
નેહા શાહ
ગુજરાત રાજ્યની સ્વતંત્ર ઓળખને ૬૫ વર્ષ થયાં. ૧૯૬૦માં ચાર વર્ષના સંઘર્ષ બાદ ગુજરાતને મુંબઈ સ્ટેટથી અલગ આગવા રાજ્યોનો દરજ્જો મળ્યો, ત્યારથી શરૂ કરીને આજ સુધી આર્થિક પ્રગતિમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં માથાદીઠ આવક ત્યારથી લઈને આજ સુધી દેશની સરેરાશ કરતાં વધારે રહી છે. ઉદ્યોગો અહીં લાવવા માટે દરેક સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે. ઉદ્યોગ – વેપારને પ્રોત્સાહનો આપવાની સાથે સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા રસ્તા અને વીજળીનાં જોડાણ જેવી માળખાંકીય સવલતોને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો – પહેલા વાપીથી મહેસાણા સુધીનો ગોલ્ડન કોરીડોર તરીકે ઓળખાતા ભાગમાં, પછી સૌરાષ્ટ્રમાં અને ૨૦૦૧ના ધરતીકંપ પછી કચ્છમાં. આર્થિક પ્રવૃત્તિને ટેકો કરવાની જવાબદારી ચોક્કસ સરકારની છે. સરકાર શરૂઆતની સગવડ ઊભી કરે પછી આર્થિક પ્રવૃત્તિ પોતાના બળે વેગ પકડી લે છે. ગુજરાત જેવા ઉદ્યોગ સાહસી રાજ્યમાં તો ખાસ. કારણ કે, એક વખત રોકાણ પર વળતર શરૂ થઇ ગયું, એ પછી દરેક રોકાણ એની બાહ્ય અસરમાં બીજા ઘણા વ્યવસાયો ઊભા થાય છે. ગુજરાતના અર્થતંત્રમાં આ બખૂબી દેખાય છે. પરિણામે ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ભારતની સરેરાશ કરતાં હંમેશાં ઊંચો રહ્યો છે. વધતી જી.ડી.પી.ને કારણે ‘ગુજરાત મોડેલ’ અનેક ગુણગાન ગવાયા અને સમગ્ર દેશમાં ચર્ચાયું.
વિકાસનું કોઈ પણ મોડેલ પ્રશ્નવિહીન નથી હોતું. વિકાસ સાથે અનેક પ્રશ્નો આવે જ અને જો તેને અવગણવામાં આવે તો એ વધુ વકરે. આવું જ ગુજરાત મોડેલનું પણ છે. વિકાસનાં જે ફળ આપણે આજે ભોગવી રહ્યાં છીએ એના સંપૂર્ણ આદર સાથે એની ફ્લીપ (અવળી) બાજુ પર પણ નજર કરવી પડશે, એને સ્વીકારવી પડશે અને એ અંગે પગલાં લેવાં પડશે. જેમ અંગ્રેજીમાં કહે છે એમ, કોઈ પણ ભોજન મફત મળતું નથી. એટલે કે જે વિકાસ થયો છે એની કિંમત છે, જે માત્ર નાણાંમાં જ માપી શકાય એવી નથી. ટકાઉ વિકાસ માટે આ બિન નાણાંકીય-કિંમતની ગણતરી કરવી પડશે કારણ કે આજે આ કિંમત મોં ફાડીને આપણી પાસે હિસાબ માંગી રહી છે.
વિકાસની અવળી બાજુના બે મહત્ત્વનાં પાસાં છે – એક, રાજ્યમાં માનવ વિકાસની પરિસ્થિતિ અને બે, કુદરતી સાધનો અને પર્યાવરણની નાજુક પરિસ્થિતિ. માનવ વિકાસમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ પડે છે એ વાત તો ઘણાં વર્ષોથી નિષ્ણાતો કહી રહ્યા છે. આર્થિક વિકાસનો ફાયદો નીચેના સ્તર સુધી ઉતરશે અને માનવ વિકાસ સુધારશે એ ધારણા સાચી નથી પડી. ઔદ્યોગિક વિકાસમાં સૌથી આગળ એવું ગુજરાત માનવ વિકાસ સૂચકાંકમાં ઘણું પાછળ રહેતું આવ્યું છે. દા.ત. લૈંગિક સમાનતા સમજવા માટેનો પહેલો સૂચકાંક એવા સ્ત્રી-પુરુષ વસ્તીનો ગુણોત્તર જોઈએ તો રાજ્યમાં દર ૧,૦૦૦ પુરુષે માત્ર ૯૧૯ મહિલા છે. આ ગુણોત્તર ઉત્તરોત્તર ઘટ્યો છે, જે બતાવે છે કે ક્યાં તો બાળકીને જન્મવા દેવામાં નથી આવતી, ક્યાં તો ઘણી મોટી સંખ્યામાં મહિલાઓને સરખું પોષણ નથી મળતું, જેથી મૃત્યુ જલદી થાય છે. માતૃ મૃત્યુ દર પણ ઊંચો છે અને નવજાત બાળ મૃત્યુ દર પણ. બાળ મૃત્યુ દર ૨.૪ ટકા સાથે ગુજરાતનો ક્રમ ૨૪મો છે, જે દર્શાવે છે કે હજુ પણ ઘણી માતા અને નવજાત બાળકને સમય યોગ્ય પોષણ કે સમયસર આરોગ્યની સુવિધા મળી શકતાં નથી. સાક્ષરતામાં પણ રાજ્યનો ક્રમ છેક નવમો છે અને મહિલા સાક્ષરતા હજુ ૭૪ ટકાએ પહોંચી છે જ્યારે કેરલા જેવા રાજ્ય ૧૦૦ ટકા સાક્ષરતાની ખૂબ નજીક છે. જે રાજ્ય આર્થિક રીતે સધ્ધર હોય એને પાયાની સવલતો દરેકે દરેક નાગરિક સુધી પહોંચે એ માટે સાધનોની અછત ના ઊભી થવી જોઈએ. આપણાથી ઓછા સંપન્ન ઘણા રાજ્યો ઘણો સારો માનવ વિકાસ કરી ચુક્યા છે. ગુજરાતે એ દિશામાં એટલું જ ધ્યાન આપવું પડશે જેટલું એ વેપાર -ઉદ્યોગોને ટેકો કરવામાં કરી રહી છે, કારણ કે જેમ આર્થિક પ્રવૃત્તિ આપબળે આગળ વધી શકે છે એ ઝડપ માનવ વિકાસમાં મળતી નથી. એમાં થોડો લાંબો સમય લાગે છે કારણ કે એની પર માત્ર આર્થિક જ નહિ પણ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોની પણ અસર પણ હોય છે. વળી, જ્યારે કોઈ પણ પ્રકારના આર્થિક સંકટ સમયે સામાજિક પૂર્વગ્રહો બેવડાઈ જતા હોય છે જે માનવ વિકાસને ઊંધી દિશા ભણી ખેંચે છે.
જળ-વાયુ સંકટને કારણે આવા આર્થિક સંકટો ઊભા થઇ રહ્યા છે, જે વિકાસને રૂંધવાનું કામ કરી રહ્યા છે. પાણીનાં સતત નીચા જતાં તળ, નદીનાં પાણીનું બેફામ પ્રદૂષણ, નર્મદા જેવા મોટા બંધનાં પાણીના વિતરણમાં દેખાતા આયોજનના ગંભીર પ્રશ્નો, સાગર કાંઠે વધી રહેલા ક્ષારનું પ્રમાણ, જમીનની વધી રહેલી સાંદ્રતા, રાસાયણિક ખાતરના ભરપૂર ઉપયોગ પછી જમીનની ઘટી ગયેલી ઉત્પાદકતા, અને સાથે સાથે અનિયમિત બનેલી વરસાદી સાયકલ જેવા અનેક પ્રશ્નો આપણા વિકાસને ટૂંકા ગાળાનો સાબિત કરી રહ્યા છે. જેની કિંમત રાજ્યનો છેવાડાનો માણસ ચૂકવી રહ્યો છે. આ ગુજરાત દિને આ પ્રશ્નો તરફ વધુ ધ્યાન આપી વિકાસ ટકાઉ બની શકે એવા ગુજરાત મોડેલ ભણી આગળ વધવાનું શરૂ કરીએ.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર