Opinion Magazine
Number of visits: 9446655
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — ૩૩

દીપક મહેતા|Opinion - Opinion|1 March 2020

નાનાભાઈનાં મોટાં કામ

કોશ, છાપખાનું, ખટલો, નાટક, અનુવાદ

ઈ.સ. ૧૮૫૧ના વર્ષના શિયાળાની એક સાંજ. મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી પારસી છોકરીઓ માટેની નિશાળનો ૧૯ વર્ષની ઉંમરનો એક પારસી શિક્ષક. સાંજે નોકરીએથી છૂટીને ચાલતો ઘરે જઈ રહ્યો છે. ધોબી તળાવ પાસે રસ્તાને કિનારે એક મુસલમાન ફેરિયો ચોપડીઓ વેચી રહ્યો છે. યુવાન ઊભો રહી જાય છે. વાંકો વળી એક ચોપડી ઉપાડે છે. એનું નામ છે મોલ્સવર્થ અને કેન્ડી કૃત અંગ્રેજી-મરાઠી શબ્દકોશ. યુવાન ભાવ પૂછે છે. ફેરિયો: ત્રણ રૂપિયા. યુવાન નિસાસો મૂકે છે. છોકરીઓ માટેની નિશાળમાં મહિને ૧૮ રૂપિયાનો પગાર મળતો હતો. એક ચોપડી પાછળ ત્રણ રૂપિયા ખરચવાનું પોસાય નહિ. ભારે હૈયે આગળ ચાલે છે.

નાનાભાઈ રૂસ્તમજી રાણીના

સાત-આઠ વર્ષની ઉંમરે મા-બાપ બન્ને ગુમાવેલાં. પૂનાનું બાપીકું ઘર છોડી ભાઈ-બહેન સાથે મુંબઈ આવી મોસાળમાં રહેતો હતો એ યુવાન. મામાઓની પણ ટૂંકી આવક. છતાં બધાં ભાણજાંને પાંખમાં લીધેલાં. ચોપડી માટે મામા પાસે ત્રણ રૂપિયા માગવા કઈ રીતે. ન છૂટકે જુઠ્ઠું બોલે છે: ‘નોકરીએ આવતાં-જતાં રસ્તામાં બહુ ઠંડી લાગે છે. એટલે એક જૂનો ડગલો ખરીદવો છે. તે માટે ત્રણ રૂપિયાની જરૂર છે.’ જરા કચવાતે મને, પણ મામા ત્રણ રૂપિયા આપે છે. અને બીજે દિવસે સાંજે ફેરિયા પાસેથી મોલ્સવર્થ અને કેન્ડીનો અંગ્રેજી-મરાઠી શબ્દકોશ ખરીદીને યુવાન ઘરે આવે છે. રસ ગળે ને કટકા પડે એવી કોઈ નવલકથા હાથમાં આવી હોય તેમ ફૂરસદનો બધો સમય આપી એ કોશનો શબ્દેશબ્દ વાંચી લે છે. અને મનોમન નક્કી કરે છે કે મરાઠી ભાષા માટે જે કામ બે અંગ્રેજોએ કર્યું તે મારી ગુજરાતી ભાષા માટે હું કરીશ, આવો જ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવીશ.

એ યુવાનનું નામ નાનાભાઈ રૂસ્તમજી રાણીના. નામ ભલે નાનાભાઈ, પણ ૬૮ વર્ષની જિંદગીમાં ઘણાં મોટાં કામ કરી ગયા. નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રૂસ્તમજી પૂનામાં કોમેસેરિયેટ ખાતાના કોન્ટ્રેકટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તરીખે. શરૂઆતનું શિક્ષણ પૂનામાં. ખાધેપીધે સુખી કુટુંબ, એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઈ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યા પછી થોડા વખતમાં મોટા મામા મનચેરજીનું અવસાન થયું. એટલે બધો ભાર આવ્યો નાના મામા કાવસજીને માથે.

મુંબઈમાં થોડો વખત મોહનલાલ ચીમનલાલ મહેતાની દેશી નિશાળમાં ભણ્યા. પછી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં, પછી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં. ભણવામાં તેજસ્વી હતા એટલે ‘ઇનામો’ મેળવી ઘણુંખરું ‘ફ્રી સ્કોલર’ તરીકે ભણ્યા. ત્યાં દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, કાવસજી મહેતા વગેરે એમના શિક્ષકો. દાદાભાઈએ પારસીઓમાં સમાજ સુધારો કરવા માટેની શરૂ કરેલી ચળવળમાં નાનાભાઈ જોડાયા. ૧૮૪૮ના જૂનની ૧૩મી તારીખે સ્થપાયેલી સ્ટુડન્ટસ્ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીના સભ્ય બન્યા.

૧૮૫૪મા કુંવરબાઈ સાથે લગ્ન થયા પછી ઘર ખર્ચ વધ્યો. એટલે ૧૮૫૭માં મહિને વીસ રૂપિયાના પગારે ધોબી તળાવ પરની નેટિવ જનરલ લાઈબ્રેરીમાં લાઈબ્રેરિયન તરીકે જોડાયા. ત્યાંના કામના ભાગરૂપે ‘પુસ્તક પ્રસિદ્ધ’ નામના છાપખાનાના તથા ‘સત્ય દીપક’ નામના સામયિકના માલિક નવરોજજી ફરામજીના પરિચયમાં આવ્યા. તેમણે નાનાભાઈને મહિને બે રૂપિયાના પગારે ‘સત્ય દીપક’ના પાર્ટ ટાઈમ અધિપતિ (તંત્રી) નીમ્યા. આ પ્રેસ અને પત્રના સંપર્કને પરિણામે નાનાભાઈના જીવનને નવો જ વળાંક મળ્યો. અવારનવાર છાપખાનામાં જવાનું થતાં એક છાપખાનું કાઢવાનો કીડો તેવણના મનમાં ચવડી આયો. પણ ખાલી ખિસ્સે છાપખાનું કઈ રીતે કાઢવું? પોતાના ચાર મિત્રો અરદેશર ફરામજી મૂસ, જહાંગીર વાચ્છા, કાવસજી મહેતા અને પેસ્તનજી શાપુરજી માસ્ટરને ગળે વાત ઉતારી. નવરોજજી ફરામજીને પણ સાથે લીધા. અને ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કર્યું. અલબત્ત, શરૂઆતમાં નાનાભાઈએ તેમાં પોતાની મૂડી રોકી નહોતી (હોય તો રોકે ને?) એટલે મહિને ૩૦ રૂપિયાના પગારે તેના મેનેજર બન્યા. વખત જતાં એક ભાગીદાર બન્યા, અને છેવટે તેના એકમાત્ર માલિક બન્યા. પ્રેસ શરૂ થયા પછી વર્ષો સુધી તેનું સરનામું ‘ફરામજી કાવસજીના તલાવ આગળ, નેટિવ જનરલ લાઈબ્રેરી એઠલ’ એમ છપાતું. એટલે કે જે લાઈબ્રેરીમાં નાનાભાઈ નોકરી કરતા હતા તેના જ મકાનમાં આ પ્રેસ શરૂ થયેલું. પછીથી તે હોર્નિમેન સર્કલ પાસે ખસેડાયું, જ્યાં આજે પણ તે ચાલુ છે.

નાનાભાઈ અને કવિ નર્મદ મિત્રો હતા અને નર્મદનાં કેટલાંક પુસ્તકો નાનાભાઈએ યુનિયન પ્રેસમાં છાપેલાં. નર્મદનું સામયિક ‘ડાંડિયો’ પણ ઘણા વખત સુધી ત્યાં જ છપાતું. તો બીજી બાજુ સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી પણ નાનાભાઈના મિત્ર. તેમનું સામયિક ‘સત્યપ્રકાશ’ પણ નાનાભાઈના પ્રેસમાં જ છપાતું. અને તેને લીધે નાનાભાઈએ અદાલતમાં આરોપી તરીકે હાજર થવું પડ્યું હતું. જદુનાથજી મહારાજ અંગેના કેટલાક લેખો ‘સત્યપ્રકાશ’માં છપાયા ત્યારે એ મહારાજે ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી અને મુદ્રક નાનાભાઈ રાણીના ઉપર માનહાનિનો કેસ માંડી પચાસ હજાર રૂપિયા જેટલી (જે એ વખતે ઘણી મોટી ગણાય) રકમ વળતર તરીકે માગી હતી. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ઓળખાતા આ કેસે એ વખતે દેશમાં અને દેશની બહાર પણ સારી એવી ચકચાર જગાડી હતી. જદુનાથ મહારાજે કેસમાંથી નાનાભાઈને ખસેડવા મહેનત કરી. કહેવડાવ્યું કે તમે તો પારસી છો. અમારા હિન્દુઓના ઝગડામાં નાહકના શું કામ પડો છો? મને મળીને મૌખિક માફી માગી લો તો પ્રતિવાદીઓમાંથી તમારું નામ કાઢી નાખીએ. ઉપરાંત તમને સારી એવી રકમ પણ અમે આપશું. ત્યારે નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું : તમારા ધરમ અંગે મને ઝાઝી ખબર નથી. પણ થોડા રૂપિયા ખાતર મિત્રનો દ્રોહ કરવાનું મારો ધરમ તો મને નથી શીખવતો. આ ખટલામાં છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે ઊભા રહ્યા અને છેવટે કેસ જીત્યા.   

હવે અદાલતના ગુંગળાવતા વાતાવરણથી બહાર નીકળી મુંબઈના ગ્રાન્ટ રોડ પર જરા ખુલ્લી હવામાં લટાર મારીએ. (એ વખતે એ શક્ય હતું.) ૧૮૫૩ના ઓક્ટોબર મહિનાની ૨૯મી તારીખ, વાર શનિ. મુંબઈ શહેરમાં ત્યારે નહોતી વીજળીની સગવડ કે નહોતી સ્થપાઈ યુનિવર્સિટી ઓફ બોમ્બે. બે-પાંચ અખબારોને બાદ કરતાં પ્રચાર માટેનાં ઝાઝાં સાધનો નહિ. અને છતાં એ સાંજે ગ્રાન્ટ રોડ પર લોકોની સારી એવી ભીડ જામી હતી. બધા જઈ રહ્યા હતા નાના શંકરશેઠે બંધાવેલા થિયેટર તરફ. કારણ ત્યાં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. મુંબઈમાં આવું અગાઉ ક્યારે ય બન્યું નહોતું. એ વખતે ભજવાતાં અંગ્રેજી નાટકો જોઈને દાદાભાઈ નવરોજીને વિચાર આવ્યો કે ગુજરાતીમાં પણ નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રો સાથે મળીને ‘પારસી નાટક મંડળી’ શરૂ કરી. આ મંડળીએ તે દિવસે સાંજે ‘રૂસતમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરક’નો ફારસ ભજવ્યો હતો. આ પહેલવહેલા ગુજરાતી નાટકમાં જે પારસી પુરુષોએ અભિનય કર્યો હતો તેમનાં નામ ‘બોમ્બે કુરિયર’ના ૩૧ ઓક્ટોબર, ૧૮૫૩ના અંકમાં છપાયાં હતાં. તેમાંનું એક નામ હતું નાનાભાઈ રૂસ્તમજી રાણીના.

પછી નાનાભાઈ નાટકો લખવા લાગ્યા. શેક્સપિયરના ‘ટેમિંગ ઓફ ધ શ્રૂ’ પરથી બનાવેલું ‘ફેરાવન ફરન્ગીઝ’ તેમનું પહેલું નાટક. ‘પાક દામન ગુલજાર’ નામનું તેમનું નાટક એલ્ફિન્સ્ટન નાટક મંડળીએ ૧૮૭૦-૧૮૭૧માં ભજવેલું. ૧૮૮૦માં ‘નાજાં શીરીન’, ૧૮૮૧મા ‘કાળાં મેંઢા’, ૧૮૮૭માં ‘હોમલો હાઉ’, ૧૮૯૩માં ‘વેહમાયલી નજર’ વગેરે તેમનાં લખેલાં નાટકો ભજવાયેલાં. તો હિંદુ દંતકથા પરથી લખેલું ‘સાવિત્રી’ ૧૮૮૨માં પ્રગટ થયેલું. ૧૮૬૫માં પ્રગટ થયેલ ‘શેક્સ્પીરનાટક’માં ‘કોમેડી ઓફ એરર્સ’ અને ઓથેલો’ પરથી કરેલાં રૂપાંતરો સમાવ્યાં છે.

વારુ, નાનાભાઈએ ઘણાં મોટાં કામ કર્યાં એ કબૂલ, પણ એ બધાં કરવામાં પેલી અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવવાની વાતનું શું થયું? ભૂલાઈ ગઈ? ના સાહેબ. જિંદગીનાં ઘણાં વર્ષો સુધી બીજાં બધાં કામની સાથોસાથ એ કામ તો ચાલુ જ રહ્યું હતું. એ કામ તેમના જીવનના અંત સુધી ચાલ્યું અને પછી તેમના દીકરા રૂસ્તમે એ અધૂરું રહેલું કામ પૂરું કર્યું. પણ સૌથી પહેલાં જ્યારે આવો કોશ બનાવવા અંગે મિત્ર અરદેશર ફરામજી મૂસને વાત કરી ત્યારે પહેલાં તો તેમણે એ વાત હસી કાઢી : ગુજરાતી ભાષાનો કોશ, અને તે એક પારસીને હાથે! પણ નાનાભાઈ ‘ના’ સાંભળવા માગતા નહોતા.

નાનાભાઈ રાણીનાના હસ્તાક્ષરમાં કોશનું એક પાનું 

પોતે તૈયાર કરેલા કોશનાં થોડાં પાનાં સાથે ફરી મૂસને મળ્યા. તે વખતે જહાંગીર વાચ્છા પણ ત્યાં હાજર હતા. તેમણે તથા મૂસે ફરી નાનાભાઈને સમજાવ્યા. નાનાભાઈ કહે કે પહેલાં મારું લખાણ વાંચો તો ખરા. પછી નક્કી કરજો કે આ કામ મારાથી થઈ શકે તેમ છે કે નહિ. વાચ્છા પીગળ્યા. વાંચ્યું. પ્રભાવિત થયા. મૂસને પણ કહ્યું કે આ વાતમાં માલ છે. એટલે ત્રણે પહોંચ્યા ડોસાભાઈ ફરામજી કરાકા પાસે. તેઓ પણ કામ જોઈ ખુશ થયા અને સોહરાબજી જમશેદજી જીજીભાઈને આર્થિક મદદ માટે ભલામણ કરી. પહેલાં સો પાનાં છપાવવાનો ખર્ચ આપવા સોહરાબજી તૈયાર થયા એટલે નાનાભાઈ ગયા અમેરિકન મિશન પ્રેસ પાસે. સોહરાબજીએ આપેલી પૂરેપૂરી રકમ હાથમાં મૂકીને કહ્યું કે મારો આ કોશ છાપવાનું શરૂ કરો. પ્રેસવાળા કહે કે પણ પછીનાં પાનાં છાપવાનું ખર્ચ કોણ આપશે? નાનાભાઈ કહે : પહેલો ભાગ છપાઈ જાય પછી તેની બધી જ નકલ તમારા તાબામાં રહેશે. તમે જ તે વેચશો. ખર્ચની બધી રકમ વળી જાય પછી જ બાકી વધેલી નકલ તમે મને આપજો. અને એ પ્રેસે કામ હાથમાં લીધું. રાણીનાના અંગ્રેજી-ગુજરાતી કોશનો પહેલો ભાગ એ રીતે છપાઈને ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે પ્રગટ થયો. પચીસ રૂપિયના ભાવે આખા કોશની એક હજાર નકલ ખરીદવાની દરખાસ્ત નાનાભાઈએ મુંબઈ સરકારને કરી, પણ આટલી મોટી રકમ – પચ્ચીસ હજાર રૂપિયા – ખરચવાનું સરકાર માટે શક્ય નથી એવો જવાબ કેળવણી ખાતાના વડા જેમ્સ બી. પીલે લેખિત રીતે મોકલ્યો. પુસ્તકનાં વખાણ કરતા, તેને આર્થિક કે બીજી રીતે મદદની ઓફર કરતા પત્રો તો આજે ય ઘણાં પુસ્તકોમાં છપાય છે. પણ નાનાભાઈ જેનું નામ! પીલનો પેલો પત્ર પણ તેમણે પોતાના કોશમાં છાપ્યો. અથાગ મહેનત પછી નાનાભાઈ પોતાની હયાતી દરમ્યાન કોશના બાર ભાગ પ્રસિદ્ધ કરી શક્યા. તેમના અવસાન પછી તેરમો અને છેલો ભાગ તેમના દીકરા રૂસ્તમજીએ તૈયાર કરી પ્રગટ કર્યો.

એકાદ અઠવાડિયાની ટૂંકી માંદગી પછી ઈ.સ. ૧૯૦૦ના જાન્યુઆરીની દસમી તારીખે ૬૮ વર્ષની ઉંમરે નાનાભાઈનું મુંબઈમાં અવસાન થયું. બીજે દિવસે તેમને અંજલિ આપતાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ લખ્યું હતું : ‘શ્રી નાનાભાઈ બહુમુખી વ્યક્તિત્વ અને અસાધારણ શક્તિ ધરાવનાર વ્યક્તિ હતા અને જીવનના અંત સુધી તેમણે આ બંનેને જાળવી રાખ્યાં હતાં. તેમણે એક લેખક અને પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. પણ તેમની યાદગીરી લાંબા વખત સુધી સચવાયેલી રહેશે તે તો ભગીરથ પુરુષાર્થથી તેમણે તૈયાર કરેલી ઇંગ્લિશ-ગુજરાતી ડિક્ષનરીને કારણે.’ પણ નાનાભાઈનાં મોટાં કામ અને તેમનું નામ આજે તો લગભગ ભુલાઈ ગયાં છે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 ફેબ્રુઆરી 2020

Loading

1 March 2020 admin
← ‘Bharat Mata ki Jai’ and Contemporary Nationalism in India
ચણો ચણો રે રાજા દેવાળિયા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved