કોરોના વાઈરસ ઘણા શાસકો માટે આશીર્વાદરૂપ નીવડવાનો છે. નીવડવાનો છે શું, નીવડી રહ્યો છે. કોરોના વાઈરસ કેટલા લોકોનો જીવ લેશે એની તો ખબર નથી, પણ અત્યારે તેણે જગતના એક દેશના લોકતંત્રનો જીવ લઈ લીધો છે અને બીજા દેશ લાઈનમાં ઊભા છે. હંગેરીમાં કહેવામાં આવ્યું છે કે દેશ ઉપર મોટું સંકટ આવ્યું છે અને અમારે એ સંકટનો સામનો કરવાનો છે એટલે અબાધિત સત્તા જરૂરી છે. સામાન્ય સંજોગોમાં જે ખુલ્લાપણું, જે પારદર્શકતા આવકાર્ય કહેવાય એ સંકટની ઘડીએ તકલીફો પેદા કરતી હોય છે. માટે … માટે શું?
સોમવારે હંગેરીની સંસદે એક તાકીદનો કાયદો (ઈમરજન્સી લૉ) ઘડીને હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બનને અબાધિત સત્તા આપી દીધી છે. વડા પ્રધાન કોઈને પણ પૂછ્યા વિના આદેશ બહાર પાડીને શાસન કરી શકે છે. કોઈને પણ જેલમાં પૂરી શકે છે. ક્યાં સુધી? આનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. બહાનું કોરોના વાઈરસના સંકટનું આપવામાં આવ્યું છે, પરંતુ સત્તા અમર્યાદિત છે. હંગેરી પરનું કોરોનાનું સંકટ તો જશે પણ ઓર્બનનું સંકટ જલદી જાય એમ નથી. ઓર્બન ૨૦૧૦માં બીજી વાર હંગેરીના વડા પ્રધાન બન્યા પછી તેઓ ધીરે ધીરે હંગેરીમાં લોકતંત્રનું કાસળ કાઢી રહ્યા છે, આમાં હવે કોરોનાએ તેમને પૂરા સરમુખત્યાર થવાની તક આપી દીધી છે. દરમિયાન યુરોપિયન યુનિયને હંગેરીની સરકારને ચેતવણી આપી છે કે જો તે લોકતંત્રનું ગળું ઘોંટવાનું બંધ નહીં કરે તો ઈ.યુ. પગલાં લેશે. યુરોપિયન યુનિયન ગમે તે પગલાં લે, અત્યારે તો હંગેરીએ લોકતંત્ર ગુમાવી દીધું છે એમાં કોઈ શંકા નથી.
હંગેરી એવો દુનિયાનો કયો મોટો પ્રતિષ્ટિત દેશ છે એમ કોઈ કહેશે. હજુ ૧૯૮૯ સુધી તો હંગેરીમાં સામ્યવાદી શાસન હતું. ૧૯૮૯ પછી પણ હંગેરીમાં લોકતંત્ર એટલા પ્રમાણમાં સ્થાપિત નથી થયું જેટલું થવું જોઈએ. હંગેરીની વાત જવા દઈએ.
ભારત સરકારે પણ કોરોના વાઈરસની તક ઝડપીને મીડિયાનું મોઢું બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન રઝળી પડેલા લોકોને રાહત મળવી જોઈએ એવી માગણી કરતી બે પિટિશન સર્વોચ્ચ અદાલતે દાખલ કરી છે અને સુનાવણી ચાલી રહી છે. અરજકર્તાઓએ અદાલત સમક્ષ માગણી કરી છે કે કાં તો ભારતનાં શહેરોમાં સ્થાયી રહેણાક અને રોજગાર નહીં ધરાવતા પ્રવાસી મજદૂરોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે અને કાં તેમને કોરોનાનો ચેપ ન લાગે તેવી સુરક્ષિત જગ્યાએ ભોજન અને બીજી દવા જેવી જીવનજરૂરિયાતની ચીજો પૂરી પાડવામાં આવે.
ભારત સરકારે આ બે માગણી વિશે પ્રશાસન શું કરી શકે તેનો જવાબ આપવાનો હતો. સરકારે શું થઈ શકે તેની કોઈ યોજના રજૂ કરવાની જગ્યાએ ઊલટી જૂદી જ માગણી કરી. સરકારે તક ઝડપીને સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી છે કે મીડિયા આ બધી બાબતે મનફાવે એવા ભળતા આંકડા આપે છે અને લોકો ડરી જાય એવી ચોકાવનારી માહિતી ફેલાવે છે માટે સર્વોચ્ચ અદાલતે મીડિયા પર અંકુશ મૂકવાનો સરકારને અધિકાર આપવો જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે અને ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવ સમક્ષ કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ ભાષામાં માગણી કરી છે કે ‘અદાલતે મીડિયાને (પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, વેબ પોર્ટલ અને સોશિયલ એમ દરેક પ્રકારના) આદેશ આપવો જોઈએ કે તે કોઈ પણ માહિતી પ્રસારિત/પ્રકાશિત કરતાં પહેલાં સરકાર પાસે તેની સત્યતાની ચકાસણી કરી લે.'
આ પહેલાં કેન્દ્ર સરકારે પગપાળા પોતાને વતન જતાં ગરીબ લોકો વિશેનો સ્ટેટ્સ રિપોર્ટ અદાલતમાં રજૂ કર્યો હતો અને કહ્યું હતું મીડિયામાં જે કહેવામાં આવ્યું છે એમાં ફેક ન્યુઝ પણ હતા અને અતિશયોક્તિ પણ હતી.
એમાં કોઈ શંકા નથી કે મીડિયા આજકાલ શ્રદ્ધેય રહ્યા નથી. આ પણ એક રીતે તાનાશાહી શાસનની યોજના (ડિઝાઈન) છે. શ્રદ્ધેયતા ધરાવતી તમામ લોકશાહી સંસ્થાઓની શ્રદ્ધેયતા ખતમ કરવામાં આવે. લોકોની નજરમાંથી ઊતરી જવા જોઈએ. પત્રકારનું, જજનું, ચૂંટણી કમિશનરનું કે સી.બી.આઈ.ના ડાયરેક્ટરનું નામ સાંભળીને લોકોના મનમાં આદરનો ભાવ ન જાગવો જોઈએ. હશે કોઈ બીકાઉ સરકારી ટટ્ટુ એવો નફરતનો ભાવ જાગવો જોઈએ. જ્યારે આ સંસ્થાઓ પ્રતિષ્ઠા અને શ્રદ્ધેયતા ગુમાવી બેસશે ત્યારે આપોઆપ તેજસ્વી અને ખુદ્દાર લોકો એમાં નહીં આવે. એ પછી તો પૂછવાનું જ શું! અત્યારે આ જ બની રહ્યું છે.
પણ એનો અર્થ એવો પણ નથી કે અચાનક જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશમાં લાખો માણસો અચાનક સંકટમાં ધકેલાઈ ગયા એ વાત ખોટી છે. રોજ કમાઈને રોજ ખાનારા માણસો માટે પોતાના વતન જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સરકારે લોકડાઉન જાહેર કરતા પહેલાં આવા લોકો વિશે વિચારવું જોઈતું હતું. તેઓ પોતાને વતન પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈતી હતી અથવા તેમને પેટ ભરવા રોટલો મળે એની વ્યવસ્થા કરવી જોઈતી હતી અને એ જ તો પિટિશનમાં માગણી કરવામાં આવી છે. આશ્ચર્ય એ વાતનું છે કે મંગળવારે થયેલી સુનાવણી દરમ્યાન પિટિશનમાં જે માગણી (યાતાયાતની સુવિધા અથવા રોટલો) કરવામાં આવી છે એ વિશે નથી સરકારે કોઈ ખુલાસો કર્યો કે નથી અદાલતે કોઈ ખુલાસો માગ્યો. ઊલટું ઓનરેબલ જજે ફેક ન્યુઝ અને અતિશયોક્તિની ગંભીરતા વિશે ટાપશી પૂરીને ચિંતા વ્યક્ત કરી હતી, પણ ગરીબ લોકોની ભૂખ અને હાલાકી માટે ચિંતા વ્યક્ત કરવાની હજુ બાકી છે.
સરકાર પ્રકાશન/પ્રસારણ પહેલાની સેન્સોરશીપની માગણી કરીને પાણી પહેલા પાળ બાંધી રહી છે. જો કોરોનાનો કેર વર્તે અને દેશમાં મોટી સંખ્યામાં લોકો મરે તો તેના સાચા આંકડા છુપાવી શકાય. આ બધું જ લોકોમાં ગભરાટ ન ફેલાય એવા દેશહિતના ઉમદા હેતુ માટે કરવામાં આવશે, પણ શાસકો (અને શાસકોની આવી માગણીને ટેકો આપનારા) એ ભૂલી જાય છે કે જ્યારે લોકોનો ડર રહેતો નથી ત્યારે પ્રશાસન નિંભર થઈ જતું હોય છે. ખુલ્લા સમાજમાં પાંચ માણસ મરે તો શાસકોને ડર લાગે કે શું ખુલાસો આપીશું. અહીં તો પચાસ શું પાંચસો મરે તો પણ ક્યાં કોઈને ખબર પડવાની છે! ૧૯૭૫-૧૯૭૭ના ઈમરજન્સીનાં વર્ષોમાં આવું જ થયું હતું. ત્યારે ક્યાં કોઈને જાણ થતી હતી કે દેશમાં શું બની રહ્યું છે! આને કારણે પ્રશાસન અસંવેદનશીલ નિંભર બની ગયું હતું. હકીકતની જગ્યા અફવાઓએ લીધી હતી જેણે ઇન્દિરા ગાંધીની સરકારને ફાયદા કરતાં નુકસાન વધારે પહોંચાડ્યું હતું.
ભારતના લોકતંત્રનું ભાવિ સર્વોચ્ચ અદાલતના જજોના હાથમાં છે અને મારી ‘નો નોનસેન્સ’ કૉલમના વાચકો જાણે છે કે કઈ રીતે પાકિસ્તાનમાં સર્વોચ્ચ અદાલતે લોકતંત્રનું કાસળ કાઢવામાં શાસકોને મદદ કરી હતી! બીજા દેશોમાં પણ આમ જ બન્યું છે. હંગેરીમાં પણ!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 ઍપ્રિલ 2020