Opinion Magazine
Number of visits: 9449509
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિકમીંગ : મિશેલ ઓબામા

આરાધના ભટ્ટ|Opinion - Opinion|23 February 2020

પુસ્તકની શરૂઆત સંગીતના સૂરોથી થાય છે. શિકાગોના એક શ્રમજીવી વિસ્તારમાં વસતી નાનકડી મિશેલ પિયાનો શીખે છે. પુસ્તક આગળ વાંચતા જઈએ ત્યારે વિચાર આવે છે કે પહેલા જ લેસનમાં મિશેલને મળેલા મધ્ય સપ્તકના ‘સી’ સૂરની સફેદ પટ્ટી શોધીને યાદ રાખવાના પાઠે મિશેલને જિંદગીભરનું ભાથું આપ્યું હશે. કદાચ એ પાઠ એ જ એમની નિયતિ હશે. આગળના એમના જીવનને જીવવાની ચાવી કદાચ મધ્યવર્તી ષડ્જને પકડવાની એ શીખમાં રહેલી હતી. મધ્ય – સપ્તકનો આ સૂર, મંદ્ર અને તાર સપ્તકને જોડતી કડી છે, પિયાનો પર ફરતા ડાબા- જમણા હાથ માટેનો મધ્યવર્તી પડાવ છે. આ આખીયે જીવનકથામાં મિશેલ કદાચ આ જ કરે છે – જીવનના અંતિમો વચ્ચે સંતુલન સાધવાની મથામણ.

એક તરફ પતિની રાજકીય કારકિર્દીની શરૂઆત છે, તો બીજી તરફ હાર્વર્ડ અને પ્રિન્સ્ટન જેવી યુનિવર્સિટીઓની ડિગ્રીઓ મેળવી  શિકાગોની પ્રતિષ્ઠિત પ્રેક્ટિસમાં વકીલાતની પોતાની કારકિર્દી છે. એક તરફ પોતાનું માતૃત્વ છે, તો બીજી તરફ આખા અમેરિકાના બાળકો માટેની નિસ્બત છે. એક તરફ પરિવાર માટે સમય ફાળવવાની જરૂરત વિષે સજાગતા છે, તો બીજી તરફ દેશ માટે કઈંક એવું કરવાની આકાંક્ષા છે જેનાથી પોતાના જેવા મધ્ય્મવર્ગી પરિવારોના જીવન સુધરે. એક તરફ સામાન્યતાની કામના છે, કોઈ પોતાને ન ઓળખે એવું સામાન્ય જીવન જીવવું છે અને મુક્ત આકાશમાં ઉડવું છે. પણ જીવનની વાસ્તવિકતા એ છે કે અમેરિકી પ્રમુખના પરિવારે ચારે બાજુથી અભેદ્ય સુરક્ષા કવચથી ઘેરાયેલા રહેવું પડે છે. બગીચામાં ફરવા જવું કે દુકાનમાં ખરીદી માટે જવું કે પતિ સાથે ડીનર લેવા જવું  હેલીકોપ્ટર અને મોટરગાડીઓના કાફલા વિના તેમ જ સુરક્ષાકર્મીઓ સાથે ચર્ચા વિચારણા અને લાંબા જહેમતભર્યા આયોજન વિના શક્ય નથી.  આ દ્વંદ્વોમાં એક અથવા બીજી બાબતની પસંદગી કરવાના અવસર વારંવાર આવે છે. શિકાગોની ગગનચુંબી ઇમારતના ઉપલા માળે બેસીને કોર્પોરેટ કાયદાની આંટીઘૂંટી કરવી મિશેલને ખૂબ જ જલદી નિરર્થક જણાવા લાગે છે. એમને લાગે છે કે આવા કામથી દેશના જનસામાન્યને કોઈ ફરક પડતો નથી. આમજનતા માટેની એમની નિસ્બત અને પોતાનું માતૃત્વ એ બે પરિબળો કાયદાની એમની કારકિર્દીને તિલાંજલિ આપવાના એમના નિર્ણયના મૂળમાં છે. ત્યાર પછી એ જુદીજુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈને નાના-મોટાં કાર્યો તરફ વળ્યાં. આખી ય આત્મકથા દરમ્યાન ક્યાં તો પતિની કારકિર્દી અર્થે અથવા પારાવારિક કારણોથી અનેક નાના-મોટા અંગત ત્યાગ એ ખૂબ સહજતાથી કરતાં દેખાય છે.

મિશેલની કથાના તળ સુધી જઈએ તો એમાં આપણા સૌનાં જીવનની દ્વિધાઓ, ધર્મસંકટો અને સંઘર્ષો છે. જે કુશળતાથી મિશેલ એમાંથી પોતાનો માર્ગ કાઢે છે, એમાંથી આપણે પણ બોધ મેળવી શકીએ એવી એ કથા છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી માટે કોઈ આચારસંહિતા અથવા કોઈ કર્તવ્યો નિર્ધારિત નથી. છતાં પ્રમુખપદનું એક આભૂષણ બનીને, સરસ તૈયાર થઈને સમારંભોમાં હાજરી આપવામાં એ પોતાની ભૂમિકાની સાર્થકતા જોતાં નથી. એમને સામાન્ય જન સુધી પહોંચવું છે, રંગભેદના પ્રશ્ન સાથે પોતાનું બાળપણ વીત્યું છે તેથી એ પ્રશ્ન માટે પોતે રચનાત્મક કાર્ય કરવું છે, એમની અંદર રહેલી માતા એમને બાળકો માટે કામ કરવા પ્રેરે છે. અમેરિકામાં ઘર કરીને બેઠેલો બાળકોની મેદસ્વિતાનો પ્રશ્ન એમને સ્પર્શી ગયો છે, એટલે બાળકોને આરોગ્યપ્રદ આહારની ટેવ પડે અને સાથે મોજમસ્તી મળે એ હેતુથી એ વ્હાઇટ હાઉસના એક તરફના બગીચામાં શાકભાજી ઉગાડવાની શરૂઆત કરે છે, સ્કૂલના બાળકોને એ બગીચો ઉછેરવામાં સહભાગી કરે છે. અને એમના કાર્યકાળની અવધિ પૂરી થાય છે ત્યારે એ બગીચાની ખાસ્સી પેદાશ થાય છે. ૨૦૧૨માં પ્રગટ થયેલું વ્હાઈટ હાઉસના કિચન ગાર્ડન અને અમેરિકાના બગીચાઓ વિષયક એમનું પુસ્તક ‘અમેરિકન ગ્રોવ્ન’, આ બગીચામાં મિશેલ કેટલાં ઓતપ્રોત હતાં અને એ પ્રકલ્પ એમના હૃદયની કેટલો નજીક હતો તે દર્શાવે છે.

‘બિકમિંગ’ દળદાર પુસ્તક છે પણ એનો પ્રવાહ નવલકથાની જેમ વહે છે અને વાચકને તાણે એવો એ પ્રવાહ છે. મિશેલ પોતાની કથા, આપણી બાજુમાં બેસીને કોફીની ચુસ્કી લેતાં સજહપણે કહેતાં હોય એવો ભાસ થાય છે –  સ્કૂલના દિવસો, પારિવારિક સંબંધો, શિકાગોના આફ્રિકન-અમેરિકન સમુદાયની જીવનશૈલી અને એમના સંઘર્ષો, પિતાએ મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવી ગંભીર બીમારીનો કરેલો સંપૂર્ણ સ્વીકાર અને કોઈપણ ફરિયાદ વિના કે પરિવારને એમની સ્થિતિનો અણસાર ન આવે એ રીતેનું એમનું રોજીંદુ જીવન, અમેરિકી માનવ અધિકાર ચળવળમાં અને રાજકારણમાં સક્રિય જેસિ જેક્સનની દીકરી સાથેની મૈત્રી, ટીનેજર મિશેલનું સ્કૂલના છોકરા સાથેનું પ્રથમ ચુંબન, બરાક સાથેનું પહેલું મિલન અને પછીનો રોમેન્સ, દીકરીઓ સાશા અને માલિયાના જન્મ, પ્રમુખપદ માટે ચૂંટણી લડવા સુધીની બરાકની રાજકીય કારકિર્દીના ઉતાર-ચડાવ, પહેલી પ્રમુખીય ચૂંટણીનો વિજય અને વ્હાઇટ હાઉસમાં પ્રથમ આફ્રિકી-અમેરિકી પરિવારનો પ્રવેશ, ત્યાંનું જીવન, શરૂઆતના દિવસોમાં લંડનના મહારાણી એલિઝાબેથ સાથેની મુલાકાત, નેલ્સન મેન્ડેલાના અંતિમ દિવસોમાં એમનાં દર્શન, ૨૦૧૧માં ઓસામા મરાયાના સમાચાર, બીજી વખતની પ્રમુખીય ચૂંટણીમાં પતિનો વિજય, છેલ્લે હિલરી ક્લિન્ટનનો પરાજય અને ત્યાર બાદ વ્હાઇટ હાઉસમાંથી વિદાય.

બે-ત્રણ ઘટનાઓનું વર્ણન સવિશેષ ધ્યાન દોરે એવું છે – મિશેલ અને મોટો ભાઈ ક્રેઇગ મા-બાપ સાથે કોઈક સગાં-સંબંધીને ત્યાં જાય છે. ત્યાં બાળકોની મંડળી જામે છે. લગભગ મિશેલની વયની એક અશ્વેત છોકરી તિરસ્કારથી મિશેલને પૂછે છે કે ‘તું ગોરા લોકોની જેમ કેમ બોલે છે?’ એ પ્રશ્ન પોતાની ઓળખ વિશે, શ્વેત-અશ્વેત પ્રજાઓ વિશેના બીબાંઢાળ ખ્યાલો વિશે, બંને પ્રજાઓ વચ્ચેના સદીઓ જૂના વૈમનસ્ય વિશે મિશેલના ચિત્તમાં સવાલો ઉઠાવે છે. પોતાના મા-બાપની અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિ છતાં સંતાનો સ્પષ્ટ અને સારું અંગ્રેજી બોલે એ માટે એમણે ઘરમાં વસાવેલાં પુસ્તકો, કોશો વગેરેની કદર મિશેલને એ ઘટનાએ પાછળથી કરાવી. આ આખીયે ઘટનાનું અને એણે જન્માવેલી વિચારપ્રક્રિયાનું નિરૂપણ ભારે સંવેદનશીલતા અને નજાકતથી મિશેલ કરે છે.

અમેરિકામાં સમલૈંગિક લગ્નોને કાયદાકીય મંજૂરી મળી ત્યારે વ્હાઈટ હાઉસને મેઘધનુષી રંગોની લાઈટથી શણગારાયું. એ જોવાની અને બહાર જશ્ન મનાવી રહેલા લોકો પાસે પહોંચી જવાની અદમ્ય ઈચ્છાથી પ્રેરાઈને મિશેલ, પતિ પણ ન જાણે એમ, દીકરીને લઈને, ચોરની જેમ સુરક્ષાકર્મીઓની નજર ચોરાવીને બહાર પહોંચી ગયાં. આ કૃત્યને એ પોતાની અંદર સતત ચાલતી પોતાની મુક્તિ માટેની ચળવળનો નાનકડો વિજય માને છે. ૧૪ ડિસેમ્બર ૨૦૧૨માં કનેક્ટિકટની સેન્ડી હૂક એલિમેન્ટરી સ્કૂલમાં એક બંદૂકધારીએ ૨૮ બાળકોની હત્યા કરી. ઓબામા દંપતીનું વાત્સલ્ય અને પ્રમુખીય જવાબદારીની ભાવના એમને આ સમયે હલાવી નાખે છે. સમાચાર આવ્યા ત્યારે ઓવલ ઓફિસમાં એકલા બેઠેલા પ્રમુખ પતિનું મિશેલને તેડું આવે છે. ઓવલ ઓફિસમાં બંને મૌન રહીને ભેટે છે, રડે છે.

પ્રમુખીય કાર્યકાળની શરૂઆતમાં જી-૨૦ શિખર પરિષદ માટેની લંડનયાત્રા એ ઓબામા દંપતીનો પહેલો મોટો સત્તાવાર પ્રવાસ હતો. બ્રિટનનાં મહારાણી એલિઝેબેથ સાથે બકિંગહમ પેલેસમાં મુલાકાત કર્યા પછી વિશ્વભરના રાજકીય નેતાઓના સમારંભમાં મિશેલ અને મહારાણી ફરી એકવાર મળે છે. કલાકો સુધી ઊભાં રહીને હળવા-મળવાનું ચાલે એમાં ઊંચી એડીના પગરખાંથી થતી તકલીફ દુનિયાની બે મહાસત્તાઓની મોવડી મહિલાઓ વચ્ચે સ્ત્રીસહજ સખ્યનો સેતુ રચે છે. એમને અહીં કોઈ જોતું નથી એમ સમજી, ‘પગ દુ:ખે છે, આ મિલન સમારંભ હવે ક્યારે પૂરો થશે?’ જેવા ભાવ બંને વ્યક્ત કરે છે, હસે છે, અને મિશેલ સહજભાવે મહારાણી એલિઝાબેથના ખભે ઘડીક હાથ મૂકે છે. પણ વિશ્વનાં માધ્યમોના કેમેરની આંખો આ ક્ષણને કેદ કરવા તૈયાર છે. બીજા દિવસે દુનિયાભરનાં સમાચારપત્રોમાં મહારાણીનો સ્પર્શ કરીને શિષ્ટાચારનો ભંગ કરવા બદલ મિશેલ પર ટીકાની ઝડી વરસાવતી હેડલાઈન છપાય છે. પોતે હવે સતત સ્પોટલાઈટ હેઠળ છે, અંગતતાની ક્ષણો હવે દુર્લભ છે એનો આ પહેલો પાઠ હતો, એવું મિશેલ કબૂલે છે.

આત્મકથાની પ્રસ્તાવનામાં મિશેલ કહે છે કે જ્યારે જ્યારે બાળકને ‘મોટો / મોટી થઈને તું શું બનશે?' (What will you be, when you grow up?) એવું કોઈ પૂછે છે ત્યારે એ પ્રશ્ન એમને નિરર્થક લાગ્યો છે. જીવનમાં કઈંક બનીને અટકાતું નથી. સંજોગો સતત વ્યક્તિ ઘડતા રહે છે, જેવું ફર્સ્ટ લેડી બન્યાં તેથી એમના કિસ્સામાં બન્યું. તેથી ‘બીઇંગ મિશેલ’ કરતાં એ પોતાની યાત્રાને ‘બિકમીંગ મિશેલ’ કહેવાનું પસંદ કરે છે. 2018માં પ્રગટ થયા પછી પહેલા જ અઠવાડિયામાં 'બિકમીંગ'ની 14 લાખ નકલ વેચાઈ હતી અને માર્ચ 2019 સુધીમાં એની 10 મિલિયન નકલ વેચાઈ ચૂકી છે. કહેવાય છે કે પુસ્તક પ્રસિદ્ધ થયા પછીના સમયમાં મિશેલ ઓબામાની લોકપ્રિયતા એટલી હતી કે ઓપિનિયન પોલ અનુસાર એ પ્રમુખીય ચૂંટણી જીતી શકે. વૈશ્વિક સ્તરે રાજકારણ જ્યારે સંશય, સ્વાર્થ અને ગંદકીના સંદર્ભો સાથે સંકળાયું છે, અને સામાન્ય પ્રજા રાજકારણીઓથી નિરાશ અને નિર્ભ્રાંત છે ત્યારે માનવીયતાથી ધબકતી મિશેલની આત્મકથા એક ઉજળું કિરણ બનીને આવે છે. 'બિકમીંગ' એ ફર્સ્ટ લેડીની સ્મરણકથા કરતાં વધુ એક સ્ત્રીની, એક માતાની, એક પત્નીની અને એક સહૃદય નાગરિકની કથા છે.

e.mail : aradhanabhatt@yahoo.com.au

પ્રગટ : “નવનીત સમર્પણ”, જાન્યુઆરી 2020; પૃ. 73-77

Loading

23 February 2020 admin
← ચલ મન મુંબઈ નગરી — 32
અદ્વિતીય નાટ્યકૃતિ ‘જળને પડદે’ : કવિ ‘કાન્ત’નું જીવન, લેખક સતીશ વ્યાસની કલમ, નટ કમલ જોશીનો પરિશ્રમ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved