Opinion Magazine
Number of visits: 9450302
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોક-આંદોલનો વિશે થોડી છણાવટ

જયપ્રકાશ નારાયણ|Gandhiana|18 March 2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.

•••

લોકશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી

… લોકોનો કોઈ પ્રતિનિધિ અથવા લોકોના પ્રતિનિધિત્વ પર આધારિત કોઈ સરકાર પોતાના કર્તવ્યનું પાલન ન કરતી હોય, સરકાર ભ્રષ્ટાચારી, દમનકારી અને અક્ષમ બની ગઈ હોય ત્યારે જનતાએ શું કરવું? સરકારના ભ્રષ્ટ અને અંધેર કારભાર સામે પ્રજાએ શું કરવું? એ જ કે, ચૂંટણીઓ સુધી રાહ જોવાની? અને જ્યારે આ ચૂંટણીઓ જ શુદ્ધ ને મુક્ત ન રહી હોય, તેવે વખતે લોકોએ શું કરવું? આવી સરકારોને જો તમે ઉઘાડી ન પાડી શકો, એમની બરતરફી ને કાયાપલટ માટે આંદોલન ન કરી શકો, તો પ્રજાજીવન માટે પછી આરો-ઉગારો કયો રહ્યો?

ખરું જોતાં તો સભા-સરઘસ, હડતાલ, બંધ, સવિનય કાનૂનભંગ, વગેરે બધાં લોકશાહીનાં હથિયારો છે. ખપ પડ્યે એ બધાં વપરાતાં ન રહે, તો કટાઈ જાય. માટે આવે વખતે લોકો પાસે સીધાં પગલાં ભરવા માટેનો અવકાશ હોવો જ જોઈએ. વાસ્તવમાં જ્યારે બંધારણીય પદ્ધતિઓ અને સ્થાપિત લોકશાહી સંસ્થાઓ લોકોની યાતનાઓનો ઉકેલ કરવામાં અથવા લોકોની ઇચ્છાઓનો યોગ્ય જવાબ વાળવામાં નિષ્ફળ જાય, ત્યારે લોકો બીજું કરી પણ શું શકે? ત્યારે ઊલટું લોકશાહીનું એ તંદુરસ્ત અને આવકારપાત્ર લક્ષણ છે કે લોકો — લોકશાહીના સાચા માલિકો — માથું ઊંચું કરીને, ભલે બંધારણ બહારનાં પરંતુ શાંતિમય સાધનો દ્વારા સત્તાને નમાવીને પોતાના અધિકાર સિદ્ધ કરે. સંસદીય લોકશાહીમાં પણ લોકો કેવળ એના નિષ્ક્રિય વાહકો જ ન બની રહેતાં સક્રિય બનીને પોતે ચૂંટી મોકલેલ પ્રતિનિધિઓનો જવાબ માગનારા અને અંતે એમની કારવાઈઓ પર અંકુશ રાખનારા સાચા ‘ડેમોસ’ અર્થાત્ ‘લોક’ તરીકે વર્તી શકે છે. આમાં સૌથી મુખ્ય વાત એ છે કે લોકશાહીમાં જનશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી છે, રાજ્યશક્તિ જનશક્તિને આધીન છે. એટલે જરૂર ઊભી થાય ત્યારે આવી લડત ઉપાડવાનો, આંદોલન ચલાવવાનો લોકોને અબાધિત અધિકાર છે.

આંદોલન શાંતિમય જ હોઈ શકે

અલબત્ત, આવાં સીધાં પગલાંનો ઉપયોગ શાંતિમય અને વ્યવસ્થિત રીતે જ થવો જોઈએ. અવ્યવસ્થા અને હિંસાને તો લોકશાહીમાં સ્થાન ન જ હોય. આવાં લોક-આંદોલનો શાંતિમય માર્ગે જ ચાલવાં જોઈએ. શાંતિમય અને તેની સાથે હું ‘શુદ્ધ’ પણ જોડીશ. આ શાંતિમય અને શુદ્ધ સાધનોની શક્તિ અસીમ છે.

