આપણા ઇવેન્ટ મેનેજમેન્ટ-પ્રેમી વડા પ્રધાન દ્વારા અપાતાં વિવિધ એલાન કેવળ ઔપચારિક હોતાં નથી. તેમણે યોજેલા એવા પ્રજાકીય કાર્યક્રમો પાછળ અચૂકપણે વિજ્ઞાનના ગહન સિદ્ધાંતો શોધી કાઢવામાં આવે છે અને અક્કરચક્કરમાંથી વડાપ્રધાન કેવા મહાન અને બીજાને જે દેખાતું નથી તે જોનારા છે — એવું સિદ્ધ કરવાની કોશિશો થાય છે. ખેદની વાત એ છે કે આવી કોશિશોમાં ઘણી વાર ભણેલા લોકો પણ હોંશેહોંશે જોડાય છે અને દાનત કે વૃત્તિ કે બંનેના પ્રશ્નોને કારણે અંધશ્રદ્ધાના વાહક બની રહે છે. જેમ કે, પાંચમી એપ્રિલની રાત્રે નવ વાગ્યે નવ મિનીટ સુધી વડા પ્રધાને દીવડા પ્રગટાવવાનું એલાન આપ્યું.
દીવડા જલાવવા – ન જલાવવા એ વ્યક્તિગત મુન્સફીનો પ્રશ્ન છે. (ના, સરકારી દાવા પ્રમાણે દીવડા જલાવવાથી રાષ્ટ્રિય એકતા દેખાવાની નથી. રાષ્ટ્રિય એકતા આવાં જોણાંથી આગળની ને ઉપરની ચીજ છે.) પરંતુ દીવડા જલાવવામાં કેવું મહાન વિજ્ઞાન છુપાયેલું છે, તેની દલીલો જાણવા મળે ત્યારે હસવું કે રડવું એ સમજાતું નથી. સામાન્ય પ્રતિક્રિયા તો એવી દલીલોને હસી કાઢવાની હોય, પણ તેને મળેલું બહોળું અનુમોદન અને તેમનો વ્યાપક પ્રચારપ્રસાર જોતાં, વાહિયાત લાગતી દલીલોનો પણ જવાબ આપવાનું જરૂરી લાગે છે.
પણ દીવડાની ચર્ચામાં જતાં પહેલાં એક સામાન્ય સ્પષ્ટતા કરી લઉં કે ભણેલા માણસો અંધશ્રદ્ધા ન ફેલાવે એવું માની લેવું નહીં. ભણતર સૂચવે છે કે એ વ્યક્તિ એ અભ્યાસમાં સારી રીતે પાસ થવા જેટલી બુદ્ધિશક્તિ ધરાવે છે. પરંતુ જેમ ઘરમાં રૂપિયા હોવા અને તેને સારા કામ માટે વાપરવા, એ બે સાવ જુદી બાબતો છે, તેવું સમજ વિશેનું પણ સમજવું.
દીવડા વિશે એક દલીલ એવી ચાલી કે એક સાથે અસંખ્ય દીવાઓ પ્રગટે છે કે મીણબત્તીઓ સળગે છે ત્યારે વાતાવરણનું તાપમાન અચાનક વધી જાય છે … શાંતિથી વિચારતાં સમજાશે કે ઘરમાં દીવા પ્રગટાવવાથી વાતાવરણનું તાપમાન વધી જાય, આ વાત દેખીતી રીતે તર્કસંગત નથી. દીવાના અજવાળાનાં બે પાસાં હોય છેઃ પ્રકાશ અને તાપમાન. દીવાની ગરમીથી વાતાવરણનું તાપમાન તો પછીની વાત છે, ઘરનું તાપમાન કેટલું વધે છે એનો પ્રયોગ જાતે કરી શકાય છે. દલીલ ખાતર માની લઈએ કે એક ઘરમાં એક સાથે છ દીવા સળગે છે. તો તેનાથી ઘરનું તાપમાન વધે છે? આ નક્કી કરવા માટે રિસર્ચ પેપર વાંચવાની જરૂર નથી. છ દીવાની હારમાળાથી દસેક ફૂટ દૂર બેસીને જાતે નક્કી કરી શકાય છે કે તાપમાન વધ્યાનો અહેસાસ થયો? બીજી વધારે સાદી રીત છેઃ એક દીવાની સાવ નજીક રહીએ અને પછી ધીમે ધીમે દૂર થતા જઈએ. તેનો પ્રકાશ નહીં, પણ ગરમાવો (તાપમાન) ક્યાં સુધી અનુભવાય છે તે જોઈ શકાય છે.
બીજી યાદ રાખવાની હકીકત એ છે કે સૌ પોતપોતાના ઘરમાં દીવા પ્રગટાવે તો તેની અસર અત્યંત સ્થાનિક હોય, સામૂહિક નહીં. એટલે કે, દીવા સળગતા હોય તેની આસપાસનો હિસ્સો થોડો ગરમ થાય, પણ વાતાવરણના તાપમાન પર તેની અસર ન પડે. વાયુઓ વાતાવરણમાં ભળી શકે, પણ તાપમાનનો વધારો દૂર સુધી ગતિ કરી શકે નહીં.
ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દોઃ ધારો કે વાતાવરણનું તાપમાન બીજી કોઈ રીતે વધારવામાં આવે તો પણ, તેની વાઇરસના ફેલાવા પર શી અસર? વધારે ગરમી પડવાથી વાઇરસનો ફેલાવો કે તેની અસર અટકી જવાનાં નથી, એ વૈજ્ઞાનિક રીતે જાહેર થઈ ચૂકેલી હકીકત છે.
બીજી દલીલ એવી જોવા મળી કે કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડનું અચાનક પ્રમાણ વધવાથી વાતાવરણમાં રહેલા વાઈરસ કે અન્ય કોઈ પણ જીવાણું નાશ પામે છે, એ સાબિત થઈ ચૂકેલી વાત છે. એવું પણ કહેવાયું કે વાતાવરણમાં આ બંને વાયુઓનું પ્રમાણ વધે તો માણસના શરીરના કોષમાં રહેલા કોરોના વાઇરસના વિભાજનની પ્રક્રિયા અટકી શકે છે.
હકીકતમાં, કોરોના વાઇરસ વાતાવરણમાં વસવાટ કરતા નથી. એવું નથી કે તે વાઇરસ વાતાવરણમાં તરતા હોય, બહાર નીકળતા દરેક લોકોને લાગતા હોય અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ ભળે તેનાથી બધા વાઇરસ મરી જાય. (અને એ પણ એક રાત દીવો સળગાવવાથી? પણ એ તો વળી જુદી જ વાત છે.) વાઇરસ જુદી જુદી સપાટી પર જુદા જુદા સમય સુધી રહેતા હોય છે. એ કિસ્સામાં પણ વાતાવરણમાં (એટલે કે ઉપર હવામાં) ભળેલા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડ વાયુથી ટેબલની સપાટી પર રહી ગયેલા વાઇરસને કશી અસર ન થાય. દલીલ ખાતર એવું કહેવામાં આવે કે હવામાં થોડો સમય તો વાઇરસ હોય છે, તો પણ એ હવા જમીની સ્તરની હોય — વાયુઓ જ્યાં ભળે તે વાતાવરણ નહીં.
— અને વાતાવરણમાં ભળેલા વાયુઓ કોષમાં વાઇરસના વિભાજનના દર ઉપર શી રીતે બ્રેક મારી શકે? આ વાત જરા ય તર્કસંગત લાગતી નથી અને એ ખરેખર સાચી હોય તો આરોગ્યખાતાને તે વિશે જાણ ન કરવી જોઈએ, જેથી રોજ વિમાનો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ-કાર્બન મોનોક્સાઇડનો છંટકાવ કરવાની વ્યવસ્થા ગોઠવી શકાય. આવી મહત્ત્વની બાબત જાણ્યા પછી વડા પ્રધાને વચ્ચે આટલો બધો સમય કેમ જવા દીધો ને વાતાવરણમાં આ વાયુઓ ફેલાવવાનું કામ લોકો પર કેમ છોડ્યું, એવો સવાલ તો અલગથી ઊભો જ રહે છે.
અંધશ્રદ્ધા ફેલાવવી એ તો ખોટું જ છે, પણ વિજ્ઞાનના અને વૈજ્ઞાનિક અભ્યાસોના હવાલા આપીને અંધશ્રદ્ધા ફેલાવવી એ ઊંચા દરજ્જાની કુસેવા છે. ગળચટ્ટા શબ્દો વાપરવાથી જૂઠાણું વૈજ્ઞાનિક સચ્ચાઈ થઈ જતું નથી. ખાસ કરીને, આવા વખતમાં જ્યારે વૈજ્ઞાનિક સમજૂતીની આવશ્યકતા હોય ત્યારે ભણેલા અને જેમના ભણતર પર લોકો વિશ્વાસ રાખતા હોય એવા લોકો કોઈ પણ કારણસર આવાં જૂઠાણાં ફેલાવે તેથી સમાજની મોટી કુસેવા થાય છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 ઍપ્રિલ 2020