર્મિનસ, કહેતાં બોરીબંદર. અને આ છે મુંબઈની બીજી વર્લ્ડ હેરિટેજ સાઈટ. ૧૮૫૩ના એપ્રિલની ૧૬મી તારીખે આખા દેશની સૌથી પહેલી ટ્રેન દોડી હતી. પણ આજે જે ભવ્ય અને વિશાળ ઈમારત છે એ ત્યારે નહોતી. ત્યારે તો હતું લાકડાનું બાંધેલું નાનકડું સ્ટેશન, જે આજના સ્ટેશનથી થોડે દૂર, બોરી નામના બંદર નજીક આવેલું હતું, અને તેથી તેનું નામ પડ્યું હતું બોરી બંદર સ્ટેશન. પણ પછી એ લાકડાના સ્ટેશનને બદલે એક અત્યંત ભવ્ય સ્ટેશન બાંધવાનું નક્કી કર્યું ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવેએ, જે આજે સેન્ટ્રલ રેલવે તરીકે ઓળખાય છે. એક વેપારી રેલવે કંપની આટલું વિશાળ, ભવ્ય, અલંકૃત સ્ટેશન બાંધે એ નવાઈ ન કહેવાય? ના. એ હતી ભલે વેપારી કંપની, પણ બ્રિટિશ સરકાર દ્વારા તેની સ્થાપના થઈ હતી.
૧૮૪૯ના ઓગસ્ટની પહેલી તારીખે બ્રિટિશ પાર્લામેન્ટે ૫૦ હજાર પાઉન્ડની મૂડી સાથે તેની સ્થાપના કરવાનો ઠરાવ મંજૂર કર્યો હતો. ૧૮૫૭ પછી કંપની સરકારની જગ્યાએ રાણીનું રાજ આવ્યું અને તેણે હિન્દુસ્તાન ઉપરની ગ્રેટ બ્રિટનની પકડ વધુ મજબૂત બનાવવાનું નક્કી કર્યું. એ માટે જે ઉપાયો અજમાવ્યા તેમાંનો એક હતો બ્રિટિશ સ્થાપત્ય પ્રમાણેની ભવ્ય ઈમારતોનું નિર્માણ. આવી ઇમારતો દ્વારા બ્રિટિશ સામ્રાજ્યનો પ્રભાવ લોકો સુધી અસરકારક રીતે પહોંચી શકશે એમ લાગતું હતું. મુંબઈ ઉપરાંત કલકત્તા અને મદ્રાસમાં પણ આ રીતે ભવ્ય ઈમારતોનું નિર્માણ થયું. તેમાંની ઘણીખરી આજે સવા સો – દોઢ સો વર્ષે પણ અડીખમ ઊભી છે. વિક્ટોરિયા ટર્મિનસની ઈમારત આવી એક ઈમારત છે.
મુખ્યત્વે ઇટાલિયન-ગોથિક સ્ટાઈલમાં આ ઈમારતની ડિઝાઈન સ્થપતિ-ઈજનેર ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સે બનાવી હતી. તેનું બાંધકામ ૧૮૭૮માં શરૂ થયું અને ૧૮૮૭માં પૂરું થયું. મૂળ બોરીબંદર સ્ટેશનની દક્ષિણે આ નવું સ્ટેશન બાંધવામાં આવ્યું જેથી બંધકામ દરમ્યાન ટ્રેન વ્યવહાર સરળતાથી ચાલતો રહે. ૧૮૮૭માં ગ્રેટ બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાના શાસનને પચાસ વરસ પૂરાં થતાં હતાં એટલે આ નવા સ્ટેશનનું નામ વિક્ટોરિયા ટર્મિનસ રખાયું. આજે પણ રોજિંદા વ્યવહારમાં લોકો તેને ‘વી.ટી.’ તરીકે જ ઓળખે છે. એ વખતે આ સ્ટેશન બાંધવા પાછળ ૧૬ લાખ ૧૪ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. એક અંદાજ પ્રમાણે આજે જો આવું સ્ટેશન બાંધવું હોય તો ૨,૦૦૦ મિલિયન રૂપિયાનો ખર્ચ થાય! મુંબઈ મ્યુનિસિપાલિટીનું વડું મથક, એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ યુનિવર્સિટીનું મકાન, વગેરે આ અરસામાં બંધાયેલાં મકાનો પણ વી.ટી.ની શૈલીએ જ બંધાયેલાં છે. મૂળભૂત સ્થાપત્ય શૈલી વિક્ટોરિયન ઇટાલિયન ગોથિક, પણ સ્થાનિક (હિંદુ તેમ જ ઇસ્લામિક) સ્થાપત્ય શૈલીના કેટલાક અંશો પણ તેમાં સમાવ્યા છે. તો બહારના ભાગના કેટલાંક કાષ્ટશિલ્પ, લાદીઓની ડિઝાઈન, બહારની રેલિંગ, ટિકિટબારી માટેની ગ્રીલ અને બીજાં કેટલાંક સુશોભનો તૈયાર કરવામાં જે.જે. સ્કૂલ ઓફ આર્ટસના વિદ્યાર્થીઓની મદદ લીધી હતી. આખી ઈમારતના મુગટરૂપ છે તેનો વિશાળ અને અલંકૃત ઘુમ્મટ.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, આજે
આ ઈમારત બંધાઈ ત્યારે તેના મોખરા પર ઊભેલી રાણી વિકટોરિયાનું આરસનું પૂતળું મૂકવામાં આવ્યું હતું. આઝાદી પછી થોડે વર્ષે મુંબઈનાં જાહેર સ્થળોએ આવેલાં બ્રિટિશ શાસકોનાં પૂતળાં ખસેડી લેવામાં આવ્યાં. તે વખતે આ પૂતળું પણ ખસેડાયું. આ બધાં પૂતળાંને રાણી બાગ કહેતાં વિક્ટોરિયા ગાર્ડન મોકલી દેવામાં આવ્યાં હતાં. ત્યાં એ બધાંને બગીચામાં એક જગ્યાએ રાખવામાં આવ્યાં હતાં. આ પૂતળું પણ એ રીતે ત્યાં ગયું હતું. પણ કેટલાંક વર્ષો પહેલાં રાણી બાગમાંથી વી.ટી.વાળું રાણી વિક્ટોરિયાનું પૂતળું ગુમ થયું. એ ક્યાં ગયું એની આજ સુધી કોઈને ખબર પડી નથી. એ પણ વિધિની કેવી વિચિત્રતા કે જે રાણીના નામ પરથી સ્ટેશનનું નામ પડેલું તેનું પૂતળું આજે ત્યાં નથી. ત્યાંથી ખસેડાયા પછી તે જ્યાં રાખવામાં આવ્યું તે સ્થળનું નામ પણ અગાઉ વિક્ટોરિયા ગાર્ડન હતું. પણ આજે એ રેલવે સ્ટેશનનું નામ બદલાઈ ગયું છે, એ બગીચાનું નામ બદલાઈ ગયું છે, અને રાણી ક્યાં ય જોવા મળતી નથી!
હિન્દુસ્તાનમાં રેલવેની સગવડ લાવવા માટે ૧૮૪૫માં ‘ઇન્ડિયન રેલવે એસોસિયેશન’ની સ્થાપના બે હિન્દીઓના પ્રયત્નોથી થઈ હતી – સર જમશેદજી જીજીભાઈ અને જગન્નાથ શંકરશેઠ, જે નાના શંકરશેઠ તરીકે જાણીતા હતા. આ અંગેની દરખાસ્ત શંકરશેઠે બ્રિટિશ સરકાર સમક્ષ રજૂ કરી હતી અને ગ્રેટ ઇન્ડિયન પેનેન્સુલા રેલવેની સ્થાપનામાં પણ તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ કંપનીની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેના દસ ડિરેક્ટરોમાંના માત્ર બે જ હિન્દી હતા – સર જમશેદજી જીજીભાઈ અને જગન્નાથ શંકરશેઠ. વી.ટી.ની ઈમારત બાંધવામાં પણ જગન્નાથ શંકરશેઠ અને તેમના કુટુંબે મદદ કરી હતી એમ કહેવાય છે. આજે પણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના કંપાઉંડમાં તેમની અર્ધ પ્રતિમા જોવા મળે છે.
