સ્ફૂટ આંદોલનો અને નાગરિક સમાજ સાથેના વ્યાપક સંધાનની રમઝટ, એ ચાલુ ચૂંટણી વહેવારથી ક્યાંયે અદકેરી લોકશાહી ઓળખ ને પરખ છે

પ્રકાશ ન. શાહ
હમણાં જ એક સોજ્જો અવસર સયાજીનગરી વડોદરામાં ઊજવાઈ ગયો : એમ.એસ. યુનિવર્સિટીના અધ્યાપક યુનિયનના પૂર્વ અગ્રણી અને સેનેટ-સિન્ડિકેટ પર રહેલા સક્રિય જણ, પ્રોફેસર આઈ.આઈ. પંડ્યાનાં સંસ્મરણો ‘મેજર હિન્ટ્સ’ના ગુજરાતી અનુવાદના પ્રકાશનનો એ પ્રસંગ હતો. કેવળ એની જ નહીં પણ ગુજરાતના એકંદર અધ્યાપક આંદોલન આસપાસનીયે થોડીકેક વાતો આજે અહીં કરવાનો ખયાલ છે.
કેમ કે, કટોકટીની જાહેરાતની પચાસ વરસીનો સહેજસાજ સ્વયંભૂ અને ઠીક ઠીક સત્તા-પ્રાયોજીત માહોલ છે, 1973-74નાં વરસોમાં નવનિર્માણ આંદોલન અને છાત્રો સાથે અધ્યાપકી સહયોગિતાનાંયે સ્મરણો ઉભરાઈ આવે એ સહજ હતું અને છે. ત્યારે હું એચ. કે. કોલેજનો મુલાકાતી અધ્યાપક હતો અને જોગાનુજોગ ઇન્ડિયન પોલિટિકલ થૉટનું નવું નવું દાખલ થયેલું પેપર લેતો હતો. બીજી પાસ, ગાંધી પીસ ફાઉન્ડેશન સાથે મંત્રી તરીકે સંકળાયેલો એટલે બેઉ નિમિત્તે ઉભરતા છાત્ર-યુવા સંપર્કો સહજ હતા. મનીષી જાની, આનંદ માવળંકર, રાજેન્દ્ર દવે, આ સૌ અમારા એચ.કે. છાત્રમિત્ર : કોલેજમાં ત્યારે વિદ્યાર્થી પક્ષે ‘ટીચ અસ વેલ’નીયે ઝુંબેશ ચાલી શકતી અને સ્ટાફ રૂમમાં અધ્યાપક આંદોલનની મુક્ત ચર્ચા પણ ચાલતી. એ અલબત્ત આચાર્ય યશવન્ત શુક્લ હસ્તકનાં સંસ્થાનિર્માણનો રૂડો પ્રતાપ હતો.
વિષય પ્રવેશ પૂરતો સસંકોચ પણ આત્મવૃત્તમાં સરતો જાઉં તે પહેલાં અટકું અને મેં કરેલા પૂર્વોલ્લેખો લઈને આગળ ચાલું. નવનિર્માણનો યુવા ઉદ્રેક, એના થોડાં વરસ આગમચની યુરોપી-અમેરિકી છાત્ર હિલચાલ જોતાં સ્ટુડન્ટ પાવરનો એક દબદબો લઈને આવ્યો હતો. પરિવર્તનના ઓજાર તરીકે વયસંઘર્ષ, રિપીટ, વયસંઘર્ષની હર્બર્ટ માર્કુઝ કીધી માંડણી હતી તો ‘યૂથ ફોર ડેમોક્રસી’ના જે.પી. દીધા સૂત્રનીયે હવા હતી. નવનિર્માણના પ્રથમ પ્રસ્ફોટ સાથે અધ્યાપક આંદોલન પણ હતું. પણ કાઁગ્રેસે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત આપ્યા તે સાથે અધ્યાપકોના એક હિસ્સાએ ‘નવ દો ગ્યારા’માં નિજનું મોચન લહ્યું.
અંગત જોડાણથી ખસીને એક કેસ સ્ટડી તરીકે એ દિવસો, એ મહિનાઓ જોઉં છું ત્યારે નકરા રાજકીય પેચપવિત્રાની રીતે આ ઘટનાક્રમને નહીં જોતાં એક મૂળભૂત અવલોકન આસપાસ ચિત્ત નાંગરવા કરે છે. નવનિર્માણને જેમ પ્રારંભિક તબક્કે અધ્યાપક આંદોલનનો સથવારો હશે તેમ 14 ઓગસ્ટ શ્રમજીવી સમિતિએ સર્જેલ માહોલનીયે એમાં અનુગુંજ હતી. એ તબક્કે સમગ્ર આંદોલનની જે સાર્વત્રિક અપીલ ઊભી થઈ એનું રહસ્ય (ગીતાકાર તો કદાચ ‘સ્વારસ્ય’ કહે) એ બીનામાં હતું કે જનમાનસમાં સીમિત અને સાર્વત્રિક (પર્ટિક્યુલર અને જનરલ) હેતુની એક અજબ જેવી તદ્રુપતા સધાઈ હતી.
અધ્યાપક આંદોલન હો, છાત્રયુવા આંદોલન હો, શ્રમિક આંદોલન હો, અગ્રતાક્રમે એમના પોતપોતાના હેતુઓ હોય એમાં કશું અસ્વાભાવિક નથી. પણ સંસ્કૃત પરંપરામાં ચારુતાનો મહિમા એના પ્રિયેષુ સૌભાગ્યફલા નિખારમાં છે તેમ પર્ટિક્યુલર આંદોલનનો મહિમા એ જનરલ કહેતાં વ્યાપક સાથે કેવું ને કેટલું સંકળાઈ શકે એમાં છે. સ્ફૂટ આંદોલનો અને નાગરિક સમાજ સાથેના વ્યાપક સંધાનની રમઝટ, એ ચાલુ ચૂંટણી વહેવારથી ક્યાંયે અદકેરી લોકશાહી ઓળખ ને પરખ છે. સાર એટલો જ કે વિવિધ પ્રજાવર્ગોએ ‘જનરલ’ અને ‘પર્ટિક્યુલર’ના રસાયણની રગ કેળવી લેવી રહે છે.
આ કસોટીએ આજે યુનિવર્સિટી સ્પિરિટ ક્યાં છે? નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી કાળમાં કોમન યુનિવર્સિટી એક્ટની પૂર્વકોશિશ વટહુકમથી થઈ ત્યારે સ્વાયત્તતાને મુદ્દે યુનિવર્સિટીના વડા હોદ્દેદારો મૌન હશે પણ પ્રો. પંડ્યાએ અને યુનિયન સાથીઓએ કેવળ પગાર, ઈજાફા, નોકરીની સલામતીની વાજબી ગણતરીઓમાં જ બંધાઈ ન રહેતાં સ્ટીમ રોલરી કે બુલડોઝરી ગુજરાત મોડેલ સામે ઝંડો ફરકાવ્યો.
આંદોલનને ગુજરાતભરમાંથી સમર્થન મળ્યું અને આશ્ચર્ય કે માર્ગદર્શક મંડળમાં હજુ નહીં ધકેલી દેવાયેલા અડવાણીને પંડ્યા ને સાથીની વ્યક્તિગત મુલાકાતમાં આ મુદ્દો વસ્યો. એમણે રાજ્ય સરકારને આ રસ્તે આગળ નહીં જવાની સાફ ને સફાળી સલાહ આપી. રાજ્ય સરકારને વળોટીને લોકશક્તિ ને રાજ્યશક્તિનાં આ સહિયારાં ત્યારે તે વાત અટકાવી શક્યાં હતાં. અલબત્ત, ત્યારના મુખ્ય મંત્રી પ્રધાન મંત્રી પદે પહોંચ્યા તે પછી આ મુદ્દે તવારીખ તેજની નહીં પણ છાયાની હોય એ જુદી વાત છે.
સરેરાશ યુનિયનિસ્ટથી ઉફરાટે પ્રો. પંડ્યાના યુનિવર્સિટી સંધાનમાં તમે જેમ પ્રતિકાર ને પડકારના તેમ કશીક રચનાના પણ સમર્પક ઉન્મેષો જોશો. આપણા જાહેર જીવનમાં અને યુનિયન પ્રવૃત્તિમાં આ બે વાનાં સાથેલગાં હોય તે કેવી મોટી વાત છે એ ‘મેજર હિન્ટ્સ’માંથી પસાર થતા સમજાય છે. તે સાથે એ પણ સમજાઈ રહે છે કે હમણેનાં વરસોમાં આપણે કેવા દુર્દૈવમાંથી પસાર થઈ રહ્યા છીએ. અગાઉની સરકારો વિશે પણ આપણે નાગરિક છેડેથી પ્રશ્નો ઉઠાવવાના થતા નહોતા એવું તો નહીં કહી શકાય. પણ ત્યારે શૈક્ષણિક નિમણૂકોમાં પક્ષપાત થયો જણાય તે વખતે પણ મોટા ભાગની નિમણૂકો સરવાળે સમકક્ષ સમીક્ષામાં ટકી જતી જણાતી હતી.
અહીં સંઘસંધાનથી વધુ મોટું પ્રમાણપત્ર બીજું એકે નહીં અને વિષયની ક્ષમતા ભગવાને ગીતામાં વર્ણવેલ નિર્વિષયી જેવી, એવા દાખલેદાખલા તમને સૂંડલામોંઢે જડશે. તેની સામેની રજૂઆતો ભીંતે અફળાઈને પાછી પડતી રહી છે – જેમ કે, પ્રો. મનોજ સોનીની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂક અને તેમના કાર્યકાળમાં થયેલ નિમણૂકો, ચઢતીબડતી, બધું સંઘસંપર્ક આધીન, એવું એક વરવું ચિત્ર સરસ્વતી વસ્ત્રાહરણનું અહીં જોવા મળે છે. શૈક્ષણિક અનવસ્થાનું ચિત્ર માનો કે હુસેન કોઈક અવસ્ત્ર આકૃતિથી ઉપસાવે, પણ અહીં તો વાસ્તવિક જ વસ્ત્રાહરણન… આ બધી ચર્ચા છેવટે તો એટલા સારુ કે આપણે વિદ્યાક્ષેત્રે બલકે સર્વક્ષેત્રે વસ્ત્રાવરણની પ્રજાસૂય પહેલની રીતે લગરીકે વિચારી શકીએ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 16 જુલાઈ 2025
 



 આ મુલાકાતમાં (19 માર્ચ 1931) શું બન્યું એનો કેટલોક હેવાલ લૉર્ડ અરવિને પોતે ગાંધીજીના અવસાન પછી લખેલા એક લેખમાં આપેલો છે. તેમાં એમણે લખ્યું છે:
આ મુલાકાતમાં (19 માર્ચ 1931) શું બન્યું એનો કેટલોક હેવાલ લૉર્ડ અરવિને પોતે ગાંધીજીના અવસાન પછી લખેલા એક લેખમાં આપેલો છે. તેમાં એમણે લખ્યું છે:
