Opinion Magazine
Number of visits: 9450462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રમુખ ટ્રમ્પ પરનો મહાભિયોગ અને પ્રમુખપદની ચૂંટણી

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|16 February 2020

કેમ જાણે ‘હાઉડી મોદી’ સબબ વાટકી વહેવાર હોય તેમ અમદાવાદને ધરાર તડેપેંગડે કરાઈ રહ્યું છે ત્યારે જરી અમેરિકી પૃષ્ઠભૂ પર એક લટાર મારી લઈએ. એકવીસ વર્ષ પહેલાં બિલ ક્લિન્ટન પરનો મહાભિયોગ પૂરો થયો ત્યારે તેમણે અમેરિકી પ્રજાજોગ બોલતા કહ્યું કે, ‘હવે જ્યારે સેનેટે પોતાની બંધારણીય જવાબદારી નિભાવીને મહાભિયોગની પ્રક્રિયા પૂરી કરી છે ત્યારે હું પુનઃ તમારા સૌની માફી માંગુ છું. મારા વર્તન માટે હું તમારા સૌની માફી માંગુ છું. અને મારા કારણે કૉંગ્રેસ અને અમેરિકી પ્રજાને જે સહન કરવું પડ્યું તે બદલ દિલગીર છું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે લાખો લોકોએ મને સહકાર આપ્યો અને મારા માટે પ્રાર્થના કરી તેમનો હું આભારી છું.’ અને છેલ્લે એમણે પ્રમુખપદને શોભે તેવી મહત્ત્વની વાત કરી કે, હું સર્વ અમેરિકી પ્રજાજનોને વિનંતી કરું છું કે હવે પુનઃ અહીં વોશિંગ્ટનમાં અને સમગ્ર દેશમાં આપણે પુનર્મેળ સાથે રાષ્ટ્રીય નિર્માણના કામમાં જોતરાઈ જઈએ. પ્રવચનના અંતે પત્રકારે પૂછ્યું કે શું ખરેખર તમે તમારા વિરોધીઓને માફ કરી દેશો ને સઘળું ભૂલી જશો? ક્લિન્ટને જવાબ આપ્યો, ‘જે વ્યક્તિ પોતે માફી માંગતી હોય તેણે માફી આપવા પણ તૈયાર રહેવું જોઈએ.’

યાદ કરો કે ક્લિન્ટન પર આરોપ શું હતો? આરોપ એ હતો કે જ્યારે આર્કાન્સાના ગવર્નર હતા ત્યારે જમીનનો એક ટુકડો ગેરકાયદેસર ખરીદેલો અને મહાભિયોગ દરમિયાન એક ઇન્ટર્ન સાથેના લગ્નેતર સંબંધો બહાર આવેલા. તેમાં ક્લિન્ટને પોતાના હોદ્દાનો કોઈ ગેરઉપયોગ કરેલો તેવો આક્ષેપ નહોતો. પ્રમુખ ટ્રમ્પના જ બે વકીલો તે સમયે ક્લિન્ટન પર મહાભિયોગ ચલાવતા  હતા ને તેમનો આક્ષેપ હતો કે પ્રમુખનું ચારિત્ર્ય મહાભિયોગ ચલાવવા પૂરતું કારણ છે તે માટે હોદ્દાનો દુરુપયોગ હોવો જરૂરી નથી!

પ્રમુખ ટ્રમ્પ પરના મહાભિયોગની વાત જુદી છે. સેનેટે તેમને દોષમુક્ત જાહેર કર્યા તેના બીજા દિવસે તેમણે વ્હાઇટ હાઉસમાં વિજયોત્સવ મનાવ્યો. પોતાના ગાળો સભર ભાષણમાં તેમણે ડેમોક્રેટિક પાર્ટીને, સ્પીકર નાન્સી પલોસીને અને તેમને દોષિત ગણાવનાર એક માત્ર રિપબ્લિકન સેનેટર અને પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર મિટ રોમનીને અંજલિઓ આપી. આટલું પૂરતું ના હોય તેમ બીજે દિવસે નૅશનલ પ્રેયર્સ મીટિંગમાં ફરીથી નાન્સી પલોસી અને રોમની વિશે બેફામ બોલ્યા. નૅશનલ પ્રેયર્સ મીટિંગ તો સર્વપક્ષીય અને સર્વધર્મ બેઠક હોય છે. જ્યાં સંવાદિતા ને સમભાવની વાતો થાય છે. પણ ટ્રમ્પ સાહેબને વળી સંવાદિતા ને સમભાવ કેવા?

પ્રમુખ ટ્રમ્પે સત્ય સાથે અબોલા લીધા છે અને તથ્ય સાથે તેમને હંમેશાં વાંધો હોય છે. તે દોષમુક્ત જાહેર થાય તે એટલા પૂરતું જ કે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના સંભવિતઃ ઉમેદવાર જો બાઇડનના પુત્ર પર તપાસ ચલાવવાનો આગ્રહ રાખ્યો ને તેની સાથે એક બિલિયન ડૉલરથી સહાય જોડી ને. સ્વયં રિપબ્લિકન પાર્ટીના સેનેટર્સ બોલ્યા કે આમ કરવું ખોટું છે. પરંતુ તે કૃત્ય તેમને સત્તા પરથી દૂર કરવા જેટલું ખરાબ નથી. ટ્રમ્પને આમાં પોતાનો વિજય દેખાય છે તે નવું નથી. તથ્યને મારી મચડવું તે તેમની આદત છે. રોબર્ટ મ્યુલરના અહેવાલમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ હાલ સત્તા પર બેઠેલા પ્રમુખ છે માટે તેમના પર કામ ચલાવી શકાય નહિ તેવો જસ્ટીસ ડિપાર્ટમેન્ટનો આદેશ છે. તેઓ નિર્દોષ છે તેવું ક્યાં ય નથી દેખાયું. ઊલટાનું મ્યૂલરે કૉંગ્રેસને સામે આવીને કહેલું કે તેમણે ક્યાં ય ટ્રમ્પ નિર્દોષ છે તેવું નથી કહ્યું પણ આ અહેવાલ પછી ટ્રમ્પ હંમેશાં એવું બોલતા રહ્યા છે કે મ્યૂલર અહેવાલે તેમને રશિયન હૅકિંગ મામલે નિર્દોષ જાહેર કર્યા છે. વોશિંગ્ટન પોસ્ટે નોંધ્યું છે કે ૧૦-૧૧-૧૯ સુધીના ૧૦૫૫ દિવસના સતાકાળ દરમ્યાન ટ્રમ્પ ૧૫,૪૧૩ વાર અસત્ય બોલ્યા છે.

આમ તો ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી જ એક વાત નિશ્ચિત હતી કે સેનેટની રિપબ્લિકન બહુમતી તેમને દોષમુક્ત જાહેર કરશે. ટ્રમ્પે મહાભિયોગ માટે સરકાર નીચલા ગૃહને કોઈ જાતનો સહકાર નહીં આપે તેવી જાહેરાત કરી દીધેલી. આ કૃત્ય પોતે જ મહાભિયોગનું એક કારણ હતું. હાઉસ ઑફ રેપ્રેઝેન્ટેટિવ્સના કહેવા છતાં  ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સહકાર ના આપ્યો. બીજી તરફ સેનેટના બહુમતી રિપબ્લિકન પક્ષના વડા મીચ મેકડોનલે તો હજુ નીચલા ગૃહમાં મહાભિયોગની ચર્ચા ચાલુ હતી ને સેનેટ પાસે પ્રસ્તાવ આવ્યો પણ નહોતો તે પહેલાં જ જાહેરાત કરી દીધેલી કે અમે વ્હાઈટ હાઉસ સાથે મળીને મહાભિયોગની વ્યૂહરચના ઘડી રહ્યા છીએ. આ તો એવું થયું કે ન્યાયાધીશ ગુનેગાર સાથે મળીને ખટલો કેમ ચલાવવો તેની વ્યૂહરચના ઘડે!

