આપણે ખૂબ જ ભયંકર, હૃદયદ્રાવક, કાળજુ કંપાવે તેવી પરિસ્થિતિના સાક્ષી બન્યા છીએ. ક્યારે ય વિચાર્યું પણ ન હતું કે આવા આંખો પહોળી કરી દેતા દૃશ્યો પણ જોવાં પડશે. જિંદગી છે … એ જે નજારા બતાવે તે કોઈ પણ વિકલ્પ વગર જોવા પડે છે. માણસ પરિસ્થિતિનો ગુલામ છે. પરિસ્થિતિ પાસે બે હાથવાળો માનવી લાચાર છે. કશું જ ન કરી શકે. કુદરત થોડા થોડા સમયે સંકેત આપીને સમજાવે છે .. કે તમારી પાસે બધું જ હોય સત્તા, પૈસા, પદ, જ્ઞાન, વૈભવ, સૌંદર્ય પરંતુ એ આંખના પલકારામાં ભડથું કરવા સક્ષમ છે. જ્યારે પરિસ્થિતિ પ્રહાર કરે ત્યારે એમાં કોઈ પોતાનો બચાવ કરવા સક્ષમ નથી.
12 જુલાઈ 2025 બપોરના 1:38ની કારમી ઘડીએ એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા ઉડાન ભરે છે. અને ઉડાન ભરતાની સાથે જ માત્ર બે મિનિટમાં આગનો ગોળો બનીને ધડાકાભેર તૂટી પડે છે. 230 મુસાફરો અને બાર ક્રૂ મેમ્બરો આંખના પલકારામાં હવન થઈ જાય છે. માત્ર એક મુસાફરનો ચમત્કારીક રીતે બચાવ થઈ શક્યો. રામ રાખે તેને કોણ ચાખે. બાકી ચારે બાજુ ઉડતી અગન જ્વાળામાં લોખંડ પણ પીગળી ગયું હોય ત્યાં આ માણસ કઈ રીતે બચી શકે.
આંતરરાષ્ટ્રીય વિમાન ડ્રીમ લાઈનર 787 જે ખૂબ જ તાકાતવર અને વિશાળકાય હતું. અમેરિકન કંપની બોઈંગ દ્વારા બનાવેલું આ વિમાન પહેલી જ વાર ક્રેશ થયું છે. કેટલા ય મહાસત્તા દેશો આ કંપનીના વિમાનો વર્ષોથી ઉડાવે છે. આ વિમાન 16 વર્ષ જૂનુ હતું. અને એને લગભગ 7,400 જેટલી સફળ ઉડાન ભરી છે. ખૂબ જ આધુનિક તકનિક અને ડબલ એન્જિનવાળું વિમાન હતું. વિમાન ચલાવનાર પાયલોટ સુમિત સભરવાલ જેમને 8,200 કલાકની ઉડાન ભરવાનો અનુભવ હતો. આવા અનુભવી પાયલોટ અને ઉડાન માટેનું સુગમ્ય હવામાન હોવા છતાં એવું તો શું થયું હશે કે બધી રીતે સક્ષમ હોવા છતાં વિમાન ક્રેશ થયું.
વિમાનના માત્ર મુસાફરો નહીં હતા. કેટલાંએ સપનાઓ, કેટલાએ વાયદાઓ, કેટલીએ આશાઓ એ વિમાનમાં સફર કરી રહી હતી. કોઈનાં માતા પિતા, કોઈનાં સંતાનો, કોઈની પત્ની, કોઈના પતિ, કોઈ નવપરિણીત યુગલ એ વિમાનમાં કેટલાં ય સપનાઓ લઈને સવાર હતાં. હજુ તો સ્વજનો પોતાની વ્યક્તિને વિમાનમાં વળાવીને એરપોર્ટની બહાર જ નીકળ્યાં હતાં અને એમને આંખની સામે ભડથું થતાં જોયાં. એ લોકોને શું ખબર હશે કે આ આખરી વિદાય હતી. કેટલા ભયાનક દૃશ્યો! 241 લોકો સળગીને ભડથું થઈ ગયાં. જેમની લાશો ઓળખવી શક્ય ન હતી. ઘટના સ્થળે મુસાફરોના સળગીને કપાયેલા અંગો જ્યાં ત્યાં રખડતા હતા. માત્ર ટી.વી. અને મોબાઇલમાં જોઈને પણ રુવાડા ઊભા થઈ જાય, હૈયું કંપી જાય અને આંખે ઝળઝળિયાં આવે એવી પરિસ્થિતિમાં ત્યાં હાજર પ્રશાસનની શું હાલત હશે? સંપૂર્ણ રીતે સળગેલા લોહીથી લથબથ શરીરને સ્ટ્રેચર પણ નાખતા લોકો ખરેખર સલામને લાયક હતા. જે સ્નહીજનો પોતાના સ્વજનને વિમાનમાં બેસાડવા આવ્યાં હતાં તેને શું ખબર હશે કે બીજા દિવસે તેની લાશની ઓળખાણ કરવા બોલાવવામાં આવશે. ખૂબ જ હૃદયદ્રાવક … કવિ કવન આચાર્યની અમુક પંક્તિઓ જે આ બનાવને સચોટ રજૂ કરે છે અહીં ટાંકુ છું …
આખરી ઉડાન!
આ સફરને ઈશ્વરે પણ કેવી ઘડી છે,
પૅટમાં બાળક લઈને ઍક મા મરી છે;
ચિચિયારીઓ ચોમેર સંભળાવા લાગી કવન,
ઘડીના છઠ્ઠા ભાગમાં જિંદગી સળગી ઊઠી છે;
હૈયાફાટ રૂદનનાં દૃશ્યો જોઈને આજે,
આંતરડી તો અમારી પણ ખૂબ બળી છે;
નહોતું કોઈ સ્વજન અમારું આ સફરમાં,
છતાં આંખડી અમારી પણ ભીની થઈ છે;
વજ્રઘાત કહો કે ચોઘડિયા ફર્યાની ઘટના,
લાખો જનમેદની ફરીથી હીબકે ચડી છે.
— કવન આચાર્ય
નિર્દોષ મુસાફરોની શું ભૂલ હતી? એવો પ્રશ્ન થાય ત્યારે બીજો પ્રશ્ન એ થાય કે ખરેખર દોષનો ટોપલો કોની ઉપર ઢોળવો? આમાં ભૂલ કોની કહેવાય? આટલા મોટા મૃત્યુ આંક માટે જવાબદાર કોણ? ડોક્ટરની ટ્રેનિંગ લઈ રહેલા વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર વિમાન બ્લાસ્ટ થયું ત્યારે ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓનો શું વાંક? આખરે વાંક કોનો? નિયતિનો …..? આ તો એક અકસ્માત જ હતો ને ..? તો પછી નિયતિ જ જવાબદાર ગણાય ને …? એને ઢસડીને કોર્ટમાં લઈ જઈ શકાશે ..??
સૌથી સલામત મુસાફરી તરીકે હવાઈ માર્ગ કહી શકાય. ઉડાન ભરતા પહેલાં વિમાનની સમગ્ર તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવાની હોય ત્યારે નાની મોટી બધી જ તકનીકી તપાસ કરવામાં આવે છે. જ્યારે વિમાન સંપૂર્ણ રીતે સક્ષમ હોય ત્યારે જ ઉડાન ભરવાની પરવાનગી મળે છે. મળતી માહિતી મુજબ પ્લેન ટેક ઓફ કર્યા પછી તરત જ પાયલોટને જાણ થઈ ગઈ હતી કે પ્લેન ઉડવા માટે સક્ષમ નથી. તેણે રેડિયો પર મેબેક કોલ કરીને ઇમર્જન્સી જાહેર કરી, પરંતુ સંપર્ક તૂટી ગયો અને બચાવનો સમય જ ન રહેતા પ્લેન ક્રેશ થયું. શું આ ખરેખર અકસ્માત જ કહેવાય …?
એક અહેવાલ પ્રમાણે છેલ્લા છ મહિનાની અંદર વિમાનમાં ખામી સર્જાયા હોવાના સમાચાર છે. ગત 22 માર્ચે બનેલી ઘટનામાં લંડનથી આવતા વિમાનનું લેન્ડિંગ પહેલા જ એક એન્જિન બંધ પડી ગયું હતું. રનવે પરથી વિમાનને ટોઇન કરીને પાર્કિંગમાં લવાયેલું હતું. જ્યારે આ જ ફ્લાઈટ 1 મેના રોજ અમદાવાદથી લંડન માટે ટેકઓફ થાય તે પહેલા જ એન્જિનમાં ખામી સર્જાતા પેસેન્જરને બે કલાક સુધી ફ્લાઇટમાં બેસાડી રાખ્યા હતા. તેમ છતાં એરક્રાફ્ટ રીપેર ન થતા પેસેન્જરને હોટેલમાં રવાના કર્યા હતા. બંને વખત એન્જિનમાં ખામી સર્જાઇ હતી. છ મહિનામાં બે વાર આવું થયું હોવા છતાં, આટલી બેદરકારીને અકસ્માતનું નામ કેમ આપવું? આ વિમાન હતું … કોઈ રોડ પર ચાલતો ખટારો કે ભીડે ભાઈનું સ્કૂટર નહીં કે બંધ પડી જાય તો સ્કૂટર આડું કરીને કે ધક્કો મારીને ઘર સુધી પહોંચાડી શકાય.
અમેરિકન કંપની બોઈંગને આપણે નથી ઓળખતા. આપણે તો એર ઇન્ડિયાના ભરોસે આકાશમાં ઉડવાની હિંમત કરીએ છીએ. અને એ ભરોસાનાં નાણાં પણ ચૂકવીએ છીએ. ઇકોનોમિક ક્લાસમાં મુસાફરી કરનાર 60,000 જેવું અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરનાર લગભગ બે લાખની આસપાસ જેવું વળતર ચૂકવે છે. આટલું મોટું વળતર ચૂકવ્યા પછી પણ જો સલામતીની કોઈ ગેરંટી નથી તો માણસના જીવનું મૂલ્ય શું ? આટલી મશ મોટી રકમ વસૂલ્યા પછી પણ જો કંપની સલામતીનો વાયદો ના કરી શકે ત્યારે માણસ પાસે કયો વિકલ્પ બચે? ટાટા એન્ડ કંપનીએ દરેક મૃતકના પરિવારને એક કરોડનું વળતર આપવાનું જણાવ્યું છે. આ એક કરોડમાં ગુમાવેલા સ્વજનની ખોટ પુરાઈ જશે? પૈસાથી વિખાયેલા માળાની મરમ્મત શક્ય છે ખરી?
સુરત
e.mail : thummardwija9@gmail.com