જગન્નાથ શંકરશેઠ
પણ આ જગન્નાથ શંકરશેઠ હતા કોણ? મુંબઈમાં રહીને અનેક લોકો સમૃદ્ધ થયા છે, પણ જેમણે મુંબઈને સમૃદ્ધ કર્યું હોય તેવી થોડીક વ્યક્તિઓમાંના એક હતા નાના શંકર શેઠ. ૧૮૦૩ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે જન્મ, ૧૮૬૫ના જુલાઈની ૩૧મી તારીખે અવસાન. વડવાઓનો વ્યવસાય ગોરપદું કરવાનો, પણ નાના પડ્યા વેપારમાં. ઘણું કમાયા, પણ છુટ્ટે હાથે દાન આપ્યાં એટલે ધન કરતાં પણ વધારે નામના મેળવી. મુંબઈની પહેલી સ્કૂલ સ્થાપવામાં એમની મદદ. પહેલી કન્યાશાળા માટે જ્ઞાતિજનોની ખફગી વહોરીને સખાવત. ૧૮૪૫માં ‘ધ બોમ્બે સ્ટીમશિપ નેવિગેશન કંપની શરૂ થઈ તેમાં પહેલ કરેલી નાનાએ. એ જ વર્ષે જે.જે. હોસ્પિટલ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ, ૧૮૫૧માં પૂના ખાતે ‘પૂના સંસ્કૃત કોલેજ (આજની ડેક્કન કોલેજ) શરૂ થઈ, ૧૮૫૫માં પહેલી લો (કાયદા) કોલેજ શરૂ થઈ, ૧૮૫૭માં જે.જે. સ્કૂલ ઓફ આર્ટ શરૂ થઇ તે બધાની સ્થાપનામાં નાનાનો આર્થિક ટેકો. ૧૮૬૨માં વિક્ટોરિયા ગાર્ડન (રાણી બાગ) શરૂ થયો ત્યારે પણ નાના હાજર.
મુંબઈમાં પહેલવહેલી રાજકીય સંસ્થા ‘બોમ્બે એસોસિયેશન’ની સ્થાપના ૧૮૫૨ના ઓગસ્ટની ૨૬મીએ નાનાએ કરી હતી. કહેવાય છે કે આજના મરીનલાઈન્સથી મલબાર હિલ સુધીની જમીન નાનાની માલિકીની હતી. શહેરના વિકાસ માટે વખતોવખત નાના જમીન આપતા ગયા. એ વખતે મુંબઈમાં અગ્નિસંસ્કાર માટે ખાસ કશી વ્યવસ્થા નહોતી. સોનાપુર વિસ્તારની પોતાની જમીન નાનાએ સ્મશાન માટે આપી. સોનાપુર સ્મશાનનું સત્તાવાર નામ આજે પણ ‘જગન્નાથ શંકરશેઠ સ્મશાનભૂમિ’ છે. ગિરગામ રોડ પર જ્યાં નાના રહેતા હતા એ જગ્યાને આજે પણ ઘણા લોકો ‘નાનાશંકર શેઠની વાડી’ તરીકે ઓળખે છે. અલબત્ત, આજે અહીં બહુમાળી મકાન ઊભું છે.
‘અરે ઓ ઊડતી શેતરંજી! હવે અમને અમારી ઘરે મૂકી જા. અને પછી પાછી પહોંચી જજે અરબસ્તાન.’
e.mail Deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 ઍપ્રિલ 2020