આખરે દક્ષાબહેનની દોડધામનો અંત આવ્યો. બ્રેંટ બરોની હાઉસિંગ કાઉન્સિલે, નિઝડન વિસ્તારમાં એમને રહેવા માટે બે બેડરૂમનો ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. દિયાને આવો ઇમેલ મોકલ્યો હતો, ને દક્ષાબહેને હાશકારો અનુભવ્યો. આ પહેલાં મા-દીકરીએ ફ્લેટ ભાડે મેળવવા ક્યાં ઓછી દોડધામ કરી હતી? મકાનોની દલાલી કરનારા ને ભાડૂતી મકાનો શોધી આપનારા દલાલો અને એપોઇંટમેંટ લઈને ઇસ્ટેટ ઍજંટોની ઑફિસોની મુલાકાતો લીધી હતી. ફલાણા ઢિંકણા લતામાં બે બેડરૂમવાળો ફ્લેટ ભાડે દેવાનો છે એવી બાતમી કાને પડતાં દિયા અને દક્ષાબહેન સઘળાં કામ એકકોર ઠેલીને ફ્લેટ માલિકને મળવા દોડી જતાં. દિયાએ તેની ફ્રેંડ્સને પણ ભલામણ કરી રાખી હતી અને બોસના કાનમાં પણ ફૂંક મારી દીધી હતી. પણ પાસાં સીધા પડતાં નહોતાં. લંડનમાં રહેણાક જગા ભાડે મેળવવા આટલો ઉદ્યમ કરવો પડશે એવું ધાર્યું ન હતું. આ તો સંજોગોએ એમને લંડન શિફ્ટ થવા મજબૂર કર્યા, એથી આવી દોટમદોટ કરવી પડી, બાકી બે જણનાં માથાં ઢાંકવા પૂરતી સગવડ ઍલ્સ્બરીમાં ક્યાં નહોતી? સાડા ચાર દાયકા પહેલાં યુગાન્ડાથી નિષ્કાસિત થઈને અજાણ્યા દેશની ધરતી પર પગ મૂક્યા, પછી થોડાક અઠવાડિયામાં જ સ્થાનિક કાઉન્સિલ અને યુગાંડા રિસેટલમેન્ટ બોર્ડની મહેરબાનીથી, ઍલ્સબરીમાં થ્રી બેડરૂમવાળું ટૅરેસ મકાન એ લોકોને ભાડે મળ્યું હતું અને બધું થાળે પડી ગયેલું. અને ચારેક દાયકા પહેલાં થોડાં ઉછીનાં ઉધારાં અને થોડાં બચાવેલાં નાણાંની ડિપોઝિટ ભરીને આ મકાન કાઉન્સિલ પાસેથી મોર્ગેજ પર ખરીદી લીધેલું. કેટલાં સ્મરણો સાચવીને બેઠું છે આ મકાન! અને હવે લાખ પાઉન્ડ દેતાં ય ન મળે એવો સો ટચ સોનાનો આ મહેલ વેચી દેવાનો?
દિયાની આઈ.ટી નું અંતિમ વર્ષ પૂરું થયું હતું. જૉબ માટે દિયા નૅટ પર અરજીઓ મોકલવા લાગી. નહીં નહીં તો ય ત્રીસેક ફર્મોને અરજીઓ કરી હશે. કેટલીક ફર્મો તરફથી નકારો આવ્યો હતો અને બે ચાર શોર્ટલિસ્ટમાં મુકાઈ હતી. એક જગ્યા પૂરવા હજારો અરજીઓ આવતી હોય ત્યારે જોબ પોતાને જ મળશે એવી કલ્પના કરવી પણ મુશ્કેલ.
ચારે તરફથી નિરાશા ભરડો લઈ રહી હતી, એ જ ગાળામાં લંડનની એક સોફ્ટવેર કંપનીએ દિયાને ઇન્ટરવ્યૂ માટે બોલાવી. નૅટ પર મૅસેજ આવતાં દિયાના ચહેરા પર થોડું તેજ આવ્યું. બીજા જ દિવસે એ ઈંટરવ્યૂ આપી આવી હતી. અને બીજા અઠવાડિયે કંપની તરફથી નોકરી મળી ગયાનો તેના પર ઇમેલ આવી ગયેલો!
દીકરી માટે ભવિષ્યનો ઊજળો માર્ગ ખૂલતો જોઈ, દક્ષબહેને દિયાને બાથમાં લઈ લીધી હતી.
બસ, એ પછી દિયા લંડન જવાની તૈયારીમાં લાગી પડી હતી.
દીકરી લંડન જાય એથી દક્ષાબહેન રાજી હતાં, પણ અંદરથી મન થોડું હચુડચુ પણ હતું. ઍલ્સબરીથી લંડનની મુસાફરી એટલે એકાદ કલાકની લાંબી મજલ! દીકરી ટ્રેનમાં રોજ પચીસત્રીસ માઈલ કૉમ્યુટ કરે, એ વિચારે દક્ષાબહેન થોડાં અસ્વસ્થ થઈ જતાં – આ ટ્રેનુનાં શા ભરોસા? ટ્રેન હાલતાં ને ચાલતાં કૅન્સલ થઈ જાય! અને વિંટરમાં તો સિગ્નલ ફેઈલ્યર કે ટ્રેન કૅન્સલેશન્સ પણ છાશવારે થતાં રહે! ગમે તેમ તો ય છોકરીની જાત! ન કરે નારાયણ ને કોઈ લફંગો ડબામાં ચડી જાય અને …. દક્ષાબહેન આગળ વધુ વિચારી શક્યાં નહીં …
આટલા દૂરના ધોડા કરવા કરતાં થોડી ધીરજ રાખી ઍલ્સબરીમાં જૉબ શોધી લીધી હોત તો? આડીતેડી કોઈ જફા જ ન રહેત ને! એમણે દિયાને ઘણી સમજાવી પણ એ હઠ લઈને બેઠી હતી : “આ ખોબા જેવડા ગામમાં હવે રહેવું નથી.” એ માને કહેતી; “મમ્મી, તું મારા પર બધું છોડી દે. લંડનમાં આગળ વધવાની અનેક તકો મારા માટે રાહ જોઈ રહી છે, તું જોજે ને, બે પાંચ વર્ષમાં તારી આ ઢીંગલી ક્યાંથી ક્યાં પહોંચી જાય છે!” દિયાની દલીલ દક્ષાબહેનની તમામ દલીલોને ઠારી નાખતી. એ પછી દક્ષાબહેને દીકરી સામે લડવાનાં તમામ હથિયાર હેઠાં મૂકી દીધાં. અને પુત્રીની ઈચ્છાને સમર્થન આપી દીધું.
એક તરફ મા-દીકરી એક્મત થઈ ઉજળા ભાવિની દિશામાં કદમ ભરી રહ્યાં હતાં તો બીજી તરફ ઘર ચલાવવા પૈસાની તાણ એમને મૂંઝવી રહી હતી.
કૅન્સરની જીવલેણ માંદગીમાં કરુણાનાથનું અવસાન થયું પછી પ્રતિકૂળ સંજોગો ઘેરી વળ્યા. પણ દક્ષાબહેને થોડી નાણાંભીડ વેઠીને વહેવાર સાચવ્યો હતો, ઘર સાચવ્યું હતું અને પુત્રીને ‘ગ્રેજ્યુએટ’ કરી હતી.
***
દિયાનું લંડન જવું લગભગ નક્કી થઈ ગયું. દિયાએ નોકરી સ્વીકારી લીધી. ઍલ્સ્બરીનું મકાન સત્વરે સૅલ પર મૂકી લંડન શિફ્ટ થઈ જવું, એમ નક્કી થયું. દિયાના કામની ફર્મની આજુબાજુના લતામાં ક્યાંક બે જણની સગવડ સાચવી શકે એવો ફ્લેટ ભાડે રાખી નવા જીવનની શરૂઆત કરી દેવી, એવું ગણિત મંડાયું. દક્ષાબહેનની ભાણેજ સુલોચના લંડનમાં રહેતી હતી. લંડનમાં ભાડે ફ્લેટ મળી જાય ત્યાં સુધી એને ત્યાં રહેવું અને પછી પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ જવું. સુલોચનાનું ઘર નીઝડન ટ્યૂબ સ્ટેશનની સાવ નજીક હતું એટલે જૉબ પર પહોચવામાં પણ થોડી રાહત રહેશે, એવી ધારણા સાથે એ લોકો લંડન શિફ્ટ થઈ ગયાં.
ફ્લેટ શોધી આપવામાં સુલોચનાની વગ અને અનુભવનો લાભ મળતાં ફ્લેટ માટે ઝાઝી રાહ જોવી પડી નહિ. નીઝ્ડનના ડોગ લેનમાં વિસ્તરેલા બ્લોક ઓફ ફ્લેટ્સમાં બ્રેંટ કાઉન્સિલે એક ટુ બેડરૂમ ફ્લેટ એ લોકોને ફાળવી દીધો. એ લોકોને જોઈતો હતો એવો જ સગવડિયો ફ્લેટ! શાંત વાતાવરણ, પ્રેમાળ પાડોશીઓ, બે વિશાળ રૂમ, આગળ કોઝી હૉલ, એક તરફ નાનકડું કિચન અને મેઈન રૉડ પર પડતી આલા ગ્રાંડ બાલ્કની!
કામ પરથી આવી સાંજે દિયા બાલ્કનીમાં જઈ ઊભી રહી જતી. ફૂટપાથ પર આવનજાવન કરતા રાહદારીઓ અને વાહનોની યતાયતના માહોલને આંખોમાં કેદ કરી લેતી. અડધોયેક કલાક ત્યાં ઊભતી. અને દિવસ ભરનું ટેંશન ગાયબ થઈ જતું!
***
બહુ ઝડપથી એ લોકો ડોગ લેન કૉમ્પલેક્ષમાં ઠરીઠામ થઈ ગયાં. દિયાને જોઈતો જોબ મળી ગયો હતો, ને દક્ષાબહેનને સારું નૅબરહૂડ! આથી વધારે બીજું શું જોઈએ?
ફ્લેટની નીચે પડતા રસ્તા પર થોડાં ટેરેસ મકાનો હતાં, જેમાં બેચાર ગુજરાતી કુટુંબોને બાદ કરતાં થોડા ગોરા કુટુંબો અને બીજા વેસ્ટ ઇંડિયન, શીખ, પંજાબી અને બંગાળી કુટુંબો રહેતાં હતાં. દક્ષાબહેન ઈલિંગ રોડ તરફ શોપિંગ કરવા નીકળતાં ત્યારે આ મકાનો પાસે થઈને જવાનું થાય. ટેરેસ મકાનોમાં રહેતી બેચાર પાડોશણો સાથે કેમ છો, કેમ નહિ પૂછવા જેટલો પરિચય બંધાયો હતો. બધા પાડોશીઓ સાથે આછી પાતળી ઓળખાણ થઈ ગઈ હતી. પણ પરેડના છેવાડે આવેલા મકાનમાં રહેતી એક અંગ્રેજ બાઈ સાથે હજી પરિચયનો તાંતણો જોડાયો નહોતો. એ બાઈનું નામ માર્ગરેટ. એ નામની દક્ષાબહેનને એ બાઈના હસબંડનું મૃત્યુ થયા પછી જ ખબર પડી હતી.
માર્ગરેટ ફંકશનોમાં ભાગ્યે જ હાજરી આપતી. નાની મોટી પાર્ટીઓમાં પણ જોવામાં આવતી નહીં. બધા પાડોશીઓથી અતડી અતડી રહેતી! આવા એકલપંડા સ્વભાવને કારણે માર્ગરેટ ફ્લેટવાસીઓમાં અળખામણી બની હતી. એના વિશે જાતજાતની અફવાઓના ગુબ્બારા ઊડતા રહેતા. કોઈ કહેતું એનો હસબંડ ડેવિડ કોરોનાકાળમાં કોવિડનો શિકાર બનતાં મૃત્યુ પામ્યો હતો, એ પછી માર્ગરેટે સ્વૈચ્છિક એકાંતવાસ સ્વીકારી લીધો છે. કોઈ એમ પણ કહેતું ડેવિડના ગયા પછી એ માનસિક સંતૂલન ખોઈ બેઠી છે એટલે કોઈ સાથે ભળતી નથી. કોઈ કહે તેના પર પૈસાનું ભૂત સવાર છે એટલે એકલસૂરી રહે છે. તો કોઈ એના પક્ષે સારો અભિપ્રાય પણ આપતું – બહુ ધાર્મિક બાઈ છે. રવિવારે નિયમિત ચર્ચની સર્વિસમાં જાય છે.
માર્ગરેટનો પતિ ડેવિડ જોન લુઈસ સુપરસ્ટોરની હેરો શાખાનો મૅનેજર હતો. અને આર્થિક રીતે સધ્ધર હતો. પત્ની માટે ઠીક ઠીક પૂંજી મૂકી ગયો હતો. પતિના વીમાની સારી એવી રકમ માર્ગરેટના એકાઉન્ટમાં જમા હતી. હંસલોમાં ઍરપોર્ટ પાસે બે ફ્લેટનું ધીકતું ભાડું આવતું હતું, અને વળી બેંકના ખાતામાં દર મહિને એના નામે વીડોપૅન્સનના પૈસા જમા થાય છે! આમ માર્ગરેટ પૈસાટકે સધ્ધર હતી, પણ પતિના મૃત્યુના આઘાતે તેને તોડી નાખી હતી. વળી કેટલીક નાની મોટી બિમારીઓએ પણ તેને ઘેરી લીધી હતી. અને માનસિક તનાવ દૂર કરવા તેને થોડા દિવસ સારવાર માટે ‘સેંટ લુકસ પીસ હૉમ’માં રહેવા જવું પડ્યું હતું.
***
દક્ષાબહેન કોઈ કોઈ વાર માર્ગરેટના વિચારે ચડી જતાં. એ બાઈ બધાથી અતડી કેમ રહે છે એ સમજાતું નો’તું. એ માર્ગરેટ પાસે જઈને દોસ્તીનો હાથ લંબવવા માગતાં હતાં. આ કોયડાનો તાળો મેળવવા એમણે માર્ગરેટને ઘેર જવાનો નિશ્ચય કર્યો.
શનિવાર અને રવિવારે તો આમે ય દક્ષાબહેનને નવરાશ જ હોય. દિયા પણ ઘેર હોય એટલે દક્ષાબહેન પાસે વીકેંડમાં ફુરસદ રહેતી. અને એક સવારે એ માર્ગરેટને મળવા ટેરેસ હાઉસ તરફ નીકળી પડ્યાં.
બારણા પાસે આવી ડોરબેલના પુશબટન પર આંગળી મૂકી અને એકાદ મિનિટ પછી એક બાઈએ બારણું ખોલ્યું. “તમે કોણ? કોને મળવા આવ્યા છો?’ દક્ષાબહેનને સામે ઊભેલાં જોતાં તેણે પૂછ્યું.
“માર્ગરેટને” કહી દક્ષાબહેને પોતાની ઓળખાણ આપી. એ બાઈએ નમ્રતાપૂર્વક જણાવ્યું, “મમ્મીની તબિયત ઠીક નથી. પણ તમે અંદર આવો. હું એમને પૂછી આવું.” કહી એ માર્ગરેટને પૂછવા તેના બેડરૂમ તરફ ગઈ. જરા વાર પછી આવીને દક્ષાબહેનને જણાવ્યું, “મમ્મી અત્યારે આરામ કરે છે. અત્યારે તમને મળી શકે એવી હાલતમાં નથી. તમારે એને કાંઈ પૂછવા કરવાનું હોય તો મને જણાવો. તમારો મેસેજ આપી દઈશ.”
“ઓહ! તો તું માર્ગરેટની કેરર છે, રાઈટ?’
“ના, હું એમની કેરર નથી. હું એમનું ધ્યાન રાખું છું. મારું નામ જયા.”
“હું તો અમસ્તી એમને મળવા આવી હતી. પણ આ માર્ગરેટને એકાએક શું થઈ ગયું?’ દક્ષાબહેને જયાને પૂછ્યું.
“મમ્મીને બ્રેસ્ટ કેંસર છે.’
“અરેરે! …. માર્ગરેટના આપ્તજનોને ભારે આઘાત લાગ્યો હશે, એમને જાણ કરી કે?’
“માર્ગરેટના અંગત પરિવારમાં કોઈ નથી. હા, એક ભત્રીજો છે, સેમ્યૂઅલ. એ પણ વંઠેલ અને બધી વાતે પૂરો છે. જુગાર રમે છે ને ક્યારેક અડધી રાતે આવી, એમને ધમકાવી પૈસા પડાવી જાય છે. પૈસા આપવા આનાકાની કરે તો હાથ ઉગામી લે છે.’’
“પણ માર્ગરેટ એ બદમાશને ઘરમાં કેમ પેસવા દે છે?’
“માર્ગરેટને પેટનું સંતાન તો છે નહિ, એટલે આ ગધેડા તરફ ભાવ દેખાડે છે. કંઈ બોલી શકતાં નથી અને પેલો મમ્મીની ભલમનસાઇનો લાભ ઊઠાવ્યા કરે છે.’
‘હું પંદર વરસથી માર્ગરેટનું ધ્યાન રાખું છું ને અહીં જ રહું છું, એમનાં ડૉક્ટરનાં એપોઇન્ટમેંટસ હોય, શોપિંગ કરવાનું હોય, બેંકના ધક્કા ખાવાના હોય, ટપાલ નાખવા જવાનું હોય, ઘરની સાફસૂફી હોય કે પછી એમને ભાવતી વાનગી બનાવવાની હોય – હું એમનાં નાનાં મોટાં તમામ કામ કરું છું’.
“માફ કરજો, મારે આ પર્સનલ વાત તમને પૂછવી ના જોઈએ, છતાં પૂછી રહી છું. મારા સાંભળવામાં આવ્યું છે કે માર્ગરેટના હસબંડ ડેવિડ પાછળ પૈસો તો ઘણો મૂકી ગયા છે. ન કરે નારાયણ ને કાલ સવારે એમને કંઈ થઈ ગયું તો બધા પૈસા સરકારને જાશે! તમને ખબર છે ને? આ સંપત્તિ ખોટા હાથોમાં જાય નહીં, એ માટે માર્ગરેટે કંઈ પ્રાવધાન કર્યું છે ને?”
‘હા, એમણે વિલ બનાવ્યું છે. વિલમાં મને થોડુંઘણું મળશે એવું એકવાર એમણે મને ખાનગીમાં જણાવ્યું હતું. પણ મારે એમની એક પેની પણ જોઈતી નથી. અને આપશે તો પણ એ પૈસા હું ધર્માદામાં દઈ દેવાની છું. હું તો એમનું ધ્યાન રાખી મારો ધરમ બજાવી રહી છું.” આટલુ કહી જયા અટકી.
અને દક્ષાબહેનને પણ વધારે કંઈ પૂછવા જેવું લાગ્યું નહીં, એટલે એ પણ જયાને સધિયારો આપી નીકળી ગયાં.
***
એ વાત હવે જૂની થઈ ગઈ હતી. અને એક દિવસ વહેલી સવારે દક્ષાબહેનને માર્ગરેટના ઘર પાસે કોલાહલ સંભળાયો. નીચે ઊતરી પૂછતાછ કરતાં ખબર પડી; માર્ગરેટે વહેલી સવારે અંતિમ વિદાઈ લઈ લીધી હતી.
બે દિવસ પછી કેન્સલ ગ્રીનમાં તેની બરિયલ વિધિ પણ થઈ ગઈ. તેની ફ્યૂનરલ સર્વિસમાં પાડોશીઓની હાજરી પાંખી હતી. ફ્યૂનરલ સર્વિસની જવાબદારીઓ માર્ગરેટના ભત્રીજા સેમ્યૂઅલે સંપન્ન કરી. કાકીની મિલકતનો વારસો મળશે એવી અપેક્ષાએ તેણે ક્રિયાકરમ પણ પતાવ્યાં. એ ઉતરદાયિત્વ પત્યાના બીજા દિવસે તેણે જયાને નોકરીમાંથી છૂટી કરી દીધી અને માર્ગરેટના ઘરનો કબજો લઈ લીધો. અઠવાડિયા પછી સેમ્યૂઅલ, જયા અને એક્ઝિકયૂટર મિ. થોમસ પર માર્ગરેટના વકીલ તરફ્થી એક ઇમેલ આવ્યો. વકીલે વીલના દાવેદાર ઉમેદવારોને જાણ કરી હતી કે “આવતા સોમવારે ઠીક સવારે દસ વાગે એક્ઝિકયૂટર મિ. થોમસની હાજરીમાં હું માર્ગરેટનું વીલ વાંચીશ એ પછીની બાકીની બીજી બધી વિધિઓ મિ. થોમસ પૂરી કરશે. બધા સમયસર આવી જશો.”
સેમ્યૂઅલ તો બસ આ મોમેંટની જ રાહ જોઈ રહ્યો હતો!
દસ વાગવાને હજી અડધા કલાકની વાર હતી, પણ સેમ્યૂઅલ અડધો કલાક વહેલો આવી આવી ગયો. સમય થતાં તેની બાજુમાં એક્ઝિકયૂટર મિ. થોમસ આવીને બેઠા. તેની બાજુની ચેરમાં જયા બેસી ગઈ. જયાને જોતાં સેમ્યૂઅલે મોં બગાડ્યું. તેને થયું ડોશીએ આને પણ થોડુંઘણું આપ્યું લાગે છે, એટલે જ એ અહીં આવી છે.
ઠીક સાડાદસ વાગે વકીલે ત્રણેયને અંદર બોલાવી લીધા. ત્રણેય વકીલના ટેબલની સામેની ખુરશીઓમાં બેઠા, પછી વકીલે ડ્રોઅરમાંથી એક લાંબો લિફાફો કાઢ્યો અને વીલની કોપી બહાર સરકાવી. એક્ઝિક્યૂટર મિ.થોમસ અને દાવેદારોની હાજરીમાં વીલ વાંચવાની શરૂઆત કરી.
“હું માર્ગરેટ મેક્નમારા આ વીલ લખતી વખતે બિલકુલ તંદુરસ્ત મનોસ્થિતિમાં છું અને મારી મિલકતની સોંપણીની જાહેરાત કરું છું ….
સેમ્યુઅલના મોઁમાં લાડુ ફૂટવા લાગ્યા. બધું મારા જ નામે કરીને કાકી ગયાં છે … હોઠ ફફડાવી એ જયાના ચહેરા સામું કતરાઈને જોવા લાગતો.
દાવેદારો સામે જોઈ વકીલ વીલનું લખાણ આગળ વાંચવા લાગ્યા :
“- આ સાથે મારી અગાઉ લખાયેલી વસિયતને રદ કરું છું.”
“વાઉ! નવી વસિયત! … એટલે … કાકીએ હવે બધું મારા નામે ..!.” સેમ્યુઅલે તાળી પાડી અને જયા સામે જોયું.
“આ વીલમાં હું મારી તમામ સંપત્તિ …”
સેમ્યૂઅલે કાન સરવા કર્યા … છેલ્લા શબ્દો સાંભળવા તેની ઉત્કંઠા તીવ્ર બની રહી હતી. તેના કાનમાં જાણે કોઈ ઢોલ પીટતું હતું – “મારા નેફ્યૂ સેમ્યૂઅલ મેકનમારાને આપું છું.” વાક્ય પૂરું થાય એ પહેલાં તેના મોઢામાંથી શબ્દો ખર્યા.
“કામ ડાઉન મિ. સેમ્યૂઅલ!… ઇટ્સ નોટ ઓવર યટ” વકીલે સેમ્યુઅલને ટપાર્યો.
“- હું મારી તમામ સંપત્તિ … ‘સેંટ લુક્સ, હોસપીસ’ને સોંપવા એક્ઝિક્યૂટરને ભલામણ કરું છું. આ ચેરિટી સેવાભાવી સંસ્થા છે માટે. કોઈ પણ પ્રકારની સરકારી સહાયના આધાર વિના કેવળ પબ્લિક ડૉનેશનથી આ સંસ્થા ચાલે છે. તેનો સ્ટાફ વૉલંટરી સેવા આપે છે. આ મૂડી ચેરિટીના મિશનને આગળ વધારવામાં ઉપયોગી બનશે એની મને પૂરી ખાતરી છે માટે જ મારી તમામ મિલકત એ સંસ્થાને ડોનેટ કરું છું.” ..
સેમ્યૂઅલના કાનમાં કોઈએ જાણે અચાનક બોંબ ફોડ્યો. ફાટફાટ થતા ગુસ્સાથી ચહેરો તપાવેલા તાંબા જેવો રાતોચોળ થઈ ગયો. ગુસ્સામાં એ ખુરશી પરથી ઊભો થઈ ગયો. વીલના છેલ્લા અવતરણો એમ્યૂઅલની ચામડીને ઉતરડી રહ્યા હતા! તેની આંખમાંથી જાણે આગના અંગારા વરસવા લાગ્યા. બીજું કંઈ ન સૂઝતાં તે વકીલના ટેબલ પર હાથ પછાડતાં બરાડ્યો : “વૉટ નૉનસેંસ? સ્ટુપિડ વુમન ડોનેટેડ એવેરી પેની ઓફ હર અરનિંગ્ઝ ટુ ધ ચેરિટી?!” એ બરાડા પાડતો રહ્યો અને વકીલના ગાર્ડોએ પિઁખડી પકડીને તેને ચેમ્બરની બહાર ધકેલી મૂક્યો.
પણ જયા સ્વસ્થ હતી. થોડા પૈસા મળ્યા તો’ય શું? ને ના મળ્યા તો ય તેનો અફ્સોસ શાનો કરવાનો? અત્યાર સુધી આંધળો વાઢતો હતો ને વાછડો ચાવતો હતો. એ લફંગાને સારી લપડાક મારી માર્ગરેટે! તેને વીલમાંથી રદ્દબાતલ રાખી ભારે ડહાપણનું કામ કરી ગયાં મેડમ! જયાના ચહેરા પર અફસોસને બદલે ખુશીની આભા ઝલકી રહી હતી.
[શબ્દસંખ્યા : 2094]
e.mail : vallabh324@aol.com