મહાભિયોગ પછી અપેક્ષા હતી કે ટ્રમ્પમાં શાણપણ આવશે પણ આ તો ઊંઘુ થયું છે. થોડા દિવસ પહેલાં જે લશ્કરી સૈનિકે કૉંગ્રેસને અને પોતાના ઉપરીને યુક્રેનના પ્રમુખ સાથેના ફોનની માહિતી આપી તેને વ્હાઈટ હાઉસમાંથી ‘સબોર્ડિનેશન’ના આધાર પર દૂર કરવામાં આવ્યા. આ પૂર્વે આ વિશે ટ્રમ્પને સાથ ના આપનારા બે એમ્બેસેડર્સ મરી યેવેનોવિચ અને સોનલેન્ડને વિદાય કરવામાં આવેલાં. વોટરગેટ કૌભાંડ દરમિયાન ૧૯૭૩માં નિકસને જસ્ટીસ ડિપાર્ટમેન્ટના કેટલાક ઉચ્ચાધિકારીઓને કાઢી મૂકેલા તેને ‘સેટરડે નાઈટ મેસેકર’ નામ અપાયેલું. ટ્રમ્પે જે રીતે સાચા, નિષ્ઠાવાન, પ્રમાણિક અધિકારીઓને તેઓ વફાદાર નથી તેમ કહીને કાઢ્યા તેને ઘટનાને અખબારે એ ‘ફ્રાઈડે નાઈટ મેસેકર’ ગણાવી છે.

છેલ્લાં ત્રણેક દાયકાથી અમેરિકી લોકતાંત્રિક સંસ્થાઓ પક્ષાપક્ષી અને વૈચારિક ધ્રુવીકરણને કારણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. ૨૦૧૬માં ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી તો રાજકીય ધ્રુવીકરણ ચરમસીમાએ પહોંચ્યું છે. રાજકારણમાં જે ‘ડેકોરમ’ હોય તે સાવ ચાલ્યું ગયું છે. મહાભિયોગ દરમિયાન જ પ્રમુખ ટ્રમ્પ જ્યારે વાર્ષિક યુનિયન ભાષણ આપવા કૉંગ્રેસમાં ગયા ત્યારે તેમણે અધ્યક્ષ પલોસી સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરી દીધો તો સામે અધ્યક્ષ પલોસીએ તેમનુ ભાષણની નકલ સૌની સામે ફાડી નાંખી. હવે રાજકારણમાં બાલિશતા આવી ગઈ છે.

ખેર, હવે મહાભિયોગનું પ્રકરણ હાલ પૂરતું તો પત્યું છે પણ નવ મહિનાથી ઓછા ગાળામાં આવી રહેલી ચૂંટણીમાં એ રિપબ્લિકન પાર્ટીને કે ડેમોક્રેટિક પાર્ટીને વિજય અપાવશે કે પરાજયને તે જોવાનું રહ્યું.

રિપબ્લિકન પાર્ટી માને છે કે મહાભિયોગને કારણે તેમના કાર્યકર્તાઓ ને ટેકેદારો ફરીથી સક્રિય બન્યા છે. તેની અસર જરૂર મતપેટી પર પડશે. સામે ડેમોક્રેટિક પાર્ટી માને છે કે મહાભિયોગને બહુમતીનું સમર્થન હતું, કુલ પ્રજાના ૫૨ ટકા લોકો માનતાં હતા કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ૧૭ ટકા રિપલ્બિકન મતદારો માનતા’તા કે ટ્રમ્પે કાયદાભંગ કર્યો છે.

આ વર્ષના અંતે પ્રમુખપદની સાથે સાથે નીચલા ગૃહની અને સેનેટની ૩૫ બેઠકો પર પણ ચૂંટણી થશે. સેનેટની ૩૫ બેઠકોમાંથી ૨૩ બેઠકો હાલ રિપિબ્લકન પાર્ટીની છે. જ્યાં સેનેટરની ચૂંટણીઓ છે તેવાં રાજ્યોમાં મેઈન અને કોલારાડો રાજ્યને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ટ્રમ્પને બહુમતી મળેલી. છેલ્લા ત્રણ દાયકાઓથી જોવા મળ્યું છે કે જ્યારે જ્યારે પ્રમુખપદની અને સેનેટની ચૂંટણીઓ સાથે હોય છે ત્યારે સેનેટને જે તે પ્રમુખનો લાભ મળ્યો છે; જેમ કે ઓબામાને કારણે ઘણાં ડેમોક્રેટિક સેનેટર્સ ચૂંટાયેલા, ને ટ્રમ્પને કારણે રિપબ્લિકન.

એમ, સો ટકા કહેવું બરાબર નથી કે આવતી ચૂંટણી મહાભિયોગને કારણે જિતાશે કે હરાશે. તે સિવાય પણ અન્ય પરિબળો છે. તે માટે અત્યારની બંને પક્ષોની સ્થિતિ સમજવું જરૂરી છે.

પ્રમુખપદની ચૂંટણી માટે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના નિશ્ચિત ઉમેદવાર છે. તેમની સામે હરીફો છે, પણ નગણ્ય છે. ટ્રમ્પની નાણાંકીય સ્થિતિ પણ સંગીન છે. તેમની પાસે ૨૦૦ મિલિયન ડૉલરનું ચૂંટણી ભંડોળ છે અને રિપબ્લિકન પક્ષ પાસે ૯૦૦ મિલિયન ડૉલરથી વધુ છે. રિપબ્લિકન પાર્ટીના ૯૫ ટકા ટેકેદારો તેમનાથી પ્રસન્ન છે. તેમની કન્ઝર્વેટિવ નીતિઓ, સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયોમાં કન્ઝર્વેટિવ ન્યાયાધીશોની નિમણૂકો, કરરાહત, ઓબામાએ ઘડેલા પર્યાવરણના કાયદાઓને રદ્દબાતલ કરવા, કડક ઇમિગ્રેશન નીતિ, હથિયારબંધીના કાયદામાં છૂટછાટ આ આ બધું કન્ઝર્વેટિવ મતદારો માટે પૂરતું છે. સૌથી વિશેષ તો અર્થતંત્ર સબળ છે. ડાઉ જોન્સ, નાસ્દાક અને એસ.એન્ડ પી. ૫૦૦ સહિતના સઘળા બજારાંક ઊંચા છે. બેરોજગારી કેવળ ૩.૬ ટકા છે. આને કારણે પ્રમુખ બન્યા પછી સૌ પ્રથમવાર ટ્રમ્પની લોકપ્રિયતા ૪૯ ટકા થઈ છે.

ટ્રમ્પ જાણે છે કે ફરીથી ચુંટાવા માટે અન્ય રાજ્યોમાં પોતાનું સમર્થન વધારવું પડશે. આવનારા મહિનાઓમાં તેઓ અશ્વેત મતદારોને આકર્ષવા નવી નવી યોજનાઓ જાહેર કરશે. ૨૦૧૬માં શ્વેતઘાતને કારણે સત્તા પર આવેલા પરંતુ કેવળ તેના પર નિર્ભર રહી શકાય તેમ નથી. શહેરી મતદારોમાં તેમનું સમર્થન નબળું છે. એક અહેવાલ મુજબ ટ્રમ્પ હવે સોશિયલ મીડિયા દ્વારા તેમના ટેકેદારો સાથે સંપર્કમાં રહેશે અને પ્રચાર માધ્યમો દ્વારા અશ્વેત અને શહેરી મતદારોને આકર્ષશે.

ડેમોક્રેટિક પાર્ટીનું ચિત્ર જુદું છે. આ લખું છું ત્યારે હજુ ૧૧ ઉમેદવારો પ્રમુખપદ માટે છે. રાષ્ટ્રીય સ્તરે સમર્થનની ટકાવારીમાં આગળ હોવા છતાં પૂર્વ ઉપ-પ્રમુખ જોસેફ બાઈડન આયોવા કે ન્યૂ હેમ્પશાયરની પ્રાયમરીમાં જીતી શક્યા નથી. છેલ્લાં ચાર વર્ષોમાં પક્ષમાં ઉદારવાદી અને પ્રગતિશીલ બળો વચ્ચે ઘર્ષણ વધ્યું છે. સ્વઘોષિત સમાજવાદી બર્ની સેન્ડર્સ અને એલિઝાબેથ વૉરન પ્રગતિશીલ છે; અન્ય ઉમેદવારો ઉદારવાદી છે. ન્યૂ યોર્કના પૂર્વ મેયર માઇકલ બૂમબર્ગ અને ટોમ સ્ટેયર અબજોપતિ છે, અને પોતાના ખર્ચે ચૂંટણી લડી રહ્યા છે. આ લખી રહ્યો છું ત્યારે જ સમાચાર છે કે ઇન્ડિયાના રાજ્યના સાઉથ બેન્ડના પૂર્વ મેયર, સમલૈંગિક પીટ બુડ્ડીજ્જ ઓહાયો રાજ્યમાં ડેમોક્રેટિક પ્રાયમરીમાં સૌથી વધુ મત મેળવી ગયા છે. બુટ્ઠીજ્જ કેવળ ૩૮ વર્ષના છે. પૈસા ઉઘરાવવામાં બર્ની સેન્ડર્સ આગળ છે. તેમના સમર્થકો નાની નાની રકમ આપે છે અને તેમની પાસે સબળ સંગઠન છે. સેન્ડર્સની મુશ્કેલી એ છે કે તેમના સમર્થકો ડેમોક્રેટિક પાર્ટીને નહિ પરંતુ સેન્ડર્સને વફાદાર છે. એક અભ્યાસ પ્રમાણે ૨૦૧૬ની ચૂંટણીમાં સેન્ડર્સના ૫૫,૦૦૦ સમર્થકોએ પેન્સિલવેનિયામાં અને ૪૦,૦૦૦ સમર્થકોએ મિશિગનમાં હિલેરી ક્લિન્ટનને બદલે ટ્રમ્પને મત આપેલા. જો આમ ના થયું હોત તો આ બંને રાજ્યોમાં ટ્રમ્પ જે ૩૦-૪૦ હજારની બહુમતીથી જીતી ગયેલા તે ના બન્યું હોત અને ઇતિહાસ જૂદો હોત. સેન્ડર્સની ઉંમર અને સ્વાસ્થ્ય પણ તેમની નબળી બાજુ છે. બાઇડનની પણ ઉંમર છે અને શરૂઆતમાં બોલતા બોલતા લોચા મારવાને કારણે તેમની ક્ષમતા વિશે શંકા ઉઠેલી.

હવે જોવાનું એ રહે છે કે ડેમોક્રેટિક પ્રાયમરી પછી કોણ ડેમોક્રેટિક ઉમેદવાર બને છે અને તે ટ્રમ્પ સામે ઝીંક ઝીલી શકે છે કે નહિ. મોટાભાગની જનમોજણી પ્રમાણે ટ્રમ્પનું સમર્થન નીચું છે, પણ ૨૦૧૬ની જેમ જો તે ઇલેક્ટોરલ કૉલેજના મત પૂરતા મેળવી જાય તો જીતી જાય. છેલ્લાં ત્રણ વર્ષમાં ટ્રમ્પની સ્વમુગ્ધના અને બેફામ બોલવાની રીતિઓને કારણે શહેરી મધ્યમવર્ગમાં તેમનું સમર્થન ખાસ્સુ નીચું છે. સ્ત્રીઓમાં તેમનું સમર્થન કેવળ ૪૦ ટકા છે. જોઈએ કે આવતી ચૂંટણી અમેરિકી લોકતંત્રને ફરી નોર્મલ્સી ભણી લઈ જાય છે કે નહિ!

છેલ્લે, કે મરતાં પણ સત્ય ના છોડનાર વિશ્વવિભૂતિના ધામમાં સત્ય સાથે અબોલા લેનાર આવી રહ્યા છે. જોઈએ, તેઓ યાત્રાએ નીકળ્યા છે કે મૃગયાઓ.

E-mail : rajudave@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 03 – 04

Loading

16 February 2020 admin
← હું દેશોમાં વિશ્વાસ નથી કરતો, હું રાષ્ટ્રવાદી નથી, હું રાષ્ટ્રદ્રોહી છું : રજનીશ
ટ્રમ્પ-મોદીની દોસ્તીઃ સ્વાર્થનાં સગપણમાં કરોડો ખર્ચીને કેટલું મળે છે એ જોવાનો પ્રયાસ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved