મા, માતૃભૂમિ અને માતૃભાષા આ ત્રણેય સાથે માનવીનો સંબંધ ગળથૂથીથી રહ્યો છે અને તેથી આ સંબંધની પ્રગાઢતા વિશે ક્યારે ય કોઈ સંશય ન હોઈ શકે. કેટલાક કારણોસર માણસ હવે પોતાની માભોમથી અળગો થતો જાય છે અને સાથે સાથે પોતીકી કહી શકાય એવી માતૃભાષાથી પણ વેગળો થતો જાય છે. પ્રેમ મેળવવા આપણે ગમે તેટલાં વલખાં મારીએ પણ માથી વિશેષ કોઈનો પ્રેમ આપણે ક્યારે ય મેળવી શકતા નથી. ભલે આપણે આખી દુનિયા ફરી આવીએ, તેમ છતાં અર્ધપાકા ધૂળિયા મારગ, લીલોતરીથી લથબથ ખેતરો, સૂકાં જરઠ વૃક્ષો અને એક ન કળી શકાય એવી ગામઠી ફોરમ મધ્યે સ્થિત આપણી માતૃભૂમિ કે માદરે વતનમાં આપણા કોઠે જે ટાઢક વળે અને મનની શાંતિ મળે છે એ જગતમાં બીજે ક્યાં ય નથી મળતી.
માતૃભાષાનું પણ કંઈક આવું જ છે. દુનિયાભરની ભાષા શીખી જઈએ કે બોલતા થઈ જઈએ તેમ છતાં માતૃભાષાની આગવી મીઠાશ કે પોતીકાપણું બીજી કોઈ ભાષામાંથી આપણને મળતું નથી. સુખ-સાહ્યબીમાં સાવકી ભાષા બોલાય છે, પણ દુ:ખ કે વેદનામાં તો મા સમાન માતૃભાષા જ સાંભરી આવે. જ્યારે જ્યારે આપણે દુ:ખો, વેદના, વ્યથા અને પરેશાનીઓથી ઘેરાઈ જતા હોઈએ અને એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ આપણને સૂઝતો ન હોય ત્યારે એમ થાય કે કોઈ એવું પોતીકું આપણને મળી જાય જેની સમક્ષ આપણે આપણા મનની ભાષામાં સઘળી વ્યથા ઠાલવી દઈએ અને મન સાવ હળવું ફૂલ કરી દઈએ. બસ આ મનની ભાષા એટલે જ આપણી માતૃભાષા. માને મળતા જ જગતભરના દુ:ખોમાંથી જેમ મુક્તિ મળી જાય એમ મા સમાન માતૃભાષા પણ આપણા મનનો સઘળો ભાર પળવારમાં હળવો કરી દે છે. આપણું મન જે ભાષા સમજી શકતું હોય એ ભાષા એટલે આપણી માતૃભાષા. મનનો સઘળો ભાર જો કોઈ હળવો કરી શકતું હોય તો એ કેવળ આપણી માતૃભાષા જ છે.
બદલાતા પ્રવાહોને અનુકૂળ થવા આજે આપણે માતૃભાષાની સાથે સાથે બીજી ભાષાઓ પણ શીખતા અને બોલતા થયા છીએ. બીજી ભાષા આપણે શીખીએ, બોલીએ અને વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ એમાં કંઈ ખોટું નથી, પણ એના અતિરેકમાં આપણે આપણી ખુદની જ ભાષાને ભૂલી જઈ એને અન્યાય કરી બેસીએ એમ ન થાય એ જોવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. મા અને માતૃભૂમિનું આપણે કેટલું ગૌરવ લઈએ છીએ તો પછી આપણી પોતાની માતૃભાષા પ્રત્યે આપણને આટલી બધી સૂગ શા માટે? આપણું સમગ્ર ચેતાતંત્ર માતૃભાષા સાથે જેટલું સાનુકૂળ રહે છે એટલું અન્ય ભાષા સાથે નથી રહી શકતું. માતૃભાષા સિવાયની બીજી ભાષામાં માણસ લાંબો સમય રહે તો ગુંગળામણ અનુભવવા લાગે છે. માતૃભાષા એ ઘરના સાદા ભોજન જેવી છે. બહારનું મરી-મસાલાવાળું અને ચટાકેદાર ભોજન ભલે આપણને જીભે વળગે તેમ છતાં તૃપ્તિનો ઓડકાર તો ઘરનું સાદું અને પૌષ્ટિક ભોજન જમીએ ત્યારે જ આવે. એમ બીજી ભાષા ભલે આપણે ગમે તેટલી બોલીએ કે ઉપયોગમાં લઈએ તેમ છતાં પોતાની માતૃભાષામાં જ્યાં સુધી ન બોલીએ ત્યાં સુધી મનની વાત એના યથાર્થ સ્વરૂપમાં બહાર આવી શકતી નથી.
કોણ જાણે કેમ પણ આપણું મોટાભાગનું વર્તન આપણી અમુક ચોક્કસ ગ્રંથિઓ પ્રેરિત હોય છે. રોજીંદા વપરાશમાં આપણે કઈ ભાષા બોલવી એમાં પણ આપણે બીજાઓ શું કહેશે એનો વિચાર પહેલા કરતા હોઈએ છીએ. બીજાઓ શું કહેશે એનો વિચાર કરીને જ આપણા મૌલિક વર્તનને દોરવતા હોઈએ છીએ. અમુક લોકો સામે હું અંગ્રેજીમાં નહિ બોલું કે વાતચીતમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ નહિ કરું તો હું કેવો કે કેવી લાગીશ! અમુક સ્થળે ગુજરાતીમાં વાતચીત કરીએ તો સાવ દેશી લાગીએ! અંગ્રેજીમાં નહિ બોલું તો લોકો મારા વિશે શું કહેશે! ઇન્ટરવ્યુ તો અંગ્રેજીમાં જ અપાય! અંગ્રેજી બોલીએ તો બીજા સામે આપણો વટ પડે! મારી દુકાનનું બોર્ડ ગુજરાતીમાં રાખીશ તો ગ્રાહકોને કેવું લાગશે! આવી ગ્રંથિઓની યાદી તો બહુ લાંબી થાય એમ છે. સમયના આધુનિક વહેણમાં આપણી મોટાભાગની રહેઠાણ અને કોમર્શિયલ સ્કીમો, આપણી દુકાનો, ધંધા-રોજગાર વગેરેના નામો અંગ્રેજીમાં રાખવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ! આમાંના ઘણા નામોનો તો ચોક્કસ અર્થ આપણે જાણતા હોતા નથી. આમ છતાં દેખાદેખીના આ યુગમાં બીજી ભાષાનો મોહ આપણને જલદી છૂટતો નથી.
માતૃભાષાથી વેગળા થવામાં કોઈ એક પરિબળને દોષ દઈ શકાય એમ નથી. આપણે સૌ એ માટે સરખા જવાબદાર છીએ. આપણે પોતે જ એક એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે જેમાં માતૃભાષા બિચારી બની ગઈ છે. રોજીંદી વાતચીત, અખબારો, ન્યૂઝ ચેનલો, સિરિયલો, ટી.વી. કાર્યક્રમો, કમ્પ્યુટર, મોબાઈલ એપ્લકેશન આ બધામાં બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ એટલો અનિવાર્ય બની ગયો છે કે તેનો ઉપયોગ કર્યા વિના ચાલે એમ નથી. છાપાઓ પણ શુદ્ધ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવાને બદલે બોલચાલમાં વપરાતા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે. છાપાના ખબરપત્રીઓ પણ હવે એમ માનતા થઈ ગયા છે કે શુદ્ધ ગુજરાતી લોકોને જલદી નહિ સમજાય એટલા માટે તેઓ અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે. અલબત્ત, માતૃભાષા ગુજરાતી આપણા લોહીમાં છે, એટલે શુદ્ધ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરીએ તો પણ લોકોને એ ન સમજાય એ વાત ગળે ઊતરે એવી નથી. હા, કદાચ હવેની પેઢીને એ ન સમજાય એમ બની શકે પણ રોજે રોજ એનો ઉપયોગ કરતા જઈએ એટલે એ પણ સમજાઈ જાય. ખબરપત્રીઓનું કામ જે તે ભાષામાં સમાચાર છાપવાનું છે. ભાષા અંગે લોકોની સમજણ અંગે પૂર્વાનુમાન કરી પોતાની રીતે ભાષાકીય છૂટ લેવાની જરૂર નથી. આમ કરીને ભાષાના શુદ્ધ સ્વરૂપને દૂષિત કરવામાં જવાબદાર બનવું જોઈએ નહીં. વળી, આ લોકોને શુદ્ધ ગુજરાતી સમજાતું નથી એવી માનસિકતા દરેક જગ્યાએ પ્રવર્તે છે એટલે જ માતૃભાષામાં બીજી ભાષાના શબ્દોનો પગપેસારો વધતો જાય છે અને આ બધાના પરિણામે આખરે ખીચડી ભાષાનું નિર્માણ કરવા માટે આપણે પોતે જ જવાબદાર ઠરતા હોઈએ છીએ. મા, માતૃભૂમિ અને માતૃભાષા એ જન્મગત પ્રાપ્ત થાય છે એમાં પસંદગીને કોઈ અવકાશ નથી. એ અલગ વાત છે કે જન્મદાત્રી માને બાદ કરતાં માતૃભૂમિ અને માતૃભાષાને બદલવામાં પણ આપણને હવે કોઈ છોછ રહ્યો નથી. ભૌતિક અને સામાજિક વિકાસના બદલાતા આયામો સાથે આપણે એમ કરીએ એમાં કંઈ ખોટું નથી પણ એમ કરવા જતા આપણે આપણી પોતાની મૌલિક ઓળખ ગુમાવતા જઈ રહ્યા છીએ અને એનો આપણને જરા ય રંજ પણ નથી!
માતૃભાષાની પણ એક અલગ મજા છે. અહીં ગુજરાતમાં આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે ગુજરાતી ભાષા વિશે વાત કરીએ. ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે ઘણા બધા શિક્ષણવિદો, સાહિત્યકારો અને કેળવણીકારોએ પોતપોતાની રીતે યથાશક્તિ યોગદાન આપ્યું છે. આ બધામાં ગોંડલ સ્ટેટના રાજવી સર ભગવતસિંહજીનું યોગદાન સૌથી અનેરું છે. તેમણે લગભગ પા સદી જેટલો સમય સંશોધન અને ખેડાણ કરી ગુજરાતી ભાષાનો એક મહાગ્રંથ ‘ભગવદ્દગોમંડલ’ તૈયાર કર્યો. ગુજરાતી ભાષાનો આ સૌ પ્રથમ શબ્દકોશ સહ જ્ઞાનકોશ માનવામાં આવે છે. વર્ષ ૧૯૪૪માં આ મહાગ્રંથનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો હતો. જેના લગભગ ૯૦૨ જેટલા પૃષ્ઠોમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેના ૫૧,૩૩૮ અર્થો તેમ જ ૧,૩૦૩ જેટલા રૂઢિપ્રયોગોનો સમાવેશ થયેલ છે, જ્યારે અંતિમ નવમો ભાગ ૯ માર્ચ ૧૯૫૫ના રોજ પ્રસિદ્ધ થયો હતો. આમ, ૧૯૪૪થી લઈ ૧૯૫૫ સુધી ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ભાગના કુલ ૯,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગ સંગ્રહ છે.
એક ઉદાહરણ જોઈએ તો “દૂધ” શબ્દનો અર્થ અને તેને આનુષંગિક કહેવતો અને રૂઢિપ્રયોગોનું વિવરણ ચાર પાના ભરીને આપવામાં આવ્યું છે. તો વળી “મન” શબ્દ સાથે સંકળાયેલ લગભગ ૧૫૦ જેટલી કહેવતો અને રૂઢિપ્રયોગના અર્થ પણ તેમણે ચાર પાનાં ભરીને સમજાવ્યા છે. આવા તો કેટલા ય ગુજરાતી શબ્દો છે જેનો અર્થ વૈભવ આપણી આંખોને આંજી દે એટલો સમૃદ્ધ છે. આના પરથી ખ્યાલ આવે છે કે માતૃભાષાના સંવર્ધન માટે રાજા જેવી મહાપ્રતાપી વ્યક્તિએ કેટલા સમર્પિત પ્રયાસો કરી ક્યારે ય વિસરી ન શકાય એવી એક અમૂલ્ય ભેટ આપણને આપી છે. વળી, આ મહાગ્રંથને માત્ર શબ્દકોશ કહેવું તેની સાથે અન્યાય કર્યો ગણાશે કેમ કે આ પુસ્તક માત્ર શબ્દો અને તેના અર્થની સમજ આપે છે એટલું જ નહિ પણ જે તે શબ્દની સાથે જોડાયેલ ઇતિહાસ અને તેને આનુષંગિક અન્ય શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગોનું પણ વર્ણન કરી આપણને અમૂલ્ય જ્ઞાન પણ પીરસે છે. ગુજરાતી ભાષા શું છે, તેનો લહેજો, લહેકો, મીઠાશ અને ભાષા વૈભવ શું છે તેમ જ જે તે સમયના લોકજીવન અને લોકસંસ્કૃતિમાં ભાષાનું શું સ્થાન છે એ સમજવા માટે ગુજરાતી મૂળના લોકોએ તેમના જીવનકાળ દરમિયાન એક વાર તો આ પુસ્તક વાંચવું જ રહ્યું!!! આ ગ્રંથની મહાનતા અને તેના કદનો ખ્યાલ તો એ વાત પરથી જ આવી જાય જ્યારે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ આ મહાગ્રંથ માટેની પ્રસ્તાવના લખવા માટેનું પોતાનું ગજુ નથી એમ કહી તેના રચયિતા મહારાજા ભગવતસિંહજી પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કરે. એક રાજવીએ માતૃભાષા પ્રત્યેનું ઋણ ફેડવા આટલા અથાગ પ્રયત્નો કર્યા હોય તો આપણે પણ ફૂલ નહિ તો ફૂલની પાંદડી એ ન્યાયે થોડા પ્રયાસો તો કરવા ઘટે.
સરગાસણ
e.mail : h79.hitesh@gmail.com