રજનીશ ચંદ્રમોહન જૈન 'ભગવાન' બનીને માણસની અધ્યાત્મિક ક્રાંતિની વાતો કરતા થયા, તે પહેલાં તેમના આચાર્ય-કાળમાં, તેઓ પ્રવચનોમાં રાજનૈતિક-સામાજિક ક્રાંતિના નારા આપતા હતા. એવા જ એક પ્રવચનમાં એમણે કહ્યું હતું, "માનવતા તેની એંસી ટકા આવડતને યુદ્ધ સંબંધી કામમાં વ્યય કરે છે. આ આવડત જો કૃષિમાં, બગીચાઓમાં કે ફેકટરીઓમાં લગાવવામાં આવે, તો આ ધરતી સ્વર્ગ થઇ જાય. ગરીબમાં ગરીબ દેશ એટમ બોમ્બ બનાવવામાં વ્યસ્ત છે. હું દેશોમાં વિશ્વાસ નથી કરતો. રાષ્ટ્રવાદને છોડવાવાળો ભારત પહેલો દેશ હોવો જોઈએ. આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર બનવા જોઈએ. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘની એસેમ્બલી બનવો જોઈએ. આપણે સ્વયંને સંયુક્ત રાષ્ટ્રને સોંપી દેવા જોઈએ. એવું કહી શકાય કે, એક રાષ્ટ્રના સંદર્ભમાં હું રાષ્ટ્રદ્રોહી છું, પણ હું માનવતા-દ્રોહી નથી. વાસ્તવમાં દેશોને પ્રેમ કરવાવાળા બધા માનવતા-દ્રોહી છે. રાષ્ટ્રભક્તિનો મતલબ જ 'માનવતા પ્રત્યે દ્રોહ' છે. રાષ્ટ્રભક્તિનો મતલબ છે, ટુકડા પાડવા. રાષ્ટ્રવાદ એક પાપ છે. આ રાષ્ટ્રવાદના કારણે વિશ્વ સમસ્યાઓમાં ઘેરાયેલું છે. હું રાષ્ટ્રવાદી નથી." (“નવનીત” – હિન્દી, કવર સ્ટોરી, ૨૦૧૬)
1908માં વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝની ટીકાનો જવાબ આપતાં રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું હતું કે, ‘દેશભક્તિ આપણો અંતિમ આધ્યાત્મિક સહારો ન બનવી જોઈએ. મારો આશ્રય માનવતા છે. હું હીરાની કિંમતે કાચ નહીં ખરીદું. હું જ્યાં સુધી જીવતો છું, ત્યાં સુધી માનવતા ઉપર દેશભક્તિની જીત નહીં થવા દઉં.’
થોડા વખત પહેલાં, હોમો સેપિયંસ પુસ્તકના લોકપ્રિય લેખક અને ઇતિહાસકાર યુવલ નોઆહ હરારી મુંબઈ આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, "રાષ્ટ્રવાદ એ વૈશ્વિકવાદ નથી, એ કબીલાઈવાદ છે. આપણે વિચાર બદલવો પડશે. વૈશ્વિક સમસ્યાઓનાં સમાધાન વૈશ્વિક હોવાં જોઈએ. માનવતાને બચાવવી હશે તો વૈશ્વિક ડહાપણને કામે લગાડવું પડશે, નહીં તો છૂટીછવાઈ બેવકૂફી ધનોતપનોત કાઢી નાખશે. માણસની બેવકૂફીની તાકાત ઓછી આંકવા જેવી નથી."
દેશનો મતલબ માત્ર ભૂગોળ, ઇતિહાસ થતો નથી. દેશનો મતલબ થાય છે એમાં રહેતા લોકો. દેશને પ્રેમ કરવો એટલે એની ભૌગોલિકતા અને એના ઇતિહાસને પ્રેમ કરવો એ ખાસ્સો સંકુચિત અભિગમ છે, અને છતાં ય એ જ સૌથી વ્યાપક છે. આ સૌથી સરળ રસ્તો પણ છે. આમાં આપણે કોઇ કર્તવ્ય પાલન કરવાનું આવતું નથી. તમે ટ્રેનમાં કે બસમાં ટિકિટ લીધા વગર પ્રવાસ કરતા હો, અને 15મી ઑગસ્ટે દેશપ્રેમનાં ગીત ગાતા હો, એવી સરળતા આ પ્રતિકાત્મક પ્રેમમાં છે. અથવા તમે તમારા પાડોશીનો એના રંગ કે ધર્મ કે જાતિને કારણે તિરસ્કાર કરતા હો, પણ દેશ પ્રેમનું ઝનૂન બતાવવામાં પાછા ન પડો એવું પણ બને.
રાષ્ટ્રભક્તિની પહેચાન શૂરવીરતા કે શહીદીમાં જ નથી, પણ પોતાના પરિવાર, પ્રદેશ અને સરકાર પ્રત્યેની પ્રામાણિક જવાબદારીમાં છે. એક વિજ્ઞાની, રમતનો ખેલાડી, શિક્ષક કે એક વેપારી એટલો જ રાષ્ટ્રભક્ત છે, જેટલો એક વફાદાર અને ઇમાનદાર સૈનિક હોય છે. એમ તો મહાત્મા ગાંધી સરહદ પર જઇને લડ્યા ન હતા, અને છતાં એમને રાષ્ટ્રભક્તોમાં ઊંચા રાષ્ટ્રભક્ત ગણવામાં આવે છે. એ રાષ્ટ્રભક્તિ એમના ડહાપણ, પ્રામાણિકતા અને જવાબદેહીમાંથી આવતી હતી. એટલા માટે જ એમને ‘અહિંસાના સૈનિક’ એવું નામ પણ મળ્યું હતું.
રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરે-બાહિરે’ કહાનીમાં નાયક નિખિલ સામાજિક સુધાર અને મહિલા સશક્તિકરણનો જબ્બર હિમાયતી છે, પણ રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે નરમ થઈ જાય છે. તેની પ્રેમિકા વિમલા, નિખિલના આ વ્યવહારથી નારાજ છે. એ ચાહે છે કે નિખિલ અંગ્રેજ વિરોધી નારા લગાવીને પોતાની દેશભક્તિનો પરિચય આપે. આ દરમિયાન વિમલાને નિખિલના દોસ્ત સંદીપ સાથે ઇશ્ક થઈ જાય છે, જે એક સુંદર વક્તા છે અને દેશભક્તિથી છલોછલ યૌદ્ધાની જેમ વ્યવહાર કરે છે.
સંદીપ આંદોલનમાં ભાગ ન લેનાર લોકોની દુકાનો પર હુમલાની તૈયારી કરે છે, અને નિખિલ એ લોકોની મદદ કરીને જાન બચાવે છે. એમાં નિખિલ વિમલાને કહે છે, ‘હું દેશની સેવા કરવા માટે હંમેશાં તૈયાર છું, પરંતુ મારી પૂજાનું હકદાર સત્ય છે, જે મારા દેશથી પણ ઉપર છે.’
દેશનો મતલબ નકશા અને પ્રતીકોને પ્રેમ કરવાનો નથી. દેશ સરહદોથી બનતો નથી. દેશની રચના અને ઓળખ લોકોના સમૂહથી બને છે.
‘એરલિફ્ટ’ ફિલ્મમાં રણજિત (અક્ષયકુમાર) લોકોની જે મદદ અને સેવા કરે છે એ દેશપ્રેમ છે. જ્યોર્જ કુટ્ટી (પ્રકાશ વેલાવાડી), જે રણજિતને પરેશાન કરતો રહે છે અને ‘અમે અને તમે’નો ભેદભાવ કરતો રહે છે, તે રાષ્ટ્રવાદથી પ્રભાવિત છે. દેશપ્રેમ એ છે, જેમાં તમને એક સુંદર દેશના નાગરિક હોવાનો આનંદ છે. દેશપ્રેમમાં તમારા દેશના લોકો પ્રત્યે પ્રેમ પહેલા નંબરે હોય છે. રાષ્ટ્રવાદમાં તમારા દેશ સિવાયના લોકો પ્રત્યે નફરત પહેલા નંબરે હોય છે.
પ્રગટ : ‘મોર્નિંગ મ્યૂસિંગ’, “મુંબઈ સમાચાર”, 09 ફેબ્રુઆરી 2016
https://www.facebook.com/permalink.php?story_fbid=2505305383130839&id=1379939932334062&__tn__=K-R