બકરી કેવી આવી ગઈ
ડબ્બામાં?
વેદ-પુરાણકાળથી
અમને રાખ્યા હતા
ક્વૉરન્ટીનમાં. ગામ-નગરથી દૂર …
અલગ મહોલ્લામાં.
વેદ-પુરાણ-કાળથી
રાખ્યું હતું સોશ્યલ ડિસ્ટન્સિંગ
અમારાથી.
અમારા પડછાયાથી ય
અભડાતા’તા.
પૂંઠે લટકાવી‘તી સાવરણી
પગલાં અમારાં ભૂંસવા.
કુલડી બાંધી હતી મોઢે
થૂંકવા. હવે તમારે રહેવાનો
વારો આવ્યો. ક્વૉરન્ટીનમાં
અસ્પૃશ્ય થઈ રહેવાનું
આવ્યું
સોશ્યલ ડિસ્ટન્સિંગમાં
મોંઢે બાંધવો પડ્યો માસ્ક
કુલડી જેવો સ્તો !
ન કોઈને મળાય,
ન કોઈને ઘેર જવાય … હવે સમજાય છે
અસ્પૃશ્ય રહેવાની પીડા !
ભાન પડ્યું
સોશ્યલ ડિસ્ટન્સિંગ
એટલે શું ?
વાહ ! બકરી કેવી આવી ડબ્બામાં?
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 16 ઍપ્રિલ 2020