ગયા મહિનાના (ફેબ્રુઆરી, ર૦ર૦) ‘અભિદૃષ્ટિ’ના પ્રથમ પાને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું હૃદયંગમ કાવ્ય ‘Where the mind is without fear’ મૂક્યું છે. હમણાં ભુજમાં એક હૉસ્ટેલમાં સમગ્ર નારીજાતિની જે નાલેશી કરવામાં આવી છે તેના સંદર્ભમાં આ કાવ્યની બે પંક્તિઓ નોંધીએઃ
“Where the clear stream of reason has not lost its way,
Into the dreary desert sand of dead habit.”
કવિવરના આ કાવ્યના શબ્દો, ‘clear stream, reason’ અને ‘dreary desert sand of dead habit’ ઉપર ધ્યાન આપવા જેવું છે. આઝાદી પૂર્વે રચાયેલા આ કાવ્ય ભારતના ભાવિની કલ્પના છે. આઝાદી માટે તન, મનમાં ધનથી કુરબાન થવા તત્પર એવા સૌ માટે આ એક પ્રકારનું ‘કરારનામું’ છે. કવિ જાણે કે કહે છે – આઝાદીનું સુપ્રભાત ઊગવાની સાથે પુરાતન અને જડ વિચારોમાંથી તમે મુક્ત થશો. ભયમુક્ત થશો, જ્ઞાનવાન થશો, ગૌરવપૂર્વ જીવી શકશો … અને ભુજના કન્યા છાત્રાલયમાં શું બન્યું ?
સમજણ અને વિવેકના નિર્મળ ઝરણાની અપેક્ષાએ આ દેશ ચાલતો હતો … બધું જ વિસરાઈ ગયું ! શેની આડશ નડી? પેલી અશ્મિભૂત વિચારોની અનુભૂતિના રેતાળ પટની જ ને !
આ સમગ્ર બનાવ માત્ર કહેવાતી શુદ્ધતા કે પવિત્રતાનો જ નથી તેથી; પણ બહુ વિશેષ તેમાં છૂપાયેલું છે.
(૧) નારીના સન્માનને મિટાવી દેવાનો પ્રયાસ છે.
(ર) છાત્રાઓનાં સાવ કુદરતી દેહચક્રોનાં હલકાં અને અપવિત્ર ગણાવી પુરુષલક્ષી અને પુરુષકેન્દ્રી સમાજની ધાક બેસાડવાનો પ્રયાસ છે.
(૩) માતાપિતા દીકરીઓને ભણાવતા બંધ થાય, એટલું જ પૂરતું નથી ગણાયું; કદાચ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રની અત્યંત હલકી મજાક પર ઉડાવાઈ છે.
(૪) આ કન્યાઓને તેમના સમગ્ર જીવનકાળ સુધી પીછો ન છોડે તેવો માનસિક આઘાત- ટ્રોમા આપવામાં આવ્યો છે.
(પ) પવિત્રતા અને શુદ્ધતાના અંચળા હેઠળ બર્બરતા આચરવામાં આવી છે.
(૬) જે વ્યક્તિઓ આવું કૃત્ય કરી શકી હોય, તેમની પાસે તલભાર પણ માણસાઈની સંવેદના નથી.
આખો મુદ્દો સમગ્ર સમાજની કથળી ગયેલી માનસિકતાનો છે. માણસાઈ અને તર્કવિવેકવાળો વિચાર કોઈ પણ માનવસમાજની પ્રગતિ માટે આધારરૂપ છે. વળી, ધર્મ પોતે કોઈ ઓઢી લેવાનો કે ફેંકી દેવાનો ધાબળો કે અંચળો નથી. શાસ્ત્રવચન પ્રમાણે ‘ધારયતે ઇતિ ધર્મમ્’ સંસારને ધારણ કરી રાખે, વિકૃત કે પાખંડી બનવા ન દે તે ધર્મ ગણાય. અલબત્ત, ધર્મમાં સમયના વહેવા સાથે વિકૃતિઓ પ્રવેશી ન જાય તેની તકેદારી રાખવી પડે.
બીજી બાજુ યુનિવર્સિટી પોતે આ ઘટનાને પૂરી ગંભીરતાથી લક્ષમાં લે (હિંદીમાં કહે છે તેમ સંજ્ઞાનમાં) તે જરૂરી છે. કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પોતે જ એક મહિલા છે અને તેમને નારીજગતના ઉપરના આવા ગંદા વ્યવહારની સંવેદનશીલતા હોય જ. હવે સવાલ એ છે કે જ્ઞાનની ઉપાસના કરાતી હોય તેવી યુનિવર્સિટી આવી હલકટ માનસિકતા સામે પોતાની જ્ઞાનશક્તિ દાખવી શકશે કે યુક્તિપૂર્વકનાં સમાધાન કરીને આ કેસની ગંભીરતાને રોળી-ટોળી નાંખશે. વાતને ભુલાવી દેવાની કે ખોરંભે પાડવાની વૃત્તિ અથવા સમાધાનની વાર્તાને રાજકીય દાવપેચના શરણે લઈ ન જવાય તે જોવાની જવાબદારી માત્ર યુનિવર્સિટીના કુલપતિની જ નથી, સેનેટ, સિન્ડિકેટ વગેરે સત્તાજૂથોની પણ આ જવાબદારી છે. અહીં એક ખાસ મુદ્દો નોંધવો ઘટે. જે ધાર્મિક સંપ્રદાય આ છાત્રાલય ચલાવે છે તેના એક સાધુ(?!)એ એક પ્રવચનમાં કહ્યું કે રજસ્વાલ સ્ત્રીના હાથનો રોટલો ખાવો તે પુરુષ નવા જન્મમાં બળદ બને છે. અને આ રસોઈ કરનાર સ્ત્રી કૂતરી બને છે. અમદાવાદના સમાચાર પત્રમાં અનેક સ્ત્રીઓએ આની સામે આક્રોશ વ્યક્ત કરતાં લખ્યું – ‘હા હું કૂતરી છું.’
છેલ્લે, સરકાર પોતે પણ આ ઘટનામાંથી પોતાના હાથ સંકોરીને બહાર નીકળી ન જાય તો સારું. રાજ્યનું કામ જો ‘વિકાસ’ અને ‘સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ’નું હોય, તો રાજ્યની કામગીરીની દિશા પણ સ્પષ્ટ જ બને તેમ છે. વારંવાર ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ના નારા બોલી-બોલાવીને લોકોનાં ગળાં સૂકવી દેવાયાં છે. રાજ્ય જો ધાર્મિકતાના આવા ઉન્માદની સામે નતમસ્તક બની રહેશે, તો તેને આધુનિક રાજ્ય ગણાવાનો કોઈ જ અધિકાર રહેશે નહીં.
આશ્ચર્ય અને આઘાત પણ એ વાતે છે કે ગુજરાતનો બૃહદ્દ સમાજ આ મામલે લગભગ મૌન છે. આ મૌન પોતે જ એક અચંબાભરી ઘટના છે. ગુજરાતનો શિક્ષિત સમાજ કોઈ સામાજિક સંવેદના ધરાવે છે ખરો ? તેને આ બાબતે કાંઈ પણ કહેવાપણું લાગે છે ખરું ?
દુઃખી માનસિકતા સાથે આ લખાણ પૂરું કર્યું. ત્યાં સુરતની એક હૉસ્પિટલના આથી ય વધુ દુઃખદ સમાચાર આવ્યા. ૧૦૦ છોકરીઓને દસ-દસનાં જૂથમાં, નિર્વસ્ત્ર કરીને શારીરિક તપાસ કરાઈ. આ બર્બરતાની વાત ઓછી પડતી હોય તેવું ઉમેરણ રૂપે એમ પણ કહેવાયું કે આ તો રાબેતા મુજબનું હતું !
આ બનાવ હલકી માનસિકતાની વળી ઓર પરતો ખોલી આપે છે. નોકરીમાં માંડ માંડ ગોઠવાવા મથતા પરિવારની કન્યાઓની લાચારીનો આ નતીજો ? જો આ રાબેતા મુજબ હોય, તો વિમાસણ એ કે અત્યાર સુધી આવી બર્બરતાનો ભોગ બનતી અનેક કન્યાઓએ આ અંગે એક હરફ પણ જાહેરમાં ઉચ્ચાર્યા કેમ નહીં ? સજ્જનતા અને સાલુકાઈભર્યો આપસી વ્યવહાર પણ માત્ર પૈસાદારો માટે જ છે? એક દવાખાનું આવો નિર્લજ્જ વ્યવહાર વર્ષોથી આચરતું હોય, ત્યારે તંત્રને કશી ખબર જ ન પડી ? ગમે તેને માત્ર સાચા-ખોટા માણસોને આતંકી ઠરાવી દેવા માટે જાસૂસી ખાતું કામ કરે તેવું તો કેમ બને ? નાનોમોટો કર ભરનારા નાગરિકોના કોઈ જ અધિકાર નથી ? સાથોસાથ જે લોકોએ આવી તપાસમાં સાથ આપ્યો તેમની સંવેદનશીલતાને શું થયું ? તે પણ કાંઈ બહુ ઊંચા ધનવાન ઘરાનાના નહીં હોય ! મતલબ કે થોડાક ગરીબોએ જ અન્યની ઇજ્જત ઉપર હાથ નાખ્યો. રાજકારણીઓ અને ધનવાનો એક છે, પણ ગરીબો એકબીજાના સન્માન તરફ બેદરકાર છે.
ખરેખર તો આ બંને ઘટનાઓમાં એક અત્યંત આછી પણ આશાસ્પદ ભેદરેખા દોરી આપી છે. બંને બાબતો અત્યાર સુધી ‘વ્યવસ્થા’ના ભાગ રૂપે હતી. પણ બંનેમાંથી આછો-પાતળો-જરાક ખમચાતો પણ તીવ્ર નારીવાદ ગુંજ્યો છે. જેમણે પણ પોતપોતાની પરેશાનીઓ છતાં આ ગંદી માનસિકતાને પિછાની અને તેની સામે અવાજ ઉઠાવ્યો, તેમને સલામ ! આ અવાજ કરસનદાસ મૂળજીનો છે. કરસનદાસ મૂળજી એક પત્રકાર હતા છે અને ૧૮પપમાં ‘સત્યપ્રકાશ’ નામનું એક ગુજરાતી સાપ્તાહિક તેમણે શરૂ કર્યું હતું. આ સાપ્તાહિકમાં ૧૮૬રમાં, તેમણે ‘હિંદુઓનો અસલ ધર્મ અને હાલનાં પાખંડ’ એ મથાળા હેઠળ એક લેખ લખી વૈષ્ણવ મહારાજાના વ્યવહારોની ટીકા કરી હતી. આ બદલ ‘મહારાજ લાયબલ કેસ’ થયો હતો. જે એ સમયની સુપ્રીમ કોર્ટ ગણાય તેવી પ્રિવી કાઉન્સિલ સુધી લડાયો હતો અને કરસનદાસનો તેમાં વિજય થયો હતો.
આ ઉલ્લેખ જરૂરી હતો, કારણ કે વૈષ્ણવ મહારાજોના પાપાચારને ૧૮૬ર પહેલાનો સમાજ ઓળખી જ શક્યો ન હતો. તે પણ એક સ્વીકૃત ધાર્મિક પરંપરા જ હતી. જેમણે પણ ભુજ અને સુરતની આવી ગંદી અને બિભત્સ પ્રણાલી સામે અવાજ ઉઠાવ્યો છે, તેમણે કરસનદાસની મશાલને જીવતી રાખી છે. તેમને ફરી એક વાર સલામ!
થોડું દુઃખ અને ગ્લાનિ એ બાબતે કે ૧૮૬રના કરસનદાસના સમયના ગુજરાતી સમાજની નારી પ્રત્યેની માનસિકતા ર૦ર૦માં પણ ખાસ બદલાઈ નથી! હા, એ સમયે શિક્ષણ માંડ દસ ટકા વર્ગ સુધી પહોંચ્યું હતું; અત્યારે લગભગ સિત્તેર ટકાએ પહોંચ્યું છે. ‘શિક્ષણની નારીજગત ઉપર’ અથવા ‘સામાજિક મૂલ્યોનાં પરિવર્તન’ ઉપર નિબંધ લખવા માંગનારાઓએ કામે લાગી જવું જોઈએ! શિક્ષણ લેવાથી નારી સશક્ત બને છે તેવો ભય પાળનારાઓએ પણ સાંપ્રત સમસ્યા વિશે વિચાર તો કરવો પડશે ને ! શિક્ષણ માત્રને કારણે કોઈનું પણ સશક્તિકરણ થઈ શકે નહીં !
[‘સંપાદક’, અભિદૃષ્ટિ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, માર્ચ 2020; પૃ. 02-04