આપણી ચૂંટણી એટલે આમ તો ભોગી, યોગી, વિદેશી, દીદી, માયા, મતતા વચ્ચેની યાદવાસ્થળીનો રસાકસીનો ખેલ
બહુ જ ચવાઇ ગયેલું અને લગભગ બેસ્વાદ બની ચૂકેલું એક વાક્ય છે : ‘ચૂંટણીના પડઘમ વાગવા’ – અત્યારે એ બેસ્વાદ વાક્યનો લાહવો લેવાનો માહોલ ગણો તો એ અને કારસો ગણો તો એ રચાઇ રહ્યો છે. લોકશાહી તંત્ર હોય ત્યાં ચૂંટણી બહુ જ અગત્યની ઘટના છે – હા, એને પ્રક્રિયા નહીં પણ ઘટના જ કહેવી પડે, ખાસ કરીને જ્યારે આપણા દેશમાં ૯૦ કરોડ મતદાર હોય! આ આંકડો આખા અમેરિકાની વસ્તી કરતાં ત્રણ ગણો છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ૫૫ કરોડ લોકોએ મત આપ્યો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભાનાં ૫૪૩ સભ્યો ચૂંટવા માટે નવ અલગ અલગ દિવસે અને પાંચ અઠવાડિયાનાં ગાળામાં મતદાન યોજાયું હતું અને મતદારોએ ૪૬૪ પક્ષનાં કૂલ ૮,૨૫૦ ઉમેદવારોમાંથી પસંદગી કરીને મત આપ્યો હતો. આ વર્ષે ફરી એકવાર આ ખેલ શરૂ થવા જઇ રહ્યો છે, ત્યારે જાણે ડાયનોસોર યુગનો હોય એવો જ કોઇ મોટો હાથી ઐતિહાસિક ડગર પર ડોલતો પગ મૂકી રહ્યો હોય એવું લાગે. ભારતમાં જે સ્તરે અને જે રીતે ચૂંટણી થાય છે તે જોતાં વિશ્વનાં બીજા કોઇપણ રાષ્ટ્રની ચૂંટણી પ્રક્રિયા સાથે તેની સરખામણી કરવાનો કોઇ અર્થ નથી રહેતો, પણ ચૂંટણીનો ઇતિહાસ અને અલગ અલગ રાષ્ટ્રોમાં તેને લગતા નિયમો ચોક્કસ રસપ્રદ છે.
પૌરાણિક યુગમાં રોમનાં એથેન્સમાં, પોપ અને રોમન એમ્પરર્સની પસંદગી કરવા માટે ચૂંટણીઓ થતી પણ આધુનિક ચૂંટણીની શરૂઆત યુરોપ અને ઉત્તર અમેરિકા પ્રતિનિધિ સરકારના ઉદય સાથે ૧૭મી સદીના પ્રારંભે થઇ. વેદિક કાળમાં પણ રાજાની પસંદગીની તેના ગણ દ્વારા કરાતી હોવાનો ઉલ્લેખ છે. સંગમ કાળ, પાલા રાજાઓના સમયે, ચોલા શાસકોને વખતે પણ મત આપીને રાજાની પસંદગી કરાતી. ઉત્તર અમેરિકા અને યુરોપમાં પુરુષો જ ચૂંટણી પ્રક્રિયા પર કાબૂ રાખતા તો યુનાઇટેડ કિંગ્ડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકમાં શાસક વર્ગના પુરુષોનું કહેણ ચૂંટણીમાં ચાલતું. ૧૯૨૦ દરમિયાન મતાધિકારનાં સમીકરણો બદલાવા માંડ્યાં અને અમુક દેશોમાં સ્ત્રીઓને પણ મતાધિકાર મળ્યો. ચૂંટણી પ્રચારની રીતો બદલાતી ગઇ. અમેરિકાનાં અમુક મ્યુઝિયમમાં પૂર્વ વડાઓનાં ચૂંટણીનાં કેમ્પેઇન્સ કેવી રીતે ડિઝાઇન કરાયા હતાં તેનો ડિસ્પ્લે પણ મુકાયો છે. ૨૦૧૪ના ભારતની વાત કરીએ તો જાણે ડિજીટલ સ્પેસ ચૂંટણીના આખા ય હંગામાનો એક આગવો મંચ બની રહી.
વિશ્વના ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી જો ક્યાં ય થતી હોય અને થવાની હોય તો એ આપણે ત્યાં છે. આપણાં ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સમાં જાહેર કરેલા આંકડા અનુસાર ૧૦ લાખ પોલિંગ સ્ટેશન્સ, ૨૩.૩ લાખ બેલેટ યુનિટ્સ, ૧૬.૩ લાખ કન્ટ્રોલ યુનિટ્સ અને ૧૭.૪ લાખ વૉટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ્સ આ ચૂંટણીનો હિસ્સો છે. આપણે જઇને મત આપી શકીએ એ માટે એક લાખ પોલિંગ સ્ટાફને કામે લગાડાશે. વળી ચૂંટણીને લગતી તમામ કામગીરી માટે ૧૨૦ કરતાં વધારે ટ્રેઇન્સ, ૩,૦૦૦ કોચ, બે લાખ બસ ઉપરાંત કેટકેટલી ય કાર્સ, હોડીઓ, હાથીઓ અને ઊંટ દોડતાં કરાશે. એમાં ય પાછા કોઇ મતદારો રહી ન જાય એ માટે હજ્જારો પોલિંગ પાર્ટીઓ ૨-૩ દિવસ પગપાળા શક્ય હોય એ બધા જ ખૂણે પહોંચશે. આ એક એવો પ્રસંગ છે જેનું મેનેજમેન્ટ ૮૦૦ કરોડનાં લગ્ન કરતાં ય અઘરું છે. પરીક્ષાના સમયથી માંડીને પાકની સિઝન, મોસમનો હાલ, ધાર્મિક તહેવારો જેવું કેટકેટલું ગણતરીમાં લેવાય પછી ચૂંટણી તબક્કાવાર પ્લાન થાય છે.
આ બધાંની સાથે સાથે પક્ષો દ્વારા ખર્ચો કરાતો હોય એ તો પાછો સાવ અલગ. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અનુસાર ૨૦૧૪ની ચૂંટણીમાં તમામ પક્ષો અને ઉમેદવારોએ કરેલા ખર્ચની રકમ મળીને મળીને ઓછામાં ઓછા પાંચ બિલિયન ડૉલર્સ (૫૦૦ કરોડ) જેટલી થાય. હવે આ ચૂંટણીમાં ખેલ વધારે રસાકસી ભર્યો હોવાનો એ સ્વાભાવિક છે, એટલે આ રકમ બમણી થાય તો ય કંઇ નવાઇ નહીં. ભારતનાં રાજકીય પક્ષોને મળતાં ફંડ ફાળાની રકમમાં હંમેશાં એક ચોક્કસ પ્રકારની અપારદર્શિતા રહેલી હોય છે. ગયા વર્ષે મોદી સરકારે શરૂ કરેલા ઇલેક્ટોરલ બોન્ડ્ઝને પગલે કૉર્પોરેટ્સ કે બિઝનેસધારકો પોતાની ઓળખ છતી ન થાય એ રીતે પાર્ટીને ફંડ આપવા માગતા હોય તો એ શક્ય બન્યું છે. એક અંદાજ મુજબ ‘દાતા’ઓએ અંદાજે ૧૫ કરોડ જેટલા તો ઇલેક્ટોરલ બોન્ડ્ઝ કર્યા છે. હવે જેણે પ્રથા શરૂ કરી એ પક્ષને વધારે ફાયદો થયો હોય એ તો દેખીતી બાબત છે. જે પ્રસંગની તૈયારીઓ આટલી જંગી હોય તેમાં વ્યવસ્થાશક્તિ પણ જંગી જ જોઇએ અને માટે જ આપણે ત્યાં તબક્કાવાર ચૂંટણી થાય છે.
એક સમયે ચૂંટણીનાં દિવસો પહેલાં અને દરમિયાન ગમે ત્યાં બબાલો ખડી થતી, હિંસા થતી અને એમાં લોકો મરતાં પણ ખરાં. આ કારણે હવે દરેક પક્ષ પેરામિલીટરી ફોર્સની માંગણી કરે છે. આ સંજોગોમાં મતદાન બધે એક સાથે ન થાય એ જ સારું કારણ કે તો જ પૂરતાં પ્રમાણમાં બધે પેરામિલીટરી તૈનાત કરી શકાય અને શાંતિપૂર્ણ મતદાન પાર પાડી શકાય. જો આપણી પાસે અપૂરતો પેરામિલીટરી ફોર્સ ન હોત તો તો ચૂંટણીપંચ એક જ દિવસમાં મતદાન આટોપવાનું પસંદ કરત. વળી નક્સલવાદ વગેરેથી પ્રભાવિત વિસ્તારોમાં મતદાન પાર પાડવું કેટલું મુશ્કેલ હોઇ શકે છે, એની ઝલક માત્ર જોવા માટે અમિત માપુસકરની ‘ન્યુટન’ ફિલ્મ જોઇ લેવી. જ્યાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે સુરક્ષા સિવાય બીજું કંઇ જ અગત્યનું ન હોય તેવા વિસ્તારોમાં બધું સાંગોપાંગ પાર પડે એ માટેની વ્યવસ્થા જરા ય સહેલી નથી હોતી. મહારાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં માઓવાદી પ્રવૃત્તિઓ ચાલે છે અને ત્યાં પણ એક કરતાં વધુ તબક્કામાં જ મતદાન પાર પાડવું પડે. જમ્મુ- કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ત્યાં રાજ્યની અને કેન્દ્રની ચૂંટણીઓ એક સાથે કરવી શક્ય નથી. જે પ્રદેશોમાં વધારે કડક વ્યવસ્થાની જરૂર છે ત્યાં મતદાન શરૂઆતનાં તબક્કામાં પાર પાડવામાં આવે છે અને પછી તે રાજ્યની નજીકનાં વિસ્તારમાં જવાય છે. આમ કરવામાં લશ્કરનું સ્થળાંતર સરળ બને છે. ભારતીય ચૂંટણીનું પરિણામ જે આવે એ પણ તેનું આયોજન, તેમાં કામે લગાડાતા સરકારી શાળાનાં શિક્ષકો, લશ્કર અને પોલીસ તંત્ર બધું જ જે રીતે ખડે પગે ચૂંટણીપંચની આ ભવ્ય યોજનાને પાર પાડે છે તે કાબિલ-એ-તારીફ છે એ ખરું.
દુનિયા આખીમાં ચૂંટણીને લગતાં જાત-ભાતના નિયમો અને પરંપરાઓ છે. મોટેભાગે આખી દુનિયામાં રવિવારે મતદાન થતું હોય છે. જો કે જ્યાં અંગ્રેજી પ્રમુખ ભાષા છે એવા કેનેડામાં સોમવાર, બ્રિટિશરો માટે ગુરુવાર અને ઑસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ શનિવારે મતદાન કરવાનું પસંદ કરે છે. અમેરિકામાં મતદાન હંમેશાંથી મંગળવારે નહોતું થતું પણ આ ૧૯મી સદીથી ચાલી આવતી પ્રથા છે. ખેડૂતો મુસાફરી કરીને દૂર સુધી મત આપવા આવે પછી બુધવારે માર્કેટમાં જઇ શકે એ રીતે મંગળવારની પસંદગી કરાઇ જે હજી યથાવત્ છે. ફ્રાંસ અને સ્વિડનમાં મત આપવા માટે નોંધણી કરાવવાની માથાકૂટ નથી હોતી. ફ્રાંસમાં વ્યક્તિ ૧૮ વર્ષની થાય એટલે આપમેળે જ નોંધણી થઇ જાય છે અને સ્વિડનમાં ટેક્સ રજિસ્ટરીને આધારે મતદાન લાયક નાગરિકોની યાદી તૈયાર થાય છે. ઑસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત છે અને તેમ ન કરનારાને દંડ ફટકારાય છે, જો કે આવો નિયમ વિશ્વમાં લગભગ ૨૨ દેશોમાં છે. બ્રાઝિલમાં ૧૯૮૮ની સાલથી ૧૬ વર્ષે વ્યક્તિ મત આપી શકે છે. વળી ઑસ્ટ્રીયા, નિકુરાગુઆ, આર્જેન્ટિનામાં પણ મતદાની વય ૧૬ છે તો ૧૭ વર્ષે ઇન્ડોનેશિયા અને સુદાનમાં મતદાન કરી શકાય છે. જર્મનીના કેટલાક રાજ્યોમાં ૧૬ વર્ષની વ્યક્તિ સ્થાનિક ચૂંટણીમાં મત આપી શકે છે. ૨૦૦૫ની સાલથી ઇસ્ટોનિયામાં ઓનલાઇન મતદાની પ્રથા ચાલુ કરાઇ અને દરેક વ્યક્તિ તેના આઇ.ડી. અને પીન નંબરથી લૉગ-ઇન કરીને મત આપી શકે છે. ચિલેમાં ૬૩ વર્ષ સુધી સ્ત્રી અને પુરુષો અલગ અલગ મતદાન કરતાં અને તેમની નોંધણી પણ અલગ થતી, હવે પરિવર્તન આવ્યું છે પણ સંપૂર્ણપણે નહીં. ઉત્તર કોરિયાને લોકશાહી સાથે કંઇ લેવાદેવા નથી એમ ત્યાંની ચૂંટણીને પણ લોકશાહી સાથે જોજનો છેટું છે. ૨૦૧૫માં ત્યાં સ્થાનિક ચૂંટણીમાં ૯૯.૭ ટકા મતદાન થયું પણ મતપત્રક પર ત્યાંના શાસક પક્ષે પહેલેથી જ ઉમેદવારનાં નામ સામે પસંદગીનું નિશાન કરી દીધું હતું. નાગરિકોએ બૉક્સમાં પ્રિન્ટઆઉટ નાખવાની માત્ર ઔપચારિકતા કરવાની હતી. જે આ સાથે સહમત ન હોય તેને માટે અલગ બૉક્સ હતું ખરું પણ તેમાં પડેલા ગણ્યા ગાંઠ્યા મતને તો ગણવામાં પણ નહોતા આવ્યા.
યુનાઇટેડ કિંગ્ડમમાં રાજવી પરિવારને મતાધિકાર હોવા છતાં તેઓ ખુદને રાજકારણથી ઉપર ગણે છે અને ચૂંટણીમાં ભાગ નથી લેતા. ચૂંટણીનાં દિવસે ન્યુઝીલેન્ડમાં મીડિયા પર ધારણાઓની ચર્ચા કરવાનો પ્રતિબંધ હોય છે. ૨૦૧૨ સુધી સાઉથ કેરોલિનામાં ચૂંટણીને દિવસે દારુ ખરીદવાની બંધી હતી. અવકાશયાત્રી પોતાની સફરમાં હોય તો તે ત્યાંથી સિક્યોર બેલેટ્સ પર મતદાન કરીને તેની પી.ડી.એફ. ઇ-મેઇલમાં મોકલી શકે છે. ચૂંટણીમાં કંઇપણ થઇ શકે છે. સાઉદી અરેબિયામાં ૮૦ વર્ષમાં માત્ર સાત વાર ચૂંટણી થઇ છે. જેમ કે, ૧૯૬૭માં એક્વાડોરમાં મેયરની ચૂંટણીમાં ફૂટ પાવડરની એક બ્રાન્ડ વિજયી થઇ હતી, કારણ કે ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને કંપનીએ બ્રાન્ડિંગ કર્યું કે, ‘જો તમને સ્વસ્થતા જોઇતી હોય તો અમારા પાવડરને મત આપો’ – લોકોએ મતદાનમાં ખરેખર જ પાવડરનું નામ લખ્યું અને એક બ્રાન્ડ મેયરના પદ માટે ચૂંટાઇ ગઇ. જોઇ આપણે ત્યાં કોની ‘જાહેરાતો’ કમાલ કરે છે!
બાય ધી વેઃ
૨૯ રાજ્યો અને ૭ યુનિયન ટેરિટરીઝમાં ભારતનું મતક્ષેત્ર વિસ્તરેલું છે, જેમાં સૌથી અગત્યનું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાંથી લોક સભાની ૮૦ બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. માત્ર ઉત્તર પ્રદેશની વસ્તી જ ૨૦ કરોડ છે. જો એ જુદું રાષ્ટ્ર હોત તો પૃથ્વી પર પાંચમો સૌથી મોટો દેશ કહેવાત. આ સંજોગોમાં ‘મોટાભાઇ’ અને ‘સાહેબ’ કેવા દાવ-પેચ કરશે એ જોવું રહ્યું. જો કે સર્જીકલ સ્ટ્રાઇક અને એવું બધું સફળ રીતે પાર પાડીને ‘સાહેબે’ ગોઠવણ સરસ કરી લીધી છે. ભોગી, યોગી, વિદેશી, દીદી, માયા, મમતા વગેરે વચ્ચેની યાદવાસ્થળીનો અંત તો આવતાં આવશે, એ પણ એ પહેલાં આપણાં સેલફોન્સ અને ટીવી સેટ્સમાં ચૂંટણી જંગ છેડાયેલો રહેશે એ ચોક્કસ.
['રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 17 માર્ચ 2019]