શું કહીશું, છોરો કે’દીનું પૈણું પૈણું કરતો’તો, એમ જ ને? કૉંગ્રેસના અગ્રણી યુવા નેતા, ટીમ રાહુલના સભ્ય તરીકે એક તબક્કે મધ્ય પ્રદેશના વરાયેલા મુખ્યમંત્રી લેખે પોતાની અને બીજા કેટલાકની નજરે જોવાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનું પક્ષ છોડવું અને ભા.જ.પ.માં પ્રવેશવું એ તો, માનો કે, એમણે કલમ ૩૭૦ની નાબૂદીને ધરાર ટેકો કીધો ત્યારથી સામી ભીંતે લખાયા બરોબર હતું. પણ જે સરળતાથી આ આખી ઘટનાને કેટલાંક વર્તુળોએ ‘ઘરવાપસી’માં ખતવી દીધી એ વાનું કેવી રીતે ઘટાવીશું એ એક સવાલ છે. ખરું જોતાં, બીજે છેડેથી જોઈએ તો છેલ્લાં અઢાર અઢાર વરસથી એમનું કૉંગ્રેસમાં હોવું પણ, એમ તો, કોઈક તબક્કે ‘ઘરવાપસી’ જ હતું ને? જનસંઘ-ભા.જ.પ.માં લાંબો સમય શીર્ષ નેતૃત્વમાં રહેલાં રાજમાતા સિંધિયા ક્યારેક કૉંગ્રેસવાસી હતાં, અને પછી જનસંઘભેગાં થયાં હતાં. પણ આજે રાજમાતા નથી અને ભા.જ.પ.માં યશોધરા તેમ જ વસુંધરા બેઉ પોતપોતાની રીતે ઓછાંવત્તાં તિલકાયત રહ્યાં છે એટલે એ ભત્રીજા જ્યોતિરાદિત્યને એક તિલકાયત પેઠે આવકારે એ સ્વાભાવિક છે.
અહીં તિલકાયત સરખો પ્રયોગ સાભિપ્રાય કર્યો છે. એમાંથી વંશાનુગત સામંતી રાજવટની બૂ આવે છે. આમ જુઓ તો, ક્યારેક ટીમ રાહુલના સન્માન્ય સહભાગી લેખે ઊંચક્યા નહીં ઊંચકાતા જ્યોતિરાદિત્યનો કૉંગ્રેસ માંહેલો દબદબો બીજા એક ‘ફર્સ્ટ ફેમિલી’ગત તિલકાયતને કારણે સ્તો હતો. પરબારું તિલકાયત હોવું અને ઊંચી પાયરીએ બેસવું (બાપની ગાદી પેઠે) એ લોકશાહી પ્રક્રિયાની અને મૂલ્યોની રીતે બેલાશક અણછાજતું છે.
જ્યોતિરાદિત્યે પક્ષ છોડતાં એકબે વિગતમુદ્દા ચોક્કસ જ સાચા કીધા છે કે ચૂંટણીઝુંબેશમાં આપેલાં વચનો – ખાસ કરીને ખેડૂતોની દેવાનાબૂદી – બાબતે સત્તારૂઢ થયા પછી મુખ્યમંત્રી કમલનાથે કરેલી જાહેરાતો ખાલી ખાલી ખખડે છે. પોતે આ મુદ્દે બેચેન છે અને પક્ષ છોડી રહ્યા છે એવી એક ખુદસચ્ચાઈની ભૂમિકા એમણે લીધી છે. પણ ચંદ્રશેખર કે કૃષ્ણકાન્ત અગર મોહન ધારિયાની જેમ કૉંગ્રેસની અંદર ‘યંગ ટર્ક’ની રીતે સક્રિય હોવાનું દૈવત આ તિલકાયત કને કદાચ નથી. સત્તા, જે જન્મગત હોવી જ જોઈએ, એના વગરના એક બેચેનબહાદુર હાલ તો જણાય છે.
એમની બેચેનીની એક સમજૂત, જોગાનુજોગ કૉંગ્રેસની હાલની અનવસ્થા (નેતૃત્વવિષયક અનિર્ણયવશ અમથા અમથા ‘ડ્રિફ્ટિંગ’ની પરિસ્થિતિ) રૂપે જરૂર આપી શકાય. પણ એનો ઉગાર એમણે પક્ષની હારણ (ડિફિટિસ્ટ) મનોદશાને પલટવા અને પડકારવાને બદલે કથિત ઘરવાપસીમાં શોધ્યો એમાંથી ઊઠતી બૂ કેવળ ને કેવળ સત્તાકાંક્ષી તકસાધુતાની છે. ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ એમનામાં વિભીષણનાં દર્શન કર્યા તે આ પક્ષની પોતીકી તરેહની રામનિષ્ઠા દર્શાવે છે. ખરું જોતાં એમણે વ્યાસ કને જઈ આવે વખતે વિકર્ણ (અને કદાચ યુયુત્સુને પણ) ખોજવા જેવું હતું અને છે.
એક વાત રાહુલ ગાંધીએ ભોગજોગે ઠીક કહી કે જ્યોતિરાદિત્યને એમના નવા મુકામમાં સુકૂન નહીં મળે. ભાઈ, સુકૂન જો દિલનો બલકે અંતરાત્માનો મામલો હોય તો એમાં જરૂર તમે કઈ વિચારધારાને વરેલા છો અને કઈ વિચારધારાને વળગવા જઈ રહેલા છો એવી કોઈ કસોટી હોય. અહીં તો જે છે તે કેરિયરની શોધ છે.
ભા.જ.પે. દેશને કૉંગ્રેસમુક્ત કરવાનો અને પોતે કૉંગ્રેસયુક્ત થવાનો જે ધોરી ઉર્ફે ભેલાણકારી રાહ લીધો છે એ અને નાનામોટા કૉંગ્રેસમેનોની આઘાપાછી બેઉ વસ્તુતઃ એક જ તરજ પરની બીના છે, અને બંને પોતપોતાને છેડેથી ઉદાત્ત રાજકારણની ભૂમિકા કઈ હદે છોડી ચૂક્યા છે એનું નિદર્શન છે. ઉચ્ચાકાંક્ષી વિચારધારાનું રાજકારણ ક્યારેક હશે તો હશે, અત્યારે તો એ બહુધા સત્તાકાંક્ષી બજારવાદની મર્યાદામાં રમે છે એમ જ કહેવું રહ્યું.
તેમ છતાં, એક વસ્તુ અવશ્ય વિચારણીય છે કે જેવો છે તેવો વિચારધારાવાદનો એક ખરોખોટો પણ ખૂંટો હાલ ભા.જ.પે. ખોડેલ છે. જવાહરલાલ નેહરુએ લોકશાહી સમાજવાદને ધોરણે સ્વતંત્રતા-અને-સમાનતા-લક્ષી એવી એક માનવીય અપીલ ક્યારેક જરૂર જગવી હતી. પ્રકારાન્તરે, બંધારણના આમુખમાં એ પડેલી છે. બધું રાજ્ય હસ્તક નહીં તો બધું બજારહસ્તક નહીં એવું જે એક લચીલું ને વહેવારુ વ્યાકરણ (મિશ્ર અર્થતંત્ર) આપણે ત્યાં કંઈક વિકસી રહ્યું હતું એમાં રાષ્ટ્રવાદ / સામ્યવાદની મૂર્છામોહિની નહીં પણ એક ભાવનામય અપીલસરની વહેવારડાહી સમજ જરૂર હતી. ભા.જ.પ.ના રાષ્ટ્રવાદે જગવેલ અફીણી ખેંચાણમાં બધો વખત હોશકોશને અવકાશ નયે હોય.
આ પ્રકારના વિચારધારાવાદ સામે ટકી જતો એક વ્યૂહ હમણાં આપણે આપ અને અરવિંદ કેજરીવાલના રાજકારણમાં જોયો છે. રાજકારણીઓના સ્પોઈલ્સ અને પેટ્રોનેજને મુકાબલે પ્રજાની સુવિધાલ્હાણ જરૂર આવકાર્ય છે. પણ આવી સુવિધાના કરવૈયા અને લાભાર્થી બેઉને બાંધતી કોઈ ભાવનાત્મક એટલી જ વૈચારિક અપીલ તો હોવી જોઈશે ને ? અન્યથા, પાટનગરી દિલ્હીના સરેરાશ મતદારને સારુ ઉપર મોદી અને નીચે કેજરીવાલ જેવા સરળમુગ્ધ અભિગમનો દબદબો કાયમ રહેશે. જેમાં નથી રીનેસાંસ, નથી રેફર્મેશન.
ચર્ચા જરી લાંબી ખેંચાઈ ગઈ – જો કે એ પ્રસ્તુત હતી અને છે – પણ પાછા સિંધિયા પ્રકરણ તરફ જઈએ તો સચીન પાઈલટની એ ટિપ્પણીમાં કંઈક દમ જરૂર છે કે આ પ્રશ્ન અમે પક્ષમાં અરસપરસ મળીને ઉકેલી શક્યા હોત એ ઇચ્છવાજોગ થાત. આ પ્રશ્ન એકબીજાને યથાસંભવ એકોમોડેટ કરવાનો છે, અને કૉંગ્રેસ જ કેમ ભા.જ.પ. ને બીજા પક્ષોમાં પણ તે જરૂરી હોય છે. પણ સત્તાકાંક્ષા ને મહત્ત્વાકાંક્ષાનું રાજકારણ ઉચ્ચાકાંક્ષાઓને ધરબીને ક્યાં સુધી ચાલી શકે ? જવાહરલાલના વારામાં પક્ષને (એના સેન્ટરિસ્ટ અને કંઈક ધર્મશાળારૂપ છતાં) બાંધતી જે એક ભાવનાત્મક અપીલ હતી એ ન હોય તો રાજકારણ ને જાહેર જીવન નકરાં અલૂણાં બની રહે છે.
પાટલીબદલુઓની નવાઈ નથી. પક્ષાન્તર થકી સત્તાંતરનો રવૈયો થોડોક ગાળો બાદ કરતાં કેવળ રાબેતો બની રહેલ છે. ઑપરેશન રંગપંચમી અગર ઑપરેશન કમલ (કે કમલનાથ?) મધ્યપ્રદેશમાં આ દિવસોમાં મત્ત મહાલવામાં છે. આવો દરેક પ્રસંગ (જે લગભગ રોજિંદા જેવો છે) હરિયાણા-કર્ણાટક રિસોર્ટકારણ કે ભોપાલમાં ફ્લોરાફ્લોરી, બધું ચાલશે પણ અત્યંત તીવ્રપણે જયપ્રકાશનાં એ આર્ત અને આર્ષ વચનો ડસ્યાં કરશે કે સાપનાથના સ્થાને નાગનાથ આવે તોપણ શું અને નાગનાથને સ્થાને સાપનાથ આવે તોપણ શું.
E-mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 03