આ દેશમાં વિદ્યાર્થીઓએ તેમ જ બીજા આંદોલન કરનારાઓએ કેટલા ય પ્રસંગોએ બસોને અને જાહેર માલમિલકતને આગ ચાંપી છે, તોડફોડ કરી છે, અને જનતાને ય કેટલીક સતામણીઓ કરી છે. કોઈ પણ જવાબદાર માણસ આવાં કૃત્યોનો બચાવ કરી શકે નહીં. એટલું સાવ સ્પષ્ટ છે કે કોઈ પણ આંદોલનમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને કાયદાથી પર માની સ્વચ્છંદે વર્તી શકે નહીં. અને જ્યાં મુકરર કરેલા કાયદાનો ભંગ કરવાનો હોય, ત્યાં પણ એ કાર્ય વ્યવસ્થિત અને શાંતિમય રીતે જ પાર પાડવું રહ્યું. આંદોલનમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિ મનમાની રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે જ નહીં.

સરકાર પક્ષે હિંસા-વિવેક ને સ્વયંશિસ્ત

આની સાથોસાથ સરકારના પક્ષે પણ વિચારવાનું છે. સમાજમાં હિંસા ન થાય એમ જો સરકાર ઇચ્છતી હોય, તો કેટલીક બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડશે. સૌથી પહેલાં તો તેણે જુદી જુદી જાતની હિંસા વચ્ચેનો ભેદ પારખતાં શીખવું પડશે. એક છે, બિલકુલ વ્યવસ્થિત અને યોજનાપૂર્વકની હિંસા. દા.ત. તેનો અનુભવ બિહાર આંદોલન વખતે પટણામાં ‘સર્ચલાઇટ’ અખબારના મકાન ઉપરના હુમલામાં થયો. બીજી છે, ગુંડાઓ અને બીજાં અસામાજિક તત્ત્વો દ્વારા આચરાતી હિંસા. અને ત્રીજી છે, નાની હિંસા, જેવી કે પથ્થરમારો કરવો કે છૂટાં-છવાયાં વાહનોને બાળી મૂકવાં વગેરે. એવી હિંસા ગુસ્સામાં આવી જઈને કે અમુક વસ્તુનું સાટું વાળવા રૂપે કે માત્ર અવિચારી લડાકુ મિજાજમાં આચરી દેવામાં આવે છે. પરંતુ સરકારો આ બધી હિંસાઓ વચ્ચે આવો કોઈ વિવેક કરવા બેસતી હોય એમ નથી લાગતું. તેનું પરિણામ એ આવે છે કે ખરેખરા ગુનેગારો તો હાથમાં આવતા જ નથી, અને બીજાઓને, અરે સાવ નિર્દોષોને પણ સજા ભોગવવાનું આવે છે.

સરકારે બીજી વાત એ સમજવાની છે કે અમુક પરિસ્થિતિમાં પ્રજાના દિલમાંથી જ હિંસા જન્મતી હોય છે. પ્રજાની યાતનાઓ દિવસે દિવસે વધતી જાય, અને તેને લીધે પ્રજાનો રોષ પરાકાષ્ઠાએ પહોંચતો જાય, અને તેમાંથી ક્યારેક સ્ફોટ થઈ ઊઠે.

સરકારે એક વાત એ પણ ખ્યાલમાં રાખવી જોઈએ કે શ્રી રામુલુના આમરણ ઉપવાસને લીધે અલગ આંધ્ર રાજ્યની રચના થઈ, ત્યારથી માંડીને આજ સુધી પરંપરા એવી ચાલતી આવી છે કે પ્રજાનાં શાંતિમય ને લોકશાહી પગલાં તરફ તો સરકાર સાવ ધ્યાન જ નથી આપતી, પછી ભલે ને તે પગલાં ગમે તેટલાં શક્તિશાળી અને શુદ્ધ હોય! ક્યાં ય કોઈ એકાદા કિસ્સામાં ય સરકારોએ સહકારનો માર્ગ અખત્યાર કર્યાનું જાણ્યું નથી. મોટે ભાગે તો લોકોનાં આવેદન-પત્રોનો કોઈ જવાબ જ અપાતો નથી. કાં ટાળમટોળ કે મુખ્ય મુદ્દાને બાજુએ સેરવી દેનારા ઉડાઉ જવાબો અપાયા કર્યા છે! પરંતુ જેવી જાહેર માલમિલકતની કાંઈક ભાંગફોડ કે આગજાળ કે ખાનાખરાબી થઈ કે સરકાર તરત ધ્યાન આપે છે અને ઝટઝટ કાંઈ ને કાંઈ પગલાં ભરવા માંડે છે. ઘણા આદરપાત્ર નાગરિકોએ પણ મને કહ્યું છે કે સરકાર તો હિંસા વિના કદી સાંભળતી જ નથી. સરકારની આ રીતભાતમાં જ્યાં સુધી સુધારો નહીં થાય, ત્યાં સુધી હિંસાને રોકી શકાશે કે કેમ, તે વિશે મને શંકા છે.

વળી, સરકારે તેની પોતાની હિંસા ઉપર કાબૂ રાખતાં શીખવું પડશે. આ બાબતમાંયે અત્યાર સુધીની પરંપરા એ રહી છે કે જેવો કાંઈક પથ્થરમારો થયો અને કોઈક પોલીસ અફસરને વાગ્યું કે તરત ગોળીબાર કરવામાં આવે છે. તેને લીધે કેટલા ય લોકો ઘવાય છે અને આજુબાજુ ઊભેલાઓ પણ કેટલાક આનાથી મરે છે. આવું ઘણી વાર થાય છે. સરકારના હાથમાં સમાજે સોંપેલી દંડશક્તિનો આવો વિચારહીન ઉપયોગ બંધ થવો જોઈએ. આ સંદર્ભમાં સરહદી સંરક્ષણ દળના વડા શ્રી રુસ્તમજીએ આંતરિક કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે ઓછાં વિઘાતક સાધનોનો ઉપયોગ કરવા માટે કરેલી ભલામણો ઉપર સરકારે તત્કાળ ધ્યાન આપવું જોઈએ. એમણે કહ્યું કે આ રાઇફલો તો યુદ્ધ લડવા માટે છે. તેનો ઉપયોગ દેશના લોકો પર ન થવો જોઈએ. આંતરિક સલામતી માટે નવા પ્રકારની ગોળીઓ જોઈએ, જે માણસનો જાન ન લે, માત્ર તેને ઘાયલ કરે.

સાથોસાથ, સરકારોએ પોતાનું ઘર વ્યવસ્થિત કરવું જોઈએ. લાંચ-રુશવતિયા અને ભ્રષ્ટાચારી પ્રધાનો તેમ જ અમલદારોને કાઢી મૂકવા જોઈએ, વહીવટી તંત્રમાં સુધારો કરવો જોઈએ, કાળાં-બજારિયાઓ, નફાખોરો અને સંઘરાખોરો સામે સખત હાથે કામ લેવું જોઈએ, ભૂખે ટળવળતા ગરીબોને રાહત પહોંચાડવા તત્કાળ પગલાં ભરવાં જોઈએ, કોઈની પણ વાત શાંતિ ને સહાનુભૂતિપૂર્વક સાંભળીને તેને કાંઈક સમાધાન કરાવવા પ્રયાસ કરવો જોઈએ.

વિદ્યાર્થીઓ હિંસા તરફ વળે છે શું કામ?

આ ઉપરાંત હજી વધુ ઊંડા ઊતરવું પડશે. આપણે શોધી કાઢવાની મહત્ત્વની વાત કોઈ હોય તો એ કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બસો સળગાવી મૂકવાનાં ને એવા પ્રકારનાં કૃત્યો તરફ વળે છે શું કામ? અને એમનાં આવાં કૃત્યોને અટકાવવા માટે આપણે કર્યું શું? દેખીતી રીતે આ માટે આપણે વિદ્યાર્થીઓને સમજવાની કોશિશ કરવી જોઈએ. એમને આવા વર્તન માટે ઉશ્કેરનારું કારણ શું છે? કેટલાક વિદ્યાર્થી ‘નેતાઓ’ ગુનાખોર વૃત્તિવાળા હોવાથી વિદ્યાર્થીઆલમ સાથે કશી જ લેવાદેવા ન હોય તેવા ગુંડાને તોફાનીઓની ટોળકીઓને સાથે રાખીને આવાં કૃત્યો કરાવવામાં રસ ધરાવતા હોય, એ શક્ય છે. પરંતુ વિદ્યાર્થીઆલમમાં પ્રવર્તી રહેલ અસંતોષની સમસ્યાને ગુનાખોરીનું લેબલ ચોંટાડીને કાઢી નાખી શકાય નહીં. એનાં કારણોના મૂળમાં તો આપણી અનુચિત ને અમુક અંશે સડી ગયેલ શિક્ષણ-પદ્ધતિ છે, શિક્ષિતોની બેકારીને કારણે એમનામાં આવેલ હતાશા છે, અને સાથે સાથે સામાજિક ને આર્થિક વિકાસ માટેની તદ્દન ઊંધે જ માર્ગે જઈ રહેલી આપણી નીતિઓ છે. બધાંના મૂળમાં રહેલી આ પાયાની સમસ્યાનો ઉકેલ શોધી કાઢવા આપણે મથવાનું છે.

વિદ્યાર્થીઆલમમાં પ્રવર્તતા અસંતોષ અંગેના સંશોધન-અહેવાલો આ બધા સવાલોના જવાબ આપી શકતા નથી. પરંતુ એમાંથી જે કાંઈ જવાબો આજ લગીમાં જડ્યા છે, તેના આધારે એક નવી નીતિ એ ક્ષેત્ર પૂરતી ઘડી કાઢવી જરૂર શક્ય છે. પરંતુ એ નીતિને અમલમાં મૂકવાની હિંમત કોનામાં છે? કારણ, એ નીતિ કેવળ શિક્ષણ ક્ષેત્રને જ લાગુ પડનારી નથી હોવાની, એમાં બીજાં અનેક ક્ષેત્રો આવરી લેવાં પડે એમ હશે, જેમ કે આર્થિક ને સામાજિક વિકાસની દિશા, તેમ જ સમાજના વર્ગીય માળખાની પુનર્રચના ઇત્યાદિ. મને ભય છે કે આપણા સમાજનો મધ્યમ વર્ગ — જે આપણા બધા રાજકારણીઓ, વહીવટી અધિકારીઓ, શિક્ષકો, વેપારીઓ ને ઇતર ધંધાદારી લોકોનો બનેલો છે એ મધ્યમ વર્ગ જ — હંમેશાં કોઈ ને કોઈ બહાને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કારિક ક્ષેત્રે યા શિક્ષણતંત્રમાં ધરમૂળના ફેરફારો કરવાની આડે આવી ઊભો રહેતો હોય છે.

સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ

આંદોલનના સંદર્ભમાં એક મુદ્દો સવિનય કાનૂનભંગનો પણ વિચારવાનો છે. સામાન્ય રીતે આંદોલનોમાં સવિનય કાનૂનભંગ ઇત્યાદિ બાબતોનો સમાવેશ નથી થતો. પરંતુ અસાધારણ સંજોગોમાં કે જ્યારે સરકાર ભ્રષ્ટાચાર ઇત્યાદિ પોતાનાં અનિષ્ટોને હઠપૂર્વક વળગી રહેતી હોય તથા તાકીદની જરૂરિયાતો અંગેની પ્રજાની વાજબી ઝુંબેશોને દમનથી કચડી નાખવા માગતી હોય (દાખલા તરીકે બિહારના વિદ્યાર્થી-આંદોલનનું થયેલું તેમ), તો એવી પરિસ્થિતિમાં સવિનય કાનૂનભંગનું હથિયાર અજમાવવાની પણ ફરજ પડે છે.

વળી, એવાં ક્ષેત્રો કે જ્યાં સચોટ રીતે સવિનય કાનૂનભંગનું હથિયાર વાપરી શકાય એવું ન હોય, ત્યાં સત્યાગ્રહનો ખપ પણ પડે છે. દાખલા તરીકે સામાજિક યા આર્થિક શોષણની સામે. આમાં જો સરકાર શોષણખોરોનો પક્ષ લઈ આડી પડે, તો આવા સત્યાગ્રહો સરકાર સામેના સવિનય કાનૂનભંગનું સ્વરૂપ પણ પકડી શકે. દેશના અનેક ભાગોમાં અનેક વાર આવા સંજોગો ઊભા થતા જ રહ્યા છે.

એક સવાલ એ પણ છે કે કોઈ પણ ચૂંટાયેલી સરકાર અને વિધાનસભાને બરખાસ્ત કરાવવા માટે સવિનય કાનૂનભંગનો ઉપયોગ થઈ શકે કે કેમ? આ વિશે બંધારણના નિષ્ણાત એવા કાયદાશાસ્ત્રીઓએ બંધારણીય દૃષ્ટિએ તેના વાજબીપણાની છણાવટ કરેલી છે. વિધાનસભા-વિસર્જનની માંગ ગેરબંધારણીય નથી. તેને બંધારણ બહારની ભલે કહો, પણ તે લોકશાહી-વિરોધી તો નથી જ. અલબત્ત, એટલું નોંધાવું જોઈએ કે ચૂંટાયેલી સરકારો અને વિધાનસભાઓની બરતરફી માટે સવિનય કાનૂનભંગનો સર્વસામાન્ય રીતે ઉપયોગ થવો જોઈએ નહીં. અસામાન્ય સંજોગોમાં જ એ માર્ગનો આશરો લેવાય. અને તે પણ સંપૂર્ણ શાંતિમય રીતે જ કાનૂનભંગનો આ કાર્યક્રમ થવો જોઈએ.

આંદોલન હંમેશાં સંપૂર્ણપણે શાંતિમય જ રહેવું જોઈએ, એ વાત કદાપિ ભુલાવી ન જોઈએ. ગમે તેવા સંજોગોમાં પણ લોકો ઉશ્કેરાઈને હિંસાનો આશરો ન લે. કેમ કે એમ થશે તો તેનાથી આંદોલનને જ ધોખો પહોંચશે. સરકાર તરફથી ગમે તેટલું દમન થાય, તોયે આંદોલન દરેક સ્તરે શાંતિમય જ રહે. અશ્રુવાયુ, લાઠી, ગોળી બધાંની સામે પણ આંદોલન કરનારા હંમેશાં શાંત જ રહે. બિહાર આંદોલનનો નારો — ‘હમલા ચાહે જૈસા હોગા, હાથ હમારા નહીં ઊઠેગા, નહીં ઊઠેગા!’ — દરેકે દરેક લોક-આંદોલન માટે શાંતિના મંત્રરૂપ બની રહેવો જોઈએ.

રાજકીય પક્ષો માટેની પરહેજી

એવી જ રીતે આવાં આંદોલનોને રાજકીય પક્ષોના હાથની કઠપૂતળી પણ ન બનવા દેવાં જોઈએ. આવાં લોક-આંદોલન કોઈ પણ રાજકીય પક્ષ કે પક્ષોના નેતૃત્વમાં ચાલશે, તો ઇષ્ટ નહીં થાય. આંદોલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિઓએ પણ બિન-પક્ષીય રહેવું જોઈએ અને તે અનુસાર જ વર્તવું જોઈએ. પક્ષવાળા તેમાં ભાગ લે, તો એમની ભૂમિકા પણ પક્ષીય ન રહેવી જોઈએ. રાજકીય પક્ષોને મન જનશક્તિ કરતાં પક્ષશક્તિનું મહત્ત્વ વધારે હોય છે. રાજકીય પક્ષોની એ એક સ્વભાવગત વસ્તુ છે કે તેઓ આંદોલનનો પક્ષીય રીતે લાભ લેવા મથવાના જ. તેથી પક્ષો જો આવા લોક-આંદોલનમાં ભાગ લેવાના હોય તો એમનામાં પણ આંદોલનનાં હિત આગળ પોતાનાં પક્ષીય હિતોને ગૌણ ગણવાની વૃત્તિ જાગવી જોઈએ. અને આંદોલનમાં જે પ્રભાવક બિનપક્ષીય નેતૃત્વ ઊભું થયું હશે, પૂરતી જન-જાગૃતિ આવી હશે, જનશક્તિ પેદા થઈ હશે, તો આંદોલનના બિનપક્ષીય સ્વરૂપની માવજત કરવાનું શક્ય બનશે.

આંદોલન માટે પરિસ્થિતિ પાકવી જોઈએ

ખેર, એક વાત એ પણ સમજવાની છે કે, મોટી લોક-લડતનું વાતાવરણ પણ કાંઈ આપણી ઇચ્છા મુજબ ઊભું કરી શકાતું નથી હોતું. એમ તો કોઈ પણ લડતને માટેની પૂર્વભૂમિકા સમાં ગરીબી, બેકારી, કુશિક્ષણ ઇત્યાદિ તત્ત્વો સમાજમાં હંમેશાં પડેલાં જ હોય છે. પરંતુ તેમાંથી આવું કોઈક લોક-આંદોલન પ્રગટાવવા માટે, સમાજની સૂકાં ઈંધણ જેવી પરિસ્થિતિમાં ચેતન પ્રગટાવવા માટે, એકાદ ચિનગારીની જરૂર પડે છે.

હનુમાન વિશે કહેવાય છે કે જેટલા શાંત તેટલા જ સામર્થ્યવાન હતા. જનતા પણ હનુમાન જેવી છે. એનામાં અસીમ શક્તિ ભરી પડી છે. સવાલ કેવળ એ શક્તિને ઢંઢોળવાનો, એને સંગઠિત કરવાનો અને એને ચાલવા દેવાનો છે. અને ઇતિહાસમાં એવા ઘણા દાખલાઓ પડ્યા છે કે સમાજ સાવ સૂતો મર્યા જેવો પડ્યો હોય, તે અચાનક આળસ મરડીને ઊઠે અને તખતો પલટી નાખે, સરકારો બદલી નાખે, પદ્ધતિઓ ફેરવી નાખે, અને સમાજ સાવ પરિવર્તિત થઈ જાય. જનતા પોતે જ આ બધું કરે. સંજોગો જ એવા આવી મળે. પરંતુ સમજવાની વાત એ છે કે, માણસ પોતાની ઇચ્છાથી આવું લોક-આંદોલનનું વાતાવરણ ઊભું કરી શકતો નથી. તેને માટે પરિસ્થિતિ પાકવી જોઈતી હોય છે.

પરિસ્થિતિના પિંડમાંથી આંદોલનને ઘાટ આપવો પડે છે

બીજી વાત એ કે, જ્યારે પરિસ્થિતિ પરિપક્વ બને, ત્યારે પણ એવી પરિસ્થિતિના પિંડમાંથી એક ક્રાંતિકારી આંદોલનનું સ્વરૂપ પેદા કરવું, એ નેતાનું કામ છે. દાખલા તરીકે, બિહાર આંદોલનમાં જોઈએ તો, શરૂઆતમાં જે કેવળ વિદ્યાર્થી આંદોલન હતું, તેનું સમગ્ર આમજનતાના લોક-આંદોલન તરીકે સ્વરૂપાંતર કરી શકાયું હતું. બિહાર આંદોલનનું નેતૃત્વ મેં સ્વીકાર્યું ત્યારથી લોકોને મેં સ્પષ્ટ સમજાવ્યું કે, એક સરકાર જશે અને બીજી આવશે તેટલા માત્રથી ન ભ્રષ્ટાચાર નાબૂદ થશે, ન બેકારી દૂર થશે, ન શિક્ષણમાં કોઈ સમૂળું પરિવર્તન આવશે. એવી ઊથલપાથલ તો આટલાં વરસોમાં કેટલી બધી થઈ! પણ તેનાથી શો ફરક પડ્યો? માટે આ રોગોનાં મૂળમાં જવાનું છે. અહીં તો ઘાણીના બળદની જેમ આની આ વ્યવસ્થામાં ચક્કર લગાવ્યા કરવાથી જનતાને કદી રાહત થઈ શકવાની નથી. એ તો ભૂત જશે ને પલીત જાગશે! સાપનાથની જગ્યાએ નાગનાથ આવશે, એટલું જ. એટલે મેં કહ્યું કે, હવે આ આંદોલન મર્યાદિત ન રહેતાં સમગ્ર જનતાની લડત બને છે. તેનું ધ્યેય સંપૂર્ણ ક્રાંતિ હાંસલ કરવાથી લવલેશ ઓછું નહીં હોય. આ નિમિત્તે તો આપણી પાસે એક એવો સુવર્ણ અવસર આવ્યો છે કે આખાયે જન-જીવનમાં આ આંદોલનને ફેલાવીને આપણે આખા દેશનું નૈતિક વાતાવરણ ઊંચું લાવી શકીએ અને એક નૈતિક ક્રાંતિ કરીએ.

પ્રજામાં તે વખતે જબરો ઉત્સાહ હતો અને એક આશા ને અપેક્ષાનું વાતાવરણ હતું. પ્રજાના આ ઉત્સાહ અને સદ્ભાવને યોગ્ય માર્ગે વાળીને તેમાંથી કઈ રીતે સારામાં સારાં પરિણામ લાવી શકાય, તે માટેની મારી મથામણ હતી. અને આ પરિણામ એટલે પટણામાં થોડી ઊથલપાથલ કે ધારાસભાનું વિસર્જનમાત્ર જ નહીં, બલકે સમાજમાં કેટલાંક મૂળભૂત પરિવર્તન. આને માટે અમે સંગઠનનું કામ નીચેથી ઉપાડેલું. જનસંઘર્ષ સમિતિ અને છાત્ર સંઘર્ષ સમિતિઓની રચના કરી. આ સંઘર્ષ સમિતિઓને અમે એ વાત પણ ખાસ સમજાવતા કે, તમારે સંપૂર્ણ ક્રાંતિના વાહક બનવાનું છે. તમારે કેવળ સત્તાની સામે જ સંઘર્ષ નથી કરવાનો, પણ અન્યાય, વિષમતા, અનીતિ, શોષણ વગેરેની સામે પણ સંઘર્ષ કરવાનો છે. અને જ્યાં પૂરતી જનશક્તિ જાગ્રત થઈ હોય, ત્યાં જનતા સરકાર રચવાનો કાર્યક્રમ ઉપાડાતો. જનતા સરકારનો કાર્યક્રમ એ આમપ્રજાની એક અત્યંત રચનાત્મક પ્રવૃત્તિ હતી.

આમ, બિહારનું વિદ્યાર્થી આંદોલન માત્ર એક પ્રાદેશિક કે અમુક વર્ગનું જ આંદોલન ન રહેતાં તેને સમાજવ્યાપી અને દેશવ્યાપી મહત્ત્વ પ્રાપ્ત થયું હતું. કોઈક તાત્કાલિક હેતુની સિદ્ધિ માટે નહીં, પણ સમાજમાં એક સર્વાંગીણ પરિવર્તન લાવવા માટે એક લોક-આંદોલન આકાર ધારણ કરી રહ્યું હતું. હું એમ પણ કહેતો કે, અમને capture of power — સત્તા હાથમાં લેવામાં કે કબજે કરવામાં કોઈ રસ નથી, control of power — સત્તા ઉપર અંકુશ રાખવામાં જ રસ છે, and that too by the people — અને એ અંકુશ પણ લોકો મારફત રખાતો અંકુશ. રાજ્યશક્તિ ઉપર જનશક્તિનો અંકુશ હોવો જોઈએ, એવું હું પ્રતિપાદન કરતો અને સંપૂર્ણ ક્રાંતિની વાત લોકોને સમજાવતો.

આંદોલનના સંદર્ભમાં બીજો એક મુદ્દો એ છે કે, આવું લોક-આંદોલન લાગતીવળગતી સરકારોના સહકારમાંયે ચાલી શકે. લોક-આંદોલનની કલ્પનામાં સરકાર સાથેનો સંઘર્ષ અનિવાર્ય નથી. જે-તે સરકાર આંદોલન સાથે કેવો વર્તાવ કરે છે, તેના પર એ નિર્ભર છે.

લોકશક્તિ-નિર્માણમાં સત્યાગ્રહનો ઉપયોગ

ખેર, આંદોલનમાં ભળનારાઓને હું એમ પણ સમજાવતો રહેતો કે આમાં આપણે સત્યાગ્રહીની ભૂમિકામાં કામ કરવાનું છે. સત્યાગ્રહમાં એક નિહિતાર્થ છે કે સત્યાગ્રહીનું પોતાનું આંતરિક પરિવર્તન થવું જોઈએ. એનો અર્થ એ કે જેઓ બીજામાં પરિવર્તન આણવા ઇચ્છતા હોય, એમણે પહેલાં પોતાની જાતમાં પરિવર્તન સાધ્યા પછી જ કોઈ પણ પ્રકારના સત્યાગ્રહની દિશામાં પગલું ભરવું જોઈએ. પરંતુ આ સત્યાગ્રહના શસ્ત્રનો ઉપયોગ જેમ ગાંધીજીએ લોકશક્તિ પેદા કરવા માટે કરેલો, તેમ આપણે પણ આવાં આંદોલનોમાં કરવો પડશે. એમ લાગે છે કે લોકશક્તિ નિર્માણ કરવી હશે, તો લોકોને એવી પ્રતીતિ થવી જોઈશે કે જે કેટલીક સમસ્યાઓથી આજે અમે ત્રસ્ત છીએ, તેને દૂર કરવા માટે, તેનો ઉકેલ લાવવા માટે કાંઈક કામ થઈ રહ્યું છે. તો જ લોકો એને પોતાની લડત સમજે છે અને તેમાં ભળે છે. એ લોકશક્તિને પછી સંગઠિત કરવી પડે છે.

સરવાળે મૂળમાં સવાલ એ છે કે આ સમાજના આખાયે તંત્રમાં પરિવર્તન આણવું શી રીતે? જેને હું સંપૂર્ણ ક્રાંતિ કહું છું, તેમાં પદાર્પણ કરવાનો માર્ગ કયો? સંપૂર્ણ ક્રાંતિ માટેની મથામણમાં આવાં લોક-આંદોલનો કેટલો અને કેવો ભાગ ભજવી શકે? આ બધા મુદ્દાની ઝીણવટભરી છણાવટ થતી રહેવી જોઈશે.

ક્રાંતિકાર્યમાં લોક-આંદોલનનું સ્થાન

મને એમ લાગે છે કે, રાષ્ટ્રના જીવનમાં કોઈ પણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો હાંસલ કરવાં હશે, તો તે માટે વિવિધ પ્રકારનાં સાધનો વાપરવાં પડશે. દાખલા તરીકે, લોકશિક્ષણ અર્થાત્ સમજાવટ દ્વારા દબાણ આણીને, આમજનતાનાં આંદોલન દ્વારા દબાણ આણીને, જરૂર પડ્યે અસહકાર દ્વારા, નાગરિકોનાં વિરોધ-પ્રદર્શનો દ્વારા તથા સવિનય કાનૂનભંગની લડતો દ્વારા દબાણ આણીને એ કાર્ય સાધી શકાશે. પરંતુ લોક-આંદોલનના સંદર્ભમાં એક મુખ્ય મુદ્દો એ પણ છે કે આવું આંદોલન નિરંતર ચાલતું રહેવું જોઈએ. કેમ કે છેવટે તો લોકોનો પોતાનો અભિક્રમ જાગે તે સિવાય બીજી કોઈ રીતે સમાજનું નવ-ઘડતર શક્ય નહીં બને. લોકો પોતાનું જીવન અને પોતાનું ભાવિ પોતાને હાથે ઘડી શકે, લોકો જાતે પોતાનું કામ કરતા થાય. પરંતુ જોવા એમ મળે છે કે આવી લોકશક્તિ ક્યારેક લોક-આંદોલનના સ્વરૂપમાં દેખા દે છે, અને ત્યારે તે સમાજને અવશ્ય આંદોલિત કરે છે. પરંતુ તે માત્ર તત્કાળ પૂરતું જ. એટલું કરીને એ સમાપ્ત થઈ જાય છે. તેની પ્રક્રિયા નિરંતર ચાલતી નથી. હું જોવા માગું છું એક નિરંતર ક્રાંતિ. માણસમાં જે કાંઈ શ્રેષ્ઠ છે, તેમાંથી પ્રેરણા પામીને ક્રાંતિકારી પરિવર્તનો કાયમ થતાં રહે. અને આ માટે લોકશક્તિ માત્ર લોક-આંદોલનના જ સ્વરૂપમાં નહીં, પણ કોઈક ને કોઈક સંગઠનાત્મક સ્વરૂપમાંયે પ્રગટ થવી જોઈએ. ક્રાંતિકારી લોકશક્તિના નિર્માણ માટે આ જરૂરી છે.

[‘મારી વિચારયાત્રા’ માંથી સંપાદિત, અનુવાદ : કાન્તિ શાહ]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 14-19

Loading

18 March 2020 admin
← સંસ્કૃતિસંઘર્ષ : લેટ્‌સ યુનાઇટ ઍન્ડ ફાઇટ
જગતમાં અત્યારે મરી રહેલા લોકોનાં હત્યારા ઝિંગપીંગ છે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved