યાદનો ખૂણો તમે લેજો ખણી,
મંત્ર પણ સ્વાહા તમે લેજો ભણી.
જીવતું કાસળ નગરમાં જોઈને,
જીવ વ્યંતરનો તમે લેજો ગણી.
આ ચહેરાને નવો ભવ આપવા,
આયનાનો શક તમે લેજો હણી.
એક બે અપવાદ હોંકારા ભણી,
વાતમાં સોંપો તમે લેજો વણી.
આ ગઝલની ભોંયમાં ઊગ્યો હતો,
એ ડમર ડૂમો તમે લેજો લણી.
તા.9.1.26
*
વૃન્દાવન બંગલોઝ, 15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()


‘હોપ ઈઝ અ ડિસીઝન’ પુસ્તક જાપાનના બૌદ્ધ ચિંતક દાઇસાકુ ઇકેડાએ પ્રસંગોપાત આપેલાં કેટલાક વ્યાખ્યાનોનો સંચય છે. તેઓ કહે છે કે આશા જ આદિ છે અને આશા જ અંત છે. એનાથી જ માણસ જાગે છે, સંકલ્પબદ્ધ થાય છે, આંતરિક શક્તિઓ પર એકાગ્ર થાય છે અને પોતાનામાં વસતા બુદ્ધ સુધી પહોંચી શકે છે. બુદ્ધ કોઈ વ્યક્તિનું નામ નથી. એ એક અવસ્થાનું નામ છે. માણસના મનમાં પશુત્વ પણ છે અને બુદ્ધત્વ પણ છે. એ બેની વચ્ચેની પણ આઠ અવસ્થાઓ છે. પોતાનામાં વસતા પશુત્વને બુદ્ધત્વ સુધી પહોંચાડવું તેને જ ઇકેડાના ગુરુ જોસાઈ તોડા ‘હ્યુમન રિવોલ્યુશન’ કહે છે અને આ હ્યુમન રિવોલ્યુશન એ જ સાકા ગોકાઈ ઇન્ટરનેશનલ નામના જાપાની બૌદ્ધ મહાયાન પંથનો મુદ્રાલેખ છે. દાઇસાકુ ઇકેડા તેના પ્રમુખ છે. 