તા. ૧૬-૨-૨૦૨૦ના ‘નિરીક્ષક’માં શ્રી ભરત મહેતાનો લેખ વાંચ્યો ત્યારે જ મને સમાચાર મળ્યા કે કવિશ્રી નર્મદના નામ સાથે જોડાયેલી સુરતની યુનિવર્સિટીના ગુજરાતીના પાઠ્યપુસ્તક લેખે ગુજરાત સાહિત્ય અકાદમીએ મને સોંપેલ કવિશ્રી કલાપીનાં કાવ્યોનું ચયનસંપાદન ‘આપની યાદી’ પાઠ્યપુસ્તકમાં હતું તે રદ્દ કરવામાં આવ્યું છે. લેખમાં જણાવ્યા પ્રમાણે ‘કારણ એ કે કલાપીમાં પ્રેમ … પ્રેમ … પ્રેમ સિવાય બીજું છે શું?’
તા. ૨૬-૧-૧૯૯૯ એ કલાપીની જન્મ શતાબ્દીનો દિવસ અને તે દિવસે ઉક્ત પુસ્તક પ્રગટ થયું છે. છ માસમાં જ બધી નકલો ખપી કે ખૂટી ગઈ તેથી જુલાઈ ૧૯૯૯માં બીજી સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. કલાપીની કવિતામાં પ્રેમ સહિત બીજુ ઘણું બધું છે તેનો નિર્દેશ મારી પ્રસ્તાવનાના આરંભે મૂકેલ કંડિકામાં સચવાયો છે.
‘મુગ્ધ સૌંદર્યમાં પૂરા, વૈરાગીની રાજવી કવિ,
અલ્પ આયુષ્યના યાત્રી દોરે કારુણ્યની છવિ’
પ્રકૃતિનો પ્રેમ, ભક્તિ-અધ્યાય, ચિંતનશીલતા, કલાનું ગૌરવ, અલગારીપણું ને એવું ઘણું બધું છે. કવિની પ્રખ્યાત કૃતિ ‘આપની યાદી’ તો ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએથી થયેલું અવતરણ છે જેનું ગૌરવ અને મહિમા કરતાં કવિશ્રી ઉમાશંકરે નોંધ્યું છે : ‘બુદ્ધિપૂર્વક ગોઠવીને પંચમહાભૂતોની (કવિએ) વાત કરી નથી. કવિના દર્શનમાં સુચારુરૂપે આવીને તે ગોઠવાઈ ગયાં છે. એનાં ચિત્રો એટલાં બધાં અકૃત્રિમ છે, દિવ્ય સ્ફૂર્તિભર્યાં છે કે ગુજરાતી ભાષાના ખજાનામાં હંમેશ ઝળહળતાં રહેશે.’
પૂર્તિરૂપે ઉમેરું તો કલાપીની અન્ય સુખ્યાત કૃતિ ‘ગ્રામ્યમાતા’- કાવ્યમાં તો કવિને એક રાજવી લેખે પ્રજા પ્રત્યેના કર્તવ્ય રૂપે જે રાજધર્મ સમજાયો તેનો બોધ પણ પડેલો છે. યુનિવર્સિટીના કર્ણધારોને ખરેખર શું નડ્યું હશે ? સાહિત્યપ્રવૃત્તિ ને રસ-રુચિના કારણે જેમની સાથે મારો સ્નેહ સંબંધ લાંબા સમયથી રહ્યો છે તેવા કવિ/કવયિત્રી શ્રી નીતિન વડગામા અને શ્રી ઉષાબહેન ઉપાધ્યાય કદાચ થોડો પ્રકાશ પાડી શકે!
ગાંધીનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 12