
હેમન્તકુમાર શાહ
નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ના જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં, દિલ્હીમાં અરુણ જેટલી સ્મારક વ્યાખ્યાન આપતી વખતે, સૌ પ્રથમ વાર ગરીબોને જે સબસિડી વસ્તુ, સેવા કે રોકડ રકમ સ્વરૂપે આપવામાં આવે છે તેને માટે “રેવડી” શબ્દ વાપરીને ગરીબોને બદનામ કર્યા હતા.
પછી તો દેશના લગભગ બધા દરબારી અને મોદીભક્ત અર્થશાસ્ત્રીઓ કહેવાતી “રેવડી” પર તૂટી પડ્યા હતા અને તેઓ એમ કહેતા હતા કે આવી “રેવડી”થી સરકારના બજેટની દશા બગડે છે, બજેટમાં ખાધ ઊભી થાય છે, ગરીબોને મફતિયું ખાવાની ટેવ પડે છે, દેશનું અર્થતંત્ર ખાડે જાય છે, વગેરે. અંગ્રેજી છાપાં એમનાં આવાં મંતવ્યો ધરાવતા લાંબાલચ લેખોથી અનેક સપ્તાહો સુધી ભરાઈ ગયાં હતાં. મોદીની “રેવડી” મોંમાં લોલીપોપની જેમ ચગળાવતાં તેઓ થાકતા નહોતા.
નરેન્દ્ર મોદીએ પોતે આજે બિહારની ૭૫ લાખ મહિલાઓને ₹ ૧૦,૦૦૦ની રોકડ રેવડી આપી છે. પેલા “રેવડી”નો વિરોધ કરનારા અને મોદીની”હા”માં “હા” કહેતા દરબારી અર્થશાસ્ત્રીઓના મોંમાં અત્યારે મગ ભરેલા છે કે શું?
અને જુઓ તો ખરા. આ રકમ તેમણે બિહારની સરકારની ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ બિહારની મહિલાઓને આપ્યા! નરેન્દ્ર મોદી બિહારના મુખ્ય મંત્રી છે? ના. નીતીશ કુમાર મુખ્ય મંત્રી છે? હા. આ એમની યોજના હેઠળ મોદી પૈસા વહેંચે છે તો પણ નીતીશ કુમાર કશું બોલી શકે છે? ના. એને કહેવાય તાનાશાહી.
નરેન્દ્ર મોદી તેમની પોતાની સરકાર કે ભા.જ.પ.ની રાજ્ય સરકારો હેઠળ ગરીબોને જે સબસિડી કે રોકડ રકમ જુદી જુદી યોજનાઓ હેઠળ અપાય છે તે જુલાઈ-૨૦૨૨ પછી બંધ કરવામાં આવી? ના. તો પછી એમણે “રેવડી” શબ્દ પોતાના ભાષણમાં વાપર્યો કેમ? એટલે કે, દેશના અર્થશાસ્ત્રીઓ એ શબ્દને લઈને બોલ્યા કરે અને લખ્યા કરે માટે. ખરેખર એવું? હાસ્તો. દરબારી અને ભક્ત અર્થશાસ્ત્રીઓને મોદીનું ચપ્પણિયું ચાટવામાં અપાર આનંદ આવતો હોય છે.
અર્થશાસ્ત્રીઓને ગરીબો પ્રત્યે સ્વાભાવિક રીતે જ ધિક્કાર હોય છે. તેમને માણસની ચિંતા નથી હોતી, તેમને અર્થતંત્ર અને વિકાસની ચિંતા હોય છે. મોદી તેમના આ ધિક્કારને પોષે છે એટલે એમને મોદી બહુ પ્યારા લાગે છે.
આ તો ભલું થજો આપણા બંધારણનું કે એમાં દર પાંચ વર્ષે આવતી ચૂંટણીની જોગવાઈ છે. એવું ન હોત તો શું થાત એની કલ્પના કરવી અઘરી છે. ચૂંટણી આવે છે એટલે મોદીને ગરીબો યાદ આવે છે. બિહારની વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે જ મોદીને જી.એસ.ટી.માં ઘટાડો કરવાનું સૂઝ્યું છે. નહીં તો સૂઝત ખરું?
૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે ઉત્તર પ્રદેશમાં યોગીની સરકારે ૪૬ લાખ યુવાનોને મફતમાં ટેબ્લેટ અને સ્માર્ટ ફોન આપેલા! ગુજરાત સરકારે પણ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના ચલાવી જ છે!
આવી તો બધી બહુ “રેવડી” ભા.જ.પ.ની રાજ્ય સરકારોએ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી વેળા વહેંચી હતી. પણ ત્યારે મહાન અર્થશાસ્ત્રીઓએ “રેવડી”ની ટીકા કરવા મગનું નામ મરી પાડ્યું નહોતું!
મહાત્મા ગાંધીનું આ એક વાક્ય યાદ રાખવાની જરૂર છે : “ગરીબોની ગરીબી દૂર કરવી હોય તો એમાં અર્થશાસ્ત્ર કે અર્થશાસ્ત્રીઓ બેમાંથી એકેયની જરૂર નથી.”
તા. ૨૬-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



પણ આ સંપાદન તેમાંની કાવ્ય કૃતિઓને કારણે જેટલું મહત્ત્વનું બન્યું છે તેટલું જ મહત્ત્વનું સંપાદકની વિસ્તૃત, વિશદ, અભ્યાસપૂર્ણ, પ્રસ્તાવનાને કારણે પણ બન્યું છે. આજ સુધીમાં ગરબાનાં ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જે કાંઈ ધ્યાનપાત્ર લખાયું છે તે બધાનો સંપાદકને પરિચય છે અને એ લખાણોમાંથી ઉચિત અવતરણો પણ તેમણે આપ્યાં છે. છતાં ગરબા અંગેની વિચારણામાં તેઓ બીજા કોઈને અનુસરવા કરતાં પોતાની કેડી પાડવાનું પસંદ કરે છે. ગરબો શબ્દની વ્યુત્પત્તિ શોધવાના આપણે ત્યાં જે જે પ્રયત્નો થયા છે તે બધાની અહીં નોંધ લીધી છે, પણ અંતે ડો. હરિવલ્લભ ભાયાણીના મત સાથે સંપાદક સહમત થાય છે કે આ અંગેના આજ સુધીમાં થયેલા પ્રયત્નોમાંથી કોઈ પ્રયત્ન સ્વીકાર્ય બને તેમ નથી. તો પ્રસ્તાવના ઉપરાંત બીજો એક લેખ પણ સંપાદકે અહીં મૂક્યો છે, ‘થોડુંક અંગત-બિનંગત.’ તેમાં ગરબા સાથે નાનપણથી થયેલા ઘનિષ્ઠ પરિચયનો ખ્યાલ આપ્યો છે. આ લખાણ આત્મકથન રૂપે તો મહત્ત્વનું છે જ, પણ સાથોસાથ ગરબાની વિકાસકથાના એક નકશા તરીકે પણ મહત્ત્વનું છે, કારણ ઘણા લાંબા સમયગાળા સુધી સંપાદક ગરબાની પ્રસ્તુતિ સાથે સંકળાયેલાં રહ્યાં છે. આપણે ત્યાં મહત્ત્વની સાંસ્કૃતિક બાબતો અંગેની આવી માહિતી ભાગ્યે જ સચવાયેલી જોવા મળે છે. આ લેખમાં તેમણે વાત પોતાના અનુભવોની કરી છે, પણ પોતાના ‘હું’ને બને તેટલો દૂર રાખ્યો છે, અને ગરબાને જ આગળ કર્યો છે. સંપાદન અંગેની કેટલીક ચોખવટો પણ તેમણે આ લખાણમાં કરી લીધી છે. કલ્લોલિનીબહેનનું ગરબા સાથેનું તાદાત્મ્ય અસાધારણ. વર્ષો સુધી પ્રયત્નો કરીને તેમણે ગરબાની પરંપરાને જતનપૂર્વક જાળવી, તો સાથોસાથ તેમાં નવા પ્રયોગો પણ કર્યા. પરંપરા હોય કે પ્રયોગ, તેમને મન મહત્ત્વ હંમેશાં ગરબાનું જ રહ્યું છે. સંપાદકના શબ્દો સાથે જ આ અત્યંત ઉપયોગી પુસ્તક અંગેની વાત પૂરી કરીએ : “તમે ગઈ કાલની કે આજની નારીનું ચિત્ર જરાક કલ્પી જુઓ. ચાર દીવાલની વચ્ચે એ અનેક જવાબદારીઓથી ઘેરાયેલી હોય છે, પણ એ ઘર છોડીને સમૂહમાં ગરબો ગાવા જાય છે ત્યારે અચાનક એને ગરબાની એ ક્ષણોમાં મુક્તિનો કોઈક અનોખો પ્રદેશ મળી રહે છે. એ તન્મય થઈને ગરબે ઘૂમતી હોય છે ત્યારે એ કોઈની પત્ની કે માતા હોવા છતાંયે એ કશું જ નથી. તમામ સંબંધોથી પર, એ તો છે કેવળ સ્ત્રી – પોતાના મુક્તિધામમાં મહાલતી.”
