
દીપક મહેતા
વર્ષો પહેલાં નાયગ્રાનો ધોધ પહેલી વાર જોયો ત્યારે મનસુખભાઈ ઝવેરી (૧૯૦૭-૧૯૮૧) યાદ આવી ગયેલા. કારણ મનસુખભાઈ એટલે પાણીનો નહિ, વાણીનો નાયગ્રા ધોધ. તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા ત્યારે ઘણી વાર બીજી કોલેજના વિદ્યાર્થીઓ તેમનાં લેક્ચર સાંભળવા આવતા. પૂરી ૪૫ મિનિટ સહેજ પણ અટક્યા વિના એમની વાણીનો ધોધ વહેતો રહે. હા, ક્લાસમાં કોઈ મોડું આવે કે કોઈ ભૂલેચૂકે વાત કરવાની હિંમત કરે તો તરત મનસુખભાઈ દૃઢતાથી અદબ વાળી લે, આંખો નીચી ઢાળી દે, અને બોલતા અટકી જાય. વિક્ષેપ દૂર થાય એટલે જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ વાક્ય અધૂરું મૂક્યું હોય ત્યાંથી આગળ બોલવાનું શરૂ. નહિ રોષ, નહિ ઠપકો, નહિ શિખામણ. અત્યંત વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપક, પણ વિદ્યાર્થીઓમાં વ્હાલા થવા માટે ક્લાસમાં ક્યારે ય મનોરંજન કરવાનો પ્રયત્ન ન કરે, અને ક્યારે ય પોતાને વિશેની કોઈ વાત પણ ન જ કરે.
નાયગરા ધોધ પાસે ઊભેલા મનસુખભાઈ ઝવેરી
પણ ગુજરાતીના અત્યંત તેજસ્વી અધ્યાપક એ મનસુખભાઈની પહેલી ઓળખાણ ખરી, પણ એ એકમાત્ર ઓળખાણ નહીં. મનસુખભાઈ એટલે આપણી ભાષાના એક મોટા ગજાના કવિ, વિવેચક, અનુવાદક. કવિ અને વિવેચક તરીકે જાણીતા થયેલા મનસુખભાઈએ સાહિત્યની દુનિયામાં પ્રવેશ કરેલો તે એક અનુવાદક તરીકે. ૧૯૨૮માં કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુન્તલનો અનુવાદ ‘સ્મૃતિભ્રંશ અથવા શાપિત શકુંતલા’ નામે પ્રગટ થયો ત્યારે મનસુખભાઈની ઉંમર હતી માત્ર ૨૧ વર્ષની. પોતે શરૂ કરતાં પહેલાં કવિ નાનાલાલ, બળવંતરાય ઠાકોર અને ઝવેરીલાલ યાજ્ઞિકના અનુવાદો વાંચી ગયેલા. વળી મનસુખભાઈનો અનુવાદ વાંચી જઈને કવિ નાનાલાલે કેટલીક સૂચનાઓ પણ આપી હતી. એ ઉંમરે પણ મનસુખભાઈ ભાષાંતર અને અનુવાદ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે દર્શાવે છે. કહે છે “સાધારણ રીતે આપણે ત્યાં ભાષાંતરો ને અનુવાદો ને લગભગ એકસરખાં જ સમજવામાં આવે છે. પણ વસ્તુત: તેમ નથી.જેટલો તફાવત છબી અને તૈલચિત્ર વચ્ચે છે, તેટલો જ તફાવત ભાષાંતરો અને અનુવાદો વચ્ચે છે. અભિજ્ઞાન શાકુંતલનો આ અનુવાદ છે, અને તે પણ છાયા રૂપે જ, ભાષાંતર નહીં.”
‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ના જાન્યુઆરી-માર્ચ ૧૯૫૮ના અંકમાં પ્રગટ થયેલ કવિતા અને હું નામના લેખમાં મનસુખભાઈએ કહ્યું છે : “મારી ૧૭ વર્ષની ઉંમરે મારે સંજોગો વસાત અભ્યાસ મૂકી દેવો પડ્યો અને મારી ઝવેરાતની નાની દુકાન સંભાળવી પડી. ભૂલેચૂકે ઘરાક આવી જાય તો વકરાને નફો ગણીને વાપરી નાખતો. પણ ત્યાં બેઠા બેઠા નિવૃત્તિ દરમિયાન ખૂબ વંચાયું. કાલિદાસ સાથે પરિચય કેળવાયો ને એના પરિણામ રૂપે શાકુંતલનું ભાષાંતર થયું અને ચંદ્રદૂત કાવ્ય લખાયું.”
કવિ કાલિદાસના મેઘદૂતના અનુકરણમાં નહીં, પણ અનુસરણમાં લખાયેલું દીર્ઘકાવ્ય ચંદ્રદૂત પ્રગટ થયું ત્યારે મનસુખભાઈ હજી મેટ્રિક પણ થયા નહોતા. કાલિદાસનું અનુકરણ કરીને માત્ર ધ્યાન ખેંચવાનો તેમનો આશય નહોતો. એ પ્રગટ કરતાં પહેલાં તેમણે આ કૃતિ કેશવલાલ હ ધ્રુવ અને દુર્ગાશંકર શાસ્ત્રી જેવા સંસ્કૃતના જાણકારોને બતાવીને તેમનાં સલાહસૂચન લીધાં હતાં. તેના કેટલા અંશો ‘શારદા’ સામયિકમાં છપાવ્યા હતા. પુસ્તકની પ્રસ્તાવના રામનારાયણ વિશ્વનાથ પાઠક જેવા વિવેચક પાસે લખાવી હતી અને પાઠકસાહેબે એ પૂરી નિખાલસતાથી લખી હતી. પ્રસ્તાવનામાં પાઠકસાહેબે કેટલાક એવા શ્લોકો પણ ટાંકયા છે કે જે પુસ્તકમાં છપાયેલી વાચનામાંથી દૂર કરવામાં આવ્યા છે. મુરબ્બી સાહિત્યકારની સૂચના સ્વીકારીને જ મનસુખભાઈએ આ તારણ-ગાળણ કર્યું હશે. આજના ગીત ગઝલ અને અછાંદસના ઘોડાપૂરના જમાનામાં ૨૧ વર્ષના નોન-મેટ્રિક યુવાન માટે આવું છંદપ્રભુત્વ અને સંસ્કૃતની પ્રકૃતિનું અનુસરણ આકાશકુસુમવત જ લાગે.
૧૯૩૩માં મનસુખભાઈનો પહેલો કાવ્યસંગ્રહ ફૂલદોલ પ્રગટ થયો. ૧૧૨ પાનાંના આ સંગ્રહમાં ૩૩ કાવ્ય સંગ્રહિત થયાં છે. ૧૯૨૬માં રચાયેલું કથાકાવ્ય ભુચરમોરી તેમાંનું સૌથી જૂનું કાવ્ય છે. જો કે ફૂલદોલ પહેલાં અભિમન્યુ કાવ્ય અલગ પુસ્તિકા રૂપે પ્રગટ થઈ ચૂક્યું હતું, એટલું જ નહીં, બળવંતરાય ઠાકોરે આપણી કવિતા સમૃદ્ધિમાં આ કાવ્યને સ્થાન આપ્યું હતું. ચંદ્રદૂત પ્રગટ થયું ત્યારે મનસુખભાઈ અંગ્રેજી સાહિત્યથી સાવ અપરિચિત હતા. ફૂલદોલના આરંભે તેમણે શેલીની કાવ્ય પંક્તિઓ ટાંકી છે અને ‘કદા’ તથા ‘સ્મરે છે’ જેવાં કાવ્યોમાં શેલીના ટર્ઝા રીમાને અનુસરતી પ્રાસ રચના પણ કરી છે. અલબત્ત, બળવંતરાય ઠાકોરની સૂચનાને પ્રતાપે. જો કે હજી કાવ્યોની જ નહીં, પ્રસ્તાવનાની અને ટિપ્પણની ભાષા પણ સંસ્કૃત પ્રચૂર છે.
ફૂલદોલ સંગ્રહ પ્રગટ થયો ત્યારે હજી બી.એ. પણ થયા નહોતા અને તેમની ઉંમર હતી ૩૬ વર્ષની. પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “૧૯૩૦માં આ લખનારનું જીવન બદલાયું. વર્ષોથી વેગળાં પડેલાં સરસ્વતીનાં શરણ તેને સાંપડ્યાં. લેખક શિક્ષક મટીને વિદ્યાર્થી બન્યો અને અંગ્રેજી સાહિત્યનાં સીકરો ઝીલવાનું સદ્ભાગ્ય તેને મળ્યું. ચિત્રના કે વર્ણનના પ્રદેશમાં વહેતી તેની ઊર્મિઓ વિચારના, મંથનના, અને ચિંતનના પ્રદેશમાં ભણી ઢળી. તેના વિષયમાં, વિચારમાં, વર્ણનમાં, અને નિરૂપણમાં પરિવર્તન થયું. ઈ.સ. ૧૯૩૦ પછીની મહોરેલી મંજરીઓમાં એ પરિવર્તન છૂપું નથી રહેતું.”
૧૯૩૯માં બીજો કાવ્યસંગ્રહ ‘આરાધના’ પ્રગટ થયો ત્યાં સુધીમાં મનસુખભાઈની કવિ તરીકેની પ્રતિષ્ઠા જામી ચૂકી હતી. આ સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “ગુજરાતના નિષ્ણાત વિવેચકોએ અને સાહિત્ય રસિકોએ પોતાની દૃષ્ટિનાં અમી મારાં કાવ્યો તરફ વહાવ્યાં છે. ગુજરાતી સહૃદય અને તેથી જ પ્રમાણભૂત — યુવાન જનતાએ આ કાવ્યો છૂટાં-છવાયાં પ્રગટ થતાં હતાં ત્યારનાં હરખભેર સત્કાર્યાં છે. વિદ્વાન સંપાદકોએ આમાંનાં કેટલાંક કાવ્યોને પોતાના બહુમૂલ્ય સંગ્રહમાં લીધાં છે અને પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રીઓએ પણ પોતાના શાળોપયોગી સંગ્રહોમાં આમાંનાં કેટલાંક કાવ્યો લઈને એનું ગૌરવ કર્યું છે.” ૧૯૫ પાનાંના આ સંગ્રહમાં કુલ ૬૫ કાવ્યો સમાવ્યાં છે. એમાં ગીતોનો અભાવ ધ્યાન ખેંચે તેમ છે. ‘ફુલદોલ’માં પ્રગટ થયેલી કુરુક્ષેત્ર કાવ્યમાળાના અનુસંધાનમાં ‘આરાધના’માં ચાર લાંબાં કાવ્યો મળે છે. ‘પહેલો દિવસ,’ ‘બીજો દિવસ,’ ‘ત્રીજો દિવસ,’ અને ‘મહાપ્રસ્થાન’. આ અંગે પ્રસ્તાવનામાં કહ્યું છે : ‘યુદ્ધારંભ’થી ‘મહાપ્રસ્થાન’ સુધીના પ્રસંગોને આ રીતે અઢારે દિવસના બનાવોનો સાર આપીને સાંધી લેવાની મારી કલ્પના છે. એ કાર્ય પૂરું થશે ત્યારે સ્વતંત્ર પુસ્તક રૂપે બહાર પડશે. અત્યારે તો લખાયા છે તેટલા ખંડો જ અહીં સંગ્રહું છું.” જો કે પછીથી મનસુખભાઈએ આ કાવ્યમાળા ક્યારે ય પૂરી કરી નથી.
૧૯૪૭માં મનસુખભાઈનો ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે, ‘અભિસાર.’ આ સંગ્રહ મનસુખભાઈએ પોતે પ્રગટ કર્યો છે. તેમાં પ્રસ્તાવના નથી. આગલા બે સંગ્રહોમાં ગીતો ગેરહાજર હતાં જ્યારે આ સંગ્રહનો આરંભ જ ‘હરિ આવો’ નામના ગીતથી થાય છે અને સંગ્રહમાં ગીતોની સંખ્યા સારી કહી શકાય તેવી છે. ૧૬૭ પાનાંના આ સંગ્રહમાં ૭૬ જેટલી કૃતિઓ છે. ‘ગિરધર ગોકુળ આવો’ જેવું સુગેય ગીત અહીં છે તો હિટલર અને યુદ્ધનો ભોગ બનેલાઓ વચ્ચેના સંવાદ ઉપર લખાયેલું બીજા વિશ્વયુદ્ધ અંગેનું કાવ્ય પણ છે. ‘દાદાજી’ અને ‘ભભૂતને’ જેવાં લાંબા કાવ્યો પણ અહીં છે. ૧૯૨૯માં અલગ પુસ્તકરૂપે પ્રગટ થયેલા ‘ચંદ્રદૂત’ને પણ અહીં સમાવી લીધું છે. પહેલી આવૃત્તિના પોતાના નિવેદનમાંથી કેટલોક ભાગ સાથે છાપ્યો છે, પણ રામનારાયણ વિશ્વનાથ પાઠકની પ્રસ્તાવના ફરી છાપી નથી. આ પુસ્તકમાં ચંદ્રકાંત મહેતાએ લખ્યું છે : “કવિતામાં આર્ય સંસ્કાર માટેની ભક્તિ છે પણ તે આંધળી નહીં. એમનામાં શબ્દમાધુર્ય છે, પણ અર્થને ભોગે નહીં, ચિંતન છે પણ કાવ્યને ભારેખમ અને જટિલ બનાવે તેવું નહીં. ઊર્મિ છે પણ ઉર્મિલતા નથી. આ ગુણોને લીધે જ તે આપણા કવિઓમાં મોખરાનું સ્થાન લઈ શક્યા છે.”
૧૯૫૬માં ચોથો કાવ્યસંગ્રહ ‘અનુભૂતિ’ પ્રગટ થયો ૨૦૦ પાનાંના આ સંગ્રહમાં ૧૦૨ કૃતિઓ સમાવી છે. આગલા બધા સંગ્રહ કરતાં અહીં ગીતોનું પ્રમાણ વધુ છે. તો સામે પક્ષે દીર્ઘ કાવ્યો અહીં જોવા મળતાં નથી. ૧૯૭૫માં પ્રગટ થયેલો ‘ડૂમો ઓગળ્યો’ એ મનસુખભાઈનો છેલ્લો કાવ્યસંગ્રહ. ૧૯૭૪માં તેઓ સાતેક મહિના અમેરિકામાં રહ્યા હતા તે દરમિયાન લખાયેલાં અને બીજાં કેટલાંક અગાઉ લખાયેલાં કાવ્યો અહીં સંગ્રહાયાં છે. કવિલોક સામયિકના ૧૯૭૭ના જાન્યુઆરી-ફેબ્રુઆરી અંકમાં પ્રગટ થયેલા ‘મારી સર્જનપ્રક્રિયા’ નામના લેખમાં તેઓ કહે છે :
“૧૯૭૪માં હું સાતેક મહિના અમેરિકા હતો. ત્યાં જુલાઈના અંત ભાગમાં ‘દીપદાન’ લખાયું અને ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તો ભલે નાનાં નાનાં, પણ એટલાં બધાં કાવ્યો લખાયાં કે મારા જીવનના કોઈ પણ એક જ કાળખંડમાં એટલાં કાવ્યો લખાયાં નથી. અને આશ્ચર્યની વાત તો એ હતી કે આ કાવ્યો લખાયાં નહોતાં ત્યાં સુધી એ કાવ્યોમાં આલેખાયેલાં વિષાદ અને વિરતી મારા હૃદયમાં આટલાં ઘર ઘાલીને પડ્યાં હશે તેનો મને ખ્યાલ પણ નહોતો. હું વર્ષોથી પ્રામાણિકપણે માનું છું કે જીવને મને મારી અપેક્ષા કરતાં ઘણું વધારે આપીને મારી અંજલિને છલકાવી દીધી છે, અને જીવનના પૂર્વાહ્નનાં વિશારદ, કટુતા આદિને જીવનદેવતાની કૃપાદૃષ્ટિએ ધોઈ નાખ્યાં છે. સડસઠમે વર્ષે એકાએક ને અણધાર્યો ડૂમો ઓગળ્યો ત્યારે ખબર પડી કે બુદ્ધિ ગમે તે માનતી હોય, ને ઠોકી બજાવીને કહેતી હોય, હૃદય ક્યારેક કંઈક જૂદું પણ સંવેદતું હોય છે અને શક્ય હોય તો એ સંવેદન કવિતામાં નીતરી પડતું હોય છે.”
મનસુખભાઈની કવિતાનું કાઠું ઘડવામાં તેમના સંસ્કૃત સાહિત્યના અભ્યાસે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ૧૯૫૮માં ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં પ્રગટ થયેલા લેખમાં તેમણે કહેલું : “મારી કવિતાને ઘડનારાં પ્રેરકબળોમાં સંસ્કૃત સાહિત્યની પ્રેરણા સૌથી મહાન છે. મારે માટે એમ કહેવાય છે કે હું પરંપરાને જ વળગી રહેનારો છું, અને પ્રણાલિકાથી બહાર જવાનો પ્રયત્ન કરતો નથી.” કવિ મનસુખભાઈનો ઝોક જેટલો ક્લાસિસીઝમ તરફ છે તેટલો રોમાંટીસીઝમ તરફ નથી. છંદોબદ્ધ દીર્ઘ કાવ્યો અને સોનેટ એ તેમની કવિતાનો વિશેષ છે. પણ આજે આપણી કવિતા સંસ્કૃત વૃત્તોથી અને સોનેટના પ્રકારથી ઘણી દૂર સરી ગઈ છે. મનસુખભાઈએ લખ્યાં છે તેવાં છંદોબદ્ધ દીર્ઘકાવ્યો તો આજે ભાગ્યે જ લખાય છે. પરિણામે આજે તેમની કવિતા ઘણા માટે પ્રયત્નસાધ્ય બને એવું છે. તેમની પાસેથી થોડાંક સુગેય ગીતો જરૂર મળ્યાં છે. છતાં ગીત એ કવિ મનસુખભાઈનો ગુણવિશેષ નથી.
સંસ્કૃત સાહિત્ય પછી મનસુખભાઈની કવિતા પર જો કોઈનો સૌથી વધુ પ્રભાવ હોય તો તે છે નાનાલાલની કવિતાનો. આ હકીકત તેમણે પોતે પણ એક કરતાં વધારે વાર સ્વીકારી છે. પણ નાનાલાલનાં ઊર્મિઉછાળ, લોકગીતોનો લયહિલ્લોળ, અને વાગ્મિતા અને મનસુખભાઈની કવિતા વચ્ચે સારું એવું અંતર છે. આનું એક કારણ એ છે કે મનસુખભાઈની તર્કબદ્ધ તાસીરને બલવંતરાય ઠાકોર પુરસ્કૃત અર્થઘન વિચારપ્રધાન કવિતા વધુ અનુકૂળ આવે છે. નાનાલાલ અને ઠાકોર, એ બેના કાવ્યાદર્શ વચ્ચેની ખેંચતાણ મનસુખભાઈએ અનુભવી હોય એમ બને. વખત જતાં તેમના ગદ્ય અને પદ્યની ભાષા નાનાલાલની અસરના વાઘા ઉતારતી જાય છે. પણ બીજી બાજુ વિષય કે વિચારનું જે સ્વરૂપાંતર કવિતામાં થવું જોઈએ તે ઘણી વાર પૂરેપૂરું થતું નથી. પણ આ મુશ્કેલી માત્ર મનસુખભાઈની કવિતાની નથી, ગાંધીયુગના બીજા ઘણા કવિઓની પણ છે. ખુદવફાઈ એ મનસુખભાઈના વ્યક્તિત્ત્વનો અને બધાં લખાણોનો ગુણ છે. સુરેશ દલાલે કહ્યું છે : “મનસુખભાઈની કવિતા ગમે છે, એની પ્રામાણિકતાણે કારણે. વ્યક્તિ મનસુખભાઈ અને કવિ મનસુખભાઈ, એ બંને જુદા નથી. પણ એ જે છે તે, અને જેવા છે તેવા, પોતાના શબ્દ મારફત, કોઈ પણ પ્રકારની મીંઢાઈ વિના, સાંગોપાંગ પ્રગટ થાય છે.” તો અનંતરાય રાવળ કહે છે : “મનસુખલાલ પોતાની જાતને, એટલે કે પોતાની છે તે પ્રતિભાને, કાવ્યસમજને, અને કળાદૃષ્ટિને જ વફાદાર રહ્યા છે. ગુજરાતી ખંડકાવ્યોના કોઈ સંગ્રહમાં એમની એકાદ રચના લીધા વિના, અને એ કાવ્યપ્રકારના ગુજરાતી સાહિત્ય વિશેના કોઈ પણ અભ્યાસલેખમાં એમના નામનો ઉલ્લેખ કર્યા વિના ચાલે નહિ એવી શક્તિ એ અલ્પારાધ્ય કાવ્યપ્રકારમાં ચમકાવનાર, કેટલીક સુંદર પ્રણયકવિતાના સર્જક, પ્રકૃતિસૌન્દર્યના પોતાની રીતના કુશળ નિરૂપક, સંસ્કૃત કવિતાશૈલીની સુગંધ મહેકાવાનારા શિષ્ટોત્તમ કોટીનાં વૃત્તસૌષ્ઠવ, લલિત મધુર પદાવલી, અને વાક્છટાની બાબતમાં તો નિ:શંક પોતાનું વૈશિષ્ટય દેખાડનાર, અને ગીતરચનામાં પોતાની ઊણપ ઝડપથી અડધી-પોણી પૂરી કરનાર મનસુખલાલે સુન્દરમ્-ઉમાશંકરની કવિપેઢીની આગલી હરોળમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે.”
*
મનસુખભાઈનો પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે પછી અગિયાર વરસે તેમનો પહેલો વિવેચન સંગ્રહ પ્રગટ થયો. પણ વખત જતાં તેમના વિવેચનનાં પુસ્તકોની સંખ્યા કાવ્યસંગ્રહોની સંખ્યા કરતાં વધી ગઈ. મનસુખભાઈ વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય અને આદરણીય અધ્યાપક થયા તે માત્ર તેમની અસ્ખલિત વહેતી વાણીને લીધે જ નહિ. એ વાણી પાછળ સંગીન અભ્યાસ, કુશળ વિશ્લેષણ અને નિખાલસ મૂલ્યાંકનની તેમની શક્તિનું બળ હતું. વળી ૧૯૩૫માં મુંબઈ યુનિવર્સિટીમાં બીજી પ્રાદેશિક ભાષાઓની સાથોસાથ ગુજરાતીને પણ ઉચ્ચ શિક્ષણમાં સ્થાન મળ્યું તેથી વિદ્યાર્થીઓ માટે વિવેચનાત્મક લખાણોની જરૂર ઊભી થઈ. મનસુખભાઈના પહેલા બે વિવેચનસંગ્રહો જોતાં જણાય છે કે તેમાંના લેખો લખતી વખતે તેમની નજર સામે એ વખતના બી.એ.-એમ.એ.ના વિદ્યાર્થીઓ રહ્યા હશે. અલબત્ત, એનો અર્થ એવો તો નથી જ કે આપણા સર્વસાધારણ વિવેચન સાહિત્યમાં આ લેખોનું સ્થાન નથી.
મનસુખભાઈનો પહેલો વિવેચન સંગ્રહ ‘થોડા વિવેચન લેખો’ ૧૯૪૪ના માર્ચમાં પ્રગટ થયો ત્યારે તેઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રાધ્યાપક હતા. તેમાં કુલ ૧૭ લેખ સંગ્રહાયા છે. પહેલો લેખ ૧૯૩૪માં લખાયો છે. એ વર્ષે હજી તો મનસુખભાઈ બી.એ. થઈને શામળદાસ કોલેજમાં ફેલો તરીકે જોડાયા હતા. આ સંગ્રહમાંના ત્રણ લેખ નાનાલાલ અને તેમની વિશ્વગીતા વિષે છે. તો બીજા ત્રણ લેખો ગોવર્ધનરામ વિશેના છે. ચાર લેખ કવિ કાન્ત અને તેમનાં ખંડકાવ્યો વિશેના છે. નવલરામ, નરસિંહરાવ દીવેટિયા અને ઉમાશંકર જોશી વિશેના લેખો પણ અહીં છે. નિર્ભીકતા, નિખાલસતા અને સ્પષ્ટ વક્તૃત્ત્વ, એ વિવેચક મનસુખભાઈનાં આગવાં લક્ષણ. એનું એક ઉદાહરણ છે ૧૯૩૫માં લખાયેલો લેખ ‘દેવયાનીનું ભાવસંક્રમણ.’ રામનારાયણ પાઠકના મત કરતાં પોતાનો ભિન્ન મત આ લેખમાં તેઓ નિખાલસતાથી રજૂ કરે છે, અલબત્ત, ઉચિત કારણો અને દલીલો સાથે.
બીજો વિવેચનસંગ્રહ ‘પર્યેષણા’ ૧૯૫૩માં પ્રગટ થયો ત્યાં સુધીમાં મુંબઈના શિક્ષણ જગતમાં મનસુખભાઈની પ્રતિષ્ઠા જામી ચૂકી હતી. પુસ્તકમાં કુલ ૨૧ લેખો છે. તેમાંના છ ‘થોડા વિવેચન લેખો’ પુસ્તક પ્રગટ થયું તે પહેલાં લખાયેલા છે. અહીં પણ ચાર લેખો નાનાલાલ કે તેમની કૃતિઓ વિશેના છે. તો સાથોસાથ મુનશીનાં નાટકો અને નવલકથા ‘જય સોમનાથ’ વિશેના લેખો પણ અહીં છે. પ્રેમાનંદ અને તેમનાં આખ્યાનો વિશેના લેખો પણ છે. બલવંતરાય ઠાકોરના ‘ભણકાર,’ નાનાલાલનું ‘જયાજયંત’ અને મુનશીનાં નાટકો ‘અવિભક્ત આત્મા’ તથા ‘તર્પણ’ વિશેના લેખોમાં મનસુખભાઈની સ્પષ્ટકથનની લાક્ષણિકતા ક્યારેક આક્રમકતાની હદે પહોંચતી લાગે. આ ‘પર્યેષણા’ સંગ્રહે આપણા વિવેચન સાહિત્યમાં મનસુખભાઈને એક મહત્ત્વના વિવેચકનું સ્થાન અને માન અપાવ્યું.
૧૯૬૬માં પ્રગટ થયેલો ‘અભિગમ’ એ મનસુખભાઈનો સૌથી મોટો વિવેચન સંગ્રહ છે. અહીં છ વિભાગમાં કુલ ૫૦ લેખ સંગ્રહાયા છે. પહેલા વિભાગમાં કવિતા, નાટક, ગુજરાતીનું શિક્ષણ, ભાષાશુદ્ધિ, વગેરેની સૈદ્ધાંતિક ચર્ચા કરતા લેખો છે. ગુજરાતી ભાષા, ૧૯મી સદીના સાહિત્યપ્રવાહો, કવિતામાં રાષ્ટ્રવાદ, ટૂંકી વાર્તા, સાહિત્યવિવેચન, વગેરે વિશેના લેખો બીજા વિભાગમાં છે. દયારામ, નરસિંહરાવ, નાનાલાલ, મેઘાણી, ગુલાબદાસ બ્રોકર, વગેરે વિશેના લેખો ત્રીજા વિભાગમાં છે. તો ચોથા વિભાગના લેખો સ્નેહમુદ્રા, કાન્તા, સમૂળી ક્રાંતિ, અભિરુચિ, શાંત કોલાહલ, જેવાં પુસ્તકો વિશેના છે. પાંચમાં વિભાગમાં મુખ્યત્વે નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિઓ વિશેના લેખો છે. તો છેલ્લા વિભાગમાં પ્રકીર્ણ કહી શકાય તેવાં લખાણો છે.
૧૯૭૮માં પ્રગટ થયેલો ‘દૃષ્ટિકોણ’ સંગ્રહ આગલા સંગ્રહો કરતાં કૈંક ઝાંખો અને પાંખો લાગે છે. અહીં સંગ્રહાયેલા ૧૨ લેખોમાંથી બે અગાઉના સંગ્રહોમાંથી ફરી મૂક્યા છે. જુદા જુદા નિમિત્તે લેવાયેલી છ જેટલી મુલાકાતો પણ અહીં સમાવી છે. આમ છતાં, ગાંધીજી અને કાકાસાહેબ કાલેલકરના કલાવિચાર અંગેના લેખો, નાનાલાલના ‘કુરુક્ષેત્ર’ વિશેનો લેખ, તથા રમણલાલ દેસાઈની નવલકથા ‘દિવ્યચક્ષુ’ વિશેનો લેખ ધ્યાનપત્ર બને તેવા છે.
ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા હેઠળ મુંબઈ યુનિવર્સિટીમાં મનસુખભાઈએ આપેલાં પાંચ વ્યાખ્યાન ૧૯૭૮માં ‘ગાંધીયુગનું સાહિત્ય’ નામે પુસ્તકરૂપે પ્રગટ થયા. તેમાં તેમણે મુખ્યત્ત્વે ગાંધીજી, બલવંતરાય ઠાકોર, અને કાકાસાહેબ કાલેલકરનાં લેખન, સાહિત્યદૃષ્ટિ, કાવ્યભાવના અને કલાવિચારને કેન્દ્રમાં રાખીને ગાંધીયુગના સાહિત્યની ચર્ચા કરી છે.
આ ઉપરાંત વર્તમાનપત્રમાં તેમણે કરાવેલા કાવ્યાસ્વાદના લેખો ‘આપણો કવિતાવૈભવ’ના બે ભાગમાં અને ‘આપણાં ઊર્મિકાવ્યો’માં સંગ્રહાયા છે. તો ‘ચિત્રાંકન’ નામે વ્યક્તિચિત્રોનું અને ‘અમેરિકા : મારી દૃષ્ટિએ’ નામે પ્રવાસવર્ણનનું પુસ્તક પણ તેમની પાસેથી મળ્યું છે. શેકસપિયરનાં બે નાટકો, હેમ્લેટ અને ઓથેલોના અનુવાદ તેમણે કર્યા છે તો ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ પણ કર્યો છે.
વિષદતા, વિશ્લેષણ, સદૃષ્ટાન્ત ચર્ચા, નિ:શેષકથન, એ એમના વિવેચનોનાં આગવાં લક્ષણ છે. ગમે તેવા માંધાતા કર્તા કે ગમે તેવી પ્રતિષ્ઠિત કૃતિ અંગે પણ પોતાની વાત તેઓ પૂરી નિખાલસતાથી રજૂ કરે છે. તેમનું વિવેચન ગુણાનુરાગી કે થાબડભાણીક મુદ્દલ નથી. તો બીજી બાજુ સાહિત્ય પદાર્થ અંગેની તેમની સૂઝ અને પરખ પાક્કી છે. ૧૯૭૧માં આ લખનારે મનસુખભાઈની એક મુલાકાત લીધી હતી. તેમાં પૂછેલું : “આજે જે વિવેચકો કામ કરી રહ્યા છે, તેમાંથી આપને કોનું કામ વધારે ધ્યાનપાત્ર લાગે છે, અને શા માટે?” જવાબમાં જયંત કોઠારીનું નામ આપતાં મનસુખભાઈએ કહેલું : “તેમનું માનસ મને ગ્રહમુક્ત – ઓપન – લાગ્યું છે. સાહિત્યપદાર્થની એમની સૂઝ મને સાચી લાગી છે. અને આક્રોશ કે અભિનિવેશથી તેઓ મને મુક્ત જણાયા છે.” આજે જો કોઈ આમ કહે તો નવાઈ ન લાગે, પણ ૧૯૭૧ સુધીમાં તો જયંત કોઠારીનો માત્ર એક જ વિવેચનસંગ્રહ – ઉપક્રમ – પ્રગટ થયો હતો. છતાં મનસુખભાઈની ઝીણી નજરે ત્યારે ય જયંતભાઈનું હીર પારખી લીધું હતું.
*
આ લખનારનો મનસુખભાઈ સાથેનો સંબંધ લગભગ પચીસેક વરસનો. તેમાં બે વરસ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થી તરીકેનો અને એક વરસ સોમૈયા કોલેજમાં સહકાર્યકર તરીકેનો. પણ તે સિવાયનાં વરસોમાં પણ મનસુખભાઈનાં માર્ગદર્શન, સલાહસૂચન, સદ્ભાવ, પ્રેમ, અને ક્યારેક – ક્યારેક જ – ક્રોધનો અનુભવ થતો રહ્યો. એક અધ્યાપકમાંથી મનોમન ક્યારે તેમની ગુરુ તરીકેની પ્રતિષ્ઠા થઈ ગઈ તે વિષે સભાનતા પણ ન રહી, એવો નિરામય તેમનો વ્યવહાર. ‘ગુરુ થઇ બેઠો હોંશે કરી’ એ શબ્દો મનસુખભાઈને તો ક્યારે ય લાગુ ન જ પડે.
વાન શામળો, પણ કદરૂપ જરા ય નહિ. ઊંચી કાઠી, સશક્ત શરીર. તાડના ઝાડ જેવા ટટ્ટાર, મોઢા પર કરડાકી અને કુમાશનું અજબ મિશ્રણ. સાધારણ રીતે હોઠને ખૂણે આછું સ્મિત ડોકાતું હોય. જાડી ફ્રેમનાં ચશ્માંના કાચની આરપાર પણ આંખના ખૂણા થોડા લાલ દેખાય. શિવના ત્રીજા નેત્રની તો માત્ર દંતકથા સાંભળી છે, પણ મનસુખભાઈનું ત્રીજું નેત્ર ક્યારે, કઈ રીતે ખૂલી જાય, એ કહેવાય નહિ. અભિમાની મુદ્દલ નહિ, પણ પોતાનું આત્મસન્માન જાળવવા માટે સતત સતર્ક. કોઈ દંભ, ઢોંગ, કે હલકાઈ કરે છે એવો વહેમ પણ જાય તો ફૂલની માળા જેવા મનસુખભાઈ ઘડીના છઠ્ઠા ભાગમાં ફેણ ચડાવેલા નાગ જેવા બની જાય. અને પછી બોલવામાં ભલા ભૂપનીયે સાડીબારી રાખે નહિ. પણ વહેમ અને ક્રોધ અસ્થાને હતા એવી ખાતરી થાય તો તરત પાછા ‘ફૂલદોલ’ બની જાય. વ્યક્તિ અને વિવેચક તરીકે મનસુખભાઈ આખાબોલા જ નહિ, કડવાબોલા પણ ખરા. પરિણામે દુ:શ્મનો શોધવા જવાની તકલીફ લેવી પડતી નહિ. મનસુખભાઈ પોતે કહેતા તેમ કેટલાક શત્રુઓ તો એવા પણ ખરા જેના હાથમાં માથું આવે તો હાથપગને ન અડે. તો બીજી બાજુ વિદ્યાર્થીઓ અને સહકાર્યકરોનાં પ્રેમાદર પણ તેમને ભરપૂર મળેલાં.
આ લખનાર ૧૯૮૧માં દિલ્હીમાં અમેરિકન લાઈબ્રેરી ઓફ કાઁગ્રેસની ઓફિસમાં કામ કરતો હતો. મુંબઈ અને ગુજરાતનાં શહેરોનાં બાર-પંદર ગુજરાતી છાપાં રોજ સવારે નોકરીના ભાગ રૂપે નજરતળેથી કાઢવાનાં. ઓગસ્ટ મહિનાની એક સવારે મુંબઈનાં છાપાંમાં પહેલે પાને છપાયેલા એક સમાચાર વાંચી થોડી વાર સૂનમૂન બેસી રહ્યો. ઓફિસના અમેરિકન ડિરેક્ટર જીન સ્મિથ પસાર થતા હતા, તેમનું ધ્યાન ગયું. ભારતીય ભાષાઓ અને તેના સાહિત્યના એ જબરા જાણકાર. પાસે આવીને પૂછ્યું : “દીપક! આર યુ ઓકે?” મેં જવાબ આપ્યો: “નો, જીન! મનસુખલાલ ઝવેરી પાસ્ડ અવે.” તેમની લાક્ષણિક રીતે બોલ્યા : “હી વોઝ અ લીડિંગ પોએટ એન્ડ અ ક્રીટિક, ઇઝન્ટ ઈટ?” મેં કહ્યું “યેસ, સર્ટનલી, બટ અબાઉ ઓલ, હી વોઝ માય ગુરુ.” તેમણે હળવેકથી કહ્યું : “રીમેમ્બર દીપક, અ ગુરુ નેવર ડાઈઝ.” આજે પણ ઘણી વાર મનસુખભાઈ યાદ આવે ત્યારે એમના શબ્દો મારા મનમાં પડઘાય છે: અ ગુરુ નેવર ડાઈઝ.
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “પરબ” જૂન 2025